હમણાં જ રીલ જોવા મળી અને ફરી સવાલ થયો કે ફેમસ થવા કંઈ પણ લવારા કરવાના?
પીનિયલ ગ્લાન્ડ/પીનિયલ ગ્રંથિ/મગજની અંદર શંકુ આકારની ગ્રંથિ જે મગજના ત્રીજા વેન્ટ્રિકલ (મગજના પોલાણ) પાછળ શંકુ આકારના પેશીઓનો સમૂહ, જે કેટલાંક સસ્તન પ્રાણીઓમાં હોર્મોન જેવા પદાર્થનો સ્રાવ કરે છે. રીલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, `સાંભળીને ઝાટકો લાગશે', LED white light આ પીનિયલ ગ્લાન્ડને ખતમ કરવા બનાવવામાં આવી હતી. દાવો કરનારાએ બે સંદર્ભ ટાંક્યા, એક અમેરિકી અને એક ઇન્ડિયન અંગ્રેજી ન્યૂઝપેપરોના આર્ટિકલ્સના અને કદાચ બંને અમુક અંશે બદનામ છે.
પહેલો ઠેઠ 1989નો છે, જેમાં ચાર્લ્સ એન્ડ્રુ ઝેઇસલર નામના એક હંગેરિયન-અમેરિકન ચિકિત્સક અને ઊંઘ અને સર્કેડિયન સંશોધકે `તેજસ્વી પ્રકાશ માનવ સર્કેડિયન પેસમેકરને ઊંઘવા-જાગવાના ચક્રના સમયથી સ્વતંત્ર રીતે ફરીથી સેટ કરે છે' શીર્ષક ધરાવતા પ્રથમ સંશોધનમાં ખાતરીપૂર્વક પુરાવા આપવામાં આવ્યા હતા કે પ્રકાશ માનવ સર્કેડિયન પેસમેકરને પ્રભાવિત કરે છે, જે શારીરિક, વર્તણૂકીય અને જ્ઞાનાત્મક કાર્યમાં દૈનિક ફેરફારોને નિયંત્રિત કરવામાં ફાળો આપે છે. તે સમયના સામાન્ય વિચારને પડકાર્યો હતો કે ઊંઘવા-જાગવાનું સમયપત્રક 24 કલાકના દિવસ સાથે સુમેળ સામાજિક સંપર્કો દ્વારા પૂર્ણ થાય છે.
બીજો સંદર્ભ 2012ના ઇન્ડિયન ન્યૂઝપેપરનો છે જેમાં `સ્વયં પ્રકાશિત ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો પ્રકાશ ઊંઘમાં અવરોધ ઊભો કરે છે: અભ્યાસ હેઠળ જણાવાયું હતું કે સંશોધકો કહે છે કે સૂવાના સમયના બે કલાક પહેલાં પણ બેકલાઇટ ડિસ્પ્લેવાળા મોબાઇલ ફોન અને ટેબ્લેટનો ઉપયોગ કરવાથી ઊંઘની સમસ્યા થઈ શકે છે.
રીલ બનાવનારાએ દાવો કરવા લોકોને રીતસર ડરાવવા ઉપરોક્ત બંને સંદર્ભ ટાંક્યા છે, તેમાં ક્યાંય LED સફેદ લાઈટનો ઉલ્લેખ જ નથી. નોંધવા જેવી બાબત તો એ છે કે 1989નો જે સંદર્ભ ટાંક્યો છે તે સમયે LED અસ્તિત્વમાં જ ન હતી. પ્રથમ પ્રાયોગિક સફેદ પ્રકાશ-ઉત્સર્જન કરનાર ડાયોડની શોધ 1993માં જાપાનના નિચિયા કોર્પોરેશન ખાતે ડૉ. શુજી નાકામુરાએ કરી હતી અને 1996માં વ્યાપારી ઉત્પાદન શરૂ થયું હતું. એલઇડી વિકસાવવાનો મુખ્ય હેતુ પરંપરાગત પ્રકાશિત અને ફ્લોરોસન્ટ લાઇટ્સની તુલનામાં તેની ઊર્જા કાર્યક્ષમતા, ટકાઉપણું અને ખર્ચ-અસરકારકતા હતી.
જે સામાન્ય દૈનિક ઉપયોગ માટે સ્વાભાવિક રીતે `હાનિકારક' નથી. પીનિયલ ગ્રંથિ કુદરતી રીતે અંધારામાં હોર્મોન મેલાટોનિન ઉત્પન્ન કરે છે, જે શરીરના ઊંઘ-જાગૃતિ ચક્ર(સર્કેડિયન લય)ને નિયંત્રિત કરે છે. સફેદ LED લાઇટમાં વાદળી તરંગલંબાઇનું પ્રમાણ વધુ હોય છે, જે ખાસ કરીને મગજના આંતરિક ઘડિયાળને સંકેત આપવામાં અસરકારક છે કે દિવસ છે. આ રાત્રે મેલાટોનિનનું ઉત્પાદન ઘટાડે છે, જેનાથી વ્યક્તિની ઊંઘની પેટર્નમાં ખલેલ પહોંચાડે છે. મુખ્યત્વે પ્રાણીઓનાં મોડલો પરના અભ્યાસોમાં LED પ્રકાશના સંપર્કમાં આવવાથી રેટિના પેશીઓ, પીનિયલ ગ્રંથિની રચના પર થતી ભૌતિક અસરોની ખાસ તપાસ કરવામાં આવી છે અને ઉપયોગની સામાન્ય પરિસ્થિતિઓમાં વિનાશ અથવા ભૌતિક નુકસાનના કોઈ પુરાવા મળ્યા નથી.
સામાન્ય ઘરના પ્રકાશ સ્તરથી રેટિના નુકસાનનું જોખમ સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અને હાનિકારક થ્રેશોલ્ડથી નીચે અન્ય પ્રકાશ સ્રોતો જેવું જ માનવામાં આવે છે.
ટૂંકમાં, વૈજ્ઞાનિક સંશોધન સૂચવે છે કે સફેદ એલઈડી સહિત કોઈ પણ તેજસ્વી, વાદળી-સમૃદ્ધ પ્રકાશના સંપર્કમાં આવવાથી પીનિયલ ગ્રંથિના કાર્યને અસર થઈ શકે છે, પરંતુ તે ગ્રંથિનો `નાશ' કરતું નથી. `સફેદ LED લાઇટ પીનિયલ ગ્રંથિનો નાશ કરવાના હેતુથી બનાવવામાં આવી હતી', આ એક કાવતરાખોર, ધૂર્ત દાવો છે જે વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા સમર્થિત નથી. જોકે, વાહનોમાં વપરાતી સફેદ લાઈટ થોડીક પળો માટે સામેથી આવતાં વાહનચાલકોની દૃષ્ટિ પર એટલી હદે અવળી અસર કરે છે કે અકસ્માત થવાની સંભાવના વધારી દે છે, પરંતુ જ્યાં સુધી મોટો અકસ્માત નહિ થાય ત્યાં સુધી કોઈના પેટનું પાણી પણ નહિ હલે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો