ઓસરીનું પગથિયું ચઢતા પહેલાં માણસુરે પાણિયારા પાસે ઊભેલી વિજુ સામે ફાંગી આંખે જોઈ લીધું. તેના સાગના સોટા જેવા સવળોટા દેહને કોઈ જીવતી જણસ જેમ જોયો. કેસરના આંબા પરથી ખરેલી સાખની કેરી જેવાં રૂપ-લાવણ્યને નજરના ટેરવા વડે ત્રોફીને પછી જીભ પર સાકરનું પોતું ફેરવી હળવેકથી કહ્યું: `ઓલ્યો વિજાણંદ, દવાખાનામાં દમ તોડી ર્યો છે.' વિજુએ ગોળા પરના ત્રાંસા રહેલા બુઝારાને સરખું કર્યું ને પછી એકાએક મનના ભંડકિયામાં વિજાણંદના નામનો ભેદી ધડાકો થયો. તેનું મૃગલી જેવું મોં તરડાઇ ગયું. આંખો પહોળી થઇ ગઈ ને લાખ ઉપાય છતાંય હૈયું હાથ ન રહ્યું. તેનાથી તૂટતા, તરડાતા સાદે પુછાઈ ગયું: `હેં ભણ્યું કાંવ થ્યો વિજાણંદને?'   

શિયાળના જેવું લુચ્ચું હસતો માણસુર લગોલગ આવી હોઠ પછાડીને બોલ્યો: `ઈ તો હરુંભરું જઈન પૂછવો પડ.' વિજુની આંખોમાં આંખો પરોવીને જણાવ્યું: `પણ દી' બે દી'નો મે'માન છ.' આવું બોલવામાં માણસુરને દિલમાં ટાઢક વળી, પણ વિજુના હૈયે તો ઉનાળાની બળબળતી લૂ લાગી ગઈ. કાળઝાળ થઇ ઊઠી. જીવ નીકળી જાય તોય મોંમાંથી એક શબ્દેય નીકળે નહીં, તેના બદલે હોઠે ઊગીને ઊભું રહ્યું: `મું હવે તો મારા વિજાણંદની મોઢામોઢ ખબર્ય પૂછવા જાવાની.' પછી કહે: `હુંય જોતી છા, કુણ આડો ફરવા આવતો છ.' માણસુરે આગ ચાંપી હતી. ભડકો થાય એ રાહે જ હતો તે તાડૂકી ઊઠ્યો: `હેં, કાંવ કીધો, ફરુન બોલ્ય તો.' પછી ભીંતે ટીંગાતા ધારિયા સામે જોયું. એક તો કાંટિયું વરણ ને પાછી રીહની બંબૂડી. એક ઘાને બે કટકા કરે, પણ વિજુનાં બદલાયેલાં તેવર જોઈ માણસુર ઢીલો થઇ થાંભલીના ટેકે હેઠો બેસી ગયો અને એક દાયકાના કોરાકટ ઘરસંસારમાં પહેલીવાર ભાન થયું. વિજુને વારંવાર આવી રીતે દુઃખી કરવી કે દુભવવી ન જોઈએ.   

મોડી રાતે વિજુ પથારીમાં આડી પડી. છતનાં દેશી નળિયાંમાંથી પૂનમનો ચાંદ સનકારા કરી રહ્યો હોય એવું લાગતું હતું, પણ ચાંદના ઠેકાણે વિજુને વિજાણંદ દેખાણો. આંખો પહોળી થઇ ને સરોવર માફક છલકાવા લાગી: `વિજાણંદ, તું સાજો નરવો છોને? તને કાંય થ્યું તો મારું જીવવું હરામ હમજજે.' હીબકાં ભરતી હતી: `તારા વિયોગે આયખાને ભૂંડીપટ વેંઢારી ર્ય છવ.' ત્યાં વાડના પછવાડે તીણા સ્વરે ચીબરી બોલી ને ઘોર અંધારી રાત સાથે વિજુની છાતીમાં સબકો આવ્યો. અમંગળ થયાનું સમજી તે બેબાકળી બેઠી થઇ ગઈ. એક ઘડીનુંય મોડું કર્યા વગર વિજાણંદ પાસે પુગી જાય, નહિતર આ જન્મારે તો છેટું પડી જાશે.   

વિજુ ને વિજાણંદ છેલ્લે અંટાળિયા મહાદેવના મેળામાં મળ્યાં'તાં. ત્યારે વિજુનો વળોટ ફરી ગયો હતો. તેની કોમળ કાયામાં જોબનનાં ફૂલ ખીલી ઊઠ્યાં હતાં. હળદર જેવો વાન મહોરી ઊઠેલા ગરમાળા જેવી સુંવાળી નમણાશમાં ઉમેરો કરી રહ્યો હતો. કાલીઘેલી બોલી બદલાઈ ગઈ હતી. અગાઉ કોઈ પ્રસંગે અલપઝલપ જોયાનાં એંધાણ હૈયાની હાટડીએ જમા બોલતાં હતાં, પણ જ્યારે વિજાણંદે વિજુને ભર્યા મેળામાં ઓળખીને આંતરી લીધી ત્યારે વિજુએ કહ્યું'તું: `ઓળખી લીધી હોય તો હવે આ ભવમાં ભૂલતા નંઇ!'   

નાતરિયું ઘર હતું ને સગપણમાં પણ બહુ છેટું નહોતું, તેથી વાત રમતી ભમતી બેઉના ઘરના ઉંમરે અથડાણી હતી. સગપણના ગોણ-ધાણા ખાવાનો વખત આવે એ પહેલાં કોઈક નાતીલાએ ચઢતી દેરડી પર પથ્થર માર્યો ને સગાઇની ચૂંદડી ચીંથરું થઇ ગઈ હતી. બેઉના હાથ પીળા કરી એક થાવાના ઓરતા અધૂરા રહ્યા'તા. પછીથી કંટા, કબાડ ને લબાડ એવા માણસુર સાથે મનમેળ વગર નછૂટકે જીવતરના ફેરા ફરવા પડ્યા'તા.   

વિજુના વિજાણંદ સાથેના વહાલથી માણસુર અજાણ નહોતો, તેથી મોકો મળ્યે તે વિજુને મેણું માર્યા વગર રહેતો નો'તો. વિજુ સળગીને જાતે ઠરી જાતી હતી, પણ આ વખતે વિજાણંદ મરણ પથારીએ છે એવું સાંભળ્યાં પછી કૂણા કાળજામાં અફડાતફડી થઇ ગઈ હતી.   

રાત આખી વિજુ પડખાં ઘસતી રહી હતી. પરોઢ થાતાં વિજુ કોઈ નક્કર નિર્ણય સાથે પડખું ફરી હતી ત્યારે ખાટલાની એક ઇસમાં કડાકો બોલી ગયો હતો.   

કોઢારમાં જઇ ઢોર દોહ્યાં. ફળિયામાંથી સંજવારી કાઢી. પછી શિરામણ તૈયાર કરી લીધું. આ વેળા માણસુર ઊઠી ગયો હતો. તે ઓસરીની કોરે બેઠો વિજુના દરેક કામ પર નજર રાખી રહ્યો હતો. તેના હાથ-પગ જુદી રીતે ફરી રહ્યા હતા તે નજરમાં નોંધાઇ ગયું હતું. વાંકમાં આવે વિજુને સંભળાવી દેવું હતું: `ભૂલી જા કભારજા, વિજાણંદ તો મરવા પડ્યો છે.'   

વિજુને ઓસરીનું પગથિયું ઊતરી ફળિયામાં ઊભેલી જોઈને તેણે ડાચિયું કર્યું: `ક્યાં જાવું છે તે?' સામે વિજુએ પળનોય વિલંબ કર્યા વગર કહી દીધું: `ખબર્ય પૂછવા, વિજાણંદની.' આવું સાંભળી માણસુરના પગ તળે ભૂકંપ થયો. તે ધ્રૂજી ઊઠ્યો ને ક્રોધનો માર્યો બોલ્યો: `ઘર બાર્ય પગ મૂક્યો છે તો એક જ ઘાએ ધડથી માથું નોખું કરી નાખીહ.' સામે જરાય થડક્યા વગર વિજુ બોલી: `તો મારવામાં મોડું નો કરો, વિજાણંદ વગર્ય જીવવું નકામું છે.' ધારિયું હાથમાં લઇ માણસુરે વિજુ માથે તોળતા પહેલાં સામે જોયું, આંખોને વાંચી ને પછી કોણ જાણે કેમ, પણ બોલી જ ગયો: `ઊભી રે, ગાડું જોડું ને હુંય તારી હારે 

આવું છું.'  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો