જીવતરનો તાપ અસહ્ય લાગ્યો ત્યારે ટોલ્સ્ટોય શ્રદ્ધા-ધર્મ-ચર્ચના શરણે ગયા, પણ એમણે જોયું કે ખ્રિસ્તી ધર્મના વિવિધ ફાંટા લોકોને જોડવાને બદલે વિભાજિત કરતા હતા.

અન્ય ફાંટા તરફ સહેજ પણ ઢળનારને આકરી સજા કરવામાં આવતી હતી. ટોલ્સ્ટોયને સમજાયું કે એ પોતે તો ધર્મમાંથી જીવવાનું બળ મેળવવા મથી રહ્યા હતા, પરંતુ વિવિધ ખ્રિસ્તી ફાંટાઓના મોભીઓ અનુયાયીઓને પોતપોતાના વાડામાં પૂરી રાખવા મથી રહ્યા હતા.

આગળની વાત એમના જ શબ્દોમાં એ વખતે રશિયા યુદ્ધમાં સંડોવાયેલું હતું. યુદ્ધમાં માણસ માણસને મારી રહ્યો હતો. આ ભયાનક હકીકત સામે હું આંખ આડા કાન કરી શકું તેમ નહોતો. સ્પષ્ટ વાત છે કે માણસની હત્યા ખરાબ છે અને કોઈ પણ ધર્મના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ છે. છતાં ચર્ચોમાં એવી પ્રાર્થનાઓ થતી હતી કે આપણાં શસ્ત્રો વધુ ને વધુ અસરકારક નીવડે (વધુ લોકોને મારે). ધર્મગુરુઓ આ હત્યાઓને શ્રદ્ધાની જીત ગણાવતા હતા. રણમેદાનમાં શત્રુની હત્યાને મંજૂરી આપવામાં આવી હતી એ તો ઠીક, પણ યુદ્ધ પછીના અંધાધૂંધીભર્યા સમયમાં મેં જોયું કે ચર્ચના પાદરીઓ, સાધુઓ અને તપસ્વીઓ પંથમાંથી ભટકેલા લાચાર યુવાનોની હત્યાને પણ સમર્થન આપી રહ્યા હતા. ધાર્મિક હોવાનો દાવો કરનારા લોકો દ્વારા કેવું કેવું (ભયાનક) આચરણ કરવામાં આવતું હતું એ જોઈને હું હેબતાઈ ગયો. હવે મને એ વાતે કોઈ શંકા નહોતી રહી કે ધર્મના નામે જે ઉપદેશો અપાઈ રહ્યા હતા એ બધેબધા જ સાચા અને યોગ્ય નહોતા.

એક સમય એવો હતો જ્યારે મેં એવું કહ્યું હોત કે આ બધું (ધરમની વાતો) જુઠાણું છે, પરંતુ હવે હું એવું કહી શકું તેમ નહોતો, કારણ કે હું જોઈ રહ્યો હતો કે સામાન્ય શ્રદ્ધાળુઓ પણ (ધર્મમાં રહેલા) સત્યને અનુભવી શકતા હતા. એટલે જ તો એ (જીવન અત્યંત કપરું હોવા છતાં) જીવી રહ્યા હતા. હું પોતે પણ (શ્રદ્ધામાં રહેલા) સત્યનું દર્શન કરી ચૂક્યો હતો અને એના આધારે જીવી રહ્યો હતો. ટૂંકમાં, એક વાત તો સ્પષ્ટ હતી કે શ્રદ્ધામાં રહેલું સત્ય ખરેખર સત્ય જ હતું. સવાલ ભેળસેળનો હતો. ધર્મના ઉપદેશોમાં સત્યની સાથે અસત્ય પણ ભળેલું હતું.

એક વાત મને સમજાઈ કે ધર્મસંસ્થાના મોટા મોટા પ્રતિનિધિઓની વાતોમાં સત્ય સાથે ભળેલા અસત્ય કરતાં સામાન્ય પ્રજાની શ્રદ્ધામાં ભળેલું અસત્ય ઓછું હતું, પણ એ હતું તો ખરું જ. સામાન્ય માણસની શ્રદ્ધામાં પણ નિર્ભેળ સત્ય નહોતું.

છેવટે મારા મનમાં સવાલ જાગ્યો કે લોકોના મનમાં જે અસત્ય તેમજ સત્ય છે, એ બંને આવે છે ક્યાંથી? અને મને સમજાયું કે એ બંને સત્ય અને જૂઠ પરંપરાઓ તથા ધર્મગ્રંથોનો એક ભાગ હતા.

એટલે હું ધર્મગ્રંથોના અભ્યાસ તથા વિશ્લેષણ તરફ વળ્યો.

એક જમાનો હતો જ્યારે હું ધર્મગ્રંથોને બિનજરૂરી ગણીને તુચ્છકારતો હતો. એ સમયે મને લાગતું હતું કે એ બધું બકવાસ છે; એ સમયે મારું ફૉકસ સંસાર પર હતું. સંસાર ત્યારે મને સ્પષ્ટ અને અર્થસભર લાગતો હતો, પરંતુ હવે સ્થિતિ એવી હતી કે મનની સ્વસ્થતા માટે અનુકૂળ ન હોય એવી બધી જ બાબતોથી હું મુક્ત થવા તડપી રહ્યો હતો અને મુક્તિનો-સાર્થકતાનો એકમાત્ર માર્ગ મને શ્રદ્ધામાં, ધર્મના ઉપદેશોમાં અને ધર્મ સાથે સંકળાયેલી બાબતોમાં દેખાઈ રહ્યો હતો. અલબત્ત, (ધર્મને લગતી) ગૂઢ બાબતો મારા તાર્કિક ભેજામાં ઊતરે એવી નહોતી. છતાં એ જ ગૂઢતામાં મને મુક્તિની આશા દેખાઈ રહી હતી. મને સમજાયું કે જે રીતે મારું તાર્કિક મન વિજ્ઞાનને સમજી શકે છે એ રીતે ગૂઢતાને નહીં સમજી શકે, કારણ કે જે ગૂઢ છે એ મૂળભૂત રીતે જ મનની મર્યાદાથી પર છે. મારો પ્રયત્ન એવો હતો કે હું મારા મનની, તર્કની મર્યાદાને સમજું. જે ગૂઢ હોય તે ગૂઢ ભલે રહ્યું, પણ કઈ હદ સુધી મન-તર્કનો પ્રદેશ છે અને ક્યાંથી ગૂઢતાનો પ્રદેશ શરૂ થાય છે એ મારે સ્પષ્ટ રીતે સમજવું હતું. ગૂઢતાની અનિવાર્યતાને હું તાર્કિક રીતે સમજવા માગતો હતો. મારે પરાણે શ્રદ્ધાળુ નહોતું બનવું. શ્રદ્ધા મારા પર થોપાય એ મને મંજૂર નહોતું.

(ખૈર, આજની વાત કરું તો) ધર્મના સિદ્ધાંતોમાં સત્ય છે એ વિશે (હવે) મારા મનમાં કોઈ શંકા નથી રહી, પરંતુ એમાં સાથોસાથ કેટલુંક અસત્ય પણ ભળેલું છે એવું હું માનું છું. ધર્મના સિદ્ધાંતોમાં રહેલાં આ બંને તત્ત્વોને સત્યને તેમજ અસત્યને અલગ તારવવાનું કામ મેં હાથ ધર્યું છે. મારી આ જહેમત દરમિયાન મને ધર્મની કઈ બાબતો સાચી લાગી અને કઈ બાબતો ખોટી લાગી અને હું કેવા તારણ પર પહોંચ્યો એની વાત હું મારી આ ગ્રંથશ્રેણીના હવે પછીના ગ્રંથમાં લખીશ. એ ગ્રંથ કોઈને ઉપયોગી થાય પણ ખરો, જો એ ક્યારેક, ક્યાંક પ્રકાશિત થશે તો.

***

આમ તો અહીં જ પુસ્તક પૂરું થાય છે, પરંતુ ટોલ્સ્ટોયે આ આત્મકથા પૂરી કરી લીધા બાદ (ઉપર સુધીનો ભાગ લખ્યા પછી), ત્રણ વર્ષે આખું લખાણ ફરી વાંચ્યું અને એ વાંચતી વખતે જે કંઈ અનુભવેલું એ ફરી યાદ કર્યું. એ વખતે એમને એક સપનું આવ્યું. એ સપનાની વાત એમણે આત્મકથાના અંતિમ પ્રકરણ તરીકે ઉમેરી. એની વાત આવતા અંકે કરીશું.

અને હા, પછી ટોલ્સ્ટોયે આ શ્રેણીનાં અન્ય ત્રણ પુસ્તકો લખ્યાં ખરાં, પરંતુ એમાંનો બીજો ભાગ, એટલે કે ઉપરોક્ત આત્મકથા કબૂલાત પછીનું બીજું પુસ્તક, જેમાં એમણે ધર્મશાસ્ત્રની ખૂબી-ખામીનો તુલનાત્મક અભ્યાસ આલેખ્યો હોવાનું કહેવાય છે, એ ક્યારેય પ્રકાશિત ન થયું. ટોલ્સ્ટોયે પોતે જ એ બીજો ભાગ પ્રકાશિત ન કર્યો. અલબત્ત, ત્યાર પછીનાં બે પુસ્તકો, ગોસ્પેલ્સ ઇન બ્રીફ (ઉપદેશનો ટૂંકસાર) તથા માય રિલિજિયન (મારો ધર્મ) પ્રકાશિત થયાં ખરાં. આ બંને પુસ્તકોમાં ધર્મમાં ભળેલી બિનજરૂરી અને અયોગ્ય બાબતોની સાફસૂફી કર્યા પછીનું ધર્મનું હાર્દ રજૂ

કરવામાં આવ્યું છે.

મૂળ વાત આટલી જ છે. ટોલ્સ્ટોયનું કહેવું એમ છે કે જીવનના આકરા સંઘર્ષ સામે ટકી રહેવા માટે શ્રદ્ધાનો ટેકો ઘણો ઉપયોગી છે, પરંતુ એ શ્રદ્ધા શુદ્ધ હોવી જોઈએ. એમાં અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. ધર્મના નામે દ્વેષ, હિંસા, અભિમાન વગેરેને પ્રોત્સાહન ન મળવું જોઈએ.