અંગ્રેજોના જમાનાના સો વર્ષ જૂના સંસદ ભવનને સ્થાને રાજધાની દિલ્હીમાં વર્ષ 2023થી નવું સંસદ ભવન કાર્યરત છે.
ભારતીય વાસ્તુકલા પર આધારિત ત્રિકોણીય આકારનું સંસદ ભવન 64,500 વર્ગમીટરમાં બનેલું છે. લોકસભા ભવન રાષ્ટ્રીય પક્ષી મોર અને રાજ્યસભા ભવન રાષ્ટ્રીય ફૂલ કમળની થીમ પર ડિઝાઈન કર્યું છે. જૂના સંસદ ભવનની તુલનાએ નવામાં ભવિષ્યમાં સાંસદોની સંખ્યા વધશે તેને ધ્યાનમાં રાખીને વધુ બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. તે વધુ મોકળાશ ધરાવતું, આધુનિક સગવડોથી સજ્જ તો છે જ, લોકસભા ગૃહમાં અધ્યક્ષના આસન નજીક રાજદંડ (સેંગોલ) સ્થાપિત કરવામાં આવેલ છે. વર્ષ 1927માં જૂના સંસદ ભવનના નિર્માણનો ખર્ચ રૂ. 87 લાખ થયો હતો. 2023માં નવા સંસદ ભવનના નિર્માણનો ખર્ચ રૂ. 862 કરોડ થયો છે.
આંધ્રપ્રદેશના વિભાજનથી રચાયેલાં બે રાજ્યો પૈકી તેલંગણાના ફાળે હૈદરાબાદ આવ્યું એટલે આંધ્રને નવા પાટનગરની જરૂર પડી. નવું પાટનગર અમરાવતી ભારતનું સૌથી આધુનિક પાટનગર હોવાના દાવા થાય છે. અમરાવતીમાં આકાર લઈ રહેલું વિધાનસભા ભવન દેશમાં સૌથી ઊંચું હશે. કોહિનૂર આકારની વિધાનસભાની ઈમારત 250 મીટર ઊંચા શિખરનુમા ભવન તરીકે નિર્માણ પામી રહી છે. નવા વિધાનસભાના બિલ્ડિંગનો નિર્માણ ખર્ચ અંદાજિત રૂ. 1816 કરોડ છે.
વર્ષ 1982થી ગાંધીનગરના વિઠ્ઠલભાઈ પટેલ ભવનમાં ગુજરાતની વિધાનસભા કામ કરે છે. સાડા ત્રણ દાયકે વર્ષ 2018માં તેનું રૂ. 135 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. દર બે દાયકે ગુજરાત વિધાનસભાના સભ્યો માટેના નિવાસસ્થાનો નવાં બાંધવામાં આવે છે. આરંભે ધારાસભ્યોના આવાસો 1 BHK હતા. નવા 5 BHK છે. સદસ્ય નિવાસ જેવા સાદા નામે ઓળખાતા નવા નિવાસો લક્ઝુરિયસ ફુલ્લી ફર્નિશ્ડ ફ્લેટ છે. જેમાં ત્રણ બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ અને સર્વન્ટ-ડ્રાઈવર રૂમની સગવડ છે. સદસ્ય નિવાસ 28,576 ચોરસમીટરમાં વિસ્તરેલું સંકુલ છે. 216 સભ્યો માટે તે બાંધ્યા છે. કપડાં સૂકવવાની દોરીથી માંડીને નહાવા-ધોવાની ડોલ, ટમ્બલર, ફ્લોર ક્લીનર અને ફિનાઈલ પણ માનનીયોને સરકાર પૂરી પાડવાની છે. લગભગ રૂ. દોઢસો કરોડના ખર્ચે બંધાયેલા નવા ધારાસભ્ય આવાસો માનનીયોને નિ:શુલ્ક આપવાના નથી. માસિક રૂ. 37 ભાડું લેવાશે.
પંજાબ અને દિલ્હી વિધાનસભાએ નવી પહેલ કરી છે. દિલ્હી વિધાનસભા ભવન હવે પૂર્ણપણે સૌરઊર્જા સંચાલિત દેશનું પહેલું વિધાનસભા ભવન છે. પંજાબ ભારતનું એવું પહેલું રાજ્ય છે જેની વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ સાંકેતિક ભાષામાં પણ થાય છે. પંજાબે મૂક બધિર વ્યક્તિઓ માટે વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ સાંકેતિક ભાષામાં શરૂ કરીને તેમના માટે પણ તે સુલભ બનાવી છે. બજેટ સત્રનું રાજ્યપાલનું અભિભાષણ અને અન્ય મહત્ત્વની ચર્ચાઓ સાંકેતિક ભાષામાં પ્રસારિત થઈ હતી. દિલ્હી વિધાનસભાની વાર્ષિક વીજળી જરૂરિયાત 7,00,000 યુનિટ છે, પરંતુ સૌરઊર્જાથી 8, 20,000 યુનિટ વીજળી ઉત્પન થશે. એટલે સરપ્લસ વીજળી વેચી શકાશે અને વીજળીનો ખર્ચ બચશે. વળી, સૌરઊર્જા સંયંત્રો લગાવવાનો ખર્ચ બે કરોડ જ થયો છે. વૈકલ્પિક ઊર્જાના ઉપયોગની દિશામાં આ મહત્ત્વની પહેલ છે.
સંસદ અને રાજ્યોની વિધાનસભાઓનાં બાહ્ય રૂપરંગ બદલાય છે, તેને કલાત્મક વાઘાઓથી સજાવાય છે, પરંતુ શું તેનાથી તેની કાર્યવાહીમાં કોઈ બદલાવ આવે છે ખરો? દેશની અડધી આબાદી એવી મહિલાઓના પ્રતિનિધિત્વના મુદ્દે હજુ પણ કશો ફેર પડ્યો નથી. અઢાર અઢાર લોકસભા ચૂંટણીઓ પછી સંસદમાં હાલમાં 74 મહિલા સાંસદો છે. દેશના કુલ મતદારોમાં મહિલા મતદારો 48 ટકા છે, પરંતુ લોકસભામાં માત્ર 13 ટકા જ મહિલા સાંસદો છે. હરિયાણા વિધાનસભાના 90 ધારાસભ્યોમાં 13 મહિલા (14 ટકા) ધારાસભ્યો છે, જે દેશમાં સૌથી વધુ છે, પરંતુ નાગાલેન્ડની ધારાસભામાં એક પણ મહિલા ધારાસભ્ય નથી. સામંતી અને લિંગાનુપાતમાં તળિયે રહેલા હરિયાણામાં સૌથી વધુ મહિલા પ્રતિનિધિત્વ અને માતૃપ્રધાન, શિક્ષણ અને સ્ત્રી-પુરુષ સમાનતામાં આગળ નાગાલેન્ડમાં કોઈ મહિલા ધારાસભ્ય ન હોય તે ભારતીય લોકતંત્રની સામાજિક બલિહારી છે.
ધારાગૃહોની કામગીરીમાં પ્રશ્નકાળ સૌથી મહત્ત્વનો છે. તેમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રધાનોને જાહેર હિતના પ્રશ્નો પૂછે છે. તેના લેખિત જવાબો તો અપાય છે, તેના પર પૂરક પ્રશ્નો મારફતે ચર્ચા પણ થાય છે,
પરંતુ સંસદ અને વિધાનસભાઓનો પ્રશ્નકાળ હોબાળામાં વેડફાઈ જાય છે. પ્રશ્નકાળની ઉપયોગિતા સમજીને તેને સાર્થક બનાવવાનું કોઈને સૂઝ્યું નથી. સંસદનાં બંને ગૃહોની શરૂઆત અગિયાર વાગ્યે પ્રશ્નકાળથી થાય છે. એક અંદાજ મુજબ પ્રશ્નકાળની એક મિનિટનો ખર્ચ અઢી લાખ રૂપિયા છે. છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી.
વર્ષ 2014માં તત્કાલીન રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ ગૃહનો આરંભ શૂન્યકાળથી અને તેના એક કલાક પછી બાર વાગ્યે પ્રશ્નકાળનો આરંભ કરવાનો નિર્ણય કર્યો હતો. આટલો નાનો ફેરફાર કરતાં દેશને સાઠ વર્ષ લાગ્યાં છે, પરંતુ આ બદલાવથી ઘણો ફેર પડ્યો છે. ધારાગૃહોની કામગીરીમાં આવા બદલાવ તેના બાહ્ય રૂપરંગમાં બદલાવ જેટલા જ મહત્ત્વના છે.
સંસદીય કામગીરીમાં ગંભીરતાનો અભાવ અને સભ્યોની ગેરહાજરી એવો જ બીજો સવાલ છે. વર્ષ 1952થી વર્ષ 1970ના સમયગાળામાં લોકસભાની કામગીરી સરેરાશ 120 દિવસની હતી, પરંતુ હવે તેમાં સતત ઘટાડો થતો રહ્યો છે. વર્ષ 2022માં 56 દિવસ માટે જ લોકસભાની બેઠકો યોજાઈ હતી. બ્રિટનની સંસદ 150 અને અમેરિકાની સંસદ 100 દિવસ કામ કરે છે, પરંતુ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં લોકસભાની કામગીરીના દિવસો જ બહુ ઓછા છે. છેલ્લા બે દાયકામાં લોકસભાની કામગીરીની ઉત્પાદકતા સરેરાશ 14 ટકા અને રાજ્યસભાની 22 ટકા જેટલી નીચી છે.
બંધારણ સમીક્ષા પંચ(વર્ષ 2002)ની ભલામણ હતી કે 70થી ઓછા સભ્યો ધરાવતી વિધાનસભાની બેઠકો ઓછામાં ઓછા 50 દિવસ અને તેનાથી વધુ બેઠકો ધરાવતી વિધાનસભાની બેઠકો 90 દિવસ માટે મળવી આવશ્યક છે, પરંતુ બે વર્ષ પૂર્વેના આંકડા જણાવે છે કે 2023માં રાજ્ય વિધાનસભાઓ સરેરાશ 23 દિવસ માટે જ મળી હતી. 12 રાજ્યોની વિધાનસભાઓએ તો 100 કલાકથી ઓછું કામ કર્યું હતું. 44 ટકા વિધેયકો ગૃહમાં રજૂ થયા તે જ દિવસે કે બીજા દિવસે ખાસ કશી ચર્ચા વિના પસાર થયા હતા. કૃષિ બિલ અને શ્રમ સુધારા બિલ જ નહીં, બજેટ પણ લોકસભામાં વિના ચર્ચાએ પસાર થયું હતું. સંસદની બેઠકોની ગેરહાજરીમાં સંસદીય સમિતિઓ વિધેયકો પર ગહન ચર્ચા કરે છે, પરંતુ તેમાં પણ ઘટાડો થયો છે. 15મી લોકસભામાં 71 ટકા બિલો સંસદીય સમિતિઓને ચર્ચા માટે આપવામાં આવ્યાં હતાં. સત્તરમી લોકસભામાં માત્ર 13 ટકા બિલો જ સંસદીય સમિતિના હવાલે થયા હતા.
સંસદ અને ધારાગૃહો ઈંટ, પથ્થરથી ચમકતી શાનદાર ઈમારતો નથી. તેણે આ દેશના ભાવિનું ઘડતર કરવાનું છે. એટલે બાહ્ય રંગરોગાન સાથે ભીતરી લોકતંત્ર પર પણ ધ્યાન આપવાની તાતી જરૂર છે.
