OSIRIS-REx એટલે કે Origins, Spectral Interpretation, Resource Identification, Security-Regolith Explorer એ નાસાનું એક અંતરીક્ષ મિશન છે.

જેનો હેતુ એસ્ટેરોઇડ 101955 Bennuનો અભ્યાસ કરવો અને તેની સપાટી પરથી નમૂના એકત્ર કરીને પૃથ્વી પર પાછા લાવવાનો હતો. આ મિશન નાસાના ન્યૂ ફ્રન્ટિયર્સ પ્રોગ્રામનો ભાગ છે. મિશનનું પ્રક્ષેપણ 8 સપ્ટેમ્બર, 2016ના રોજ ફ્લોરિડાના કેપ કેનાવેરલથી એટલાસ V રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું.

મિશનનો મુખ્ય ઉદ્દેશ Bennu નામના `તોફાની' એસ્ટેરોઇડની રચના, એમાંની ખનિજો તેમજ બેનુના રાસાયણિક બંધારણનો અભ્યાસ કરવાનો હતો. એ ઉપરાંત સૌરમંડળની રચના અને પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ કઈ રીતે થઇ, એની માહિતી પણ મળી આવે એવી શક્યતા ખરી. એન્ડ લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ, આ તોફાની એસ્ટેરોઇડ ભવિષ્યમાં પૃથ્વી સાથે ટકરાશે કે કેમ, એ અંગેનું સંશોધન પણ આ મિશનનો મહત્ત્વનો હિસ્સો હતું.

પહેલો પ્રશ્ન એ છે કે આખરે આ Bennu કઈ બલાનું નામ છે? અને બીજો પ્રશ્ન એ કે OSIRIS-REx મિશનમાં વૈજ્ઞાનિકોને કેટલી સફળતા મળી છે?

પ્રથમ પ્રશ્નનો જવાબ આ જ વર્ષે 19 ફેબ્રુઆરી, 2025ના દિને પ્રકટ થયેલા સાયન્સ સફરના આર્ટિકલમાં આપી દીધો છે. તેમ છતાં અહીં થોડું રિવાઈવ કરી લઈએ. સૂર્યમંડળમાં હાજર લઘુગ્રહો પૈકી જેમની ભ્રમણકક્ષા પૃથ્વીની ભ્રમણકક્ષાથી નજીક હોય (Near-Earth Asteroids - NEAs), એવા લઘુગ્રહોની પૃથ્વી સાથે અથડામણ થવાની શક્યતા ખરી. આવો જ એક લઘુગ્રહ એટલે `101955 Bennu'. 11 સપ્ટેમ્બર, 1999ના દિવસે પૃથ્વી તરફ ધસી રહેલા બેનુ પર સંશોધકોની પહેલી વાર નજર પડી. 23 સપ્ટેમ્બર, 1999ના દિવસે બેનુ પૃથ્વીની નજીકથી પસાર થઇ ગયો. પ્રાપ્ત માહિતી મુજબ બેનુ દર 6 વર્ષે પૃથ્વીની નજીકથી પસાર થાય છે.

નાસાનું OSIRIS-REx 3 મિશન ડિસેમ્બર, 2018ના રોજ Bennu પાસે પહોંચ્યું અને લગભગ બે વર્ષ સુધી તેનો અભ્યાસ કર્યો. 20 ઓક્ટોબર, 2020ના રોજ નાસાના TAGSAM (Touch-and-Go Sample Acquisition Mechanism) ઉપકરણનો ઉપયોગ કરીને Bennuની સપાટી પરથી અંદાજે 250 ગ્રામ નમૂના એકત્ર કરવામાં આવ્યા અને એક કેપ્સ્યૂલ જેવા કન્ટેનરમાં ભરીને પૃથ્વી પર મોકલી આપવામાં આવ્યા. OSIRIS-REx એ નાસાનું પ્રથમ એવું મિશન છે, જેણે એસ્ટેરોઇડ પરથી નમૂના એકત્ર કરીને પૃથ્વી પર લાવી દેખાડ્યા હોય. મજાની વાત એ છે કે ખુદ નાસાનેય કલ્પના નહોતી કે મિશન દરમિયાન આટલી મોટી માત્રામાં નમૂના મેળવી શકાશે. વિશ્વભરના વિજ્ઞાનીઓની ચાલીસ જેટલી જુદી જુદી ટીમ્સ આ નમૂનાઓનું વિશ્લેષણ કરી રહી છે, જેમાં નાસાના જોન્સન સ્પેસ સેન્ટરનો પણ સમાવેશ થાય છે. આ વિશ્લેષણનાં તારણો પણ ખાસ્સાં રસપ્રદ છે.

નમક, પાણી અને એમિનો એસિડ્સની `રસપ્રદ' હાજરી

વિવિધ સાયન્સ જર્નલ્સમાં પ્રકાશિત અહેવાલો મુજબ બેનુમાંથી મેળવાયેલ નમૂનાઓમાં વિપુલ પ્રમાણમાં કાર્બન અને નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો (organic compounds) મળ્યાં છે, જે જીવન માટે અતિ આવશ્યક મનાય છે. અહીં 14 પ્રકારના એમિનો એસિડ્સ (પ્રોટીનનાં મૂળભૂત તત્ત્વો) પણ હાજર છે. ટૂંકમાં, જીવન પેદા થાય એ માટેના તમામ મસાલા બેનુ ઉપર મોજૂદ છે. તેમ છતાં ભૂતકાળમાં અહીં જીવન હોવાનો કોઈ સીધો પુરાવો મળતો નથી. બેનુના વિશ્લેષણ ઉપરથી વિજ્ઞાનીઓ એટલું તો ચોક્કસપણે તારવી શક્યા છે કે આજે ભલે પૃથ્વી ઉપર જ જીવન જોવા મળે છે, પરંતુ સૌરમંડળના પ્રારંભિક સમયમાં જીવન વિકાસ માટે જરૂરી પરિસ્થિતિ વ્યાપક પ્રમાણમાં મોજૂદ હતી.

એ સિવાય વિશ્લેષણ દરમિયાન જાણવા મળ્યું કે બેનુ ઉપર પાણીના અણુઓ મોજૂદ હતા. સંશોધકોના મતે બેનુ ઉપર ભૂતકાળમાં `brine' તરીકે ઓળખાતું અત્યંત ખારું પાણી મોજૂદ હશે. આને શું સૌરમંડળમાં પૃથ્વી સિવાય પણ ક્યાંક સમુદ્રની હાજરી હોવાનો સંકેત ગણવો? આ શક્યતા સાવ નકારી શકાય એમ નથી. આ ઉપરાંત બેનુના સેમ્પલ્સમાં trona (સોડિયમ કાર્બોનેટ) જેવા વિશેષ ખનિજો જોવા મળ્યા. સાથે જ અત્યંત ખારા પાણીના બાષ્પીભવન બાદ અસ્તિત્વમાં આવેલ મીઠાના અવશેષ પણ મળ્યા. કોઈક નોન-અર્થ સેમ્પલમાંથી આ પ્રકારના અવશેષો જડ્યા હોય એવી આ પ્રથમ ઘટના છે. વળી, આ નમૂનાઓમાં અમોનિયા (ammonia) જેવા વોલેટાઇલ્સ પણ વધુ પ્રમાણમાં છે, જે બતાવે છે કે Bennu શનિથી આગળના ઠંડા વિસ્તારોમાંથી આવ્યો છે.

ટૂંકમાં, Bennu નામનો લઘુગ્રહ સૌરમંડળનાં અનેક રહસ્યો સાચવીને બેઠો હોય એવું લાગે છે.

 તારણો સૂચવે છે કે અબજો વર્ષો પહેલાં એસ્ટેરોઈડ્સ અને પૃથ્વી વચ્ચે થયેલી અથડામણોને પગલે પૃથ્વી પર પાણી, કાર્બનિક સંયોજનો અને જીવનનાં અન્ય તત્ત્વોની પધરામણી થઇ હશે. ભવિષ્યમાં આ નમૂનાઓ એસ્ટેરોઇડ માઇનિંગ, પ્લેનેટરી ડિફેન્સ અને જીવનની ઉત્પત્તિ વિશે વધુ અભ્યાસમાં મદદ કરશે. બેનુ ઉપરથી મેળવાયેલ કુલ નમૂનાઓ પૈકી 70% જેટલા નાસાના તાબા હેઠળ છે. જ્યારે બાકીના વિશ્વભરના સંશોધકો વચ્ચે વહેંચાયેલા છે. આશા રાખીએ કે ભવિષ્યમાં કંઈક વધુ ચટપટી માહિતી જડી આવે. લેખ સાથે દર્શાવેલી ઈમેજ બેનુ લઘુગ્રહના કદનો નિર્દેશ આપે છે. (Image Source: NASA)