ભારતમાં આજે પણ અબોલ પશુ-પંખીની સેવા કરતો વિશાળ વર્ગ જોવા મળે છે. આ વર્ગ શેરી કૂતરાંઓ, બિલાડીઓ માટે ખાવાનું પૂરું પાડે છે. તો કેટલાક ચબૂતરા બનાવી તેમાં ચણ નાખે છે, તો કેટલાક પોતાના ધાબા પર ચણ નાખીને પંખીઓની તરસ અને ભૂખ મિટાવે છે.

જોકે, પંજાબના સંગરૂર જિલ્લામાં લક્ષ્મણસિંહ ચઠા નામના એક શિક્ષકના પંખીપ્રેમે સૌ કોઇને અચરજમાં નાખી દીધા છે. અલબત્ત તેમણે જે પંખીઓ માટે કર્યું છે તેને લોકો પ્રેમથી `પંખીઓનું લંગર' કહીને બિરદાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે પોતાની જમીન પર બાજરીનો પાક માત્ર ને માત્ર પંખીઓને ખાવા માટે લીધો છે. તેમના જણાવ્યા પ્રમાણે પહેલાં પંજાબમાં 20થી પણ વધુ રીતે પાક લેવાતા હતા, જેમાં પશુ-પંખીઓને પણ ચણ અને ખાવાનું મળી રહેતું હતું, પરંતુ હાલમાં થતી રાસાયણિક ખેતી તેમને નુકસાન કરી રહી છે. બાજરી પૌષ્ટિક હોય છે અને તે પંખીઓ માટે સૌથી પ્રાકૃતિક અને ગુણવત્તાસભર દાણા કહેવામાં આવે છે. નોંધનીય છે કે, તેઓ કોઇ એનજીઓ સાથે સંકળાયેલા નથી અને વર્ષ 2016થી તેઓ પશુ-પંખીઓ માટે પાણી પીવાના કુંડ અને માળા પણ મફતમાં આપે છે.

`ચૂસણી' વયસ્ક માટે પણ હોય છે

હાલ દુનિયાભરમાં હોંગકોંગના કલાકાર કેસિંગ લુંગ દ્વારા નિર્મિત લાબુબુ ભલે ટ્રેન્ડિંગમાં છે, પરંતુ ચીનમાં હવે વયસ્ક માટેની `ચૂસણી' જબરદસ્ત ટ્રેન્ડિંગમાં છે. જે ચૂસણી દોઢથી બે-ત્રણ વર્ષનાં બાળકો ચૂસતાં હોય છે અદ્દલ એવી જ ચૂસણી ચીનના વયસ્ક લોકો ચૂસી રહ્યા છે. વયસ્ક માટેની ચૂસણી સાઇઝમાં મોટી અને તેમાં નિપલવાળો ભાગ પારદર્શક તેમજ અન્ય ભાગ રંગીન હોય છે. આ ચૂસણીની કિંમત રૂપિયા સવાસોથી પાંચથી છ હજાર સુધીની હોય છે. ચૂસણી ચૂસતા આ વયસ્ક લોકોના જણાવ્યા પ્રમાણે ચૂસણી ચૂસવાથી તેમનું મગજ શાંત રહે છે અને તેઓ ચિંતામુક્ત બની જાય છે! વયસ્કની ચૂસણી ચૂસવાની બાબતને લઇને મનોવૈજ્ઞાનિકો જણાવે છે કે, આ ચૂસણી ચૂસવાના વર્તનને રિગ્રેસન (regression) કહેવામાં આવે છે. જ્યારે કોઇ વ્યક્તિ ખૂબ તણાવમાં હોય ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે તે બાળપણના સમયમાં પહોંચી જાય છે અને સુરક્ષા અનુભવે છે. કેટલાક ચીનીઓએ તો એમ પણ જણાવ્યું હતું કે ચૂસણીથી તેમને સારી ઊંઘ આવે છે અને અનિદ્રામાં વિશેષ રાહત મળે છે. તો કેટલાક ચીની યુવાનોના મતે ચૂસણીથી તેમને ધૂમ્રપાનની લત પણ છૂટી ગઇ છે! નજીકના ભવિષ્યમાં દુનિયાભરમાં પણ વયસ્કો ચૂસણી ચૂસતા જોવા મળે તો નવાઈ નહીં.

સ્કોલરશિપ મેળવવી છે? તો પહાડ ચઢો

હોશિયાર વિદ્યાર્થીઓને સરળતાથી સ્કોલરશિપ મળતી હોય છે. અલબત્ત, જે તે વિદ્યાર્થીઓ કાબેલિયતથી સ્કોલરશિપ મેળવતા હોય છે, પરંતુ દક્ષિણ કોરિયામાં એક કોલેજ એવી છે જેમાં વિદ્યાર્થીઓએ જો સ્કોલરશિપ લેવી હોય તો તેમણે જણાવેલા કુલ 6 મોટા પહાડ ચડવાના રહે છે. જો વિદ્યાર્થીઓ કુલ 6 પહાડ ચડી જાય તો તેમને અંદાજિત 47,000 રૂપિયાથી પણ વધુની સ્કોલરશિપ મળે છે. આ સ્કોલરશિપનું નામ `મિશન માઉન્ટેન હાઇકિંગ સ્કોલરશિપ' રાખવામાં આવ્યું છે. પહાડ ચડવા માટે કેબલ કાર કે ગોંડાલાની સુવિધા આપવામાં આવતી નથી. જો કોઇ આ 6 પહાડ ચડે છે તો તે માટે તેમણે બ્લેક યાક નામની એપનો ઉપયોગ કરવો જરૂરી બને છે. આ સ્કોલરશિપ કોલેજના ભૂતપૂર્વ છાત્ર દ્વારા જ એનાયત કરવામાં આવે છે. પહાડો ચડીને સ્કોલરશિપ મેળવવાનો તેમનો હેતુ એ છે કે, `આ સ્કોરલરશિપ પડકાર અને સામુદાયિક ભાવનાની સાથે સ્વસ્થ વ્યક્તિઓને સંપૂર્ણ પ્રોત્સાહન પૂરું પાડવાની દાતાની ઇચ્છઓને દર્શાવે છે' તેમજ `તેઓ જ્યારે પણ અભ્યાસ કરે ત્યારે તેઓ સ્વાસ્થ્ય અને સમર્પણ શક્તિનો પણ સંપૂર્ણ વિકાસ કરે.' ઉલ્લેખનીય છે કે, આ સ્કોલરશિપ હકીકતમાં કપરાં ચડાણો સર કરાવી રહી છે.