મઈઝરાયલની લોકપ્રિય વેબ સીરિઝ `ફૌદા'ની નવી સીઝન હાલ સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં ભારે ચર્ચા જગાવી રહી છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયલ પર થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ સીઝન નેટફ્લિક્સ પર રિલીઝ થતાં જ દર્શકોને હચમચાવી ગઈ છે. સીરિઝના સહસર્જક અવી ઇસાખારોફના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરની દુર્ઘટના પછી તેમણે સમગ્ર વાર્તા ફરીથી લખી હતી. આ સીઝનના બે એપિસોડમાં તે દિવસની ભયાનકતા અને બાકીના એપિસોડમાં તેના પછીની સામાજિક-માનસિક અસરો દર્શાવાઈ છે. વૈશ્વિક સ્તરે ઈઝરાયલ વિરોધી વાતાવરણ હોવા છતાં આ સીરિઝ લેબેનોન જેવા આરબ દેશોમાં પણ ટોપ ટ્રેન્ડિંગ બની રહી છે, જે તેમના માટે પણ આશ્ચર્યજનક બાબત છે. સોશિયલ મીડિયા પર અનેક દર્શકોએ સ્વીકાર્યું છે કે આ સીરિઝ દ્વારા તેમને પહેલી વાર 7 ઓક્ટોબરે ખરેખર શું બન્યું હતું તેનો તાગ મળ્યો છે. ઇસાખારોફે સ્પષ્ટતા કરી કે તેમનો હેતુ કોઈ સરકારી પ્રચાર કે ડિપ્લોમસી કરવાનો નહોતો, પરંતુ ઈઝરાયલી નાગરિક તરીકે તેમની અંદર સળગતી સત્ય વાર્તા દુનિયા સુધી પહોંચાડવાનો હતો. 

₹ 10 લાખથી શરૂ થયેલી `હનુમાન અંશ' 291 કરોડની કમાણી સાથે સુપરહિટ   

સિનેમાજગત ઘણીવાર એવી અનપેક્ષિત સફળતા દર્શાવે છે જે સૌને દંગ કરી દે છે. વિશાલ ચતુર્વેદી દ્વારા નિર્દેશિત ફિલ્મ `હનુમાન અંશ' ચાલુ વર્ષની સૌથી મોટી `સ્લીપર હિટ' ફિલ્મ તરીકે ઊભરી આવી છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર કોઈ મોટા કલાકારો કે ભવ્ય પ્રચાર વગર રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે માત્ર 10 લાખ રૂપિયાનું નગણ્ય કલેક્શન મેળવ્યું હતું. પ્રથમ સપ્તાહના અંતે ફિલ્મે માત્ર ₹ 1.08 કરોડ અને બીજા અઠવાડિયે માત્ર ₹ 40 લાખનો બિઝનેસ કર્યો હતો. આમ, પ્રથમ 14 દિવસ સુધી ફિલ્મનો કુલ વકરો માત્ર ₹ 1.48 કરોડ હતો, જેના કારણે વેપાર પંડિતોએ તેને ફ્લોપ માની લીધી હતી. જોકે, મજબૂત વાર્તા અને માઉથ પબ્લિસિટીના જોરે ફિલ્મે અકલ્પનીય વાપસી કરી. 40મા દિવસે ફિલ્મે 9,175 શૉઝમાંથી એક જ દિવસમાં ₹8.25 કરોડની જંગી કમાણી નોંધાવી. આ સાથે ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન ₹ 272.90 કરોડ અને નેટ કલેક્શન ₹ 222.88 કરોડને વટાવી ગયું છે. વિદેશમાં પણ ફિલ્મે ₹ 18.50 કરોડનો બિઝનેસ કર્યો છે, જેનાથી વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન ₹ 291.40 કરોડ પર પહોંચ્યું છે. 

હરિયાણામાં જૂનાં વાહનોને 1 ઓક્ટોબરથી ઈંધણ મળવાનું બંધ થઇ જશે!  

નેશનલ કેપિટલ રિજનમાં વાયુ પ્રદૂષણના સતત વધી રહેલા જોખમ સામે હરિયાણા સરકારે અત્યંત કડક પગલું ભર્યું છે. આગામી 1 ઓક્ટોબરથી હરિયાણામાં નોંધાયેલાં તમામ `એન્ડ-ઓફ-લાઈફ' એટલે કે મુદત પૂરી થયેલાં જૂનાં વાહનોને પેટ્રોલ પંપો પરથી ડીઝલ કે પેટ્રોલ આપવામાં આવશે નહીં. વધતા વાહનોના ધુમાડાને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે દિલ્હી-NCR વિસ્તારમાં 10 વર્ષ જૂનાં ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂનાં પેટ્રોલ વાહનોને ચલાવવા પર પર્યાવરણીય નિયમો મુજબ પ્રતિબંધ છે, પરંતુ હવે તેનો અમલ પેટ્રોલ પંપ સ્તરથી શરૂ કરાશે. આ નિયમનું સખત પાલન કરાવવા માટે રાજ્ય સરકારે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ₹ 41.74 કરોડના ખર્ચે 775 ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. પ્રથમ તબક્કામાં ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જર જેવા NCR જિલ્લાઓનાં તમામ ફ્યુઅલ સ્ટેશનો પર આ સ્માર્ટ કેમેરા લગાવવામાં આવશે. 

ઉત્તર અમેરિકામાં ક્રિકેટનો નવો રોમાંચ : કેનેડા સુપર 60 લીગ દ્વારા યુવરાજ સિંહ મેદાનમાં   

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે કેનેડામાં ક્રિકેટના પ્રસાર માટે એક નવો અધ્યાય શરૂ કર્યો છે. વાનકુવરમાં યોજાનારી `કેનેડા સુપર 60' સ્પર્ધાના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા યુવરાજે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ ઝડપી અને આકર્ષક ફોર્મેટ લાવવા માંગે છે. આ ટૂર્નામેન્ટમાં છ ટીમો વચ્ચે કુલ 24 મેચો રમાશે, જેમાં ટી10 ફોર્મેટ અપનાવવામાં આવ્યું છે. અમેરિકા અને કેનેડાની વ્યસ્ત જીવનશૈલીને ધ્યાનમાં રાખીને એક દિવસમાં ત્રણ ઝડપી મેચોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સ્થાનિક દર્શકો ટૂંકા સમયમાં ભરપૂર રમતનો આનંદ માણી શકે. યુવરાજે જણાવ્યું કે ઉત્તર અમેરિકામાં પંજાબી અને ભારતીય સમુદાય ખૂબ મોટી સંખ્યામાં વસે છે, જેઓ રમત પ્રત્યે ઉત્સાહી છે. દર્શકોને આકર્ષવા માટે ક્રિકેટની સાથે સાથે કાર્નિવલ અને સંગીતનો સમન્વય કરવામાં આવ્યો છે, જેમાં જાણીતાં ગાયકો પણ ભાગ લેશે. આ ઉપરાંત, યુવરાજે રમતમાં પારદર્શિતા અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ પર ભાર મૂકતાં જણાવ્યું કે આ લીગમાં ભ્રષ્ટાચારને બિલકુલ સ્થાન નથી.    


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો