મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ દ્વારા આપવામાં આવેલા લીડરશિપના ઉપદેશો કંઈ માત્ર શાસનવ્યવસ્થા પૂરતા મર્યાદિત નહોતા, પરંતુ જો ઊંડાણપૂર્વક સમજીશું તો ખ્યાલ આવશે કે પિતામહ ભીષ્મ દ્વારા યુધિષ્ઠિરને અપાયેલી વિવિધ ટિપ્સ એ એક શ્રેષ્ઠ લીડર કે ફોર ધેટ મેટર એક ઉમદા માણસની માનસિકતા અને તેના મનોવિજ્ઞાનને સમજવા માટેનું સૌથી પ્રાચીન અને સચોટ માર્ગદર્શન છે. એક સફળ લીડરની સાઇકોલોજી કેવી હોવી જોઈએ તેનું વિશ્લેષણ કરતાં પિતામહ ભીષ્મ સમજાવે છે કે લીડરશિપ એ બાહ્ય સત્તા કરતાં આંતરિક નિયંત્રણનો વિષય વધારે છે. તેઓ કહે છે કે લીડરના મનની સ્થિતિ અને તેની વિચારવાની પ્રક્રિયા જ આખી સંસ્થા કે ટીમના ભવિષ્યનું નિર્ધારણ કરે છે.

પિતામહ ભીષ્મ અનુસાર લીડરની સાઇકોલોજીમાં સૌથી પહેલું લક્ષણ `આત્મસંયમ' હોવું જોઈએ. જો કોઈ લીડર પોતાની લાગણીઓ, ક્રોધ કે આકાંક્ષાઓ પર કાબૂ રાખી શકતો નથી, તો તે પોતાની ટીમ પર ક્યારેય સંતુલિત રીતે પ્રભાવ પાડી શકતો નથી. આજના કોર્પોરેટ યુગમાં જેને આપણે `ઇમોશનલ ક્વોશન્ટ' કહીએ છીએ, તે જ વિચાર ભીષ્મે હજારો વર્ષો પહેલાં રજૂ કર્યો હતો કે લીડરનું મન હંમેશાં સ્થિર રહેવું જોઈએ, જેથી તે દબાણની સ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લઈ શકે. તેમજ તેના સ્વભાવની મર્યાદાને કારણે તે પાછો ન પડવો જોઈએ, કારણ કે સ્વભાવ ઘણી બધી વખત વ્યક્તિની સ્કિલ્સ પર હાવિ થઈ જતો હોય છે.

આ ઉપરાંત તેમના માટે એક સફળ મેનેજર અથવા લીડર માટે માનસિક રીતે ફ્લેક્સિબલ હોવું અત્યંત અનિવાર્ય છે. ભીષ્મ સમજાવે છે કે લીડરની સાઇકોલોજી જડ ન હોવી જોઈએ. જે લીડર પરિવર્તનને સ્વીકારતો નથી અને માત્ર જૂના નિયમોને પકડી રાખે છે, તે સંસ્થાને પતન તરફ દોરી જાય છે. સમય અને સંજોગો મુજબ પોતાની રણનીતિ બદલવાની ક્ષમતા એ એક ઉચ્ચ કક્ષાની માનસિક સ્કિલ છે. લીડરે જાણવું જોઈએ કે ક્યારે કઠોર થવું અને ક્યારે નરમ વલણ અપનાવવું. આ માનસિક સંતુલન જ તેને ટીમના સભ્યો માટે વિશ્વસનીય બનાવે છે. જો લીડર અતિશય કઠોર હશે, તો તેના મેનેજમેન્ટ હેઠળ કામ કરતા લોકો ભયના કારણે સત્ય છુપાવશે અને જો તે અતિશય નરમ હશે, તો વ્યવસ્થા ખોરવાઈ જશે, તેથી સત્તા અને સહાનુભૂતિ વચ્ચેનો બ્રિજ બનાવવો એ લીડરની સાઇકોલોજીનું મુખ્ય પાસું છે.

વધુમાં ભીષ્મ `વિશ્વાસ' અને `તાર્કિક શંકા' વચ્ચેના મનોવૈજ્ઞાનિક દ્વંદ્વને બહુ સુંદર રીતે સ્પષ્ટ કરે છે. એક લીડર તરીકે તમારી ટીમ પર વિશ્વાસ કરવો જરૂરી છે, પરંતુ આંધળો વિશ્વાસ જોખમી બની શકે છે. લીડરની સાઇકોલોજી હંમેશાં ડેટા અને ફીડબેક પર આધારિત હોવી જોઈએ. તેમણે પોતાની આસપાસના સલાહકારોના પ્રભાવમાં આવ્યા વગર ગ્રાઉન્ડ લેવલની હકીકત જાણવાની માનસિક સજ્જતા રાખવી જોઈએ. આજના મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો, એક લીડરે `ક્રિટિકલ થિંકિંગ' અપનાવવું જોઈએ. કોઈ પણ માહિતીને સીધી સ્વીકારવાને બદલે તેની પાછળના હેતુઓને સમજવાની દૃષ્ટિ કેળવવી એ લીડરની સાઇકોલોજીનો હિસ્સો છે. શાંતિપર્વમાં ભીષ્મ કહે છે કે લીડરે હંમેશાં જાગૃત રહેવું જોઈએ, કારણ કે અસાવધાની એ નેતૃત્વનો સૌથી મોટો શત્રુ છે.

આર્થિક સંસાધનો અને માનવ સંસાધનોના સંચાલન વખતે લીડરની સાઇકોલોજી એક માળી જેવી હોવી જોઈએ, જે છોડને નુકસાન પહોંચાડ્યા વગર તેને પોષણ આપે છે. એક અસરકારક મેનેજર ક્યારેય પણ પોતાની ટીમના સભ્યોનું શોષણ કરીને પરિણામ મેળવવાનો પ્રયાસ કરતો નથી. તેની માનસિકતા હંમેશાં લાંબા ગાળાના વિઝન પર કેન્દ્રિત હોય છે. ટૂંકા ગાળાના ફાયદા માટે નૈતિક મૂલ્યો સાથે બાંધછોડ કરવી એ નબળા લીડરની સાઇકોલોજી છે. ભીષ્મના મતે, લીડરે નૈતિકતા અને વ્યાવહારિકતા વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. જેને તેમણે `આપદ્ધર્મ' તરીકે ઓળખાવ્યો છે, તે દર્શાવે છે કે સંકટના સમયે લીડરે નૈતિક રીતે વિચલિત થયા વગર રસ્તો કાઢવાની માનસિક તાકાત કેળવવી જોઈએ.

ઈનશોર્ટ, પિતામહ ભીષ્મના મતે લીડરની સૌથી મોટી માનસિક શક્તિ તેની ક્ષમા અને કૃતજ્ઞતા છે. પોતાના વિરોધીઓ પ્રત્યે પણ સન્માન જાળવવું અને ટીમના નાનામાં નાના સભ્યના યોગદાનને સ્વીકારવું એ લીડરની સાઇકોલોજીને વિશાળ બનાવે છે. જ્યારે એક મેનેજર પોતાની સફળતાનું શ્રેય ટીમને આપે છે અને નિષ્ફળતાની જવાબદારી પોતે સ્વીકારે છે, ત્યારે તે ખરા અર્થમાં ભીષ્મ દ્વારા વર્ણવેલ ગુણોને ચરિતાર્થ કરે છે. આ પ્રકારનું નેતૃત્વ માત્ર સત્તાના આધારે નથી ચાલતું, પરંતુ લોકોના હૃદય અને વિશ્વાસના આધારે ચાલે છે. શાંતિપર્વનો આ સંદેશ આજના જમાનાના મેનેજમેન્ટ અને લીડરશિપ ડેવલપમેન્ટ માટે એક અભૂતપૂર્વ મનોવૈજ્ઞાનિક નકશો પૂરો પાડે છે, જે સદીઓ પછી પણ એટલો જ પ્રસ્તુત અને પ્રેરણાદાયી રહ્યો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો