હજારો વર્ષ જૂના ઇતિહાસ અને ભવ્ય સ્થાપત્યો માટે દુનિયાના ઘણા દેશોની ગણના કરવામાં આવે છે, એમાં ચીન પણ બાકાત નથી. ચીનમાં આવેલા બેઇજિંગમાં ફોરબિડન સિટી એ વિશ્વના સૌથી ભવ્ય અને રહસ્યમય ઐતિહાસિક સ્થળોમાંનું એક માનવામાં આવે છે. તે એક એવો મહેલ છે જે તેની સંસ્કૃતિ, શાસન પદ્ધિત અને બ્રહ્માંડ સંબંધી માન્યતાઓને કારણે આજે પણ દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય છે.
ફોરબિડન સિટીની અદ્ભુત રચના
બેઇજિંગના હાર્ટ સમાન ગણાતું ફોરબિડનનું નિર્માણ 1420માં કરવામાં આવ્યું હતું. એ સમયે રાજા ક્વિંગ રાજવંશનો શાસનકાળ ચાલતો હતો અને સ્વર્ગના પુત્ર ગણાતા સમ્રાટોનું નિવાસસ્થાન હતું. ચીની ખગોળશાસ્ત્ર મુજબ આકાશમાં પર્પલ પોલર સ્ટાર એટલે કે ધ્રુવનો તારો સ્થિર છે અને બાકીના તારા તેની આસપાસ ફરે છે. આથી સમ્રાટનું ઘર પણ પૃથ્વીના કેન્દ્રમાં હોવું જોઈએ તેવી માન્યતાને આધારે તેને ઝિજિનચેંગ એટલે કે જાંબલી પ્રતિબંધિત શહેર એવું નામ આપવામાં આવ્યું હતું. આ આખું શહેર ઉત્તર દક્ષિણ ધરી પર બનેલું છે. સમ્રાટની ગાદી બરાબર આ ધરીની મધ્યમાં છે, જે દર્શાવે છે કે સમ્રાટ સમગ્ર સામ્રાજ્ય અને બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ છે. સુરક્ષાની વાત કરીએ તો મહેલની આજુબાજુ 10 મીટર ઊંચી દીવાલ અને 52 મીટર પહોળી પાણીની ખાઈ છે, જે આક્રમણ કરનારા લોકોથી રક્ષણ આપતી હતી. આ મહેલ ચીનના બે શક્તિશાળી રાજવંશો મિંગ અને ક્વિંગના 24 સમ્રાટોનું સત્તાવર નિવાસસ્થાન અને વહીવટી કેન્દ્ર રહ્યું હતું. ફોરબિડન સિટી વિશ્વનું સૌથી મોટું મહેલ સંકુલ છે, કારણ કે તે આશરે 7,20,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. અહીં આશરે 980 ઇમારતો અને 8700થી વધુ ઓરડાઓ છે.
સ્થાપત્યમાં પ્રતીકોનો સમાવેશ
ફોરબિડન સિટીની દરેક ઈંટ અને કોતરણી પાછળ એક ચોક્કસ અર્થ છુપાયેલો છે. છત ઉપર પીળી ટાઇલ્સ છે, જે સમ્રાટની સર્વોપરીતાનું પ્રતીક છે. મહેલની દીવાલો લાલ છે, જે ચીની સંસ્કૃતિમાં સંપત્તિ અને સુખનું પ્રતીક ગણાય છે. જોકે, શાહી પુસ્તકાલયની છત કાળા રંગની છે, કારણ કે કાળો રંગ પાણી સાથે જોડાયેલો છે અને તે પુસ્તકોને આગથી બચાવશે તેવી માન્યતા હતી. ચીની પરંપરામાં નવ એ સર્વોચ્ચ અંક છે. મહેલના દરવાજાઓ પર ઘણીવાર 9 x 9 એટલે કે 81 ખીલાઓ જોવા મળે છે. છતના ખૂણાઓ પર હરોળમાં નાનાં પ્રાણીઓનાં શિલ્પો હોય છે. જે ઇમારત જેટલી મહત્ત્વની, તેના પર તેટલાં જ વધુ પ્રાણીઓ જોવા મળે છે.
મહત્ત્વની ઇમારતો
ફોરબિડન સિટી બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ એ બાહ્ય દરબાર છે. આ ભાગનો ઉપયોગ જાહેર સમારંભોમાં ઉત્સવો અને સત્તાવાર કાર્યો માટે થતો હતો. અહીં હોલ ઓફ સુપ્રીમ હાર્મની સૌથી મહત્ત્વની ઇમારત છે. ત્યાં સમ્રાટની ગાદી આવેલી છે. જ્યારે બીજા ભાગને આંતરિક દરબાર કહેવામાં આવે છે. આ સમ્રાટ અને તેમના પરિવારનું ખાનગી નિવાસસ્થાન હતું. અહીં રાણીઓ અને બાળકો માટે અલગ અલગ મહેલો અને સુંદર બગીચાઓ આવેલા છે. મેરિડિયન ગેટ જે મહેલનો મુખ્ય દરવાજો છે, જ્યાંથી સમ્રાટ સેનાનું નિરીક્ષણ કરતા હતા.
મહેલની જીવનશૈલી
આ શહેરની અંદર હજારો લોકો રહેતા હતા, જેમાં સમ્રાટ, તેમનો પરિવાર, મંત્રીઓ, સેવકો અને રક્ષકોનો સમાવેશ થતો હતો. રસોડામાં દરરોજ અનેક વાનગીઓ બનાવવામાં આવતી. ભોજનમાં સમ્રાટને કોઇ ઝેર ન આપી દે એટલે દરેક વાનગીઓ ચાખવાની અલગ વ્યવસ્થા હતી. શિયાળામાં મહેલને ગરમ રાખવા માટે જમીનની નીચે ખાસ ગરમી વહન કરતી નળીઓની વ્યવસ્થા એ સમયમાં કરવામાં આવી હતી, જે અદ્ભુત હતી.
સંગ્રહાલયમાં પરિવર્તન
1911ની ક્રાંતિ પછી ચીનમાં રાજાશાહીનો અંત આવ્યો. અંતિમ સમ્રાટ પુ-યીને 1924માં મહેલ છોડવાની ફરજ પડી. ત્યારબાદ આ ભવ્ય વારસાને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આજે `પેલેસ મ્યુઝિયમ'માં મિંગ અને ક્વિંગ કાળના લાખો કલામય નમૂનાઓ, ચિત્રો, વાસણો અને આભૂષણોનો સંગ્રહ આ મ્યુઝિયમમાં જોઇ શકાય છે. 1987માં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી.
ફોરબિડન સિટી એ માત્ર પ્રાચીન ઇમારત નથી, પણ તે માનવીય કલ્પનાશક્તિ અને શક્તિના પ્રદર્શનનું સર્વોચ્ચ શિખર છે. તે ચીની ઇતિહાસના ઉતાર-ચઢાવનો સાક્ષી રહ્યો છે અને આજે વિશ્વભરના પ્રવાસીઓને પોતાની ભવ્યતાથી મંત્રમુગ્ધ કરે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
