વિશ્વના સ્થાપત્ય ઈતિહાસમાં કેટલાંક એવાં સ્મારકો છે જે માત્ર ઈમારતો નથી, પરંતુ સમગ્ર સંસ્કૃતિ, સત્તા અને રહસ્યોનાં પ્રતીક છે. ચીનની રાજધાની બેઇજિંગમાં આવેલું ફોરબિડન સિટીઆવું જ એક સ્થાપત્ય છે. આશરે 500 વર્ષ સુધી આ વિશાળ મહેલ ચીનના સમ્રાટોનું નિવાસસ્થાન અને દેશનું શાસન કેન્દ્ર પણ રહ્યો હતો.
મહેલનો ઇતિહાસ
ફોરબિડન સિટીનું નિર્માણ મિંગ વંશના ત્રીજા સમ્રાટ યોંગલેના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1406માં શરૂ થયું હતું અને 1420માં પૂર્ણ થયું હતું. આ ભવ્ય સંકુલ તૈયાર કરવા માટે 10 લાખથી વધુ કારીગરો અને મજૂરોએ 14 વર્ષ સુધી સતત કામ કર્યું હતું. 1420થી 1912 સુધી મિંગ અને કિંગ રાજવંશના કુલ 24 સમ્રાટોએ આ મહેલમાંથી ચીન પર રાજ કર્યું. 20મી શતાબ્દીની શરૂઆતમાં છિંગ રાજવંશના પતન સાથે ચીનમાં શાહી શાસન સમાપ્ત થઇ ગયું. પૂર્વ શાસક થોડા સમય સુધી મહેલના અમુક ભાગમાં રહ્યા, પછી તેમને અહીંથી જવું પડ્યું. એ પછી ફોરબિડન સિટીને સંગ્રહાલયમાં બદલી દેવામાં આવ્યું. જે જગ્યા પહેલાં સામાન્ય જનતા માટે સંપૂર્ણ રીતે બંધ હતી, એ દુનિયાભરના લોકો માટે ખોલી દેવામાં આવી. અહીં ઐતિહાસિક કલાકૃતિઓ, શાહી ખજાનો અને ચીનનું સામ્રાજ્ય ઇતિહાસ સાથે જોડાયેલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1987માં યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કર્યું.
નિષેધ શહેર નામ શા માટે?
ચીની ભાષામાં તેને ઝિજિન ચારંગ કહેવામાં આવે છે. પ્રાચીન ચીનમાં સમ્રાટને આકાશનો પુત્ર માનવામાં આવતો હતો. આથી તેમની સુરક્ષા જાળવવા માટે સામાન્ય પ્રજાનો આ મહેલમાં પ્રવેશ સખત વર્જિત હતો. સમ્રાટની પરવાનગી વિના જો કોઈ સામાન્ય નાગરિક મહેલની સીમામાં પગ મૂકવાની હિંમત કરે, તો તેને મૃત્યુદંડ આપવામાં આવતો હતો. આ જ સખત નિયમોના કારણે આ સ્થળ સમગ્ર વિશ્વમાં `ફોરબિડન સિટી' તરીકે ઓળખાયું.
સ્થાપત્ય અને અજાયબી
આ મહેલ સંકુલ આશરે 180 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તેની ચારેય બાજુ 10 મીટર ઊંચી રક્ષણાત્મક દીવાલો અને દસ-બાર નહીં પરંતુ બાવન મીટર જેટલી પહોળી પાણીની ખાડી બનાવવામાં આવેલી છે. લોકવાયકા મુજબ આ મહેલમાં 9,999 ઓરડાઓ છે. ચીની સંસ્કૃતિમાં `9'નો આંકડો સ્વર્ગ અને અમરત્વનું પ્રતીક મનાય છે. જોકે, આધુનિક સર્વેક્ષણ મુજબ તેમાં આશરે 8,707 ઓરડાઓ આવેલા છે. મહેલના મોટાભાગના છાપરાઓ પર પીળા રંગની ટાઇલ્સ છે, જે સમ્રાટની સત્તાનું પ્રતીક માનવામાં આવે છે. માત્ર શાહી પુસ્તકાલયનું છાપરું કાળા રંગનું છે, કારણ કે ચીની પરંપરામાં કાળો રંગ પાણીનું પ્રતીક છે, જે પુસ્તકોને આગથી બચાવે છે.
મહેલની સ્થાપત્ય કલા અનોખી છે. આટલો મોટો મહેલ મુખ્યત્વે લાકડામાંથી બનાવવામાં આવ્યો છે. નવાઇની વાત તો એ છે કે એમાં એક પણ ખીલીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તમામ લાકડાંનું જોડાણ પરંપરાગત ચીની `ડુઓગાંગ' પદ્ધતિથી ફિટ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ પદ્ધતિ ભૂકંપ સામે પણ ઈમારતને મજબૂતી આપે છે.
રસપ્રદ અને અજાણી વાતો
આજે પણ ફોરબિડન સિટીમાં 150થી વધુ રખડતી બિલાડીઓ રહે છે. બિલાડીઓનું સૈન્ય રહે છે એવું પણ કહી શકાય. આ બિલાડીઓને મ્યુઝિયમ સ્ટાફ દ્વારા ખોરાક આપવામાં આવે છે, કારણ કે તેઓ મહેલના પ્રાચીન લાકડાના સ્થાપત્ય અને કીમતી દસ્તાવેજોને ઉંદરોથી બચાવવાનું કામ કરે છે.
બેઇજિંગમાં શિયાળામાં આકરી ઠંડી પડે છે. સમ્રાટોને ઠંડીથી બચાવવા માટે ઓરડાના ફ્લોરિંગ નીચે ખાસ હોલો પથ્થરોની પાઇપલાઇન બનાવવામાં આવી હતી, જેમાં બહારથી ગરમ હવા પસાર કરીને આખા રૂમને ગરમ રાખવામાં આવતો હતો. આ એ સમયના એન્જિનિયરિંગની ખૂબી જ કહી શકાય. મહેલના મુખ્ય હોલ પાછળ 16.5 મીટર લાંબો અને 300 ટન વજન ધરાવતો એક જ આખો પથ્થર છે. એવું કહેવાય છે કે, શિયાળામાં રસ્તા પર પાણી છાંટીને બરફ બનાવી, તેના પર આ ભારે પથ્થરને 70 કિલોમીટર દૂરથી ખેંચીને લાવવામાં આવ્યો હતો.
અડધી સદી સુધી સત્તા, રાજકારણ અને રહસ્યોનું કેન્દ્ર રહેલું ફોરબિડન સિટી આજે ચીનની પ્રાચીન ભવ્યતા અને અજોડ કલાત્મકતાનું સુંદર ઉદાહરણ બનીને વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
