સોના અને ચાંદીના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે તમને ક્યાંકથી સોના કે ચાંદીનો ખજાનો મળી જાય તો? તો જે ખુશી અનુભવો તેને વ્યક્ત કરવી અશક્ય બની જાય, ખરુંને? એવો જ એક પ્રાચીન ખજાનો વર્ષો પહેલાં મળી આવ્યો હતો, જે આપણને ઈ.સ. પૂર્વે ચોથી અને પાંચમી સદીના પર્શિયન સામ્રાજ્યના વૈભવની યાદ અપાવે છે. જ્યારે આ ખજાનો મળ્યો, ત્યારે તેણે ઇતિહાસકારોની પર્શિયન કળા વિશેની સમજને ધડમૂળથી બદલી નાખી હતી.
ખજાનાની રહસ્યમય કથા
આ ખજાનો જે વિસ્તારમાંથી મળ્યો તે અત્યારનું તાજિકિસ્તાન છે. તે પ્રાચીન સમયમાં બેક્ટ્રિયા પ્રદેશનો ભાગ હતો. આ પ્રદેશ પર્શિયન સામ્રાજ્યની સરહદ ઉપર હોવા છતાં અત્યંત મહત્ત્વનો વ્યાપારી માર્ગ હતો. તેથી આ ખજાનો રહસ્યમય છે એવું કહી શકાય, કારણ કે ઇતિહાસકારો માને છે કે ખજાનો કોઈ રાજાનો નહોતો, પરંતુ કદાચ કોઈ પ્રાચીન મંદિરનો હતો. જ્યારે સિકંદરના આક્રમણ વખતે અરાજકતા ફેલાઈ, ત્યારે લૂંટારુઓથી બચાવવા માટે કોઈ પૂજારીએ આ આખો ખજાનો નદીકિનારે દાટી દીધો હશે, જે 2000 વર્ષ સુધી ત્યાં જ રહ્યો.
1899માં મધ્ય એશિયામાં વહેતી ઓક્સસ નદી જેને અત્યારે આમુ દરિયા કહેવામાં આવે છે. આ કિનારેથી ખજાનો મળી આવ્યો હતો, જે અત્યારે તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદમાં આવે છે. સ્થાનિક લોકોએ આ ખજાનો ત્રણ વેપારીઓને વેચ્યો હતો. જેઓ રાવલપિંડી અત્યારનાં પાકિસ્તાન તરફ જઇ રહ્યા હતા. રસ્તામાં ડાકુઓએ તેમના પર હુમલો કરી ખજાનો લૂંટ લીધો હતો. પરંતુ બ્રિટિશ લશ્કરી અધિકારી કેપ્ટન બર્ટન દ્વારા આ વેપારીઓને બચાવવામાં આવ્યા અને ખજાનો પાછો મેળવવામાં આવ્યો. આ કીમતી વસ્તુઓ લંડન પહોંચી અને આજે તે બ્રિટિશ મ્યુઝિયમમાં સચવાયેલી છે.
કલાકૃતિઓનું વિશ્લેષણ
ઓક્સસ ટ્રેઝરની વસ્તુઓમાં જે પદ્ધતિઓ વપરાઈ છે, એ તે સમયના એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે. તેમાં ચેઝિંગ અને રિપોઝનો સમાવેશ થાય છે. સોનાની પાતળી પ્લેટોને પાછળથી ફટકારીને ઉપસાવેલી આકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. આ પદ્ધતિ આજે પણ જ્વેલરી બનાવવામાં વપરાય છે. કેટલીક વસ્તુઓમાં કીમતી પથ્થરો જડવા માટે સોનાના તારથી ખાનાં બનાવવામાં આવ્યાં હતાં. આ દર્શાવે છે કે પર્શિયનો રત્નકલામાં કેટલા નિપુણ હતા!
મહત્ત્વની કલાકૃતિઓનું વર્ણન
સુવર્ણ રથ - સામ્રાજ્યનું પ્રતીક : આશરે 19 સેમી લાંબો સોનાનો નાનકડો રથ છે, જે એકેમેનિડ યુગના રથોની ડિઝાઈન સમજવા માટેનું એકમાત્ર સાધન છે. રથનાં પૈડાંમાં ઝીણી કોતરણી છે અને રથની આગળની બાજુએ પર્શિયન દેવતા અથવા રાજવી પ્રતીકની આકૃતિ હોવાનું મનાય છે. રથમાં બેઠેલી બે વ્યક્તિઓમાંથી એક સારથિ છે અને બીજી વ્યક્તિ ઉચ્ચ હોદ્દાનો અધિકારી અથવા રાજા પોતે છે.
ગ્રિફિન બાજુબંધ : આ બાજુબંધની જોડ સૌથી વધુ ચર્ચિત છે. ગ્રિફિન એ એક પૌરાણિક પ્રાણી છે, જેનું શરીર સિંહનું, પાંખો ગરુડની અને માથું પણ ગરુડ જેવું હોય છે. આ બાજુબંધોમાં પોલાણ છે, જેમાં અગાઉ કદાચ કીમતી રત્નો ભરેલાં હશે. તેનાં શિંગડાં અને પાંખોની બારીકી જોતાં લાગે છે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ માટે નહીં, પણ ખુદ સમ્રાટ માટે બનાવવામાં આવ્યાં હશે.
સોનાની પ્લેટો : ખજાનામાં લગભગ 50 જેટલી સોનાની પાતળી પ્લેટો મળી છે. આ પ્લેટો પર જે આકૃતિઓ છે તે મોટાભાગે ધાર્મિક મહત્ત્વ દર્શાવી રહી છે. જેમ કે, હાથમાં બાર્સમ પકડેલી જોવા મળે છે. આ ઝોરોસ્ટ્રિયન ધર્મની પૂજા પદ્ધતિનો ભાગ છે. તેનાથી સાબિત થાય છે કે આ ખજાનો કોઈ ધાર્મિક સ્થળ સાથે જોડાયેલો હતો.
સિક્કાઓ અને આર્થિક ઇતિહાસ
ખજાનામાં મળેલા 1,500 સિક્કાઓ વિવિધ પ્રદેશોના છે. તેમાં ડેરિક એટલે કે સોનાના સિક્કા અને ગ્રીક સિક્કાઓ સામેલ છે. આ સિક્કાઓ પર ધનુષધારી રાજાની આકૃતિ છે, જે એકેમેનિડ સામ્રાજ્યનું સત્તાવાર ચલણ હતું.
આ સિક્કાઓ પરથી એલેક્ઝાન્ડરના આક્રમણ પહેલાંના પર્શિયાની આર્થિક સ્થિતિ અને વ્યાપારિક સંબંધોનો ખ્યાલ આવે છે.
રસ્તાની લૂંટથી મ્યુઝિયમ સુધી ખજાનાની સફર
જ્યારે 1880માં કેપ્ટન બર્ટને ડાકુઓ પાસેથી આ ખજાનો છોડાવ્યો, ત્યારે ડાકુઓએ કેટલીક વસ્તુઓ પીગળાવવાની તૈયારી કરી લીધી હતી. નસીબજોગે, મોટાભાગનો ખજાનો બચી ગયો. બર્ટને પોતે પણ આ ખજાનામાંથી એક બાજુબંધ ખરીદ્યું હતું, જે પાછળથી બ્રિટિશ મ્યુઝિયમને દાનમાં અપાયું.
પ્રાચીન પર્શિયનો માત્ર યોદ્ધાઓ જ નહોતા, પરંતુ તેઓ કલાના પરમ ઉપાસક હતા. તેમની સંસ્કૃતિમાં પ્રાણીઓ, કુદરત અને ધર્મનો સુમેળ હતો. આજે આ ખજાનો લંડનમાં હોવા છતાં, તે ઈરાન અને મધ્ય એશિયાના ગૌરવશાળી ઈતિહાસનો સાક્ષી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
