પતિ-પત્નીના સંબંધોમાં સમયની સાથે એટલું મોટું પરિવર્તન આવે છે કે જે બાબતો પહેલાં ખૂબી લાગતી હતી તે ખામી તરીકે જોવાય છે. વાતે-વાતે `તુમ આ કોઇ ઔર નહીં'નાં ગીતો `હે ભગવાન' આ મને જ કેમ મળ્યા?ના અફસોસમાં રૂપાંતરિત થાય છે. બંનેનો નશો નફરતના સૂરમાં બદલાવા માંડે છે. હા, આ બધા માટે જીવનની કેટલીક અનિચ્છનીય વાસ્તવિકતા તો જવાબદાર છે જ, પરંતુ પાર્ટનરની ખામીઓ શોધવાની ટેવ પણ એટલી જ જવાબદાર છે. જો પાર્ટનર વેલ વિશર તરીકે જ ખામીઓ બતાવે છે તો સામી વ્યક્તિ કદાચ સુધરવાનો પ્રયત્ન કરે, પરંતુ ખામી બતાવતી વખતે અહંકાર યા પાર્ટનરને ઊતરતા બતાવવાનો ટોન હશે તો એની નકારાત્મક અસર અવશ્ય પડશે.
ભાવનાત્મક દૂરી : ખામીઓ બતાવવાની ટેવ ઇમોશનલ ડિસ્ટન્સ યાને ભાવનાત્મક દૂરી ઊભી કરે છે. એક પાર્ટનર માટે એ ઘર કે ખામી શોધનાર બીજો પાર્ટનર એક સુરક્ષિત સ્થાન નથી રહેતું બલ્કી એક `જજમેન્ટલ ઝોન' બની જાય છે. લોકો સ્વાભાવિક રીતે પોતાની ખામી જોતાં લોકોથી દૂર ભાગે છે. ઘણાં સ્ત્રી-પુરુષો પોતાને ટીકાનો ભાગ ન બનવું પડે એ માટે પાર્ટનર સાથે જરૂરથી વધારે વાત નથી કરતા.
આત્મવિશ્વાસમાં કમી : સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ માટે પોતાની સેલ્ફ-ઇમેજથી બહારનું સાંભળવું મુશ્કેલ છે. વ્યક્તિ પોતાનામાં કોઇ ખામી નથી જોઇ શકતી, પરંતુ જ્યારે પાર્ટનર સતત ખામીઓ બતાવે ત્યારે ખુદની ખુદ માટેની ઇમેજ અને પાર્ટનરે બતાવેલી ઇમેજ વચ્ચે અંતર દેખાય છે. જેમાં વ્યક્તિ શરમિંદગી અનુભવે છે. બીજું, લગાતાર કોઇ તને ખબર નથી પડતી, તને કશું આવડતું નથી કે તમે કેવા વિચિત્ર દેખાવો છો જેવી ટીકા કરે તો વ્યક્તિનો આત્મવિશ્વાસ તૂટે છે. એના મનમાં સવાલ જાગે છે કે ખરેખર હું કંઇ કામનો નથી? કે હું બધું બગાડી કાઢું છું વગેરે.
ગુસ્સો અને આક્રોશ : ખુશામત ખુદાને પ્યારી હોય તો માણસને તો હોવાની જ ને? પ્રશંસાનાં ફૂલોને બદલે ખામીઓના પથ્થરોથી સતત ઘાયલ કરવામાં આવે તો દિલ તૂટે છે, ભરોસો તૂટે છે, આત્મસન્માન પણ તૂટે છે અને મનમાં એક નકારાત્મક - હતાશાજનક ઘૂંઘવાટ ઊભો થાય છે, જે ધીરે-ધીરે ગુસ્સાનું રૂપ ધારણ કરે છે. બની શકે શરૂઆતમાં ચૂપ રહીને સાંભળી લો, સુધારવાનો પ્રયત્ન પણ કરે, પરંતુ જેવી એની સહનશક્તિની હદ પૂરી થશે એનો દબાયેલો આક્રોશ ગુસ્સા રૂપે, શબ્દો રૂપે પ્રગટશે. એ તમારી ખામીઓને પણ મેગ્નિફાય કરીને બતાવશે.
વાતચીત બંધ થવી : પતિ-પત્ની એકબીજાનાં સપનાં, સંઘર્ષ, ડર અને મનમાં ચાલતી ગડમથલોને શેર કરે છે. એકબીજાને ખુશ કરવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ પાર્ટનરની ખામી બતાવવાની આદત આ શેરિંગ અને પ્રયાસ બંને પર પૂર્ણવિરામ મુકાવે છે. `હું કંઇ પણ કરીશ એને તો કંઇ પસંદ આવવાનું જ નથી' એવું વિચારી ન તો એ જરૂર સિવાયની વાતો કરે છે કે કામ કરે છે. એના દિલના દરવાજા એવા બંધ થઇ જાય છે કે પછી કોઇ ચાવી કામ નથી લાગતી.
રક્ષાત્મક વલણ : જે માણસની સતત ભૂલ જોવામાં આવે છે, તે હંમેશાં ડિફેન્સ મોડ પર આવી જાય છે. સામાન્ય વાતમાં પણ એ બચાવ કરશે. સીધી વાત પણ એને આક્ષેપ લાગશે.
રોમાન્સ અને આત્મીત્યતાનું ઘટવું: શારીરિક અને ભાવનાત્મક આત્મીયતા માટે જોડાણ અને સ્વીકાર બંને અનિવાર્ય છે. આખો દિવસ પાર્ટનરની ખામીઓ જ ગણાવવી હોય તો રાત્રે એ પાર્ટનર જોડાણ કે લગાવ નહીં અનુભવે. આવા સંબંધો દોસ્તી કે પ્રેમનું નહીં, પરંતુ બોસ અને કર્મચારીનો બની જાય છે.
સતત ડરનો અહેસાસ : જેમનામાં ખામી જ શોધાય છે તેવી વ્યક્તિ હર સમયે ડરી-ડરીને જીવે છે. ફૂંકી-ફૂંકીને કદમ ભરે છે કે જેથી કોઇ ભૂલ ન થઇ જાય. સામી વ્યક્તિ મેણાં-ટોણાં મારીને ઉતારી પાડે એવા ડરથી તેઓ એમનામાં જે કંઇ સારું છે એ બાબત પર પણ શંકા કરશે. ડર એમની ક્ષમતાને શંકામાં બદલી નાંખશે અને સંબંધોમાંથી ખુશી, સન્માન અને આત્મીયતાને ધીરે ધીરે અદૃશ્ય કરશે.
અગર પાર્ટનર તરીકે તમારામાં પણ આવી આદત છે તો એને કઇ રીતે સુધારશો?
80-20 નિયમ : અગર આપ પાર્ટનરને એક વાર કોઇ ભૂલ માટે ટોકો છો તો કમ સે કમ કામ માટે પણ એની પ્રશંસા કરો. જ્યારે ખામીની સાથે વિશિષ્ટતા પર પણ ધ્યાન અપાય તો માણસ ખુદને બદલવા માટે, ભૂલ શોધવા માટે હોંશે-હોંશે તૈયાર થશે.
`તું'ની જગ્યાએ `હું' કે `મને' શબ્દનો પ્રયોગ : ઘણી વખત વ્યક્તિ બીજાને ચિંતા કે કાળજીની ભાવનાને કારણે પણ ટોકે છે, પરંતુ શબ્દોની અને અભિવ્યક્તિની ખોટી રીત બાજી બગાડી નાંખે છે. `તું હંમેશાં મોડી આવે છે એવું કહેવાને બદલે જ્યારે તું મોડી આવે છે ત્યારે મને ચિંતા થાય છે એવું કહેવાથી વાતનો સૂર બદલાઇ જશે.'
પરફેક્શનની આશા છોડો : આ દુનિયામાં કોઇ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો. વળી, માત્ર ખૂબીઓને નહીં ખામીઓને પણ સ્વીકારે એ જ સાચો સંબંધ. પરસ્પરની ખામીઓ શોધવાને બદલે પરસ્પર પૂરક બનવાનો પ્રયાસ કરાય.
એક મજબૂત સંબંધનો પાયો વિશ્વાસ અને ઇજ્જત હોય છે. ખામીઓ શોધવાથી ઇજ્જત ઘટે છે અને જ્યાં ઇજ્જત નહીં હોય ત્યાં પ્રેમ નથી ટકતો. માટે પાર્ટનરની ભૂલો નહીં એનો હાથ પકડો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો