રોમેન્ટિક વાતાવરણમાં પ્રેમી-પ્રેમિકા મળે છે. કોઈ જોતું નથી તેની ખાતરી કરી પ્રેમી પ્રેમિકાને કિસ કરવા જાય છે અને અચાનક તેને છીંક આવી જાય છે. બીજી જ પળે પ્રેમી દૂર જઈ પડે છે, કેમ કે પ્રેમિકાએ લાત મારી હતી. કોરોના કાળમાં ફરતી આ જોક વાત માંડવા માટે યાદ કરવી પડી. છીંકને અંગ્રેજીમાં Sneeze કહેવામાં આવે છે. આમ તો છીંક એ નાકના પોલાણને સાફ કરવાના ઉદ્દેશથી થતો હવાનો એક તીવ્ર અને અનૈચ્છિક નિકાસ છે. જોકે, મૂળભૂત રીતે તે એક જૈવિક પ્રતિક્ષિપ્ત ક્રિયા (reflex) છે, તેમ છતાં તે માનવ વર્તન અને જાહેર આરોગ્ય માળખાગત સુવિધાઓ પર જટિલ અસરો જન્માવે છે. જોકે, છીંકનો આરોગ્યશાસ્ત્ર સાથે જ સંબંધ નથી.  

આરોગ્યશાસ્ત્ર પ્રમાણે શારીરિક રીતે છીંક એ એક ઝડપી, સંકલિત ચેતા-સ્નાયુ ઘટના છે, જેને વૈજ્ઞાનિક રીતે સ્ટર્ન્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. છીંક આવવાના ફાયદા છે, તે શા માટે સારી છે? તે શરીરની સફાઈ કરે છે, જ્યારે નાકમાં ધૂળ, ધુમાડો, પરાગરજ (pollen) કે કોઈ કચરો જાય છે, ત્યારે મગજ છીંક દ્વારા તેને તીવ્ર ગતિથી બહાર ફેંકી દે છે. ચેપથી બચાવે છે, નાકના માર્ગમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને વાઇરસને ફેફસાં સુધી પહોંચતા અટકાવે છે. હવામાન, ઠંડી હવા કે તીવ્ર વાસની તાત્કાલિક પ્રતિક્રિયા શરીર છીંક વડે આપે છે. એટલું જ નહિ કમ્પ્યૂટરની જેમ નાકને રિસેટ કરે છે. વૈજ્ઞાનિક સંશોધનો મુજબ છીંક આવવાથી નાકની અંદરના કોષો (cilia) ફરીથી સક્રિય એટલે કે `રિસેટ' થાય છે.   

છીંક આવવી તે શરીરની એક કુદરતી રક્ષણાત્મક પ્રક્રિયા છે, જે નાકમાંથી જંતુઓ, ધૂળ અને અન્ય બળતરા પેદા કરતા કણોને બહાર કાઢે છે. જોકે, અતિશય છીંક આવવી એ એલર્જી અથવા બીમારીનું લક્ષણ હોઈ શકે છે અને છીંકને રોકવાનો પ્રયાસ કરવો જોખમી છે. ક્યારેક છીંક સમસ્યા સૂચવે છે. વારંવાર છીંક આવવી એ ઘણીવાર સૂચવે છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ ધૂળના રજકણો (ડસ્ટ માઈટ્સ), પાલતુ પ્રાણીઓના વાળ કે ચામડીના કણો (પેટ ડેન્ડર) અથવા પરાગરજ પ્રત્યે વધુ પડતી પ્રતિક્રિયા આપી રહી છે અથવા શરદી કે ફ્લૂ થવાનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે.   

કોવિડ-19 રોગચાળાએ છીંકના દરજ્જાને કાયમ માટે બદલી નાખ્યો. જેને એક સમયે નાની, ક્ષણિક હેરાનગતિ માનવામાં આવતી હતી, તે હવે અતિશય સતર્કતા, આજુબાજુ તરફ શકમંદ નજર અને નજીકના લોકોથી તાત્કાલિક શારીરિક અંતરનો દરજ્જો મેળવે છે. ઘણા લોકો ચાલુ સભામાં કે ચાર લોકોની વચ્ચે શરમના લીધે નાક અને મોં દબાવીને છીંક રોકવાનો પ્રયત્ન કરે છે, જે ખૂબ જ ખતરનાક છે. છીંક રોકવાથી ગંભીર નુકસાન થઈ શકે છે. છીંક રોકવા માટે નાક દબાવવું અને મોં બંધ કરવું તબીબી રીતે નિરુત્સાહિત છે. તે માથામાં તીવ્ર દબાણને પાછળની તરફ ધકેલે છે, જે કાનનો પડદો ફાડી શકે છે, આંતરિક કાનમાં ઇજા પહોંચાડી શકે છે. ભાગ્યે જ પરંતુ કોઈ કિસ્સામાં રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે. હંમેશાં છીંકને કુદરતી રીતે બહાર આવવા દેવી જોઈએ. છીંકતી વખતે રૂમાલ, ટિશ્યૂ પેપર કે ઓછામાં ઓછું નાક સામે હથેળીની આડશ કરી દેવી જોઈએ, જેથી અન્યોને તકલીફ ન પડે.  

છીંકને ગુનાખોરી સાથે પણ સંબંધ છે. જેટલી વધુ છીંક એટલા ઓછા ગુના? સ્વાસ્થ્યને લગતા આંચકા અને ગુનાખોરીના બજાર બાબતે એક સંશોધન કહે છે કે યુ.એસ. શહેરોમાં હિંસક ગુનામાં એવા દિવસોમાં ઘટાડો થાય છે જ્યારે સ્થાનિક પરાગ ગણતરી અસામાન્ય રીતે વધારે હોય છે. છીંક ખાવાથી તમારું પેટ નથી ભરાતું, પણ અન્ય કોઈનું પેટ ભરાઈ શકે છે. સામાન્ય ગણાતી છીંકનું આરોગ્યશાસ્ત્ર સાથે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આવતા સપ્તાહે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો