દરેક વ્યક્તિના બકેટ લિસ્ટમાં એક જગ્યા હોય જ છે, જ્યાં એ ન ગયો હોય તો જવાની ઇચ્છા થાય અને જો ગયો હોય તો ફરી જવાની ઇચ્છા હોય. ભારતમાં પણ એક જગ્યા એવી છે. આ જગ્યાએ કોમનમેન જ નહીં ઘણાં સેલેબ્સને પણ ફરવા જવાની ઇચ્છા હોય છે. ઉત્તરાખંડમાં મસૂરીથી માત્ર 4થી 6 કિલોમીટર દૂર, દરિયાઈ સપાટીથી આશરે 7,500 ફૂટની ઊંચાઈએ આવેલું `લેન્ડોર' કુદરતી સૌંદર્ય અને શાંતિથી ભરેલું એક નાનું છતાં અત્યંત સુંદર હિલસ્ટેશન છે. મસૂરીની ભીડભાડથી દૂર દેવદારનાં ઘનઘોર જંગલો, ધુમ્મસભરી વાદીઓ અને બ્રિટિશ સમયના જૂના બંગલાઓ વચ્ચે વસેલું લેન્ડોર કુદરતપ્રેમીઓ માટે એક સ્વર્ગ સમાન છે. આ જગ્યા શાંત છે, મેટ્રોસીટીના દેખાડા અને શોરબકોરથી દૂર છે.    

 લેન્ડોરનો ઇતિહાસ   

લેન્ડોરની સ્થાપના 1827માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી. તે સમયે આ વિસ્તારનો ઉપયોગ બ્રિટિશ આર્મીના ઘાયલ અને બીમાર સૈનિકો માટેના `સૈન્ય કેન્ટોન્મેન્ટ' અને સેનેટોરિયમ (આરોગ્ય કેન્દ્ર) તરીકે થતો હતો. આ ગામનું નામ વેલ્સના `લેન્ડોવરી' ગામ પરથી રાખવામાં આવ્યું હતું. આજે પણ અહીં વિન્ટેજ બ્રિટિશ આર્કિટેક્ચર, પથ્થરના કોટેજ અને ઔપનિવેશિક સમયનાં ઐતિહાસિક સ્મારકો જોવા મળે છે. પ્રખ્યાત ભારતીય-બ્રિટિશ લેખક રસ્કિન બોન્ડ વર્ષોથી અહીં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. જે જે લોકો રસ્કિન બોન્ડનાં લખાણના ફેન્સ છે તેઓ પણ પોતાના ગમતા લેખકને મળવા અહીં આવી જાય છે.   

 ફરવાલાયક મુખ્ય જગ્યાઓ   

લાલ ટિબ્બા : લેન્ડોર અને મસૂરીનો સૌથી ઊંચો પોઈન્ટ. અહીં મૂકેલા ટેલિસ્કોપથી હિમાલયની બરફાચ્છાદિત પહાડીઓ (જેમ કે બંદરપૂછ, ગંગોત્રી અને યમુનોત્રી)નો અદ્ભુત નજારો જોવા મળે છે.  

ચાર દુકાન : સેન્ટ પોલ્સ ચર્ચ પાસે આવેલું આ નાનું બજાર `ચાર દુકાન' તરીકે ઓળખાય છે. અહીંના હોટ પેનકેક, વાફલ્સ, પરાંઠા, આમલેટ અને મેગી બહુ પ્રખ્યાત છે.  

સિસ્ટર્સ બજાર : ઐતિહાસિક બજાર જ્યાં શાંતિથી ટેહલવાની અને સ્થાનિક ખરીદી કરવાની મજા કંઈક અલગ જ છે.  

સેન્ટ પોલ્સ અને કેલોગ મેમોરિયલ ચર્ચ : 1840માં સ્થપાયેલું સેન્ટ પોલ્સ ચર્ચ અને ગૌથિક આર્કિટેક્ચર ધરાવતું કેલોગ ચર્ચ બ્રિટિશ સ્થાપત્યકળાના સુંદર નમૂના છે. લેન્ડોરની સ્પેશિયાલિટી   

અહીંની 19મી સદીની જૂની રેસિપી પ્રમાણે બનેલી કેક, પેસ્ટ્રી, ક્રોસન્ટ્સ, શેક અને કૂકીઝ આખી દુનિયામાંથી આવતા પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય છે.  

એ સિવાય 1830ના દાયકાની પરંપરાગત પદ્ધતિથી બનતું હોમમેડ પીનટ બટર, વિવિધ ફ્લેવરના જામ, જેલી અને ચીઝ ખરીદવા માટે સિસ્ટર્સ બજારમાં તમે જઇ શકો છો, ત્યાં તમને અનેક જગ્યાએ હોમમેડ પીનટ બટર મળી જશે.   

શાંતિ અને પ્રકૃતિ સાથેનો સંવાદ: 

અહીં કોઈ ઝાકઝમાળ કે કોમર્શિયલ બજાર નથી, પરંતુ શાંત વોકિંગ પાથ (`લેન્ડોર લૂપ') છે જ્યાં તમે દેવદાર અને ઓકનાં વૃક્ષો વચ્ચે પ્રકૃતિની ગોદમાં શાંતિ અનુભવી શકો છો. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો