દેશ અને દુનિયામાં એવી અનેક અદ્ભુત ઇમારતો છે, જેને જોઇને ઇતિહાસ જાણે જીવંત થતો હોય એવી અનુભૂતિ થાય છે. આ ઐતિહાસિક ઇમારતોમાંની એક એટલે ગોલ ફોર્ટ. શ્રીલંકામાં આવેલ કિલ્લો એશિયામાં યુરોપિયન અને દક્ષિણ એશિયાઇ સ્થાપત્ય શૈલીના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે. આ કિલ્લાનો ઇતિહાસ જેટલો ભવ્ય છે તેની સાથે જોડાયેલી લોકવાયકાઓ અને માન્યતાઓ પણ એટલી જ રસપ્રદ છે.   


1988માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવેલ ગોલ ફોર્ટના નિર્માણ અને વિકાસ પાછળ ત્રણ યુરોપિયન સત્તાઓનો હાથ રહ્યો છે, જેણે આ કિલ્લાને અલગ અલગ તબક્કામાં આધુનિક સ્વરૂપ આપ્યું છે.  

કિલ્લાનો ઇતિહાસ

16મી સદીમાં આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એક લોકવાયકા મુજબ 1505માં લૌરેન્કો ડી અલ્મેડાના નેતૃત્વમાં પોર્ટુગીઝ જહાજો તોફાનના કારણે રસ્તો ભટકી જતાં ગોલના કિનારે આવી પહોંચ્યાં હતાં. તેમણે સ્થાનિક રાજાઓ સાથે સંબંધો સ્થાપીને વેપારના બહાને અહીં એક કિલ્લો બનાવ્યો હતો. આ કિલ્લાને તેમણે સાંતાક્રુઝ એવું નામ આપ્યું હતું. 1505થી 1640ના સમય દરમિયાન પોર્ટુગીઝ લોકોનું અહીં શાસન હતું. 1640માં ડચ લોકોએ સ્થાનિક રાજાની મદદથી પોર્ટુગીઝો પર આક્રમણ કર્યું અને કિલ્લા ઉપર કબજો મેળવ્યો. ડચ શાસકોએ 1663ની આસપાસ આ કિલ્લાનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. તેમણે ગ્રેનાઇટના મજબૂત પથ્થરોની મદદથી કિલ્લાની અભેદ દીવાલો બનાવી હતી, જે આજે પણ જોવા મળે છે. 1796માં બ્રિટિશરોએ ડચ લોકોને હરાવીને કિલ્લો પોતાના હસ્તક લીધો. બ્રિટિશરોએ કિલ્લાની આંતરિક સુંદરતા જાળવી રાખી, પણ વહીવટમાં સરળતા રહે એટલે મુખ્ય દરવાજા પાસે 1939માં ભવ્ય ગોલ લાઇટહાઉસનું નિર્માણ કરાવ્યું, જેથી દરમિયાઇ જહાજોને માર્ગદર્શન મળી રહે.   

કિલ્લો અને માન્યતાઓ

ગોલ ફોર્ટના ઇતિહાસ સાથે કેટલીક રોમાંચક લોકવાયકાઓ અને ઐતિહાસિક માન્યતાઓ વણાયેલી છે, જે આજે પણ સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં આશ્ચર્ય જન્માવે છે. જેમ કે, એવું કહેવાય છે કે ડચ શાસકોએ કિલ્લાની અંદર અંડરગ્રાઉન્ડ ગુપ્ત સુરંગો બનાવી હતી. આ સુરંગ કિલ્લાના મુખ્ય કેન્દ્રથી લઇને દરિયાકિનારા સુધી જતી હતી. એનો ઉપયોગ કટોકટીના સમયમાં કરવામાં આવતો હતો. જે દ્વારા દારૂગોળો અથવા અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવી શકાય એટલું જ નહીં, સૈનિકો સુરક્ષિત બહાર નીકળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.   

એક પૌરાણિક માન્યતા અનુસાર ગોલ જે વિસ્તારમાં આવેલું છે, તે જગ્યાને રામાયણ કાળ સાથે જોડવામાં આવે છે. એવું કહેવાય છે કે, લક્ષ્મણના પ્રાણ બચાવવા હનુમાનજી જે સંજીવની પર્વત ઉપાડીને લંકા લઇ જતા હતા, ત્યારે પર્વતનો એક નાનકડો ટુકડો અહીં પડી ગયો હતો. તેને રૂમાસલા કહે છે. જે ગોલ ફોર્ટની સામે દરિયાની પેલે પાર જોઇ શકાય છે.   

સ્થાપત્ય અને ચમત્કાર

હિંદ મહાસાગરમાં 2004માં આવેલ વિનાશક સુનામીએ શ્રીલંકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. ગોલ શહેરનો નવો ભાગ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો, પરંતુ 350 વર્ષ પહેલાં ડચ એન્જિનિયરોએ બનાવેલી કિલ્લાની મજબૂત દીવાલોએ સુનામીના પ્રચંડ વેગને રોકી લીધો હતો. જેના કારણે કિલ્લાની અંદર આવેલું જૂનું શહેર અને તેની અંદર રહેતા હજારો લોકો સંપૂર્ણ સુરક્ષિત રહ્યા હતા. 

આ ઘટનાને આજે પણ સ્થાપત્ય ચમત્કાર માનવામાં આવે છે. કિલ્લાની રચના અત્યારના એન્જિનિયરોને પણ વિચારતા કરી મૂકે એવી છે.  

ગોલ ફોર્ટની સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો છે. આજે પણ કિલ્લાની સાંકડી શેરીઓમાં સદીઓ જૂના ઘરોમાં લોકો રહે છે. કિલ્લાની અંદર રમાતી ક્રિકેટ મેચો, જૂની મોરક્કન અને ડચ શૈલીના કાફે, આર્ટ ગેલેરીઓ અને સાંજના સમયે લાઇટહાઉસ પાસે થતો સૂર્યાસ્ત પ્રવાસીઓને એક અલગ જ દુનિયામાં લઇ જાય છે.   

આમ, ઇતિહાસ, વારસો અને રહસ્યમય કથાઓનું અનોખું મિશ્રણ આ કિલ્લાને વિશ્વની આકર્ષક અને ઐતિહાસિક ધરોહર બનાવે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: