હૂતિ વિદ્રોહીઓના ફોટા કે વીડિયો જોતી વખતે જે બે વસ્તુ ખાસ ધ્યાનમાં આવે, એક તો એમના હાથમાં રહેલી એકે 47 રાઇફલ અને બીજું તેમના મોંનો એક બાજુનો દડા જેવો ફુલાયેલો ગાલ. હવે એમના હાથમાં રહેલી એકે 47 રાઇફલ પાછળનો હેતુ આપણને ખબર જ છે. તેઓ વિદ્રોહીઓ જ છે, પણ એક તરફનો ફુલાયેલો ગાલ એ કોઈ શારીરિક બીમારી કે કુદરતી બનાવટ નથી, પરંતુ યમનની એક સદીઓ જૂની સામાજિક પરંપરા છે. આ પરંપરા વિશે આજે થોડી વાત કરીએ. આ પરંપરા વિશે જાણતા પહેલાં હૂતિ લોકો તેમજ તેમના ઇતિહાસ વિશે થોડું જાણી લઇએ.   

હૂતિ જૂથ, જેનું સત્તાવાર નામ `અંસાર અલ્લાહ' છે, તે ઉત્તર યમનમાંથી ઉદ્ભવેલું એક શિયા-ઝૈદી લશ્કરી અને રાજકીય સંગઠન છે. યમનમાં શિયા સમુદાયની અંદર `ઝૈદી' નામની શાખા આશરે એક હજાર વર્ષથી ઉત્તરના સાદા પહાડી વિસ્તારમાં વસે છે. 1992માં હુસૈન બદરુદ્દીન અલ-હૂતિ નામના ધાર્મિક નેતાએ ઝૈદી ઓળખ, સંસ્કૃતિ અને પરંપરાઓને બચાવવાના હેતુથી `શબાબ અલ-મોમિનીન' નામના સંગઠનની સ્થાપના કરી હતી. આગળ જતાં 2004માં યમન દેશની સેના સાથે થયેલી હિંસક અથડામણમાં હુસૈન અલ-હૂતિ માર્યો ગયો, જેના માન અને યાદમાં આ આખા જૂથને આંતરરાષ્ટ્રીય સ્તરે `હૂતિ' તરીકે ઓળખવામાં આવ્યું.  

હૂતિ જૂથનો ઉદય એક નાની ધાર્મિક અને સાંસ્કૃતિક ચળવળ તરીકે થયો હતો, પરંતુ સમય જતાં તે એક અતિ શક્તિશાળી લશ્કરી સંગઠન બની ગયું. હુસૈનના મૃત્યુ પછી તેના ભાઈ અબ્દુલ-મલિક અલ-હૂતિએ કમાન સંભાળીને યમન સરકાર સામે સતત છ મોટાં યુદ્ધો લડ્યાં. 2011ની `અરબ ક્રાંતિ' દરમિયાન દેશમાં રાજકીય અસ્થિરતા સર્જાઈ અને તત્કાલીન રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહને પદ છોડવું પડ્યું. આ રાજકીય શૂન્યાવકાશનો લાભ ઉઠાવીને હૂતિઓએ 2014માં યમનની રાજધાની સના પર ચડાઈ કરી અને કબ્જો જમાવી લીધો. ત્યારપછી હૂતિઓને સત્તા પરથી હટાવવા સાઉદી અરેબિયા અને યુએઈના નેતૃત્વમાં પડોશી દેશોએ લશ્કરી કાર્યવાહી શરૂ કરી. આ લાંબા સંઘર્ષમાં ઈરાને હૂતિઓને નાણાકીય મદદ સાથે આધુનિક ડ્રોન અને મિસાઈલ ટેક્નોલોજી પૂરી પાડી, જેનાથી તેઓ આખા વિસ્તારમાં એક મજબૂત લશ્કરી તાકાત બનીને બહાર આવ્યા હતા.  

આંતરરાષ્ટ્રીય રાજકારણ અને કાયદા મુજબ હૂતિઓને `વિદ્રોહી' કે `બળવાખોર' કહેવામાં આવે છે. આનું મુખ્ય કારણ એ છે કે તેમણે 2014-15માં સંયુક્ત રાષ્ટ્ર અને વૈશ્વિક સમુદાય દ્વારા માન્યતા પ્રાપ્ત યમનની કાયદેસર સરકારને શસ્ત્રોના જોરે સત્તા પરથી હાંકી કાઢી હતી. આજે પણ મોટાભાગના દેશો હૂતિઓને દેશની કાયદેસર સરકાર તરીકે સ્વીકારતા નથી, પરંતુ ગેરકાયદેસર રીતે સત્તા પચાવી પાડનાર બળવાખોર જૂથ તરીકે જ જુએ છે.  

શરૂઆતના તબક્કામાં હૂતિઓના વિદ્રોહ પાછળ મુખ્યત્વે સ્થાનિક કારણો જવાબદાર હતાં. સાઉદી અરેબિયાના પ્રભાવ હેઠળ ઉત્તર યમનમાં સુન્ની `વહાબી' વિચારધારાના ફેલાવાથી તેઓ પોતાની ઝૈદી સંસ્કૃતિ ખતમ થવાનો ડર અનુભવતા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ સાલેહની સરકાર પર ઉત્તરના ગરીબ વિસ્તારોની સીધી ઉપેક્ષા કરવાનો અને ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ હતો. સાથે જ હૂતિઓ અમેરિકા અને ઈઝરાયેલનો સખત વિરોધ કરતી કટ્ટર વિચારધારા ધરાવે છે, તેથી તેઓ તત્કાલીન યમન સરકારની અમેરિકા સાથેની નિકટતાનો પણ સતત વિરોધ કરતા હતા.  

વર્તમાન સમયમાં હૂતિઓનો વિદ્રોહ સ્થાનિક સીમાઓ ઓળંગીને વૈશ્વિક સ્તરે પહોંચી ગયો છે. ઓક્ટોબર 2023માં શરૂ થયેલા ગાઝા યુદ્ધ બાદ હૂતિઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઈઝરાયેલ પર મિસાઈલો છોડવાનું શરૂ કર્યું હતું એટલું જ નહીં, તેમણે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ એવા લાલ સમુદ્રમાંથી પસાર થતાં આંતરરાષ્ટ્રીય માલવાહક જહાજો પર ડ્રોન અને મિસાઈલ હુમલા શરૂ કરી દીધા છે. આ હુમલા અટકાવવા માટે અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ યમનમાં હૂતિઓનાં લશ્કરી ઠેકાણાંઓ પર બોમ્બમારો કરવો પડ્યો છે, જેના જવાબમાં હૂતિઓ હવે પાશ્ચાત્ય યુદ્ધજહાજોને પણ નિશાન બનાવી રહ્યા છે.  

હૂતિઓની માંગણીઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે પથરાયેલી છે. સ્થાનિક સ્તરે તેઓ ઈચ્છે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય તેમને યમનની વાસ્તવિક સરકાર તરીકે માન્યતા આપે, સાઉદી અરેબિયા દ્વારા યમન પર લાદવામાં આવેલી આર્થિક અને બંદરીય નાકાબંધી હટાવવામાં આવે અને દેશના તેલ-ગેસની આવકમાંથી ઉત્તરના સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે તેમની સ્પષ્ટ માંગણી છે કે ગાઝામાં ઈઝરાયેલી હુમલા તાત્કાલિક બંધ કરવામાં આવે અને ત્યાં રાહત સામગ્રી પહોંચાડવાની છૂટ આપવામાં આવે, નહીં તો તેઓ લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જહાજો પર હુમલા ચાલુ જ રાખશે. આ તો થઇ હૂતિ વિશેની વાત હવે એમના ફૂલેલા ગાલનું રહસ્ય પણ જાણી લઇએ.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો