નર્મદા નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે. આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર માસમાં નર્મદા નદી ઉપર બંધાયેલ સરદાર સરોવર ડેમ કાર્યરત થયાને નવ વર્ષ પૂરાં થશે. એક સમયે ગુજરાત ઉપર છાશવારે પાણીની તંગી અને દુષ્કાળનો ખતરો તોળાતો, પણ સરદાર સરોવર ડેમ બન્યા પછી આ પરિસ્થિતિમાં ઘણા અંશે સુધારો આવ્યો છે અને આજકાલ હવે ગુજરાત દશકોથી જેનું સપનું જોઈ રહ્યું છે, એવી કલ્પસર યોજના વિશેની ચર્ચાઓએ પણ ફરી જોર પકડ્યું છે.
માનવનિર્મિત ડેમ આધુનિક માનવ સમાજ માટે અનિવાર્ય અનિષ્ટ છે. કોઈ નદી ઉપર ડેમ બનાવીએ એટલે કેટલાંય ગામ ડૂબમાં જાય, એ ગામો સહિત આસપાસના વિસ્તારોમાં રહેતી મોટી માનવ વસ્તીને સ્થળાંતરિત કરવાની ફરજ પડે, પણ બીજી તરફ જોઈએ તો ડેમ જેવા મેગાસ્ટ્રક્ચરના બાંધકામ સિવાય વિશાળ માનવવસ્તી અને એની ઔદ્યોગિક જરૂરિયાતોને પહોંચી વળાય એમ નથી.
દુનિયાના લગભગ દરેક મોટા બંધો પર્યાવરણવાદીઓના રોષનો ભોગ બનતા રહે છે. જોકે, અહીં નવાઈની વાત એ છે કે જ્યાં દુનિયાનો સૌથી વિશાળ બંધ આવેલો છે, એ ચીન સામે કોઈ હરફ સુધ્ધાં નથી ઉચ્ચારતું.
જી હા, દુનિયાનો સૌથી મોટો બંધ ચીને બાંધ્યો છે અને આ કંઈ આજકાલનો પ્રોજેક્ટ નથી, ઠેઠ વીસમી સદીના શરૂઆતી દશકોમાં ચીની ઈજનેરોએ આ ડેમ બાંધવાની પ્રપોઝલ તૈયાર કરી નાખેલી. એ પછી 1994માં યાંગત્સે નદી ઉપર આ ડેમ બાંધવાની શરૂઆત થઇ. ચીનને બંધ બનાવતા એકાદ દશકા જેટલો સમય લાગ્યો, પણ બનતાંની સાથે જ એ વિશ્વનો સૌથી મોટો બંધ બની ગયો! ડેમને નામ અપાયું થ્રી ગોર્જીસ ડેમ.
થ્રી ગોર્જીસ ડેમની સરેરાશ વીજ ઉત્પાદન ક્ષમતા 22,500 મેગાવોટ છે, જે એને વિશ્વનું સૌથી મોટું હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન બનાવે છે. તે વર્ષે સરેરાશ 100 અબજ કિલોવોટ-કલાકથી વધુ વીજળી ઉત્પન્ન કરે છે. 2020માં તેણે 111.88 ટેરાવોટ-કલાકનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. સવા બે કિલોમીટર લાંબો અને 185 મીટર ઊંચો બંધ બનાવવામાં 28 મિલિયન ઘનમીટર કોંક્રીટ અને સાડા ચાર લાખ ટન સ્ટીલનો ઉપયોગ થયો.
આવડો મોટો ડેમ બને એટલે એની ઉત્પાદન ક્ષમતા પણ મોટી જ હોવાની. આ ડેમની સરેરાશ વીજ ઉત્પાદન ક્ષમતા 22,500 મેગાવોટ છે, જે એને વિશ્વનું સૌથી મોટું હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન બનાવે છે. થ્રી ગોર્જીસ ડેમ વર્ષે સરેરાશ 100 અબજ કિલોવોટ-કલાકથી વધુ વીજળી ઉત્પન્ન કરે છે. 2020માં તેણે 111.88 ટેરાવોટ-કલાકનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
ઓકે ફાઈન, પણ ચીને આવડો મોટો બંધ બનાવ્યો શું કામ? અને આવું જાયન્ટિક સ્ટ્રક્ચર બનાવ્યા બાદ વાતાવરણ પર એની કેવી અસર પડી?
ચીનની યાંગત્સે નદીમાં વારંવાર પૂર આવતાં રહેતાં. જેનાથી કરોડો લોકો પ્રભાવિત થતા. સાથે ચીનની ઊર્જા જરૂરિયાત તેમજ જળમાર્ગની જરૂરિયાત પૂરી કરવા માટે પણ આવા એક સ્ટ્રક્ચરની જરૂર હતી. એની અસર અંગે વાત કરીએ તો આશરે તેર લાખ લોકોએ પોતાના ઘરબાર છોડીને એ વિસ્તાર છોડી દેવો પડ્યો. અનેક ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સ્થળો ડૂબી ગયાં, ભૂસ્તરશાસ્ત્રીઓના મત મુજબ થ્રી ગોર્જીસ ડેમને કારણે આખા વિસ્તારમાં ભૂસ્ખલન અને ભૂકંપની સંભાવનાઓ વધી ગઈ. જોકે, એની ખરી અસર તો આંખનાં ભવાં ચડાવી દે એવી છે.
2005માં નાસાએ પાકી ગણતરી કરીને જાહેર કર્યું કે જ્યારે ડેમનું જળાશય પૂરેપૂરું ભરાય છે, ત્યારે એમાં આશરે ચાલીસ અબજ ટન પાણીનો જથ્થો હાજર હોય છે! જરા વિચાર કરો કે આવડા મોટા જથ્થાનું વજન કેવડું થતું હશે! નાસા કહે છે કે આ વજનને કારણે પૃથ્વીનું `મોમેન્ટ ઓફ ઇનર્શિયા' વધે છે. જેના કારણે દિવસની લંબાઈમાં લગભગ 0.06 માઇક્રોસેકન્ડનો વધારો થાય છે. પૃથ્વીના ધ્રુવની સ્થિતિ પણ લગભગ 2 સેન્ટિમીટર જેટલી સરકે છે.
બોલો, તમે ક્યારેય એવો વિચાર કરેલો કે એક ડેમના કારણે પૃથ્વી પર દિવસ અને રાત્રિના સમયગાળામાં બદલાવ આવી શકે? શરૂઆતમાં વાત કરી એમ ડેમ આપણા માટે અનિવાર્ય અનિષ્ટ છે, પણ એનો અર્થ એવો હરગિજ નથી કે આપણે હાથે કરીને એ અનિષ્ટને પોષતા રહીએ. ચીન એવી ડંફાસ મારતું રહે છે કે આ ડેમને હજારો વર્ષો સુધી વાંધો આવે એમ નથી, પણ કુદરતની તાકાતને એમ ઓછી આંકવાની ભૂલ તો કરાય જ નહિને.
સૌથી આઘાતજનક વાત એ છે કે ચીન હજી આનાથીય ત્રણ ગણો મોટો ડેમ યારલુંગ રિવર (એટલે કે આપણી બ્રહ્મપુત્રા નદી) પર બાંધવા જઈ રહ્યું છે. ચીનનો ઈરાદો અહીં કેસ્કેડ (શ્રેણીબદ્ધ) ડેમ્સ અને લાંબી ટનલો દ્વારા પાણીને ટર્બાઇન્સ તરફ વાળવાનો છે. નિષ્ણાતો કહે છે કે આ પ્રદેશ ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટની અથડામણનો ભાગ છે. હિમાલયન અને તિબેટિયન પ્લેટ્સની અથડામણ હજુ પણ ચાલુ છે, જેના કારણે પર્વતો ઊંચા થઈ રહ્યા છે અને વારંવાર ભૂકંપ આવે છે. ડેમ બન્યા પછી શું થશે એ તો ભગવાન જાણે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો