ઓપરેશન સિંદૂરમાં ભારતીય હવાઈદળને હાથે મરણતોલ માર ખાધા બાદ પણ પાકિસ્તાન દુનિયા આખીમાં ઇન્ડિયન એરફોર્સનાં વિમાનો તોડી પાડ્યાં હોવાની શેખી મારતું ફરે છે.

એ સામે ભારતીય સેનાપતિઓએ સ્પષ્ટ વલણ અપનાવતાં કહ્યું, `અમે પાકિસ્તાનમાં જ્યાં મિસાઈલ ફેંકી એની તબાહીના ફૂટેજીસ જાહેર કર્યા છે. જો પાકિસ્તાને ખરેખર કોઈ ભારતીય વિમાન તોડ્યાં હોય તો એના ફોટોઝ કે વીડિયોઝ પબ્લિશ કરે.' સ્વાભાવિક રીતે જ આપણી એરફોર્સના હુમલામાં બૂરી રીતે પિટાઈ ગયેલા પાકિસ્તાન પાસે આનો કોઈ જવાબ નથી. અહીં મૂળ વાત ભારતની અપગ્રેડેડ ટેક્નોલોજી વિશે છે.

છેલ્લાં બે-ત્રણ વર્ષો દરમિયાન રશિયા-યુક્રેન, ઇઝરાયેલ-હમાસ અને છેલ્લા ભારત-પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષો દ્વારા એક સત્ય પ્રસ્થાપિત થઇ ગયું છે કે હવે યુદ્ધમાં એ જ જીતશે જેની પાસે ખતરનાક મારક ક્ષમતા ધરાવતું અદ્યતન હવાઈદળ હશે. સાથે જ ભારતની S-400 જેવી કાર્યક્ષમ મિસાઈલ સિસ્ટમ હશે, જેણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના લગાતાર થતા ડ્રોન એટેક્સને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા. આપણી એટેક અને ડિફેન્સ બંને સિસ્ટમ્સ એટલી સોલ્લિડ હતી કે પાકિસ્તાન રીતસર ઊંઘતું ઝડપાયું અને હવે આપણી મારક ક્ષમતા નજીકના ભવિષ્યમાં ઔર કાતિલ થઇ જશે. ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની ભવિષ્યની જરૂરિયાત મુજબ આપણે હવે એક સંપૂર્ણ સ્વદેશી બનાવટનું એરક્રાફ્ટ એન્જિન વિકસાવી લીધું છે.

કાવેરી D1 એન્જિન. આ નામે ભારતના દુશ્મનોની ઊંઘ ઉડાડી દીધી છે. કાવેરી D1 એ ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના ગેસ ટર્બાઈન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE) દ્વારા વિકસિત કરવામાં આવેલું એક સ્વદેશી જેટ એન્જિન છે. આ એન્જિન આમ તો લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ જેવાં ફાઈટર વિમાનો માટે બનાવવામાં આવ્યું હતું, પણ અમુક ટેક્નિકલ મુશ્કેલીઓને કારણે 2008માં કાવેરીને તેજસ પ્રોગ્રામથી અલગ કરવામાં આવ્યું. આ અંગેનો થોડો ઇતિહાસ જાણી લેવો જોઈએ.

વાત એમ છે કે ભારત સરકારે ઠેઠ 1980ના દાયકામાં પોતાના ફાઇટર એરક્રાફ્ટ `તેજસ' માટે વિદેશી એન્જિન પરની નિર્ભરતા ઘટાડવા માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, પરંતુ 1998માં ભારતે પોતાની અણુશક્તિ વિકસિત કરવાની જરૂરિયાતને સમજીને પોખરણમાં પરમાણુ પરીક્ષણો કર્યાં. ભારત જેવો દેશ ન્યૂક્લિયર પાવર તરીકે પોતાનું સ્થાન બનાવે, એ અમેરિકા જેવા જગત જમાદારથી કઈ રીતે સહન થાય? એટલે એ સમયે અમેરિકાએ ભારત પર જાતજાતના પ્રતિબંધો લાદી દીધેલા. પરિણામે એન્જિન વિકસાવવા માટે જે ટેક્નિકલ મદદની જરૂર હતી, એ બંધ થઇ ગઈ! સ્વદેશી એન્જિન વિકસાવવાનો આખો પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો. તેમ છતાં આપણા વૈજ્ઞાનિકોએ કોશિશ ચાલુ રાખી, પણ ફાઈટર પ્લેનના એન્જિનમાં જેટલો થ્રસ્ટ (આશરે 80-80 KN) પેદા થવો જોઈએ, એ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. આથી 2008માં કાવેરી એન્જિનનો પ્રોજેક્ટ પડતો મુકાયો અને તેજસ એરક્રાફ્ટ સાથેનું એનું જોડાણ પણ રદ થયું, પરંતુ હવે કાવેરી એન્જિન D1 ફરી ટોપ ગિયરમાં આવી ગયું છે. હાલમાં કાવેરી D1 નું ડ્રાય વર્ઝન વિકસાવવામાં આવ્યું છે, જે DRDOના અન્ય એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ `DRDO ઘાતક'નો હિસ્સો બનશે.

લડાકુ વિમાન માટે જરૂરી 80થી 90 KN જેટલી થ્રસ્ટ ક્ષમતા ધરાવતું 3.5 મીટર લાંબું 1,100 કિલોગ્રામ વજન ધરાવતું કાવેરી D1 એન્જિન ઇન્ડિયન એરફોર્સ, DRDO અને આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ એક ખાનગી કંપની માટે એક માઈલસ્ટોન સાબિત થશે. કાવેરી એન્જિન ટર્બોફેન પર આધારિત છે અને ઊંચી ઝડપે પણ ઓછા બળતણનો વપરાશ કરશે. વળી, ઊંચાઈ ઉપર ફુલ સ્પીડમાં ઊડતા એરક્રાફ્ટ માટે આ એન્જિન અત્યંત કાર્યક્ષમ સાબિત થશે. તેજસ જેવાં વિમાનો ઉપરાંત, તેનો ઉપયોગ ડ્રોન, કાર્ગો વિમાનો અને નાગરિક ઉડ્ડયનમાં પણ થઈ શકે છે. હજી તો આ શરૂઆત છે.

D1 પરીક્ષણનાં તારણોના આધારે સુધારા અને અપડેટ્સ કરવામાં આવશે. 2026માં D2 અને D3 વર્ઝન્સ પણ વિકસાવી લેવાશે. એ પછી 2027માં કાવેરી એન્જિનના D4 અને D5 વર્ઝન્સ પણ આવી જાય એવું પ્લાનિંગ છે. કાવેરી એન્જિન માત્ર સંરક્ષણ માટે જ નહિ, પણ ઔદ્યોગિક જરૂરિયાતો માટે પણ બહુ ઉપયોગી સાબિત થવાનું છે. કાવેરી એન્જિનની મોડ્યુલર ડિઝાઇન અને સ્વદેશી સપ્લાય ચેઇન ભારતને સંરક્ષણ જેવાં મહત્ત્વના ક્ષેત્રે વિદેશી સપ્લાયર્સ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે.

અત્યાર સુધી દુનિયાના માત્ર પાંચ જ દેશ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન પાસે આ પ્રકારનું એન્જિન વિકસાવવાની ટેક્નોલોજી હતી, પરંતુ હવે ભારતે પણ પોતીકું એન્જિન વિકસાવી લીધું છે. ભારત આ પ્રકારના એડવાન્સ એરક્રાફ્ટ એન્જિન બનાવતી ક્લબમાં પ્રવેશે, એ ઘટના બહુ દૂરગામી પરિણામો લાવનારી નીવડશે. આજે વિશ્વની મહાસત્તાઓ ગણાતા અમેરિકા, રશિયા, ચીન જેવા દેશો વચ્ચે વોર ટેક્નોલોજી બાબતે ગળાકાપ સ્પર્ધા ચાલે છે. એવા સમયે ભારત જેવા શાંતિપ્રિય દેશને પોતીકી, સંપૂર્ણ સ્વદેશી વોર ટેક્નોલોજીની તાતી જરૂર છે. સદ્નસીબે DRDO અને સ્વદેશી ડિફેન્સ કંપનીઝ એ દિશામાં સમયની સાથે ચાલી રહ્યાં છે.