ઈ.સ. 1935ની આ વાત છે. મૈસુર પર મહારાજા વાડિયારનું શાસન હતું. એક દિવસ અંબા વિલાસ પેલેસ (જ્યાં રાજાનો નિવાસ હતો)ના રસોડામાં શાહી પરિવાર માટે લંચ તૈયાર થઈ રહ્યું હતું.

બપોરના ભોજન માટે મીઠાઈને બાદ કરતાં બધું જ તૈયાર હતું. મુખ્ય રસોઈયો કાકસુરા મડપ્પા રાજા માટે એક સ્વાદિષ્ટ, પરંતુ એકદમ અલગ મીઠાઈ બનાવવાનું વિચારી રહ્યો હતો, પરંતુ જ્યારે તેને લાગ્યું કે ભોજન પીરસવામાં વધારે સમય નથી બચ્યો ત્યારે તેણે પ્રયોગ કરવાનું શરૂ કરી દીધું. મડપ્પાએ ઘી, બેસન અને ખાંડની એકસાથે ભેળવીને એક ચાસણી જેવું બનાવ્યું અને આ મીઠાઈને જમ્યા પછી પીરસવાની હતા. જ્યાં સુધી રાજાએ પોતાનું લંચ પૂરું કર્યું ત્યાં સુધીમાં તો ચાસણી થોડી જામી ગઈ અને તેણે ગરમ બરફી જેવી મીઠાઈનું રૂપ લઈ લીધું.

જ્યારે કૃષ્ણરાજ વાડિયારે મીઠાઈનો સ્વાદ ચાખ્યો તો મંત્રમુગ્ધ થઈ ગયા. આ મીઠાઈ મોંમાં મૂકતાંની સાથે જ પીગળી ગઈ. તેમણે મડપ્પાને બોલાવ્યો અને આ મીઠાઈનું નામ પૂછ્યું. મડપ્પાએ નામ વિશે કંઈ વિચાર્યું નહોતું અને જે પહેલીવાર તેના મગજમાં આવ્યું તે તેણે કહ્યું `મૈસુરપાક'. `પાકા' એક કન્નડ શબ્દ છે જેનો અર્થ મીઠું મિશ્રણ થાય છે. સમયની સાથે આ મીઠાઈ રાજપરિવારની મનપસંદ મીઠાઈ બની ગઈ અને આખી દુનિયામાં મૈસુરપાક તરીકે ઓળખાવા લાગી.

દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આપણે ત્યાં કોઈ પણ તહેવાર મીઠાઈ વગર જાણે અધૂરો છે. દરેક તહેવારની આપણે ત્યાં વિશેષ મીઠાઈ જોવા મળે છે. દિવાળીમાં તો અનેક પ્રકારની મીઠાઈઓ ખવાય છે. મોટાભાગની મીઠાઈ બનવા પાછળ કોઈ ને કોઈ સ્ટોરી રહેલી હોય છે. આવી જ સ્ટોરી શાહી મીઠાઈ મૈસુરપાકની પણ છે.

દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકનું ઐતિહાસિક શહેર મૈસુર રાજ્યની સાંસ્કૃતિક રાજધાની માનવામાં આવે છે. મૈસુર પેલેસ, તેનો દશેરા ઉત્સવ અને મૈસુરના શાહી રાજવંશ ઘરાનાની સાથે સાથે તેની એક બીજી વસ્તુ પણ દુનિયાભરમાં વિખ્યાત છે અને તે છે મૈસુરપાક. મૈસુરના શાહી અંદાજનો અનુભવ કરાવવા માટે મૈસુરપાક બનવા પાછળનો ઇતિહાસ જાણીએ.

સામાન્ય લોકો સુધી આ રીતે પહોંચી

કહેવાય છે કે મહારાજા કૃષ્ણરાજ વાડિયાર ભોજન(સ્વાદ)ના પારખું હતા અને તેમણે મૈસુરના અંબા વિલાસ પેલેસમાં યુરોપિયનથી લઈને પવિત્ર પ્રસાદમ્ અને મહેલની અંદર વિવિધ મંદિરોના પ્રસાદ જેવાં વિવિધ વ્યંજનો તૈયાર કરવા માટે એક મોટું રસોડું બનાવ્યું હતું. રાજાને મૈસુરપાક એટલો પસંદ આવ્યો કે તેઓ ઇચ્છતા હતા કે જનતા સુધી આ શાહી વ્યંજનનો સ્વાદ પહોંચે.

તેમણે મડપ્પાને મહેલના પરિસરની બહાર મીઠાઈની એક દુકાન ખોલવા માટે કહ્યું. ક્યાંક ક્યાંક એવું પણ કહેવાય છે કે મડપ્પા ઇચ્છતા હતા કે મૈસુરપાકનો સ્વાદ સામાન્ય જનતા પણ ચાખે અને તેમણે અશોક રોડ પર દેશીકેન્દ્ર સ્વીટ સ્ટોલ નામથી એક મીઠાઈ બજાર શરૂ કર્યું. પછી તેને સયાજીરાવ રોડ પર ટ્રાન્સફર કરવામાં આવી, જે ગુરુ સ્વીટ્સ કે ગુરુ સ્વીટ માર્ટની શરૂઆત હતી.

મૈસુરપાક દક્ષિણની મીઠાઈનો રાજા છે

આજે પણ મૈસુરપાકને દક્ષિણ ભારતમાં મીઠાઈઓનો રાજા માનવામાં આવે છે. મૈસુરની મહિલાઓના મતે દશેરા ઉત્સવના દસ દિવસ દરમિયાન તેમણે ઓછામાં ઓછી 51 પારંપરિક વસ્તુઓ તૈયાર કરવાની હોય છે. ભોજન અને મીઠાઈઓની થાળીમાં જો મૈસુરપાક ન હોય તો તેને અધૂરી માનવામાં આવે છે. મૈસુરપાકને લગ્નો તથા તહેવારો દરમિયાન પીરસવામાં આવે છે, જે દક્ષિણ ભારતમાં શુભ માનવામાં આવે છે.