માણસ જાતના નિયંત્રણમાં કેટલી ઊર્જા છે? આ ઊર્જાસ્રોતો પૂરા થશે પછી આપણું ભવિષ્ય શું? શું બ્રહ્માંડમાં બીજા પણ ઊર્જાસ્રોતો છે? અને ઈશ્વરને સૌથી ઊર્જાવાન, પરમ શક્તિશાળી શા માટે ગણવામાં આવે છે?
નિકોલાઈ કાર્ડાશેવ નામે એક રશિયન વિજ્ઞાની થઇ ગયો. એણે ટેક્નોલોજીની પ્રગતિને માપવા માટે ઊર્જાના વપરાશ આધારિત ખાસ પદ્ધતિ વિકસાવી, જે `કાર્ડાશેવ સ્કેલ' તરીકે જાણીતી છે. કાર્ડાશેવે ઊર્જાનો વપરાશ કરી શકવાની ક્ષમતાને આધારે સમાજને ત્રણ ભિન્ન સ્તરની સંસ્કૃતિઓમાં (ટેક્નિકલ સિવિલાઈઝેશન) વહેંચ્યો છે.
ટેક્નિકલ સિવિલાઈઝેશનને સમજતા પહેલાં અવકાશના વિસ્તારો અંગે થોડો પ્રારંભિક ખ્યાલ મેળવી લઈએ. આપણી પૃથ્વી સૌરમંડળનો એક નાકડો ગ્રહ છે. આ સૌરમંડળનો યજમાન તારો (Host Star) એટલે આપણા સૂરજદાદા. આપણું આખેઆખું સૌરમંડળ જેનો નાનકડો હિસ્સો છે એવી રચના એટલે આકાશગંગા નામની વિશાળ ગેલેક્સી. આવી અગણિત ગેલેક્સીઝ જ્યાં આવેલી છે, એવો અત્યંત વિશાળ વિસ્તાર એટલે બ્રહ્માંડ (યુનિવર્સ). જો તમે હોલિવૂડની સાયન્સ ફિક્શન મૂવીઝ જોતા હશો તો ખ્યાલ હશે કે વૈજ્ઞાનિકો એક કરતાં વધુ બ્રહ્માંડ હોવાની એટલે કે મલ્ટિપલ યુનિવર્સની કલ્પના કરે છે. મલ્ટિપલ યુનિવર્સને ટૂંકમાં મલ્ટિવર્સ કહેવાય. તમારું સિવિલાઈઝેશન જેમ જેમ અપગ્રેડ થતું જાય તેમ તેમ યુનિવર્સ અને મલ્ટિવર્સ પર તમારું નિયંત્રણ વધતું જાય. હવે સિવિલાઈઝેશનનું અપગ્રેડેશન સમજીએ.
ટાઈપ 1 સિવિલાઈઝેશન
આ સંસ્કૃતિ તેમના ગ્રહ પર ઉપલબ્ધ તમામ ઊર્જાનો ઉપયોગ કરવા સક્ષમ હોય છે. આમાં સૌરઊર્જા, પવન, પાણી અને અન્ય ઊર્જાસ્રોતોનો સમાવેશ થાય છે. સિવિલાઈઝેશનના આ લેવલે પહોંચેલ જીવો પોતાના ગ્રહના હવામાનને નિયંત્રિત કરી શકે છે અને તમામ સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. એનો અર્થ એ કે આ લેવલે પહોંચેલા લોકો સૂર્યમાંથી પૃથ્વી સુધી આવતી તમામ ઊર્જા વાપરી શકે એવી ટેક્નોલોજી ધરાવતા હોય છે. એ ઉપરાંત દરિયાનાં મોજાંમાંથી મળતી ટાઈડ એનર્જીથી માંડીને વિન્ડ એનર્જી અને પેટાળમાંથી નીકળતી વરાળ સુધ્ધાંની તમામ એનર્જી પર એમનું નિયંત્રણ હોય! હવે જરા વિચાર કરો, શું આપણે પૃથ્વીના ગોળા પર કુદરતી રીતે ઉપલબ્ધ થતી તમામ ઊર્જાનો શતપ્રતિશત ઉપયોગ કરી શકીએ છીએ? જવાબ નકારમાં જ આવે. મોટાભાગના કુદરતી સ્રોતમાંથી ઊર્જા મેળવવાની રીત આપણને ખબર હોવા છતાં હજી સુધી ઊર્જાનો સંપૂર્ણ વપરાશ કે એનું નિયંત્રણ આપણા કાબૂ બહારની વાત છે.
તો શું આપણે હજી ટેક્નિકલ સિવિલાઈઝેશનના પ્રથમ પગથિયેય નથી પહોંચ્યા? અફકોર્સ નોટ! વૈજ્ઞાનિકોના કહેવા મુજબ અત્યારની આપણી ટેક્નોલોજિકલ સ્ટ્રેન્થ આપણને કાર્ડાશેવ સ્કેલ ઉપર માત્ર 0.7ના સ્કોર પર મૂકે છે.
ટાઈપ 2 સિવિલાઈઝેશન
સૂર્યનો ગોળો દર સેકન્ડે 3.8 x 1026 વોટ ઊર્જા મુક્ત કરે છે. જ્યારે આપણી સંસ્કૃતિ ટાઈપ 2 લેવલે પહોંચશે, ત્યારે આપણે સૂર્યમાંથી ઉત્સર્જિત થતી તમામેતમામ ઊર્જા પર કંટ્રોલ ધરાવતા હોઈશું! વ્યાખ્યાની રીતે કહેવું હોય તો ટાઈપ 2 સિવિલાઈઝેશન એટલે એવી સંસ્કૃતિ, જેમાં જીવો પોતાની સોલાર સિસ્ટમના મુખ્ય તારાની તમામ એનર્જી ઉપર અંકુશ ધરાવતા હોય. એટલું જ નહિ, પણ પોતાની સોલાર સિસ્ટમમાં આસાનીથી પરિભ્રમણ કરી શકતા હોય. ગત સપ્તાહે જે ડાયસન સ્ફિયરની કલ્પના અંગે વાત કરેલી, એને સાકાર કરવા માટે આપણે ટાઈપ 2 સિવિલાઈઝેશન સુધી પહોંચવું પડે.
ટાઈપ 3 સિવિલાઈઝેશન
આખેઆખી ગેલેક્સીની ઊર્જા કંટ્રોલ કરતા જેને આવડી જાય, એ સમાજ ટાઈપ 3 લેવલના સિવિલાઈઝેશન પર પહોંચ્યો ગણાય. આવા જીવો માત્ર પોતાની સોલાર સિસ્ટમ જ નહિ બલકે આખી ગેલેક્સીમાં મુક્તપણે પરિભ્રમણ કરી શકતા હોવાના. અત્યારે આપણે આપણા જ સૌરમંડળમાં આવેલા ચંદ્ર કે મંગળ પર જવું હોય તો કાગળ-પેન લઈને બજેટ બનાવવા બેસવું પડે. વળી કયા ગ્રહ પર પાણી મળશે અને ક્યાં દુકાળ પડેલો છે એની પૂરી જાણકારી આપણી પાસે નથી, કેમ કે આખી સોલાર સિસ્ટમમાં ઘૂમવા જેટલી ટેક્નોલોજી આપણે નથી વિકસાવી શક્યા. પણ ટાઈપ 3 સિવિલાઈઝેશન પહોંચ્યા પછી મંગળ પર મોર્નિંગ વોક કરવા આસાનીથી જઈ શકાય એટલા ઊર્જાસ્રોત હશે.
આ તો કાર્ડાશેવ સ્કેલની વાત થઇ, પરંતુ પાછળથી બીજા કેટલાક વિજ્ઞાનીઓએ ટાઈપ 4, 5 અને 6 સિવિલાઈઝેશન વિશેની સમજ પણ રજૂ કરી, જે ઔર રસપ્રદ છે. જો તમે તમારી આકાશગંગાની બહાર જવા જેટલી ટેક્નોલોજી વિકસાવી લો,
તો તમારું સિવિલાઈઝેશન ટાઈપ 4 પર પહોંચ્યું ગણાય. એ પછી આખું બ્રહ્માંડ તમારા કંટ્રોલમાં! એથીય આગળ વધીને મલ્ટિવર્સમાં ઘૂમવા જેટલી ઊર્જા મેળવી લો તો ટાઈપ 5 સમાજમાં એન્ટ્રી મળી જાય. માર્વેલ સીરિઝની ફિલ્મોમાં પેલો માથાભારે થેનોસ જે રીતે એક યુનિવર્સમાંથી બીજા યુનિવર્સમાં ચપટી વગાડતો ફરે છે, એ જોતાં એને કદાચ ટાઈપ 5 સમાજનો ગણી શકાય.
તો પછી ટાઈપ 6વાળા કેવા ખતરનાક હશે? વાસ્તવમાં એમને કોઈ સિવિલાઈઝેશન ટાઈપ સાથે સાંકળવાને બદલે દિવ્ય જીવ ગણવા જોઈએ, કેમ કે તેઓ ટાઈમ અને સ્પેસની વ્યાખ્યાઓને અતિક્રમી ગયા હશે. મલ્ટિવર્સનું સર્જન અને સંહાર કરી શકે એટલી ઊર્જા એમના નિયંત્રણમાં હશે! પુરાણોમાં આપણે ઈશ્વરની જે કલ્પના કરી છે, તે જ ટાઈપ 6 સિવિલાઈઝેશન ગણાય? દરેક પ્રાચીન સંસ્કૃતિમાં સર્જન અને સંહારના દેવોની વાત છે. જેમ કે, બ્રહ્મા અને મહેશ. ક્યાંક વિજ્ઞાન અને આધ્યાત્મના છેડાઓ એક જ મૂળમાંથી તો નથી નીકળ્યાને? અવકાશમાં ક્યાંક ટાઈપ 2, 3, 4, 5વાળા સમાજો વસતા હશે? પરમ ચેતના (consciousness) કોને ગણવી? ઓહહ! આપણે તો કશું જ નથી જાણતા.
