સામાન્ય રીતે પક્ષી જ વૃક્ષ પર રહે કે ક્યારેક દીપડા જેવાં પ્રાણી પણ વૃક્ષ પર જોવા મળી જાય, પરંતુ માનવી વૃક્ષ પર જ રહેતો હોય એવું કોઈ કહે તો કલ્પના લાગ્યા વિના નહીં રહે, પરંતુ પપુઆ ન્યુગિનીના પપુઆનાં ગાઢ જંગલોમાં જાણે બીજી જ દુનિયા વસી હોય એમ વૃક્ષો પર ઝૂંપડાં બનાવીને રહેતા લોકો જોવા મળી જાય છે. એ પ્રજા એટલે કોરોવાઈ જાતિના લોકો!   

 કલ્પના કરો કે તમારું ઘર જમીન પર નહીં, પરંતુ એક વિશાળ વૃક્ષની ટોચ પર હોય. ઘરમાં જવા માટે સીડીઓ ચઢવી પડે, પવન સાથે આખું ઘર હલતું હોય અને નીચે જુઓ તો ગાઢ જંગલ પથરાયેલું હોય! આ કોઈ સાહસિક ફિલ્મનું દૃશ્ય લાગે, પરંતુ ઇન્ડોનેશિયાના પાપુઆનાં ગાઢ જંગલોમાં રહેતા કોરોવાઈ લોકો માટે આ જ રોજિંદું જીવન છે. તેમની જીવનશૈલી એટલી અનોખી છે કે લાંબા સમયથી વિશ્વભરના સંશોધકો અને પ્રવાસીઓનું ધ્યાન તેમની તરફ ખેંચાયું છે.  

 કોરોવાઈ સમુદાય પપુઆના અત્યંત ગાઢ જંગલ વિસ્તારમાં વસે છે. જંગલમાં રહેનારા તો આપણે ત્યાં પણ મળી આવે, પરંતુ કોરોવાઈ લોકો જંગલમાં પણ જમીન પર નહીં, પણ વૃક્ષો પર રહે છે. જમીનથી આશરે 15થી 20 મીટર ઊંચાઈએ વૃક્ષોની ટોચ પાસે તેઓ ઘર બનાવે છે. કેટલાંક ઘરો તો એટલી ઊંચાઈએ હોય છે કે ત્યાંથી નીચે જોતાં માણસને આખું જંગલ જાણે લીલા સમુદ્ર જેવું દેખાય! એક જ ઘરમાં પરિવારના અનેક સભ્યો રહે છે. ઘરની રચના સાદી હોય છે, પરંતુ તેને ઊંચાઈ પર મજબૂત રીતે ઊભું રાખવું તેમની અસાધારણ કારીગરી દર્શાવે છે. આ ઘરો કંઈ આધુનિક ટેક્નોલોજીથી બનેલા ટ્રીહોમ નથી, પરંતુ લાકડું, શેરડી, વેલીઓ અને સાગો પામ જેવા સ્થાનિક કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને પરંપરાગત રીતે ઘર બનાવે છે. વૃક્ષની મજબૂત ડાળીઓ અને થડને આધાર બનાવીને આખું માળખું તૈયાર કરવામાં આવે છે. વેલીઓનો ઉપયોગ દોરડાની જેમ વિવિધ ભાગોને બાંધવા માટે થાય છે.   

 જોકે, પહેલો સવાલ એ જ થાય કે જમીન પર રહેવાને બદલે કોરોવાઈ લોકો વૃક્ષો પર ઘર બાંધીને કેમ રહે છે?   

 એ પ્રશ્નના જવાબ અનેક છે. ખાસ તો ઊંચાઈ પર રહેવાને કારણે જંગલી પ્રાણીઓ, સાપ અને અન્ય જોખમોથી સુરક્ષા મળી રહે છે, ખાસ કરીને રાત્રે સૂતા હોય ત્યારે કોઈ ભય ન રહે. એ ઉપરાંત પૂર કે પાણીને કારણે પોચી થઈ જતી જમીન જેવી સમસ્યાઓથી પણ ઊંચાઈએ રહેલું ઘર વધુ સુરક્ષિત રહે છે. આ ઉપરાંત, જંગલમાં રહેલી કેટલીક પરંપરાગત માન્યતાઓ પણ તેમના જીવનમાં મહત્ત્વ ધરાવે છે. સાથે સાથે આ જાતિના લોકો એવું પણ માને છે કે જમીન પર વળગાડ લાગી જાય, પણ ઊંચાઈ પર રહેવાથી ખરાબ આત્માઓથી પણ બચી શકાય એ કારણે પણ વૃક્ષો પર રહેવાની પરંપરા ચાલુ છે.   

 કોરોવાઈ લોકોનું જીવન સામાન્ય આદિવાસીઓ જેવું જ છે. શિકાર, માછીમારી, જંગલમાંથી મળતાં ફળો, કંદમૂળ અને ખાસ કરીને સાગો પામ જેવા કુદરતી સ્રોતો તેમના આહાર અને જીવનનો આધાર છે. જંગલ જ તેમના આવાસ ઉપરાંત બજાર, ખેતર અને જીવનની ભૂમિકા ભજવે છે. કયા વૃક્ષ પર કઈ વેલ મળે, કયા ખોરાક મળી શકે અને કયા વિસ્તારમાં જોખમ છે - આ બધું જ્ઞાન પેઢી દર પેઢી આગળ વધે છે.  

 જોકે, એમ પણ માનવામાં આવે છે કે કોરોવાઈ સમુદાયના લોકો નરભક્ષી પ્રજા છે, પરંતુ એ અંગેના કોઈ જ પુરાવા સાંપડતા નથી. કેટલાક અહેવાલોમાં ભૂતકાળની એવી પરંપરાઓનો ઉલ્લેખ થયો છે. હકીકત એ છે કે કોરોવાઈ લોકોની સૌથી રસપ્રદ ઓળખ તેમની જંગલ સાથેની ગાઢ નિર્ભરતા અને વૃક્ષો પર બનાવેલાં અદ્ભુત ઘરો છે.  

 આજના સમયમાં દુનિયા ગગનચુંબી ઇમારતો બનાવીને આકાશને આંબવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે પપુઆના જંગલમાં એક સમુદાય સદીઓથી વૃક્ષોની ટોચ પર પોતાનું નાનકડું વિશ્વ વસાવી રહ્યો છે. તેમની જીવનશૈલી જોતાં એક સવાલ જરૂર થાય કે, આધુનિક બનવું એટલે કુદરતથી દૂર જવું જ જરૂરી છે કે કુદરત સાથે રહીને પણ જીવનની પોતાની એક અલગ દુનિયા બનાવી શકાય?  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો