અમેરિકાના કોલોરાડો રાજ્યના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં મેસો વર્ડે નેશનલ પાર્ક આવેલો છે. મેસો વર્ડે એ માત્ર નેશનલ પાર્ક જ નથી, પરંતુ તે પ્રાચીન અમેરિકન સંસ્કૃતિનો જીવંત વારસો છે.

સ્પેનિશ ભાષામાં મેસો વર્ડેનો અર્થ `ગ્રીન ટેબલ' અથવા `લીલું ટેબલ માઉન્ટેન' એવો થાય છે. એ તેના નામ પ્રમાણે જ આજુબાજુના રણપ્રદેશમાં હરિયાળીથી છવાયેલો ઉચ્ચપ્રદેશ (મેસા) છે. આ પાર્કની સ્થાપના 1906માં કરવામાં આવી હતી અને તે માણસ દ્વારા બનાવેલાં સ્થાપત્યોના સંરક્ષણ માટે બનાવવામાં આવેલો યુનાઇટેડ સ્ટેટ્સનો સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે.

પ્યુબ્લોઅન સંસ્કૃતિ

મેસો વર્ડેની ઓળખ અહીંના પૂર્વજોના પ્યુબ્લોઅન લોકો દ્વારા લગભગ ઈ.સ. 600થી 1300ની વચ્ચે બાંધવામાં આવેલા અદ્ભુત ક્લિફ ડ્વેલિંગ્સને કારણે છે. આ પ્રદેશમાં 700 વર્ષથી વધુ સમય સુધી આ લોકો વસ્યા હતા. શરૂઆતમાં મેસા (ઉચ્ચપ્રદેશ)ની સપાટી પર ખાડાવાળાં ઘરો બાંધીને ખેતી કરતા હતા. તેઓ એ સમયે મકાઈ, કઠોળ અને કોળાની ખેતી કરતા અને કુશળ શિકારી પણ હતા. પુરાતત્ત્વવિદો આ પ્રારંભિક સમયગાળાને `બાસ્કેટમેકર' કાળ કહે છે, જે તે સમયના લોકો દ્વારા બનાવવામાં આવતી જાણે ટોપલીઓ હોય એવું પ્રતિબિંબિત કરે છે.

સમય જતાં આ સંસ્કૃતિ વિકસતી ગઈ અને ઈ.સ. 1190થી 1300ના ગાળામાં આ લોકોએ ખડકોની અંદર આવેલી ગુફા જેવી જગ્યાઓમાં મોટા, જટિલ અને બહુમાળી પથ્થરનાં ગામો બાંધવાનું શરૂ કર્યું, જેને ક્લિફ ડ્વેલિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે.

ક્લિફ ડ્વેલિંગ્સ સ્થાપત્યો

મેસો વર્ડે નેશનલ પાર્કમાં 600થી વધુ ક્લિફ ડ્વેલિંગ્સ સહિત 5,000 જેટલાં પુરાતત્ત્વીય સ્થળો નોંધાયેલાં છે. આ ક્લિફ ડ્વેલિંગ્સ ઉત્તર અમેરિકામાં સૌથી સારી રીતે સચવાયેલાં માનવ નિર્મિત સ્થાપત્યો ગણાય છે. એમાં ક્લિફ પેલેસનો સમાવેશ થાય છે. ક્લિફ પેલેસ એ મેસો વર્ડેનું સૌથી મોટું અને પ્રખ્યાત નિવાસસ્થાન છે. એમાં 150થી વધુ રૂમ અને 23 કિવા છે. કિવા એ ભૂગર્ભમાં બનેલા ગોળાકાર ધાર્મિક અને વિધિ માટેનાં સ્થળો છે, જે પ્યુબ્લોઅન લોકોના ધાર્મિક જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવતાં હતાં. શિયાળામાં ઠંડીથી બચવા માટે પ્યુબ્લોઅન પરિવારો પ્રાણીઓની ચામડી, ગરમ ફૂટવેર અને ટર્કીના પીંછાંમાંથી બનાવેલાં કપડાં પહેરતા હતા. એમને ત્યાંથી મળી આવેલ વસ્તુઓને આધારે પુરાતત્ત્વવિદો દ્વારા એવું તારણ કાઢવામાં આવે છે કે, તેઓ માટીકામમાં નિપુણ હતા. એમાંય ખાસ કરીને કાળી ડિઝાઇનવાળાં સફેદ વાસણો બનાવતા હતા. આ ઉપરાંત તેઓ ટોપલીઓ, ચંપલ, જ્વેલરી અને કપડાં બનાવતા હતા. ખેતીકામ સિવાય દૂર દૂરના વિસ્તારોમાંથી છીપ અને અન્ય પ્રકારની માટીનાં વાસણો જેવી વસ્તુઓનો વેપાર થતો હતો.

અહીં આવેલ વિવિધ રચનાઓ અદ્ભુત છે. જેમ કે, એક બાલ્કની હાઉસ છે. આ બાલ્કની હાઉસ તેની પુનઃ સ્થાપના માટે અને સાહસિક પ્રવેશ માટે જાણીતું છે, કેમ કે તેમાં પ્રવેશ કરવા માટે 32 ફૂટ ઊંચી સીડી ચઢવી પડે છે. એ જ રીતે સ્ક્વેર ટાવર હાઉસ આવેલ છે. આ રચના તેના ઊંચા માળખા અને ચોરસ ટાવર માટે ઓળખાય છે. વર્ષોથી અડિખમ રહેલી આ રચનાઓનું બાંધકામ રેતીના પથ્થર અને કાદવનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે તે સમયના લોકો બાંધકામ કળામાં કેટલા નિપુણ હતા!

મેસો વર્ડેનું મહત્ત્વ અને રહસ્ય

મેસો વર્ડેને 1978માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જે તેની વૈશ્વિક સાંસ્કૃતિક મૂલ્યનું પ્રતીક છે. આ સાઇટ આદિવાસી અમેરિકન જાતિઓની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓ અંગે માહિતી પૂરી પાડે છે અને આજે પણ પ્યુબ્લોઅન લોકોના ભૂતકાળ અને વર્તમાન જીવન વચ્ચેની કડી જાળવી રાખે છે.

જોકે, ઈ.સ. 1300 આસપાસ પૂર્વજોના પ્યુબ્લોઅન લોકો રહસ્યમય રીતે મેસો વર્ડે છોડીને દક્ષિણ તરફ સ્થળાંતર કરી ગયા હતા. આનાં કારણો અંગે પુરાતત્ત્વવિદોમાં મતભેદ છે, પરંતુ મુખ્ય કારણોમાં લાંબો દુષ્કાળ,

સંસાધનોની અછત, આંતરિક સંઘર્ષ અથવા તો અન્ય પ્રદેશોમાં સ્થળાંતર કરવાની સાંસ્કૃતિક કે ધાર્મિક ઈચ્છાનો સમાવેશ કરવામાં આવે છે. મેસો વર્ડેના ક્લિફ ડ્વેલિંગ્સની મુલાકાત લઈને તમે આ પ્રાચીન સંસ્કૃતિના જીવનને નજીકથી અનુભવી શકો છો.

આજે 52,000 એકરથી વધુ વિસ્તારમાં મેસા વર્ડે રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તરેલો છે. તેમાં સ્ટુડન્ટ્સ અને પુરાતત્ત્વવિદો દ્વારા આજે પણ સંશોધન થઇ રહ્યાં છે.