પિરામિડના દેશ તરીકે વિશ્વભરમાં જેની ગણના કરવામાં આવે છે, એ ઇજિપ્ત પોતાનાં ઐતિહાસિક સ્થાપત્યો માટે પણ જાણીતું છે. એમાં એબુ સિમ્બલ મંદિરોનો સમાવેશ થાય છે. આ મંદિરો પોતાના અનોખા ઇતિહાસ, ભવ્યતા અને સ્થાપત્ય કલાના કારણે દુનિયાભરમાં આગવું સ્થાન ધરાવે છે. આ મંદિર આધુનિક વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સહયોગની પણ એક મિસાલ છે. એબુ સિમ્બલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવે છે.

એબુ સિમ્બલનો ઇતિહાસ

નાઇલ નદીના કિનારે દક્ષિણ ઇજિપ્તના નુબિયા વિસ્તારમાં આવેલ આ મંદિરોનું નિર્માણ ઇ.સ. પૂર્વે 13મી સદીમાં એટલે કે આશરે ઇ.સ. પૂર્વ 1264માં કરવામાં આવ્યું હતું. ઇજિપ્તના 19મા વંશના પ્રખ્યાત રાજા ફારુન રામસેસ બીજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. એમાં મુખ્ય બે મંદિરો છે, એક મોટું મંદિર જે રામસેસ બીજાને સમર્પિત છે અને બીજું નાનું એ પત્ની નેફરતારીને સમર્પિત છે. આ મંદિરો પર્વતોને કોતરીને બનાવવામાં આવ્યાં હતાં અને તેને બનાવવામાં 20 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે એબુ સિમ્બલ એ કોઇ પ્રાચીન ઇજિપ્તિયન નામ નથી. 1893માં જ્યારે સ્વિસ સંશોધક જોહાન લુડવિગ બર્કહાર્ટ અહીં આવ્યા ત્યારે આ મંદિર રેતીમાં દટાયેલું હતું. તેમને એક સ્થાનિક છોકરાએ આ જગ્યા બતાવી હતી. એનું નામ એબુ સિમ્બેલ હતું એટલે પશ્ચિમ વિશ્વમાં આ સ્થળ એબુ સિમ્બલના નામે પ્રખ્યાત થયું. સ્થાપત્યની વિશેષતાઓ

એબુ સિમ્બલની સૌથી મોટી વિશેષતા એ છે કે આ મંદિરો કોઈ ઈંટ કે પથ્થર જોડીને બનાવવામાં આવ્યાં નથી, પરંતુ આખા પહાડને કોતરીને અંદરની તરફ કંડારવામાં આવ્યા છે. મુખ્ય મંદિરના પ્રવેશદ્વાર પર રામસેસ બીજાની ચાર વિશાળ પ્રતિમાઓ બેઠેલી અવસ્થામાં છે, જેની ઊંચાઈ આશરે 66 ફૂટ એટલે કે 20 મીટર છે. આ મૂર્તિઓ રાજાના ગૌરવ અને પ્રભાવને દર્શાવે છે. મંદિરની અંદર જતાં, એક મોટો હોલ આવેલો છે જ્યાં અનેક સ્તંભો પર રાજાના વિજયો અને દેવતાઓ સાથેના તેના સંબંધોની કોતરણી કરવામાં આવેલી છે. નાના મંદિરની વાત કરીએ તો આ મંદિર દેવી હાથોર અને રાણી નેફરતારીને સમર્પિત છે. આ ઇજિપ્તના ઇતિહાસમાં ખૂબ જ દુર્લભ ઘટના હતી, જ્યાં રાણીની પ્રતિમા રાજાની પ્રતિમા જેટલી જ કદની બનાવવામાં આવી હોય, કારણ કે રાજાની પ્રતિમાને હંમેશાં અન્ય પ્રતિમા કરતાં મોટી રાખવામાં આવતી હતી, તેથી રાણીની મૂર્તિઓની રચના રામસેસ બીજાનો તેની પત્ની પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.

ખગોળશાસ્ત્રનું ઉત્તમ ઉદાહરણ

 ઇજિપ્તના એન્જિનિયરો ખગોળશાસ્ત્રના ઊંડા જાણકાર હતા, તેનું ઉત્તમ ઉદાહરણ આ મંદિરની રચના છે. એમાંય ખાસ કરીને ગર્ભગૃહ. વર્ષમાં બે વાર 22 ફેબ્રુઆરીએ રાજાના રાજ્યાભિષેકનો દિવસ અને 22 ઓક્ટોબર રાજાના જન્મદિવસ તરીકે ઊજવવામાં આવે છે. સૂર્યનાં કિરણો સીધા મંદિરના પ્રવેશદ્વારથી અંદર પ્રવેશીને 60 મીટર દૂર ગર્ભગૃહમાં બેઠેલી મૂર્તિઓને પ્રકાશિત કરે છે. નવાઈની વાત એ છે કે, ત્યાં ચાર મૂર્તિઓ છે,

જેમાંથી ત્રણ પ્રકાશિત થાય છે, જ્યારે અંધકારના દેવની મૂર્તિ હંમેશાં અંધારામાં જ રહે છે. મંદિરનું સ્થળાંતર એબુ સિમ્બલનો ઈતિહાસ માત્ર પ્રાચીનકાળ પૂરતો મર્યાદિત નથી. 1960ના દાયકામાં જ્યારે ઇજિપ્તમાં નાઇલ નદી પર આસવાન નામનો હાઈ ડેમ બનાવવાની યોજના બની, ત્યારે આ મંદિર ડૂબી જવાની અણી પર હતું. જો ડેમ બને તો આ અમૂલ્ય વારસો હંમેશાં માટે જળસમાધિ લઈ લે તેમ હતો. આ સ્થિતિમાં યુનેસ્કોએ હસ્તક્ષેપ કર્યો અને વિશ્વભરના દેશો પાસે મદદ માંગી. 1964થી 1968 દરમિયાન એક અત્યંત જટિલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આખા પહાડ અને મંદિરોને 3થી 20 ટન વજનના હજારો બ્લોક્સમાં કાપવામાં આવ્યા હતા. આ સ્થાપત્યને તેના મૂળ સ્થાનથી 65 મીટર ઊંચાઈ પર અને 200 મીટર પાછળ ફરીથી જોડવામાં આવ્યા. આ એન્જિનિયરિંગ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતર કાર્ય હતું, જેમાં 50થી વધુ દેશોએ આર્થિક અને તકનીકી સહાય પૂરી પાડી હતી. અત્યારે જ્યાં મંદિર છે, ત્યાં કોઇ પહાડ નહોતો, એન્જિનિયરોએ કોંક્રીટનો એક વિશાળ ગુંબજ બનાવ્યો અને તેની ઉપર પથ્થરો ગોઠવીને એક કૃત્રિમ પહાડ બનાવ્યો જેથી મંદિર કુદરતી લાગે. એબુ સિમ્બલ એ ઇજિપ્તના ઇતિહાસનો અમર વારસો છે. જે આધુનિક એન્જિનિયરો અને પ્રવાસીઓને આકર્ષે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો