રાજા દ્વારા મહેલ બનાવવામાં આવ્યા હોય અને ત્યાંથી સમગ્ર રાજ્યનું શાસન કરવામાં આવતું હોય એવું સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ એક મહેલમાંથી ત્રણ રાજ્યો નહીં, પણ ત્રણ ખંડોનું શાસન ચાલતું હોય એવું કલ્પનામાં પણ ન વિચારી શકાય. તમને જાણીને નવાઇ લાગશે, પરંતુ એ શક્ય હતું. ટોપકાપી પેલેસમાંથી એશિયા, યુરોપ અને આફ્રિકા પર શાસન ચાલતું હતું.   

તુર્કીના ઐતિહાસિક શહેર ઇસ્તંબુલમાં આવેલ ટોપકાપી પેલેસ માત્ર એક મહેલ નથી, પણ જમીન પર કંડારાયેલો ઓટ્ટોમન સામ્રાજ્યનો અમર ઇતિહાસ છે. 15મીથી 19મી સદી એટલે કે આશરે ચાર સદીઓ સુધી આ મહેલમાંથી ત્રણ ખંડો પર ફેલાયેલા વિશાળ સામ્રાજ્યનું શાસન ચાલતું હતું. બોસ્પોરસ સામુદ્રધુની, ગોલ્ડન હોર્ન અને મરમારા સમુદ્રના સંગમ પર એક ઊંચી ટેકરી પર આવેલ આ ભવ્ય મહેલ તેની અદ્ભુત સ્થાપત્યકળા, રાજકીય ષડ્યંત્રો, વૈભવી જીવનશૈલી અને અમૂલ્ય ઐતિહાસિક ખજાના માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.   

ટોપકાપી પેલેસનો ઇતિહાસ

ઇ.સ. 1453માં ફક્ત 21 વર્ષની ઉંમરે ઓટ્ટોમન સુલતાન મેહમેદ બીજાએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું. વિજય બાદ સુલતાને 1459માં પોતાના નિવાસસ્થાન અને સામ્રાજ્યના મુખ્ય વહીવટી મથક તરીકે આ મહેલનું નિર્માણ શરૂ કરાવ્યું, જે 1465માં પૂર્ણ થયું હતું. શરૂઆતમાં આ મહેલને સરય-ઈ જેદિદ-ઈ અમિરે એટલે કે નવો શાહી રાજમહેલ એવું નામ આપવામાં આવ્યું હતું. 19મી સદીમાં દરિયાકિનારે આવેલા તોપના રક્ષણાત્મક દરવાજાના નામ પરથી આ સમગ્ર સંકુલનું નામ ટોપકાપી પડ્યું, જેનો તુર્કી ભાષામાં અર્થ તોપનો દરવાજો એવો થાય છે. ઈ.સ. 1465થી 1853 સુધી કુલ 30થી વધુ શક્તિશાળી ઓટ્ટોમન સુલતાનોએ આ જ મહેલમાં રહીને પોતાના શાસનના તમામ મહત્ત્વપૂર્ણ રાજકીય, લશ્કરી અને ધાર્મિક નિર્ણયો લીધા હતા.  

1853માં સુલતાન અબ્દુલમેસિદ પ્રથમે યુરોપિયન શૈલીના નવા બનેલા દોલમાબાહચે પેલેસમાં પોતાનું રહેઠાણ ખસેડ્યું. એ પછી 1923માં તુર્કી પ્રજાસત્તાકની સ્થાપના થઈ અને 1924માં રાષ્ટ્રપિતા મુસ્તફા કમાલ અતાતુર્કના આદેશથી આ ઐતિહાસિક મહેલને જાહેર મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યો.  

પેલેસની અનોખી સ્થાપત્ય શૈલી 

ટોપકાપી પેલેસ યુરોપના પરંપરાગત એક જ વિશાળ બિલ્ડિંગવાળા મહેલો કરતાં સાવ અલગ છે. એમાં વિશાળ બગીચાઓ, આંગણાઓ, સભાખંડો અને નાના-મોટા કલાત્મક મહેલોનો સમાવેશ થાય છે. સમગ્ર પેલેસ મુખ્ય ચાર ભાગોમાં વહેંચાયેલો છે. સૌથી પહેલું આંગણું જેમાં મહેલનો સૌથી મોટો ખુલ્લો ભાગ હતો. અહીં સામાન્ય જનતાને પ્રવેશવાની છૂટ હતી. અહીં શાહી ટંકશાળ, હોસ્પિટલ, શસ્ત્રાગાર અને રોયલ ગાર્ડ્સની બેરેક આવેલી હતી. જ્યારે બીજુ આંગણું જે પેલેસના સામ્રાજ્યનું વહીવટી હૃદય હતું. અહીં દીવાન-ઈ હુમાયુન એટલે કે શાહી પરિષદની બેઠકો મળતી, જ્યાં વજીર અને મંત્રીઓ રાજ્ય ચલાવવા માટે ભેગા થતા. સુલતાન ઘણીવાર દીવાલમાં બનેલી ગુપ્ત જાળીદાર બારીમાંથી આ બેઠકો પર નજર રાખતા. અહીં જ સામ્રાજ્યનું શાહી રસોડું પણ આવેલું હતું.  

સુલતાનનું એકદમ ખાનગી અને સુરક્ષિત ક્ષેત્ર એટલે ત્રીજું આંગણું. અહીં સુલતાનની ખાસ શાળા, સિંહાસન ખંડ, શાહી ખજાનો અને પવિત્ર ધાર્મિક અવશેષોનો ખંડ આવેલો હતો. જ્યારે ચોથા આંગણામાં સુલતાનના આરામ કરવા માટેના અત્યંત સુંદર કલાત્મક મંડપો, ગુલાબના બગીચાઓ અને સમુદ્રનો અદ્ભુત નજારો જોવાનો બેઠક વિસ્તાર આવેલો છે.

ટોપકાપી પેલેસ અને રોચક માહિતી 

મહેલનો સૌથી વધુ ચર્ચાસ્પદ અને ગુપ્ત ભાગ હરેમ હતો, જેમાં 400થી વધુ ઓરડાઓ હતા. અહીં સુલતાનની માતા, તેમની પત્નીઓ, રાજકુમારીઓ અને દેશ-વિદેશથી લાવવામાં આવેલી હજારો સુંદર દાસીઓ રહેતી હતી. હરેમનું શાસન સુલતાનની માતાના હાથમાં રહેતું. 16મી સદીમાં સુલેમાન ધ મગ્નિફિસેન્ટની પ્રિય પત્ની હુરેમ સુલતાન એ હરેમમાંથી જ આખા ઓટ્ટોમન સામ્રાજ્યના રાજકારણને નિયંત્રિત કરીને ઇતિહાસ રચ્યો હતો.  

મહેલના ખજાનામાં વિશ્વનો ચોથા નંબરનો સૌથી મોટો હીરો સાચવેલો છે, જેને સ્પૂનમેકર્સ ડાયમંડ કહેવામાં આવે છે. અહીં દુનિયાનું સૌથી મોટું શાહી રસોડું આવેલું હતું. આ રસોડામાં દરરોજ 1,000થી વધુ રસોઈયાઓ અને કર્મચારીઓ કામ કરતા. રોજના 4,000થી 8,000 લોકોનું ભોજન અહીં બનતું. આ રસોડામાં ઝેર ઓળખી લેતાં ખાસ ચીની સેલાડન પોર્સેલેઇન વાસણોનો ઉપયોગ થતો. આજે અહીં 5,000થી વધુ પ્રાચીન ચિનાઈ માટીનાં વાસણોનો દુનિયાનો સૌથી મોટો સંગ્રહ છે. હરેમની સુરક્ષા અને વ્યવસ્થા માટે માત્ર વિશેષ રૂપે પસંદ કરાયેલા દરબારી નપુંસકોને જ રાખવામાં આવતા, જેમાંથી આફ્રિકન કાળા નપુંસકોના વડાનો સામ્રાજ્યમાં વજીર જેટલો જ દબદબો અને રાજકીય પ્રભાવ રહેતો.  

ટોપકાપી પેલેસ એ ઓટ્ટોમન સામ્રાજ્યની ભવ્યતા, કળા, વૈભવ અને ષડ્યંત્રોનો જીવંત સાક્ષી છે, જે આજે પણ વિશ્વભરના પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો