અમુક પ્રકારનાં કામ કરતી ફેક્ટરીઝ અને વર્કશોપ્સમાં અકસ્માતોને બહુ સામાન્ય બાબત ગણવામાં આવે છે. જોકે, આ અકસ્માતનો ભોગ બનનારા ગરીબ શ્રમિકોનું જીવન દુષ્કર બની જતું હોય છે. અકસ્માતમાં કોઈનો જીવ જાય તો સ્વજનો થોડા દિવસ દુઃખી થાય અને પછી પરિસ્થિતિનો સ્વીકાર કરી લે, પણ અકસ્માતમાં કોઈ વ્યક્તિના હાથ-પગ કપાય જાય તો ગરીબ પરિવાર પર આભા તૂટી પડતું હોય છે, પણ અમુક કેસીસમાં વિજ્ઞાનને સહારે કપાયેલાં અંગો ફરી જોડી શકાય છે.

ઝીવેઈ (Xie Wei) નામક એક ચીની કામદારનો હાથ મશીનમાં કપાઈ ગયો. ઝી વેઈને શરૂઆતમાં તો એવું જ લાગ્યું કે હવે બાકીનું જીવન અપંગ તરીકે જ વિતાવવું પડશે. જો આ રીતે કપાયેલાં અંગો ઓપરેશન દ્વારા બનતી ઝડપે શરીર સાથે ફરી જોડી દેવામાં આવે, તો કપાયેલું અંગ ફરી જોડાઈ જવાના ચાન્સ ખરા, કેમ કે કપાઈને શરીરથી છૂટા પડેલા અંગમા પણ થોડો સમય સુધી લોહીનો પ્રવાહ ચાલુ રહે છે, પરંતુ ઝીના કેસમાં એવું નહોતું. અકસ્માત થયો કે તાબડતોબ એને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો. કમનસીબે એ હોસ્પિટલમાં હાથ પાછો જોડી શકાય એવી સર્જરી શક્ય નહોતી. તપાસ કરતાં ખબર પડી કે બીજી એક હોસ્પિટલમાં આવી સર્જરી શક્ય છે. એ હોસ્પિટલ સુધી પહોંચવામાં બીજા બે કલાક નીકળી જાય એમ હતું. બિચારો અભણ મજૂર આવી પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણય કઈ રીતે લઇ શકે? પહેલાં તો ઝીના હાથને પ્લાસ્ટિકની થેલીમાં મૂકવામાં આવેલો. પછી વળી કોઈકની અક્કલ ચાલી, એટલે હાથને બરફ ભરેલા કૂલરમાં મૂકવામાં આવ્યો. જેમ તેમ કરીને સાત કલાકે ઝી અને એનો કપાયેલો હાથ યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચ્યા. હાથમાં વહેતું બ્લડ સર્ક્યુલેશન સુકાઈ જવા માટે આટલો સમય ઘણો ગણાય.

ઝીનો કેસ વિખ્યાત સર્જ્યન ડૉ ટન્ગ જુયુ (Dr. Tang Juyu)ને રીફર કરવામાં આવ્યો. અહીં બે ચેલેન્જ હતી. પહેલી એ કે જે અંગ શરીરથી છૂટા પડ્યાને કલાકો વીતી ગયા હોય, એમાં બ્લડ સર્ક્યુલેશન ફરી ચાલુ કઈ રીતે કરવું અને બીજી સમસ્યા એ કે કપાયેલા હાથને ફરી શરીર સાથે કઈ રીતે જોડવો. કદાચ પેશન્ટ ઝી વેઈએ પોતાનો હાથ ફરી પૂર્વવત્ થવાની આશા ત્યજી દીધી હતી.

પણ ડૉ ટન્ગે હજી હાર નહોતી માની, કેમ કે એમની પાસે આ પ્રકારના ઓપરેશન્સનો અનુભવ હતો. સૌથી પહેલું ટાસ્ક હતું હાથને લોહીનો પુરવઠો આપીને `પુનર્જીવિત' કરવાનું. તમે લોહીના બાટલા દ્વારા લોહી ચડાવી શકો ખરા, પણ એ બ્લડને સર્ક્યુલેટ કરવા માટે તો શરીરની શિરાઓ અને ધમનીઓની જ જરૂર પડે. બીજા શબ્દોમાં કહીએ તો કપાયેલા હાથમાં ફરી લોહીનું પરિભ્રમણ શરૂ કરવું હોય તો એને ઝી વેઈના શરીરના જ કોઈ હિસ્સા સાથે જોડવું પડે.

ગંભીર ઈજાઓને કારણે હાથને મૂળ સ્થાને જોડવો શક્ય નહોતું. ડોક્ટરે નક્કી કર્યું કે પેશન્ટના પગના ગોટલા (calf) સાથે હાથ જોડી દેવો. આ વાત સાંભળવામાં બહુ વિચિત્ર લાગે એવી છે. કોઈ માણસના હાથનો પંજો એના પગના ગોટલા સાથે ચોંટાડી દીધો હોય, તો એ દૃશ્ય કેવું બિહામણું લાગે! પણ આવું કર્યા સિવાય છૂટકો નહોતો. બીજી સર્જરી થાય ત્યાં સુધી જો હાથને `જીવતો' રાખવો હોય તો આ કેસમાં લોહીનું ભરપૂર પરિભ્રમણ ધરાવતો પગનો ગોટલો જ ઉચિત ગણાય. (અગાઉ 2004માં આવો જ એક કેસ આવેલો એમાં ડૉકટર ટન્ગે પેશન્ટના પેટ સાથે હાથનો પંજો જોડેલો!)

આખરે ઝી વેઈના જમણા હાથનો કપાયેલો પંજો ડાબા પગના ગોટલા સાથે જોડવામાં આવ્યો. અહીં નોંધનીય બાબત એ હતી કે પગ સાથે માત્ર રક્તવાહિનીઓ (Blood vessels) જોડવામાં આવી હતી. ચેતાઓ (Nerves) હજી એમ જ નિષ્ક્રિય અવસ્થામાં હતી. એનો અર્થ એવો થાય કે હાથમાં લોહી તો ફરવા માંડ્યું, પણ એ હજી નિશ્ચેત અવસ્થામાં હતો. ઝી વેઈએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું. `મારા પગ સાથે જોડાયેલા મારા જ હાથના પંજાને સ્પર્શ કરું છું તો એ હૂંફાળો લાગે છે, પણ હાથના પંજા પર કોઈ પણ પ્રકારનો સ્પર્શ અનુભવી શકાતો નથી.' ઝી વેઈને આ આખી પરિસ્થિતિ બહુ વિચિત્ર લાગી હશે. જાણે વૃક્ષની એક ડાળી કાપીને બીજા થડ સાથે કલમ કરવામાં આવે, એવી જ આ પદ્ધતિ હતી.

લગભગ એકાદ મહિનામાં જમણા હાથમાં રૂઝ આવી ગઈ. પંજા વિનાનો બુઠ્ઠો હાથ વધુ એક સર્જરી માટે તૈયાર હતો. ડૉ ટન્ગે બીજી વધુ જટિલ સર્જરીનો આરંભ કર્યો. આ સર્જરીમાં હાથના પંજાને ગોટલાના કામચલાઉ `નિવાસસ્થાન'થી છૂટો કરીને મૂળ જગ્યાએ જોડવાનો હતો. આ વખતે રક્તવાહિનીઓ જ નહિ, પણ ચેતાઓનું પણ જોડાણ કરવાનું હતું. જોકે, ઓપરેશન સફળ રીતે પાર પડ્યું. ઝીને થોડા જ દિવસોમાં રૂઝ આવી ગઈ. હવે એને હૂંફ અને સ્પર્શ બંને બાબતોનો અહેસાસ થતો હતો.

એટલું જ નહિ પણ એ પોતાના નવા જોડાયેલા પંજાને અમુક ડિગ્રી સુધી ફેરવી પણ શકતો હતો. એકંદરે આ ઓપરેશન સફળ રહ્યું ગણાય.

અહીં નોંધનીય બાબત એ છે કે આ આખી ઘટના એક દાયકા ઉપરાંત જૂની છે. મેડિકલ ટેક્નોલોજીસ ક્ષેત્રે દર દશકે જે હરણફાળ પ્રગતિ થઇ રહી છે, એ જોતાં આ પ્રકારની સર્જરીઝ ભારત જેવા શ્રમિક દેશોમાં મોટા પાયે ચલણી બને એ જરૂરી છે. કમનસીબે આપણે હજી આ બાબતે જોઈએ એટલા જાગૃત નથી.