કુદરતી સૌંદર્યની વાત આવે ત્યારે જમ્મુ-કાશ્મીરનું નામ સૌથી પહેલાં મનમાં આવે છે, પરંતુ ગુલમર્ગ, પહેલગામ અને શ્રીનગરની ભીડભાડથી દૂર કાશ્મીરમાં એક એવું ઓફબીટ સ્વર્ગ છુપાયેલું છે, જેને `ગુરેઝ વેલી' તરીકે ઓળખવામાં આવે છે. દરિયાઈ સપાટીથી લગભગ 8,000 ફૂટની ઊંચાઈએ આવેલી આ ખીણ પોતાના શાંત વાતાવરણ, કિશનગંગા નદીના ખળખળ વહેતાં પાણી અને પિરામિડ આકારના પહાડો માટે વિશ્વભરમાં જાણીતી બની રહી છે. અહીંની તાજી હવા, હરિયાળાં મેદાનો અને પહાડો પર છવાયેલી શાંતિ પ્રવાસીઓને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે.
ગુરેઝ વેલીનો સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ
ગુરેઝ વેલી માત્ર કુદરતી રીતે જ સુંદર નથી, પરંતુ તેનો ઇતિહાસ અને સંસ્કૃતિ પણ ખૂબ જ સમૃદ્ધ અને રસપ્રદ છે. પ્રાચીન સમયમાં આ ખીણ પ્રસિદ્ધ `સિલ્ક રૂટ'નો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતી, જે કાશ્મીરને મધ્ય એશિયા સાથે જોડતી હતી. પ્રાચીન સમયમાં અહીંથી પસાર થતા વેપારીઓ અને વિદ્વાનો શારદા પીઠ યુનિવર્સિટી તરફ જતા હતા.
અહીંના સ્થાનિક લોકોને `દાર્દ-શીન' (Dard-Shin) સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. આ સમુદાયના લોકો પોતાની આગવી શિના (Shina) ભાષા બોલે છે. આ લોકો કાશ્મીરના અન્ય ભાગો કરતાં સાવ અલગ સંસ્કૃતિ ધરાવે છે. તેમના લાકડાનાં પરંપરાગત ઘરો અને સાદગીપૂર્ણ જીવનશૈલી સદીઓ જૂની પરંપરાઓની સાક્ષી પૂરે છે. આ જગ્યાનાં સુંદર ફરવાલાયક સ્થળો વિશે વાત કરીએ.
ફરવાલાયક મુખ્ય આકર્ષણો
હબ્બા ખાતૂન પીક (Habba Khatoon Peak) : ગુરેઝ વેલીનું સૌથી મોટું અને મુખ્ય આકર્ષણ પિરામિડ આકારનો હબ્બા ખાતૂન પહાડ છે. આ પહાડનું નામ 16મી સદીની પ્રસિદ્ધ કાશ્મીરી કવયિત્રી અને રાણી હબ્બા ખાતૂન પરથી રાખવામાં આવ્યું છે. આ પહાડની તળેટીમાંથી વહેતું કુદરતી ઝરણું હબ્બા ખાતૂન સ્પ્રિંગ પણ ખૂબ જ જાણીતું છે, જેનું પાણી સ્ફટિક જેવું સાફ અને મીઠું હોય છે.
દાવર વિલેજ (Dawar Village) : ગુરેઝ વેલીનું આ મુખ્ય કેન્દ્રબિંદુ છે. અહીં આવેલી સ્થાનિક હોટલો અને હોમસ્ટેમાં રોકાઈને તમે સ્થાનિક કલ્ચરનો અનન્ય અનુભવ કરી શકો છો.
કિશનગંગા નદી : સ્ફટિક જેવી સાફ અને નીલા રંગની કિશનગંગા નદી ગુરેઝની શાન છે. તેના કિનારે બેસીને કેમ્પિંગ કરવું, ફિશિંગ કરવું કે રિવર રાફ્ટિંગનો આનંદ લેવો એ એક અદ્ભુત અનુભવ છે. તમે કુદરતના ખોળે બેસીને માનસિક શાંતિનો અનુભવ કરવા માંગતા હોવ તો અહીં આવીને માત્ર બેસજો. બેસવા માત્રથી તમને અદ્ભુત શાંતિનો અનુભવ થશે.
રાઝદાન પાસ (Razdan Pass): બાંદીપોરાથી ગુરેઝ જતી વખતે 11,672 ફૂટની ઊંચાઈએ આવેલો આ પાસ બરફાચ્છાદિત પહાડોનો અદ્ભુત નજારો પૂરો પાડે છે. અહીંથી આખી વેલીનો ભવ્ય નજારો જોવા મળે છે.
ક્યારે જઈ શકાય?
ગુરેઝ વેલી જવા માટે મે થી ઓક્ટોબર સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનાઓ દરમિયાન અહીંનું હવામાન ખૂબ જ ખુશહાલ હોય છે. ચારેય તરફ લીલોતરી છવાયેલી હોય છે અને રસ્તાઓ પણ ખુલ્લા રહે છે. નવેમ્બરથી એપ્રિલ દરમિયાન ભારે બરફવર્ષાને કારણે રાઝદાન પાસ બંધ થઈ જાય છે, જેથી આખી ખીણ બાકીની દુનિયાથી કપાઈ જાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો