પુરુષાર્થ અને પ્રારબ્ધનો સંઘર્ષ સદીઓ જૂનો છે, પરંતુ મહાભારતના શાંતિ પર્વમાં ભીષ્મ પિતામહે આ વિષય પર જે પ્રકાશ પાડ્યો છે.

તે આજના કોર્પોરેટ જગતના લીડર્સ અને મેનેજર્સ માટે એક માર્ગદર્શિકા સમાન છે. જ્યારે યુધિષ્ઠિર પુરુષાર્થ કે નસીબ? જેવા માનસિક દ્વંદ્વમાં હતા ત્યારે ભીષ્મે તેમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું કે જે લોકો માત્ર નસીબના ભરોસે બેસી રહે છે તેઓ વાસ્તવમાં પોતાની જવાબદારીઓથી ભાગી રહ્યા હોય છે. ભીષ્મ પિતામહના મતે નસીબમાં હશે તો મળશે એવું વિધાન માત્ર કાયર અને આળસુ વ્યક્તિઓનું કથન છે. તેઓ આ વલણને પલાયનવાદીઓના વલણ તરીકે પણ ઓળખાવે છે.

તેમના મત મુજબ એક સક્ષમ લીડર ક્યારેય ભાગ્યના સહારે પોતાની ટીમ કે સંસ્થાનું ભવિષ્ય છોડતો નથી. તેઓ સમજાવે છે કે જેવી રીતે ખેતરમાં બીજ વાવ્યા વગર કે જમીન ખેડ્યા વિના માત્ર વરસાદના ભરોસે પાક મેળવી શકાતો નથી, તેવી જ રીતે પર્સનલ એફર્ટ્સ અને હાર્ડ વર્ક વગર લક્ષ્મી કે સફળતાની પ્રાપ્તિ અશક્ય છે. અલબત્ત, અહીં ભીષ્મ એમ પણ કહે છે કે જેઓ માત્ર લક્ષ્મીને સફળતાનું અંતિમ ચરણ માને છે, એ લોકો પણ ક્યારેય સુખી થઈ શકતા નથી.

ખૈર, આપણે માત્ર મહેનત કે એફર્ટ્સ સંદર્ભે જ વાત કરીએ. શાંતિપર્વનો આ સંદેશ આજની મેનેજમેન્ટ સ્ટાઈલમાં ગોલ સેટિંગ અને એક્ઝિક્યુશન સાથે સીધો સંબંધ ધરાવે છે. ભીષ્મ કહે છે કે ઉદ્યમ એટલે કે સતત પરિશ્રમ એ જ સફળતાનો પાયો છે. કોઈ પણ પ્રોજેક્ટ કે મિશનની સફળતા માટે માત્ર વિઝન હોવું પૂરતું નથી, પરંતુ તેને અમલમાં મૂકવા માટે જોઈતી સ્કિલ્સ અને કમિટમેન્ટ અનિવાર્ય છે. એક મેનેજર તરીકે જ્યારે તમે કોઈ ચેલેન્જિંગ ટાસ્ક હાથમાં લો છો, ત્યારે માર્કેટ કન્ડિશન કે એક્સટર્નલ ફેક્ટર્સને દોષ આપીને બેસી રહેવું એ નબળી લીડરશિપની નિશાની છે. ભીષ્મ પિતામહના મતે બુદ્ધિશાળી લીડર તે છે જે પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાના સેલ્ફ કોન્ફિડન્સ અને સ્ટ્રેટેજી દ્વારા રસ્તો કંડારે છે. તેઓ યુધિષ્ઠિરને કહે છે કે નસીબ શક્તિશાળી હોઈ શકે છે, પરંતુ મનુષ્યનો પુરુષાર્થ તેને બદલવાની ક્ષમતા ધરાવે છે. જો નસીબ જ સર્વોપરી હોત, તો દુનિયામાં કોઈ પણ પ્રકારના પ્લાનિંગ કે પ્રિપેરેશનની જરૂર જ ન રહેત, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે મેનેજર પ્રો-એક્ટિવ રહીને જોખમોનું એનાલિસિસ કરે છે અને સતત એક્શન લે છે, તેને જ અંતે રિઝલ્ટ મળે છે.

વર્તમાન સમયમાં પ્રોફેશનલ ગ્રોથ માટે અપ-સ્કિલિંગ અને રી-સ્કિલિંગ ખૂબ જ જરૂરી બન્યા છે. ભીષ્મ પિતામહે પણ જ્ઞાન અને કૌશલ્યના સતત અભ્યાસ પર ભાર મૂક્યો હતો. તેઓ કહે છે કે જે વ્યક્તિ પોતાની ક્ષમતાઓની ધાર કાઢવાનું છોડી દે છે, તેને નસીબ પણ સાથ આપતું નથી. એક લીડરે પોતાના ગ્રૂપ કે ટીમમાં એવું કલ્ચર ઊભું કરવું જોઈએ જ્યાં નસીબના બદલે મેરિટ અને પર્ફોર્મન્સને મહત્ત્વ મળે. જ્યારે આપણે કહીએ છીએ કે `લક' ફેક્ટર કામ કરી ગયું, ત્યારે વાસ્તવમાં તે લાંબા સમયના ઓબ્ઝર્વેશન અને પ્રેક્ટિસનું પરિણામ હોય છે. ભીષ્મ પિતામહના શબ્દોમાં કહીએ તો, જે રીતે રથ એક પૈડાથી ચાલી શકતો નથી, તેમ ભાગ્ય પણ પુરુષાર્થ વગર સિદ્ધિ અપાવી શકતું નથી. આ ફિલોસોફી આજના વર્કપ્લેસમાં ટીમવર્ક અને ઈન્ડિવિજ્યુઅલ કોન્ટ્રિબ્યુશનને સમજવા માટે શ્રેષ્ઠ છે. દરેક મેનેજરે એ સમજવું જોઈએ કે તેમની મહેનત અને સ્ટ્રેટેજી જ તેમના માટે નવું નસીબ લખે છે.

આ આખી વાતનો સાર એ જ છે કે પરિણામની ચિંતા કર્યા વગર કરવામાં આવતો સતત પ્રયત્ન જ સફળતાનો એકમાત્ર શોર્ટકટ છે. ભીષ્મ પિતામહે શાંતિ પર્વમાં ઉદાહરણ આપ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કૂવો ખોદવાનું શરૂ કરે અને અડધે પહોંચીને નસીબમાં પાણી જ નથી એમ માનીને પોતાનો પુરુષાર્થ છેડી દે, તો તે ક્યારેય તરસ છિપાવી શકશે નહીં, પરંતુ જો તે ધીરજ અને સાતત્ય સાથે ખોદકામ ચાલુ રાખે તો તેને પાણી જરૂર મળે છે. તેવી જ રીતે કોર્પોરેટ વર્લ્ડમાં પણ ડેડલાઈન્સ, ક્લાયન્ટ સેટિસફેક્શન અને ક્વોલિટી આઉટપુટ માટે સતત પુરુષાર્થ જ એકમાત્ર વિકલ્પ છે. લીડરે હંમેશાં `કેન-ડુ એટિટ્યૂડ' રાખવો જોઈએ અને પોતાની ટીમને પણ એ જ સમજાવવું જોઈએ કે ફેલ્યોર એ નસીબનો ખેલ નથી, પરંતુ ક્યાંક રિસર્ચ કે એક્ઝિક્યુશનમાં રહી ગયેલી કમી છે. જો આપણે આપણી પૂરેપૂરી એનર્જી અને ટાઈમ કોઈ પણ કાર્યમાં લગાડીએ અને છતાં નિષ્ફળતા મળે, તો પણ તે અનુભવ આપણને ભવિષ્યના મોટા વિજય માટે તૈયાર કરે છે.

ભીષ્મ પિતામહનો આ ઉપદેશ રીલ કલ્ચરથી પ્રભાવિત થઈને એકાએક સફળતા મેળવવા ઈચ્છતા આજના યુવા પ્રોફેશનલ્સ માટે લાલબત્તી સમાન છે. શોર્ટકટ્સ અને લક એ ટેમ્પરરી છે, જ્યારે પુરુષાર્થ અને સ્કિલ્સ એ પરમેનન્ટ એસેટ્સ છે. એક અસરકારક મેનેજર જ એ છે જે મુશ્કેલીના સમયે નસીબનાં રોદણાં રડવાને બદલે રિસોર્સ મેનેજમેન્ટ અને ક્રાઈસિસ હેન્ડલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પિતામહે ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે કે જે માનવી પોતાના બાહુબળ અને બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરીને આગળ વધે છે. આવી સ્થિતિમાં તેને દેવો પણ સહાય કરે છે. તેથી જ આધુનિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કોમ્પિટિટિવ એજ્યુકેશનના આ યુગમાં માત્ર એ જ લીડર સર્વાઈવ કરી શકશે, જે પુરુષાર્થને પોતાનો ધર્મ માનશે. નસીબમાં હશે તો મળશે એ માનસિકતામાંથી બહાર આવીને, નસીબ આપણે જ બનાવીશું એવો સંકલ્પ લેવો એ જ શાંતિ પર્વના આ જ્ઞાનનો અર્ક છે. જે વ્યક્તિ પોતાના કામ પ્રત્યે ડેડિકેટેડ છે અને જેનું વિઝન ક્લિયર છે, તેના માટે આખું વિશ્વ તકોનું મેદાન બની જાય છે. વળી, ધ્યાન એ પણ રાખવાનું છે કે પુરુષાર્થ એ માત્ર શારીરિક શ્રમ નથી, પરંતુ તે મેન્ટલ શાર્પનેસ અને ઈમોશનલ રેઝિલિયન્સનો પણ સંગમ છે, જે એક સામાન્ય મેનેજરને અસાધારણ લીડરમાં પરિવર્તિત કરે છે.