એર્નેસ્ટો `ચે' ગૂવેરા. મૂડીવાદનો સૌથી મોટો દુશ્મન. જેણે પોતાનું આખું જીવન ગરીબોના હક માટે અને સામ્રાજ્યવાદની સામે લડવામાં હોમી દીધું, પણ આજે એની એ પ્રખ્યાત લાલ-કાળી તસવીરવાળા ટી-શર્ટ્સ અને કોફી મગ કોણ વેચે છે? એ જ મૂડીવાદી મલ્ટિનેશનલ કંપનીઓ, એમેઝોન અને વોલમાર્ટના શોરૂમ્સ!

આધુનિક સિસ્ટમ અને અર્થવ્યવસ્થાની આ જ સૌથી મોટી, માયાવી અને ક્રૂર જીત છે. તે તમારા બળવાને ક્યારેય દબાવતી નથી, પણ તમારા બળવાને જ એક સુંદર પેકિંગમાં `પ્રોડક્ટ' બનાવીને તમને પાછી વેચી મારે છે. આધુનિક માણસના આક્રોશ અને ક્રાંતિનું પણ આજે ભયંકર `બજારીકરણ' થઈ ચૂક્યું છે.

ઇતિહાસ સાક્ષી છે કે એક જમાનામાં `ક્રાંતિ' કરવી એટલે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દેવું. સોક્રેટીસને પોતાના વિચારો માટે ઝેરનો પ્યાલો પીવો પડતો, ભગતસિંહને ફાંસીના માચડે લટકવું પડતું અને નેલ્સન મંડેલાને 27 વર્ષ જેલના સળિયા પાછળ સડવું પડતું. એ ક્રાંતિમાં લોહીની અને યુવાનીની કિંમત ચૂકવવી પડતી, પણ આજે? આજે ક્રાંતિ એટલે આઈફોન-15 પર ટાઈપ કરેલું એક `હેશટેગ', ઇન્સ્ટાગ્રામ પર રાખેલું બ્લેક પ્રોફાઈલ પિક્ચર અને એસી ગાડીમાંથી ઉતરીને કોર્પોરેટ સ્પોન્સરશિપ સાથે નીકળતી બે કલાકની કેન્ડલ માર્ચ. આ એક `રેડીમેડ ક્રાંતિ' છે. આજના યુવાનને વિરોધનો અહેસાસ જોઈએ છે, પણ વિરોધનું જોખમ નથી જોઈતું. આપણે ક્રાંતિકારી હોવાનો `સસ્તો નશો' કરી લઈએ છીએ અને સિસ્ટમ આપણને એ નશો પૂરો પાડે છે.

ફાટેલા જીન્સનો જ ઇતિહાસ જુઓ. 1970ના દાયકામાં અમેરિકા અને બ્રિટનમાં પંક કલ્ચરના યુવાનો બેરોજગારી, ગરીબી અને સિસ્ટમના સડાના વિરોધમાં જાણીજોઈને ફાટેલા કપડાં પહેરતા. એ ફાટેલું જીન્સ ગરીબી અને બળવાનું પ્રતીક હતું, પણ બજારે જોયું કે આ તો નવો ટ્રેન્ડ છે. આજે ગુચી કે ઝારા જેવી બ્રાન્ડ્સ એ જ બે જગ્યાએથી ફાટેલા જીન્સને પાંચ હજાર રૂપિયામાં શોરૂમમાં લટકાવીને વેચે છે! તમે સિસ્ટમનો વિરોધ કરવા માટે જે પ્રતીક ઊભું કરો છો, સિસ્ટમ એનો જ શોરૂમ ખોલી નાખે છે. પર્યાવરણ બચાવવાના નામે `વીગન' પ્રોડક્ટ્સ અને સસ્ટેનેબલ ફેશનના નામે બમણા ભાવે માલ પધરાવવામાં આવે છે. આજે સિસ્ટમ સામે વિરોધ નોંધાવવો એ કોઈ બળવો નથી રહ્યો, એ એક `લક્ઝરી' અને સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે.

અને સૌથી મોટો ભ્રમ તો સોશિયલ મીડિયાએ ઊભો કર્યો છે. જ્યારે ફેસબુક કે એક્સ (X) પર સરકાર, સિસ્ટમ કે કોઈ ઘટના વિરુદ્ધ લાંબી અને આક્રોશપૂર્ણ પોસ્ટ લખવામાં આવે છે, ત્યારે જાગૃત નાગરિક બનવાનો ભ્રમ મળતો હશે, પણ વાસ્તવિકતા એ છે કે આ બધો વાંઝીયો આક્રોશ પ્લેટફોર્મના `અલ્ગોરિધમ' માટેનો માત્ર ડેટા છે. લોકોનો ગુસ્સો, લોકોની કોમેન્ટ્સ અને એ બધી કહેવાતી ક્રાંતિ જેટલી વધારે, માર્ક ઝકરબર્ગ કે ઈલોન મસ્કનો નફો એટલો જ વધારે. સિસ્ટમ પબ્લિકને એક સુરક્ષિત `પ્લેબોક્સ' આપે છે, જેમાં બેસીને લોકો ગમે તેટલી બૂમાબૂમ કરે, બહાર કોઈ ફરક નથી પડતો. બધાનો સાચો કે ખોટો આક્રોશ પણ હવે ડિજિટલ મિલોમાં પીસાઈને ડોલરમાં કન્વર્ટ થઈ રહ્યો છે.

જ્યારે ક્રાંતિ પણ કોઈ મોલમાંથી ખરીદી શકાય એવી ચીજવસ્તુ બની જાય, ત્યારે સાચો બળવો કોને કહેવાય?

આજના હાઈપર-કનેક્ટેડ સમયમાં સાચો બળવો રસ્તા પર નારા લગાવવામાં કે સ્ટેટસ અપડેટ કરવામાં નથી રહ્યો. સાચો બળવો `અદૃશ્ય' થઈ જવામાં છે. આ અલ્ગોરિધમની રમતમાં ભાગ લેવાની ના પાડવી, અટેન્શન ઈકોનોમીના ભિખારી બનવાનું છોડી દેવું, પોતાનો ડેટા બચાવી લેવો, અને દુનિયાને બતાવ્યા વગર પોતાના સિદ્ધાંતો પર એક શાંત, અસલી અને ધીમી જિંદગી જીવવી - આજના સમયની એ જ સૌથી મોટી અને ભયાનક ક્રાંતિ છે, કારણ કે યાદ રાખજો, સિસ્ટમને લોકોના દેખાવડા `વિરોધ'થી ક્યારેય ડર નથી લાગતો, સિસ્ટમને લોકોની સંપૂર્ણ `નિઃસ્પૃહતા'થી ડર લાગે છે!

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો