આયુર્વેદના કેટલાંક કાષ્ઠ ઔષધો તેના વિશેષ ગુણને લીધે વૈદ્યોમાં અને સામાન્ય લોકોમાં વધારે પ્રિય થઈ ગયા છે. આવાં ઔષધોમાં હરડે પછી `સૂંઠ'ની ગણતરી કરી શકાય.
આયુર્વેદીય મત પ્રમાણે સૂંઠ શરીરની વિકૃત થયેલી પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. હૃદય, મગજ, રક્ત, સમગ્ર પાચનતંત્ર, કફ, સાંધા, મૂત્રપિંડના રોગો તથા શરીરની બીજી ઘણી ક્રિયાઓ અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પાડે છે અને આ અંગોમાં ઉત્પન્ન થયેલી વિકૃતિને દૂર કરે છે.
સૂંઠ ઉષ્ણ અને વાયુનો નાશ કરનાર હોવાથી તે સર્વ પ્રકારના વાયુના રોગોમાં પ્રયોજાય છે. જીર્ણ સંધિવામાં (ક્રોનિક આર્થ્રાઈટીસ), આમ વાત વગેરેમાં સૂંઠ અને મેથીથી મોટું કોઈ જ ઔષધ નથી.
સાંધાના વામાં જે દર્દીઓ સ્ટીરોઈડના અનેક ઔષધોયોગો વાપરી ચૂક્યા છે અને ક્ષણિક રાહત સિવાય કંઈ જ ફાયદો મેળવી શક્યા નથી. આવા લોકો માટે સૂંઠ, મેથી, ત્રિકટુ વગેરે આશીર્વાદ સમાન ઔષધો છે.
સૂંઠ ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણવાળી હોવાથી ઉત્તમ કફનાશક છે. સૂંઠમાં એક ભેદન નામનો ઉત્તમ ગુણ પણ રહેલો છે. ભેદન એટલે ચોંટેલી વસ્તુને ઉખેડનાર. આ ભેદન ગુણને લીધે સૂંઠ સમગ્ર પાચનતંત્રને સુધારે છે. પેટમાં આફરો રહેતો હોય, ભૂખ લાગતી જ ન હોય, અરુચિ જેવું રહેતું હોય, મળ પ્રવૃત્તિ નિયમિત ન હોય એને માટે સૂંઠનો ઉપયોગ હિતકારી છે. આંતરડાની અંદરની દીવાલને ચોંટેલા દોષો, કાચા આમને, મળને સૂંઠ ઉખાડી નાખે છે. સ્ત્રીઓમાં પ્રસૂતિ પછી સૂંઠ ખાવાનો રિવાજ ઓછો થતો જાય છે. એ રિવાજ શા માટે છે એ ખબર છે? સૂંઠમાં ગર્ભાશયનું સંકોચન કરાવી તેમાં રહી ગયેલા દોષોને દૂર કરવાની ઉત્તમ ક્ષમતા છે. પ્રસૂતિ પછી ગર્ભાશય અને તેની આજુબાજુના ભાગોનું યોગ્ય સંકોચન થવું જોઈએ. જો આ યોગ્ય સંકોચન ન થાય તો ત્યાં મેદ અને વાયુ જમા થવાથી પેડુ ફૂલી જાય. પેડુના ભાગનું સંકોચન કરાવનાર ઔષધોમાં સૂંઠ જ ઉત્તમ છે.
સામાન્ય ઉપચાર પ્રયોગો
10 ગ્રામ સૂંઠ, 20 ગ્રામ ગોળ અને 30 ગ્રામ ચોખ્ખું ઘી મિશ્ર કરી રાખવું. આમાંથી દોઢથી બે ચમચી જેટલું મિશ્રણ સવારે અને રાત્રે જમ્યા પછી અથવા પહેલાં લેવામાં આવે તો કાનમાં તમરા જેવો અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર આવવાં, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ, ગેસ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે.
ખૂબ જૂની ક્રોનિક શરદી હોય અને વારંવાર નાક બંધ થઈ જતું હોય, તેમણે બકરીના દૂધમાં સૂંઠ ઘસી તેના ચાર-પાંચ ટીપાં બંને નાકમાં સવારે અને રાત્રે નાખવાં જોઈએ.
સૂંઠ અને હરડેને મધમાં ઘસી ચાટણ તૈયાર કરવું. આ ચાટણ એક ચમચીની માત્રામાં દિવસમાં ત્રણ વખત લેવાથી કફના રોગો દૂર થાય છે.
10 ગ્રામ સૂંઠનું ચૂર્ણ અને 10 ગ્રામ મેથીનું ચૂર્ણ મિશ્ર કરી તેની છ પડીકી બનાવવી. આમાંથી એક પડીકી દિવસમાં ત્રણ વાર, ચાર ચમચી ગળોના રસમાં લેવાથી સંધિવા અને જીર્ણ જ્વર મટે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો