ચીન પોતાની હજારો વર્ષ જૂની સભ્યતા અને સમૃદ્ધ વારસા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચીનના ગાન્સુ પ્રાંતમાં ગોબી રણના છેવાડે મોગાઓ ગુફાઓ આવેલી છે. જેને હજાર બુદ્ધની ગુફાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગુફાની વિશેષતા એ છે કે તે વિશ્વની સૌથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરમાંની એક છે. 1987માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું છે.

મોગાઓ ગુફાનો ઇતિહાસ

આ ગુફાઓનો ઇતિહાસ આશરે 1600 વર્ષ જૂનો છે. તેની રચના કરવાની શરૂઆત ઇ.સ. 366ની આસપાસ થઇ હોવાનું મનાય છે. એવું કહેવાય છે કે, એક બૌદ્ધ સાધુ અહીંથી પસાર થઇ રહ્યા હતા એ દરમિયાન તેમને બુદ્ધની એક-બે નહીં, પરંતુ હજારોની સંખ્યામાં આકૃતિઓ દેખાવા લાગી. એનાથી પ્રેરિત થઇને તેમણે ગુફા કંડારવાનું શરૂ કર્યું હતું. એક ગુફા બની ગયા બાદ કામ અટકી ન ગયું, આશરે એક હજાર વર્ષ સુધી એટલે કે ચોથી સદીથી ચૌદમી સદી સુધી, અલગ અલગ રાજાઓ એમાંય ખાસ કરીને તાંગ અને સુઇ વંશ દરમિયાન અહીં ગુફાઓનું નિર્માણ ચાલુ રહ્યું હતું. આ ગુફા જ્યાં આવેલી હતી એ રેશમ માર્ગ પરથી વેપારીઓ, મુસાફરો અને રાજાઓ પોતાની યાત્રા કરતા હતા. તેમની યાત્રા કોઇ પણ જાતના વિઘ્ન વગર પૂર્ણ થાય એટલે અહીં ગુફાઓ બનાવડાવતા અને તેમાં ભીંતચિત્રો અને મૂર્તિઓ અર્પણ કરતા હતા.

ગુફાઓની ભવ્યતા

બહારથી સામાન્ય લાગતી ગુફાઓ અંદરથી ભવ્ય છે. હાલમાં આશરે 735 જેટલી ગુફાઓ અસ્તિત્વ ધરાવે છે. એમાં 45,000 ચોરસ મીટર કરતાં પણ વધારે વિસ્તારમાં ફેલાયેલાં ભીંતચિત્રો અને 2000થી વધુ રંગબેરંગી મૂર્તિઓ છે. તેમાં વપરાયેલા રંગો કુદરતી ખનિજોમાંથી બનાવવામાં આવ્યા છે. આ રંગો એટલા અદ્ભુત છે કે અંધારી ગુફાઓમાં મશાલના અજવાળે આ ચિત્રો જોતાં એવું લાગે છે જાણે તે આજે પણ જીવંત હોય છે. આ ગુફાઓમાં નાની નાની મૂર્તિઓથી માંડીને આશરે 35 મીટર જેટલી ઊંચી વિશાળ બુદ્ધની પ્રતિમાઓ જોવા મળે છે. માટી અને પથ્થરના મિશ્રણમાંથી બનાવવામાં આવેલી આ મૂર્તિઓ મૂર્તિકળાનો ઉત્તમ નમૂનો છે.

રોમાંચક તથ્યો અને રહસ્યો છુપાયો ખજાનો

ઇ.સ. 1900માં વાંગ યુઆનલુ નામના એક સ્થાનિક સાધુ ગુફાઓની સફાઇ કરી રહ્યા હતા, ત્યારે તેમને દીવાલ પાછળ છુપાયેલો દરવાજો દેખાયો. જેને ખોલતાં એમાંથી એક-બે નહીં આશરે પચાસ હજારથી વધારે કીમતી હસ્તપ્રતો મળી આવી હતી. સંશોધન કરતાં જાણવા મળ્યું કે, આ ખજાનો 11મી સદીમાં સિલ્ક રોડ પરનાં આક્રમણોથી બચાવવા માટે સીલ કરી દેવામાં આવ્યો હતો.

વિશ્વનું પહેલું છાપેલું પુસ્તક

એ વખતમાં પુસ્તકો છપાવવાનું સરળ નહોતું ત્યારે લાઇબ્રેરી ગુફામાંથી ડાયમંડ સૂત્ર નામનો બૌદ્ધ ગ્રંથ મળ્યો હતો. આ પુસ્તક આશરે ઇ.સ. 868માં છાપવામાં આવ્યું હોવાનું માનાય છે. ગુટેનબર્ગે યુરોપમાં બાઇબલ છાપ્યું તેનાં અનેક વર્ષો પહેલાં ચીનમાં બ્લોક પ્રિન્ટિંગ દ્વારા આ પુસ્તક તૈયાર થઇ ગયું હતું. આ પુસ્તક બ્રિટિશ લાઇબ્રેરીમાં સુરક્ષિત છે.

હજાર બુદ્ધનું રહસ્ય

મોગાઓને હજાર બુદ્ધની ગુફાઓ પણ કહે છે, એ પાછળનું મુખ્ય કારણ ગુફાઓમાં હજારોની સંખ્યામાં મૂર્તિઓ અને લાખોની સંખ્યામાં બુદ્ધનાં નાનાં ચિત્રો છે. અમુક ગુફાઓ તો એવી છે જેમાં દીવાલથી લઇને છત સુધી બુદ્ધની નાની નાની આકૃતિઓ બનાવવામાં આવી છે. આ આકૃતિઓને ધ્યાનથી જોવામાં આવે તો જાણે એક ઉચ્ચ અવસ્થા દર્શાવવામાં આવી હોય એવું લાગે છે.

સંગીત રેલાવતી ટેકરીઓ

ટેકરીઓ અથવા તો પહાડમાંથી સંગીત સંભળાય એવું કહેવામાં આવે તો નવાઇ લાગે, પરંતુ મોગાઓ જે પહાડ પર આવેલી છે, તેને ગાતી ટેકરીઓ પણ કહે છે. જ્યારે પવન ફૂંકાય છે ત્યારે રેતીના ઘર્ષણના કારણે કંઇક અલગ પ્રકારનો જ અવાજ સંભળાય છે. પહેલાંના સમયમાં લોકો આ અવાજને દૈવી સંકેત માનતા હતા.

વિશાળ મૂર્તિઓ

96 નંબરની ગુફામાં આશરે 116 ફૂટ ઊંચી બુદ્ધની મૂર્તિઓ આવેલી છે. નવાઇની વાત તો એ છે કે આ મૂર્તિઓ પથ્થરને કોતરીને નહીં, પણ પહાડની અંદર લાકડાનું માળખું બનાવી તેના ઉપર માટીનો લેપ લગાવીને તૈયાર કરવામાં આવી છે. વર્ષો પહેલાં પર્વતની અંદર આ રીતે બનાવવામાં આવેલી મૂર્તિઓ એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ છે.

ઊડતી અપ્સરા

મોગાઓની સૌથી મોટી ઓળખ અહીં ઊડતી અપ્સરાઓ છે. નવાઇની વાત તો એ છે કે આ અપ્સરાઓની પાંખો દોરવામાં આવી નથી, તેમ છતાં તેનાં વસ્ત્રો અને શરીરની મુદ્રાઓ એવી રીતે દોરવામાં આવી છે જાણે અપ્સરા હવામાં તરી રહી હોય એવો આભાસ થાય છે.

આ ગુફાઓ ફક્ત ધાર્મિક કેન્દ્ર નથી, પરંતુ પ્રાચીન વિશ્વની કલા, ઇતિહાસ અને સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો