થોડા દિવસો પહેલાં ટ્વીટર પર એક સિનેમારસિકે યુ ટ્યૂબ વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું, `પાછલા અમુક દિવસોથી `આવારગી' ફિલ્મની આ ગઝલ મારા મનના લગાતાર ગુંજી રહી છે. `આવારગી' મહેશ ભટ્ટની અન્ય ફિલ્મોની જેમ, એક બેહદ ગહન ફિલ્મ હતી, જેમાં અનિલ કપૂરે શાનદાર અભિનય કર્યો હતો.'
આ ટ્વીટના જવાબમાં અનિલ કપૂરે થોડી પૂરક માહિતી આપતાં લખ્યું હતું, `આવારગી' કદાચ મારી બહુ જાણીતી ફિલ્મ નથી, પણ તેનો આ કિરદાર ક્યારેય મારાથી દૂર ગયો નથી. થોડા વર્ષો પહેલાં તે પાછો આવ્યો હતો (`વેલકમ' ફિલ્મમાં) મજનૂભાઈના રૂપમાં. આ વખતે થોડા હલકા-ફૂલકા અંદાજમાં. ખભાનો એવો જ ઝુકાવ, એવા જ હાવભાવ, એવું જ ગાંડપણ. પહેલાં મહેશ ભટ્ટની દુનિયામાં અને પછી અનીસ બઝમીની શૈલીમાં. જિંદગીનું ચક્ર કેવું ગોળ ફરે છે!'
અહીં જે ગીતની વાત થાય છે તે મશહૂર પાકિસ્તાની ગાયક ગુલામ અલીના દર્દભર્યા અવાજમાં રેકોર્ડ થયેલી ગઝલ છે;
`ચમકતે ચાંદ કો, ટૂટા હુઆ તારા બના ડાલા,
મેરી આવારગીને મુઝકો આવારા
બના ડાલા.'
એ વાત સાચી કે અનિલ કપૂર અને મહેશ ભટ્ટ બંનેની સમૃદ્ધ ફિલ્મોગ્રાફીમાં `આવારગી' ફિલ્મ ક્યાંક તળિયે આવે છે, પણ હકીકત તો એ પણ છે કે આ ફિલ્મ તેની આ ગઝલ અને અનિલ કપૂર-મીનાક્ષી શેષાદ્રીના જાનદાર અભિનયના કારણે આજે ક્લાસિકમાં ગણાય છે. એ પણ નોંધનીય છે કે તે વખતે સંઘર્ષરત સંગીતકાર અનુ મલિક આ ફિલ્મ (એટલે કે આ ગઝલ)ના કારણે રાતોરાત `ડિમાન્ડ'માં આવી ગયા હતા.
મહેશ ભટ્ટની ફિલ્મોની ખાસ ઓળખ રહી છે; તેમાં કિરદારોની ભાવનાત્મક ગહેરાઈ અને આંતરિક અસ્થિરતાને બહુ ઈમાનદારીથી બતાવવામાં આવે છે. `આવારગી'ની કહાની પણ એક એવા જ ભટકી ગયેલા આઝાદ નામના એકલવાયા યુવાન (અનિલ કપૂર) વિશે છે, જેની અંદર લગાતાર એક પીડા તેને પરેશાન કરી રહી છે. તે એક એવા શહેર(મુંબઈ)માં રહે છે, જે બહારથી તો રોશનીમાં ડૂબેલું છે, પણ તેની ભીતર ક્યાંક ઘેરું અંધારું છુપાયેલું છે.
આઝાદ શહેરના અન્ડરવર્લ્ડ ડોન લાલા જમાલ ખાન (અનુપમ ખેર) માટે કામ કરે છે. એવા જ એક કામમાં આઝાદ મીના (મીનાક્ષી શેષાદ્રી) નામની એક વેશ્યાને રાનુભાઈ નામના હરીફ ગુંડાની ચુંગાલમાંથી બચાવે છે અને એક ગાયિકા બનવા માટે મદદ કરે છે. એમાં તે મીનાના પ્રેમમાં પડે છે, પણ બંનેની વચ્ચે ગેંગની દુશ્મનાવટ આડી આવે છે. આઝાદના માથે હવે પોતાનો અને મીનાનો જીવ બચાવવાનું કામ આવી પડે છે.
કહાની સીધી અને સરળ હતી, પણ મહેશ ભટ્ટે આઝાદના કિરદારમાં એટલું ઊંડાણ કોતર્યું હતું કે કહાની ધીરે-ધીરે એક મન:સ્થિતિના રૂપમાં સામે આવે છે. જેમ કે, કોઈ રાતે કારણ વગર જાગતા રહેવું અને અચાનક પોતાના જીવન વિશે વિચારતા રહેવું. આઝાદ ભાવનાત્મક પીડામાં અટવાયેલો યુવાન છે, તે મુંબઈની ગલીઓમાં નિરુદ્દેશ ભટક્યા કરે છે. તેની પાસે કોઈ દિશા છે નથી, બસ સમયની સાથે વહેતો જાય છે. તેની આંખોમાં અજીબ થકાન છે; જાણે બહુ બધું જોઈ લીધું હોય અને છતાં કશું હાંસલ થયું ન હોય. તેનો એક ખભો ઝૂકેલો
છે ; જાણે દુનિયાનો બોજ આવી પડ્યો હોય.
આ આવારગી કેવળ સડકો પર ભટકવાની નથી, પણ તેની અંદરના ખાલીપાની આવારગી છે. આવા કિરદારનો `અવાજ' જો કોઈ ગાયકના સૂરમાં પડઘાય, તો તે ગઝલની દુનિયામાંથી જ આવતો હોય, જ્યાં શબ્દ, સૂર અને ખામોશી ત્રણેનું બરાબર મહત્ત્વ હોય અને એ અવાજ એટલે ગુલામ અલી.
આ ગીત (ગઝલ) ખાસ ગુલામ અલીના ગહેરા અને દર્દથી સરાબોર અવાજને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું હતું. તેમના અવાજમાં આ એક સાધારણ ફિલ્મી ગીતથી આગળ જઈને એક આત્મિક અનુભવ બની જાય છે. ફિલ્મની જેમ જ આ ગઝલ પણ માણસની અંદરના અંધારા, તેની એકલતા અને વિના ઉદ્દેશ્ય ભટકાવને પૂરી ઈમાનદારીથી સામે મૂકે છે. આ ગઝલ ફિલ્મના પ્રારંભે ક્રેડિટ રોલ થાય ત્યારે જ આવે છે. આઝાદ તેના ઝૂકેલા ખભા સાથે મુંબઈની અંધારી સડકો પર ભટકી રહ્યો છે અને તેની પીડાદાયક ખામોશી આ ગઝલના શબ્દો અને ગુલામ અલીના આત્મિક અવાજમાં વ્યક્ત થાય છે.
જે લોકો ગીતકાર આનંદ બક્ષીને `કવિ' કહેતા અચકાય છે, તેમણે આ ગઝલ સાંભળવા જેવી છે. બક્ષી સાહેબે તેમાં ઠાંસી-ઠાંસીને કવિત્વ ભર્યું છે. તેની પહેલી જ પંક્તિ આફરીન થઇ જવાય તેવી છે :
`ચમકતે ચાંદ કો,
ટૂટા હુઆ તારા બના ડાલા,
મેરી આવારગીને મુઝકો
આવારા બના ડાલા.'
અહીં `ચાંદ' એક ઉજ્જ્વળ અને સંભાવનાઓથી ભરેલી જિંદગીનું પ્રતીક છે, જ્યારે `ટૂટા હુઆ તારા' વિખરાઈ ગયેલા, નિષ્ફળ અને તૂટી ગયેલા અસ્તિવનો સંકેત છે.
શાયર એમાં સ્વીકાર કરે છે કે તેની પોતાની આવારગી, તેનો ભટકાવ જ તેને આ સ્થિતિમાં લાવ્યો છે. આ બહારની દુનિયા સામે ફરિયાદ નથી, બલકે ભીતરના વિઘટનનું બયાન છે. ગઝલમાં વારંવાર `શહર' શબ્દનો ઉલ્લેખ આવે છે.
જેમ કે,
બડા દિલકશ, બડા રંગીન હૈ,
યહ શહર કહેતે હૈં,
યહાં પર હૈ હજારોં ઘર,
ઘરોં મેં લોગ રહેતે હૈં,મુઝે ઇસ શહર ને
ગલિયોં કા બંજારા બના ડાલા.
આ શહેર (મુંબઈ) કેવળ એક ભૌગોલિક જગ્યા જ નથી, બલકે આધુનિક જીવનનું પ્રતીક પણ છે, જ્યાં ભીડ તો છે, પણ આત્મીયતા નથી; અવસર તો છે, પણ દિશા નથી.
આઝાદનું જીવન સિસ્ટમની બહાર, પોતાની શરતો પર જીવવાની કોશિશમાં અટવાયેલું છે અને આ ગીત તેનો આંતરિક અવાજ બનીને ઊભરે છે એ તેનો જાત સાથેનો સંવાદ છે. ગુલામ અલીની ગાયકી આ ભાવને વધુ ઊંડો કરી દે છે. તેમના અવાજનો ધીમો લય, શબ્દોને ખેંચવાનો અંદાજ અને દરેક સૂરમાં છુપાયેલું દર્દ આ ગઝલને કેવળ એક ધૂન ન રહેવા દઈને એક જીવિત અહેસાસમાં બદલી નાખે છે.
આ ગીત (અને આ ફિલ્મ) દરઅસલ એક અનુભવ છે. એવો અનુભવ, જે આપણને એ વિચારવા માટે મજબૂર કરે છે કે શું સાચે જ આપણે સૌ ક્યાંક ને ક્યાંક આપણી અંદર ભટકી ગયેલા છીએ? અને હા, તો શું એ ભટકાવમાં પણ કોઈ અર્થ છુપાયેલો છે કે પછી આ કેવળ એક લાંબી, ખામોશ યાત્રા છે, જેનો કોઈ નિશ્ચિત અંત નથી.
એટલા માટે `ચમકતે ચાંદ કો...' ગઝલ સમયની સાથે જૂની નથી થઇ. તે આજે પણ એવી દરેક વ્યક્તિ સાથે સંવાદ કરે છે, જેણે જીવનમાં ક્યારેક ભટકાવ મહેસૂસ કર્યો હશે, જેણે એ વિચાર્યું હશે કે જે પણ કશું ચમકી શકે તેવું હતું, તે અંતત: તૂટીને વિખરાઈ કેમ ગયું?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
