ઉત્તર ભારતમાં લોકમાતાઓ તોફાને ચઢી છે. રાજધાની દિલ્હીને યમુના ધમરોળી રહી છે, તો બીજી નદીઓ પણ રૌદ્ર રૂપ ધારણ કરતી જોવા મળી રહી છે.

ભારે નુકસાનના દહેશત વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત છે અને નદીઓના આ લાલઘૂમ રૂપથી ભયનું લખલખું પસાર થઈ જાય એવી સ્થિતિ છે, પરંતુ આપણી લોકમાતાઓ તો ઘણો સંયમ રાખે છે. આપણાં જ હાથે કર્યાં હૈયે વાગી રહ્યાં છે. શાંત ચિત્તે વહીને જીવનને પાંગરતી નદીઓ ચોમાસામાં તાંડવ કરતી હોય એમ ભારે નુકસાન કરતી જોવા મળે છે, પરંતુ ધરતી પર એવી નદીઓ પણ છે, જેમનો પ્રવાહ કે જળજીવનને કારણે આપણા શરીરમાંથી લખલખું પસાર થઈ જાય.

દુનિયાની સૌથી લાંબી નદીનું ગૌરવ લઈને વહેતી નદી છે - એમેઝોન. એ ખરું કે એમેઝોનની લંબાઈ અંગે થોડો વિવાદ જરૂર છે, છતાં તેની લંબાઈ 6200 થી 7000 કિલોમીટર હોવાનું માનવામાં આવે છે. એમેઝોન નદીના લાંબા પટ પરથી જ ખ્યાલ આવી જાય કે તેને એક દેશ તો સમાવી શકે એમ જ નથી. એમેઝોન એક બે નહીં દક્ષિણ અમેરિકાના આઠ આઠ દેશોમાંથી પસાર થાય છે. બ્રાઝિલ, બોલીવિયા, પેરુ, ઈક્વાડોર, કોલંબિયા, વેનેઝુએલા, ગુયાના, સૂરીનામ અને ફ્રેન્ચ ગુયાનામાંથી પસાર થતી આ નદી એમેઝોનના વરસાદી વનમાંથી પસાર થાય છે. એમેઝોન તેના પ્રવાહના રૌદ્ર રૂપને કારણે નહીં, પણ તેમાં વસતા એનાકોન્ડા જેવા ખતરનાક જળજીવોને કારણે જોખમી મનાય છે. એનાકોન્ડા દુનિયાનો સૌથી મોટો સાપ છે. એ ઉપરાંત બીજા અનેક જીવો ઘાતક નીવડી શકે એવા હોવાને કારણે જ એમેઝોન નદી અને એમેઝોન જંગલોમાં ફરવાનું સાહસ બહુ ઓછા લોકો કરે છે.

તો અમેરિકાના દક્ષિણમાં વહેતી રેડ રિવર તેના નામ પ્રમાણે જ રાતીચોળ લાગ્યા વિના રહેતી નથી. તેના ઉછળતાં પાણી અને પહાડો પરથી પડીને રચાતા ફીણના ગોટેગોટા એવા રૌદ્ર લાગે કે ધ્રૂજી જવાય. તેનું એ રૌદ્ર રૂપ ડરાવી દે એવું તો છે જ, પણ સાથે સાથે રેડ રિવર ગમે ત્યારે તેનું વહેણ બદલી નાંખે છે. મનમોજી તરીકે વહેતી આ નદી વહેણ બદલે ત્યારે તેના પટમાં રહેનારાઓના માથે મોત બનીને ત્રાટકે છે. વળી, અચાનક જ વહેણ બદલાવી કાઢતી હોવાને કારણે લોકો માટે સતત યમરાજા બની રહેવાનો શાપ તેના માથે લખાયેલો છે. તેનો પ્રવાહ પણ એવો પ્રચંડ છે કે તેમાં આવનારી કોઈ પણ ચીજ તણખલાની જેમ નદીમાં વહી જઈને અવશેષ બની જાય છે. નદીનું નામ ભલે રેડ રિવર હોય, પણ તેનું પાણી કંઈ લાલચટક નથી. વાસ્તવમાં તો સ્પેનમાં વહેતી રિજો ટિંટોને જુઓ તો નદીમાં પાણી નહીં, પણ લોહી વહેતું હોય એવું લાગ્યા વિના નહીં રહે. નદીના પાણી તો ખળખળ વહેતાં હોય એટલે તેમાં છબછબિયાં કરવાનું મન થઈ જાય, પરંતુ રિજો ટિંટોનાં પાણીને તો હાથ પણ ન લગાડાય! આ નદીનું પાણી રક્તવર્ણી હોવા પાછળનું કારણ એ જ છે કે તે સોના-ચાંદી અને તાંબાની ખાણમાંથી પસાર થાય છે. હા, એમ તો પાણી એ જ જીવન છે, પરંતુ રિજો ટિંટો માટે એવું કહી ન શકાય. હા, એ નદી તેના પાણીના રંગને કારણે આકર્ષે છે, પરંતુ એ નદીનું પાણી જરાય કામમાં આવતું નથી! સ્પેનના સિએર્રા મોરેની પર્વત શૃંખલામાંથી નીકળી મેદાની વિસ્તારમાં આવે છે, પણ તેનું પાણી તેજાબી હોવાને કારણે તેમાં જળસૃષ્ટિ પણ ખાસ પાંગરી નથી. કેટલીક પ્રજાતિના સૂક્ષ્મ જીવો સિવાય એમાં કશું ટકી શકે એમ નથી!

દુનિયાની બીજી બે ખતરનાક નદીઓ ચીનમાં વહે છે. એમ તો ચીનનું નામ પડે એટલે તેની યલો રિવર યાદ આવી જાય. આ નદીનું વહેણ માર્ગમાં એક બે નહીં ચોવીસ વખત માર્ગ બદલે છે. ચીનમાં આ નદી દર વર્ષે તબાહી લાવે છે. આ નદીનું રૌદ્ર રૂપ દર વર્ષે હજારો લોકોને ભરખી જાય છે અને એ કારણે જ તેને ચીનમાં દુઃખની નદી પણ કહે છે. એ જ રીતે બીજી ખતરનાક નદી છે - યાંગ્ત્જી નદી. એશિયાની સૌથી લાંબી નદી તરીકે નામના પામેલી યાંગ્ત્જી નદી ચોમાસામાં ચીન માટે આફત નોંતરનારી બની રહે છે. ચીનના સૌથી મોટા શહેરમાંના એક અને કોરોના વાઈરસના ફેલાવાને કારણે દુનિયાભરમાં કુખ્યાત થયેલા વુહાન શહેરને ચીરીને વહે છે. 6300 કિલોમીટરના વિસ્તારમાં વહેતી આ નદી ચોમાસામાં તેના પ્રચંડ પ્રવાહને કારણે પટમાં આવતી ચીજોને તણખલાની જેમ વહાવી જાય છે અને તેથી જ ભારે નુકસાન કરતી જાય છે. ટેક્નોલોજીમાં અગ્રેસર થવા થનગનતું ચીન યાંગ્ત્જી નદી સામે લાચાર નજરે પડે છે.