આ ઘટના ઘટ્યા પછી પવનને પાંખો ફૂટી હોય એમ વાત વાયુવેગે આખા નગરમાં ફેલાઈ ગઇ હતી: `મહારાજાની ધરપકડ થઇ રહી છે.' સામે કાળા કકળાટ સાથે હાહાકાર મચી ગયો હતો: `હોય નહીં, કોની માએ સવા સેર સૂંઠ ખાધી છે તે મા'રાજને જીવતા જીવ હાથ દઈ શકે.'

આ અફવા નહીં પણ હકીકતના લીધે નગરમાં શોક સાથે ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું.

બ્રિટિશ રેસિડેન્ટના હુકમથી મહારાજા મલ્હારરાવની ધરપકડ કરવા અંગ્રેજ મિલિટરીનો કમાન્ડર આવ્યો હતો. આવતા પહેલાં તેમણે ગાયકવાડી મહેલની આસપાસ સખત ચોકીપહેરો ગોઠવી દીધો હતો.

મહેલ બહારના શોરબકોરના લીધે વામકુક્ષી કરી રહેલા મહારાજાને વિક્ષેપ પડ્યો. તેઓએ અંગરક્ષક ઉસમાનને બોલાવી બહાર શું બની રહ્યું છે તેની તપાસ કરવા કહ્યું હતું, પણ ઉસમાન હજુ મહેલ બહાર જઈને જુએ એ પહેલાં એક હજૂરિયો ઉતાવળા પગે આવી ઉસમાનને કહી ઊઠ્યો હતો: `ઉસ્માનખાં, ગોરો અમલદાર મહારાજાની ધરપકડ કરવા આવ્યો છે.' મહારાજાને વાફેક કરી, ધૂંઆપૂંઆ થતાં બોલ્યો હતો: `આપ આજ્ઞા કરો તો અમલદારને ખતમ કરી નાખીએ.'

`ના', મહારાજાએ દાંત ભીંસી, ક્રોધ દબાવીને સખ્તાઇથી કહ્યું હતું. તેમના મનમાં ભાવિનું બિહામણું ચિત્ર અંકાઈ ગયું હતું. સામે પડવામાં સાર નહોતો, તેથી જણાવ્યું હતું: `કમાન્ડરને અંદર આવવા દો.'

થોડીવારે શસ્ત્રધારીઓથી ઘેરાયેલો કમાન્ડર રાજમહેલમાં આવ્યો હતો. તેની પાછળ દબાતા પગલે મહેલના પહેરગીરો પણ પૂરી તૈયારી સાથે અંદર દાખલ થયા હતા. તે મામલો ભરી પીવાના મતલબમાં હતા.

કમાન્ડરે પોતાનો સીનો તાણી મિલિટરી ઢબે મહારાજાને સેલ્યૂટ મારી. પછી દુભાતા સ્વરે કહ્યું હતું: `હું હુકમનું પાલન કરવા આવ્યો છું. આપને ગિરફ્તાર કરવાનો રેસિડેન્ટ સાહેબનો આ રહ્યો હુકમ.' પત્ર હાથમાં લઇ મહારાજાએ ઝીણી નજરે વાંચ્યા પછી સમસમી જઇ મક્કમથી પૂછ્યું હતું: `તો મારે શું કરવાનું છે?'

`આપને...' કમાન્ડરે કહ્યું હતું: `અમારા સાથે આવવું પડશે.' મહારાજા પડ્યો બોલ ઝીલવા તત્પર હોય એટલી જ સ્વસ્થતાથી બોલ્યા હતા: `ભલે, હું તૈયાર છું.' આ વેળા ભવ્ય મહેલની બારીઓ, પાગલ પવનના લીધે ભડોભડ ભીડાવા લાગી હતી. કર્કશ ને બિહામણો અવાજ વાતાવરણને શોકમય બનાવી રહ્યો હતો.

કાળઝાળ થતો ઉસમાન એક બાજુ ઊભો રહી અસહ્ય ઘટના જોઈ રહ્યો હતો.

`વોટસન' ત્યાં પાછળથી એક ગોરો ને ઊંચો સશસ્ત્રધારી આદમી આગળ આવી કમાન્ડરના હુકમને ઝીલવા સાબદો થયો હતો: `મહારાજાને ગિરફ્તાર કરો.' બંદૂકમાંથી છૂટેલી ગોળી જેવા આ આદેશ સાથે જ વોટસનના હાથ, મહારાજાને પકડવા માટે લાંબા થયા હતા. તે ઘડીએ જ તૈયાર ઊભેલા ઉસમાનની તલવારનો ઘા પડ્યો ને વોટસનનું કાંડું હાથથી અળગું થઇ હેઠું પડ્યું હતું. લોહીની સેરો વછૂટી. અણધાર્યા ઘાથી સૌ ડઘાઈ ગયા હતા, પણ કમાન્ડરે લગીરેય વિલંબ કર્યા વગર પોતાની પિસ્તોલ ઉસમાનના કપાળે ધરી દીધી હતી. ધડાકો કરે એટલી જ વાર હતી ત્યાં મહારાજાએ વણસી જતી સ્થિતિને સંભાળી લેવાના ઈરાદે આડો હાથ દઈ દીધો હતો: `સબૂર કમાન્ડર.'

મહારાજાએ કહ્યું હતું: `આપ આપની ફરજ અદા કરો.' ત્યાં આગઆગ થઇ ઊઠેલો ઉસમાન તાડૂકી ઊઠ્યો હતો: `આપ આ શું કરી રહ્યા છો નામદાર.' ઉસમાન સામે જોઈ મહારાજાએ તેને સાનમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ઉસમાન ધીરજ ધરે એમ નહોતો: `આ પરદેશી કૂતરા આપને પકડે એ પણ અમારી નજર સામે.' ઉસમાન લાલચોળ થઇ ગયો હતો. તેના અવાજમાં આગ પ્રગટતી હતી. તેનાથી રહેવાતું કે સહેવાતું નહોતું. `આપ હુકમ કરો એટલે...' તે આગળ બોલી શક્યો નહોતો. `ઉસમાન શાંત થા. આ ક્રોધ કરવાનો સમય નથી. આ રાજરમત છે. તું ધારે છે એવું નથી. મામલો બીજો છે', પણ ઉસમાનને તો આ સહ્યું જાતું નહોતું.

તેણે મર્યાદા તોડી હતી: `મામલો જે હોય તે, આપ હુકમ કરો એટલે અમે ભરી પીએ.' મહારાજા ઉસમાનની પીડાને સારી પેઠે પારખતા હતા, પણ લાચાર હતા. છતાંય મભમ જણાવ્યું હતું: `ખુવારી ને રક્તપાત સિવાય...' સૌ સમજી ગયા હતા.

મહારાજાને માનભેર મહેલમાંથી લઇ ગયા બાદ મહેલમાં માતમ છવાયો હતો.

અંગ્રેજ સરકારનો પગદંડો જમાવટ કરવા લાગ્યો હતો. ભાગલા પાડો ને રાજ કરોની કૂટનીતિ કારગત નીવડવા લાગી હતી. એક પછી એક રજવાડાને કોઈ ને કોઈ બહાના તળે કચડી નાખવામાં આવતા હતા.

આ બાજુ ઉસમાનની અમ્માને ઘટનાની ખબર પડી ત્યારે ઉતાવળા પગે આવી ઉસમાનને કહ્યું હતું: `તૂ મેરા દૂધ નહીં હૈ, તું નિમકહલાલ હૈ. માલિક કી ગિરફ્તારી દેખકે તેરા જી કૈસે રહા?'

`હું શું કરું અમ્મા.' અમ્માએ કહ્યું હતું: `ઉન લોગોં કો ખતમ કરકે મર જાના થા.' પછી થૂંકતી હોય એમ બોલી હતી: `ફટ બાયલા, ચૂડિયાં પહન લે.' અમ્માનું કહેવું કાળજે વાગી ગયું હતું. તે એક શબ્દેય બોલ્યા વગર સીધો બજારમાં જઇ ચૂડી ખરીદી, અમ્માના વેણ-કવેણના ખાતર આજીવન પહેરી રાખી હતી.