મુંબઈ, 27 માર્ચ, 2000. જુહૂનો રુઈયા પાર્ક વિસ્તાર. આ શાંત અને સમૃદ્ધ વિસ્તારમાં આવેલો વિશાળ બંગલો, જેનું નામ `મુબારક મંઝિલ' હતું. આ બંગલો એક સમયે ખૂબ જ જાણીતા ફિલ્મનિર્માતા ચેતન આનંદના જીવન અને કલાનું કેન્દ્ર હતો. આ જ બંગલો હવે એક ભયાનક રહસ્યનું મૌન સાક્ષી બનવા જઈ રહ્યો હતો. વહેલી સવારના સૂર્યનાં સોનેરી કિરણો હજુ બંગલાનાં ઊંચાં વૃક્ષોની પાછળ સંતાયેલાં હતાં અને સમુદ્રની લહેરોનો ધીમો અવાજ હજુ પણ શાંતિમાં એક સંગીત જેવો લાગતો હતો, ત્યારે જ બંગલાના એક રૂમમાં એક ભયાનક કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો.
એ રૂમમાં બોલિવૂડની એક અભિનેત્રી 63 વર્ષીય પ્રિયા રાજવંશ કે જેનું અસલી નામ વીરા સુંદરસિંહ હતું, તે નિષ્પ્રાણ અવસ્થામાં પડેલી હતી. ભારતીય સિનેમાના ઇતિહાસમાં ગણતરીની ફિલ્મો કરીને પણ એક અમીટ છાપ છોડનાર આ અભિનેત્રીનું જીવન એક કરુણ કાવ્ય જેવું હતું અને તેનો અંત એક ભયાનક થ્રિલર જેવો સાબિત થવાનો હતો. તેમનો જન્મ 1937માં શિમલામાં થયો હતો અને તેમણે રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ, લંડનમાંથી અભિનયનો અભ્યાસ કર્યો હતો. ચેતન આનંદના મૃત્યુ પછી તે આ બંગલામાં એકલાં રહેતાં હતાં, પરંતુ તેમની સાથે ચેતન આનંદના પુત્રો કેતન અને વિવેક આનંદ પણ રહેતા હતા. આ ત્રણેય વચ્ચે પ્રેમનો સંબંધ નહીં, પરંતુ વારસાના વિવાદને લઈને ક્લેશ હતો.
સવારે લગભગ 6 વાગ્યે બંગલાની નોકરાણી માલા ચૌધરીએ પ્રિયાના રૂમનો દરવાજો ખોલ્યો. અંદરનું દૃશ્ય જોઈને તે થથરી ગઈ. પ્રિયા રાજવંશ જમીન પર બેહોશ અવસ્થામાં પડેલાં હતાં. શરૂઆતમાં માલાને લાગ્યું કે કદાચ પ્રિયા બેભાન થઈ ગયાં છે. તેણે તરત જ બંગલામાં રહેતા ચેતન આનંદના પુત્રો કેતન અને વિવેક આનંદને જાણ કરી. કેતન આનંદે તાત્કાલિક પોલીસને ફોન કર્યો અને એક કુદરતી મૃત્યુની જાણ કરી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી. સબ ઈન્સ્પેક્ટર રાવે રૂમની ચારે તરફ નજર નાખી. રૂમ અસ્તવ્યસ્ત નહોતો, બધું જ વ્યવસ્થિત હતું. પ્રિયાના ગળામાં મોંઘો હીરાનો નેકલેસ હતો અને તેના હાથમાં સોનાની બંગડીઓ હતી. ચોરી કે લૂંટનાં કોઈ નિશાન ન હતાં. પ્રથમ દૃષ્ટિએ કેસ એક સામાન્ય મૃત્યુનો લાગી રહ્યો હતો, પરંતુ રાવની નજર પ્રિયાના શરીર પર અટકી. ગરદન પર એક અસ્પષ્ટ નિશાન દેખાઈ રહ્યું હતું, જે કોઈ કપડાં વડે ગળું દબાવ્યાનું સૂચન કરતું હતું.
આ શંકાએ કેસને એક નવો વળાંક આપ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલ મોકલ્યો. ડોક્ટરોનો રિપોર્ટ આવતાં જ પોલીસના હોશ ઊડી ગયા. રિપોર્ટમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે પ્રિયા રાજવંશનું મૃત્યુ ગળું દબાવવાથી થયું હતું અને તેના માથાના પાછળના ભાગમાં કોઈ વસ્તુ વડે માર મારવાનાં નિશાન હતાં. આ એક આયોજિત અને નિર્દય હત્યા હતી.
મૃત્યુના કારણની પુષ્ટિ થતાં જ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો અને તપાસનો દોર શરૂ થયો. પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન હતો : આ હત્યા કોણે અને કેમ કરી? તપાસનો પહેલો સિદ્ધાંત લાગુ પડ્યો : `કોને ફાયદો થયો?' આ પ્રશ્નના જવાબમાં સમગ્ર ઘટના એક રહસ્યમય કાવતરાની જેમ ખૂલવા લાગી.
પ્રિયા રાજવંશ અને ચેતન આનંદનો સંબંધ ફક્ત પ્રેમી-પ્રેમિકાનો નહોતો, પરંતુ તે એક ગાઢ લાગણીમય અને કલાત્મક ભાગીદારી હતી. પ્રિયા કે જેણે લંડનમાં અભિનયનો અભ્યાસ કર્યો હતો, તે ભારતીય સિનેમામાં એક અસામાન્ય અભિનેત્રી હતી, જેની ગણના સ્ટાર તરીકે નહીં, પરંતુ એક કલાકાર તરીકે થતી હતી. ચેતન આનંદે તેની પ્રતિભાને ઓળખી અને તેને પોતાની ફિલ્મોનો અભિન્ન હિસ્સો બનાવી દીધી. તેઓ બંને 26 વર્ષ સુધી લગ્ન કર્યા વગર સાથે રહ્યાં. તેમનો સંબંધ માત્ર પ્રેમી-પ્રેમિકાનો નહિ, પરંતુ બે કલાકારોનો હતો, જે એકબીજાની કલાને પૂરી રીતે સમજતાં હતાં. એક ચર્ચાસ્પદ બાબત એ પણ હતી કે ચેતન આનંદે પ્રિયાને તેમની ફિલ્મો સિવાય અન્ય કોઈ ડિરેક્ટરની ફિલ્મમાં કામ કરવાની મંજૂરી આપી નહોતી. આના કારણે પ્રિયાની કારકિર્દીનો વ્યાપ સીમિત રહ્યો, પરંતુ ચેતન આનંદની ફિલ્મોમાં તેનો અભિનય હંમેશાં અસાધારણ રહ્યો.
ચેતન આનંદના અવસાન પછી પણ પ્રિયા રાજવંશે પોતાનું જીવન તેમની યાદો અને તેમની કલાકૃતિઓને સમર્પિત કર્યું. તેમનું જીવન એક શાંત અને એકાંતમય જીવનશૈલી ધરાવતું હતું, જે બોલિવૂડની ચમકદાર દુનિયાથી તદ્દન વિપરીત હતું. લંડનમાં શિક્ષણ અને અભ્યાસના કારણે તેના વિચારો ખૂબ જ આધુનિક હતા. તેઓ મોટેભાગે વાંચનમાં, કલામાં અને પોતાના અંગત વિચારોને ડાયરીમાં લખવામાં વ્યસ્ત રહેતાં. તે `મુબારક મંઝિલ' બંગલાના વારસાના વિવાદમાં ફસાઈ હોવા છતાં તે હિંમતપૂર્વક કાનૂની લડાઈ લડી રહ્યાં હતાં, કારણ કે આ માત્ર એક સંપત્તિ નહિ, પરંતુ ચેતન આનંદ સાથેના તેમના જીવનનું પ્રતીક હતું. આ સંઘર્ષ છતાં પણ તેમની શાંત અને ગરિમાપૂર્ણ વર્તણૂક તેમના મજબૂત વ્યક્તિત્વનો પરિચય આપતી હતી.
પ્રિયા રાજવંશનું જીવન બોલિવૂડની મુખ્ય ધારાથી અલગ હોવાથી હંમેશાં ચર્ચામાં રહ્યું. સૌથી મોટો વિવાદ ચેતન આનંદ સાથેના તેમના લગ્નેતર સંબંધોને લઈને થયો હતો, કારણ કે તે સમયે ચેતન આનંદનાં પ્રથમ લગ્ન થયાં હતાં અને તેમના બે પુત્રો પણ હતા. સમાજમાં આ પ્રકારના સંબંધોને સરળતાથી સ્વીકારવામાં આવતા નહોતા. જોકે, પ્રિયા અને ચેતન આનંદે હંમેશાં પોતાના સંબંધોને પારદર્શક રીતે રજૂ કર્યા અને ક્યારેય તેને છુપાવવાનો પ્રયાસ કર્યો નહોતો. તેમના મૃત્યુ પછી સૌથી મોટો વિવાદ વારસાની વસિયતને લઈને થયો, જે તેમના બંને પુત્રોને મંજૂર નહોતું. આ કાનૂની લડાઈને કારણે જ અંતે તેમની હત્યાનું કાવતરું રચાયું હોવાની શંકા રહી.
વર્ષ 1997માં ચેતન આનંદના મૃત્યુ પછી તેમની કરોડોની સંપત્તિ, જેમાં જુહૂનો વિશાળ બંગલો `મુબારક મંઝિલ' પણ સામેલ હતો, વિવાદનું મૂળ બન્યો. તે સમયે આ બંગલાની અંદાજિત કિંમત લગભગ 10 કરોડ રૂપિયા હતી. ચેતન આનંદે પોતાની વસિયતમાં સંપત્તિના ત્રણ ભાગ કર્યા હતા : બે ભાગ તેમના બે પુત્રો કેતન અને વિવેક આનંદને અને એક ભાગ પ્રિયા રાજવંશને. વસિયત મુજબ પ્રિયાને બંગલામાં જીવનભર રહેવાનો અધિકાર હતો, પરંતુ તે મિલકત વેચી શકતાં નહોતાં. તેમના મૃત્યુ પછી તેમનો ભાગ ચેતન આનંદના પુત્રોને મળી જાય તેમ હતું.
આ વસિયત કેતન અને વિવેક આનંદને બિલકુલ મંજૂર નહોતી. તેમને લાગ્યું કે પ્રિયાના કારણે તેમને તેમની પિતાની મિલકતનો મોટો ભાગ ગુમાવવો પડશે. તેઓ પ્રિયાને હેરાન કરવા લાગ્યા અને બંગલો છોડવા માટે દબાણ કરવા લાગ્યા. પ્રિયાએ તેના ડર વિશે ઘણા નજીકના લોકોને જણાવ્યું હતું. પોલીસની તપાસમાં એક ટેલિવિઝન અભિનેતાએ જુબાની આપી કે પ્રિયાએ તેની સાથે વાતચીતમાં કેતન અને વિવેક સાથેના તેના તણાવપૂર્ણ સંબંધો વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે કેતન તેને તેનો હિસ્સો વેચવા દેવા માંગતો નહોતો.
કેસમાં સૌથી મહત્ત્વનો પુરાવો પ્રિયા રાજવંશની અંગત ડાયરી હતી. આ ડાયરીમાં તેમણે પોતાના ડર અને ચિંતાઓ વિશે વિસ્તૃત રીતે લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે ચેતન આનંદના પુત્રો તેને સતત હેરાન કરી રહ્યા છે અને તેને પોતાના જીવનો ખતરો છે. આ ડાયરીએ કાવતરાને એક ચોક્કસ આકાર આપ્યો.
પોલીસે બંગલાના નોકરોની કડકાઈથી પૂછપરછ કરવાનું શરૂ કર્યું. નોકરાણી માલા ચૌધરી અને અશોક ચિન્નાસ્વામીની પૂછપરછ શરૂ થઈ. શરૂઆતમાં તેઓએ નિર્દોષ હોવાનો દાવો કર્યો, પરંતુ પોલીસના દબાણ અને પુરાવાઓ સામે તેઓ વધુ સમય ટકી શક્યાં નહિ. આખરે તેઓ તૂટી ગયાં અને તેમણે ભયંકર સત્ય કબૂલ્યું.
તેમણે જણાવ્યું કે કેતન અને વિવેક આનંદે તેમને પ્રિયા રાજવંશની હત્યા કરવા માટે 50,000 રૂપિયાની ઓફર કરી હતી. આ સોદા મુજબ તેમણે પ્રિયાને બાથરૂમમાં ધકેલી દીધી અને ગળું દબાવીને તેની હત્યા કરી. આ ઘૃણાસ્પદ કૃત્ય કરવા માટે તેમને માત્ર 4,000 રૂપિયા એડવાન્સ મળ્યા હતા.
આ કબૂલાત પછી પોલીસે તાત્કાલિક કેતન અને વિવેક આનંદની ધરપકડ કરી. બોલિવૂડની દુનિયામાં એક સનસનાટી મચી ગઈ. ચેતન આનંદના બે પુત્રો, જે પોતે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા, એક હત્યાના ગુનામાં પકડાયા હતા. આ કેસનો સ્પષ્ટ ઉદ્દેશ વારસો હતો. તે સમયે ચેતન આનંદના બંગલાની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા હતી અને પુત્રો તેનો સંપૂર્ણ કબજો મેળવવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતા.
હત્યાના લગભગ 28 મહિના પછી 31 જુલાઈ, 2002ના રોજ આ હાઈ-પ્રોફાઈલ કેસનો અંતિમ ચુકાદો સંભળાવવામાં આવ્યો. સેશન્સ જજ એસ.પી. નિકમની કોર્ટમાં ચાલેલા આ કેસમાં સરકારી વકીલ કિરણ મકાસરેએ 22 સાક્ષીઓની જુબાની અને મજબૂત પુરાવાઓ રજૂ કર્યા. આ પુરાવાઓમાં ફોરેન્સિક રિપોર્ટ, પ્રિયાની ડાયરીનાં પાનાં અને નોકરોની કબૂલાતનો સમાવેશ થતો હતો.
અદાલતે ચારેય આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા. કેતન અને વિવેક આનંદને હત્યાનું કાવતરું ઘડવા અને ગુનામાં સહાય કરવા માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી. નોકરાણી માલા ચૌધરી અને અશોક ચિન્નાસ્વામીને હત્યા અને કાવતરું બંનેના ગુનામાં આજીવન કેદની સજા થઈ. જોકે, સરકારી વકીલે ફાંસીની સજાની વિનંતી કરી હતી, પરંતુ અદાલતે તે નામંજૂર કરી.
ચુકાદા પછી કેતન અને વિવેક આનંદને અર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યા, પરંતુ આ કાનૂની લડાઈનો અંત નહોતો. નવેમ્બર, 2002માં બોમ્બે હાઈકોર્ટે ચારેય આરોપીઓને જામીન આપ્યા. દોષિત પુત્રોને જામીન મળી ગયા હતા અને વર્ષો બાદ 2011માં ફરી એક વખત આ કેસની ફાઇલ ખુલી હતી, પરંતુ બંને સામે કોઇ નક્કર પુરાવા ન મળ્યા તો તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.
પ્રિયા રાજવંશનો આ હત્યાકાંડ માત્ર એક કેસ નહોતો, તે એક દુર્ઘટના હતી, જેણે બોલિવૂડના એક સુવર્ણ યુગના અંતનું પ્રતીક રજૂ કર્યું. પ્રિયા રાજવંશ, જેમણે પોતાની કારકિર્દીમાં ઘણી ઓછી ફિલ્મો કરી, પરંતુ તે દરેક ફિલ્મ એક કલાત્મક માસ્ટરપીસ હતી. `હકીકત' (1964), `હીર રાંઝા' (1970), `હંસતે જખ્મ' (1973), `હિન્દુસ્તાન કી કસમ' (1973) અને `કુદરત' (1981) જેવી ફિલ્મોમાં તેમના અભિનયને આજે પણ લોકો યાદ કરે છે, પરંતુ તેમના જીવનની વાર્તાનો અંત એક દુ:ખદ નવલકથા જેવો રહ્યો, જ્યાં પ્રેમ અને વફાદારીની સામે લોભ અને કપટની જીત થઈ.
