27માર્ચ, 1992ની એ નિસ્તબ્ધ રાત્રિએ કેરળના કોટ્ટાયમમાં આવેલી `સેન્ટ પાયસ ટેન્થ કોન્વેન્ટ'ની દીવાલો એક ભયાનક રહસ્યની સાક્ષી બનવાની હતી. 19 વર્ષની માસૂમ સિસ્ટર અભયા, જેનું મૂળ નામ બીના થોમસ હતું, તે પ્રિ-ડિગ્રીની પરીક્ષાઓની તૈયારીમાં મશગૂલ હતી. વહેલી સવારે ચાર વાગ્યે જ્યારે આખું શહેર ગાઢ નિદ્રામાં હતું, ત્યારે તે પોતાની ઊંઘ ઉડાડવા અને થોડું પાણી પીવા માટે રસોડા તરફ ગઈ. તે સમયે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે રસોડામાં પાણી પીવા ગયેલી એ માસૂમ યુવતી ક્યારેય જીવતી બહાર નહીં આવે. સવારે જ્યારે કોન્વેન્ટની અન્ય સિસ્ટરો જાગી ત્યારે તેમને રસોડામાં લોહીના ડાઘ, વેરવિખેર થયેલાં ચંપલ અને એક ખુલ્લી બારી જોવા મળી. ગભરાટમાં જ્યારે આસપાસ તપાસ કરવામાં આવી, ત્યારે કોન્વેન્ટના કમ્પાઉન્ડમાં આવેલા કૂવામાંથી અભયાનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો. કેરળ પોલીસ અને સ્થાનિક તંત્રએ શરૂઆતથી જ આ ઘટનાને આત્મહત્યા તરીકે ખપાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ કૂવાના કિનારે રહેલાં નિશાનો અને રસોડાની હાલત કંઈક અલગ જ વાર્તા કહી રહી હતી.

અભયાના મૃત્યુના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા, પરંતુ કેસને દબાવવાની પ્રક્રિયા પણ એટલી જ ઝડપથી શરૂ થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે અભયા માનસિક રીતે અસ્વસ્થ હતી અને તેણે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. જોકે, અભયાના પિતા થોમસ અને સામાજિક કાર્યકર જોમોન પુથનપુરક્કલને આ વાત ગળે ઊતરતી નહોતી. તેમણે સતત આંદોલન કર્યું અને અંતે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો. સીબીઆઈની એન્ટ્રી સાથે જ આ રહસ્યનાં પડ પૂરા જોરથી ખૂલવા લાગ્યાં. પ્રથમ તપાસમાં જ સામે આવ્યું કે અભયાના માથા પર કુહાડી જેવા ધારદાર હથિયારના ઘા હતા, જે ક્યારેય આત્મહત્યામાં શક્ય નહોતા. જેમ જેમ સીબીઆઈ ઊંડી ઊતરી તેમ તેમ ધર્મના ઓથા હેઠળ ચાલતા અનૈતિક સંબંધોનો કાળો ચહેરો સામે આવવા લાગ્યો.

તપાસ દરમિયાન જે તથ્યો બહાર આવ્યાં, તે કોઈ ફિલ્મી પટકથાથી કમ નહોતાં. ઘટનાની એ કમનસીબ રાત્રે સિસ્ટર અભયા રસોડામાં ગઈ ત્યારે તેણે ત્યાં ફાધર થોમસ કોટ્ટુર, ફાધર જોસ પુથ્રુક્કયિલ અને સિસ્ટર સેફીને અશોભનીય હાલતમાં જોઈ લીધાં હતાં. જે ધર્મગુરુઓને તે આદર્શ માનતી હતી, તેમનો આ અસલી અને કાળો ચહેરો જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ. અભયાને જોતાં જ તે ત્રણેય ગુનેગારોનાં મનમાં ભય વ્યાપી ગયો. જો આ વાત બહાર આવે તો તેમની વર્ષોની પ્રતિષ્ઠા અને ચર્ચમાં તેમનું સ્થાન પળવારમાં નષ્ટ થઈ જાય તેમ હતું. પોતાનું પાપ છુપાવવા માટે તેઓએ પળવારનો પણ વિલંબ કર્યા વગર હુમલો કરવાનું નક્કી કર્યું. સિસ્ટર સેફીએ રસોડામાં પડેલી કુહાડી ઉપાડી અને તેના પાછળના ભાગથી અભયાના માથા પર જોરદાર પ્રહાર કર્યો. માથામાં ગંભીર ઈજા થવાને કારણે અભયા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડી અને તરત જ બેભાન થઈ ગઈ. રસોડાની ટાઇલ્સ પર ફેલાયેલું લોહી તે રાત્રિના પાપની સાક્ષી પૂરી રહ્યું હતું. ગુનેગારોએ પુરાવા નાશ કરવા માટે અને આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે અભયાના અર્ધમૃત શરીરને ઊંચકીને કોન્વેન્ટના કમ્પાઉન્ડમાં આવેલા કૂવામાં ફેંકી દીધું. કૂવામાં પડવાનો અવાજ રાત્રિના સન્નાટામાં ગુંજ્યો, પણ તે અવાજ સાંભળવાવાળું કોઈ નહોતું. સિવાય કે એક વ્યક્તિ.

તે જ રાત્રે `અડક્કા રાજુ' નામનો એક સ્થાનિક ચોર કોન્વેન્ટના ધાબા પર તાંબાના વાયરો ચોરવા માટે ચઢ્યો હતો. તેણે પોતાની નજરે ફાધર કોટ્ટુર અને ફાધર પુથ્રુક્કયિલને કોન્વેન્ટની અંદર જતા અને ત્યાંથી બહાર નીકળતા જોયા હતા. જોકે, રાજુ એક ગુનેગાર હતો, પણ તેની જુબાની પાછળથી આ કેસનો સૌથી મજબૂત આધારસ્તંભ બની. સવારે જ્યારે અભયાની લાશ કૂવામાંથી મળી આવી, ત્યારે કોન્વેન્ટમાં ભારે હોબાળો મચી ગયો. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી, પરંતુ શરૂઆતથી જ તપાસની દિશા બદલવાનો અને સત્યને દબાવવાનો પ્રયાસ થયો. કેરળ પોલીસે કોઈ પણ ઊંડી તપાસ કર્યા વગર જાહેર કરી દીધું કે આ એક આત્મહત્યાનો કેસ છે.

તપાસમાં આગળ વધતાં સીબીઆઈને એ પણ જાણવા મળ્યું કે સિસ્ટર સેફીએ પોતાની કુંવારી હોવાની ઓળખ જાળવી રાખવા માટે `હાઈમેનોપ્લાસ્ટી' સર્જરી કરાવી હતી, જેથી તે સાબિત કરી શકે કે તે પવિત્ર છે. આ તથ્યે કોર્ટમાં તેના પાત્ર અને તેના ગુનાહિત માનસને સાબિત કરવામાં મોટી ભૂમિકા ભજવી. કેસ લંબાયો, પુરાવાઓ સાથે છેડછાડ થઈ અને અનેક સાક્ષીઓ ફરી ગયા.

તપાસ દરમિયાન એવી ગંભીર અટકળો પણ તેજ હતી કે મધ્ય કેરળના એક અત્યંત પ્રભાવશાળી ખ્રિસ્તી રાજકીય નેતાએ કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકાર પર દબાણ લાવીને આ કેસને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો. કેથોલિક ચર્ચ કાઉન્સિલ પર પણ તપાસમાં દખલગીરી કરવાના અને સાક્ષીઓને ફોડવાના ગંભીર આક્ષેપો થયા હતા. ચર્ચની અંદર રહેલાં શક્તિશાળી જૂથોએ તપાસ એજન્સીઓ પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. 11 જાન્યુઆરી, 2008ના રોજ કેરળ હાઈકોર્ટે મામલાની ગંભીરતાને જોઈને સીબીઆઈને આદેશ આપ્યો કે બે અઠવાડિયાંમાં નાર્કો-એનાલિસિસ ટેસ્ટનાં પરિણામો સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવે. કોર્ટે કડક સૂચના આપી હતી કે હાઈકોર્ટ સિવાય અન્ય કોઈ ત્રીજી વ્યક્તિને આ પરિણામો જોવાનો કે જાણવાનો અધિકાર નથી. 21 જાન્યુઆરી, 2008ના રોજ સીબીઆઈએ આ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો.

આ કેસમાં એએસઆઈ વી.વી. ઓગસ્ટિનની ભૂમિકા અત્યંત વિવાદાસ્પદ અને રહસ્યમય રહી હતી. 25 નવેમ્બર, 2008ના રોજ ઓગસ્ટિન મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે કાંડાની નસ કાપીને અને ઝેર પીને આત્મહત્યા કરી હતી. તેમની પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં તેમણે સીબીઆઈ દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. સીબીઆઈનો આરોપ હતો કે ઓગસ્ટિને શરૂઆતની તપાસમાં મહત્ત્વના પુરાવાનો નાશ કર્યો હતો. જોકે, કેસ ડાયરીનાં પાનાંઓ કંઈક અલગ જ વાત કહેતાં હતાં. તે મુજબ ઓગસ્ટિને જ સૌ પ્રથમ એવી આશંકા વ્યક્ત કરી હતી કે આ હત્યા હોઈ શકે છે. તેમણે નોંધ્યું હતું કે અભયાએ રસોડામાં કંઈક એવું જોઈ લીધું હતું જે તેને જોવું ન જોઈએ અને તેના કારણે જ તેને કાયમ માટે શાંત કરી દેવામાં આવી હતી. તેમની અંગત ડાયરીમાં તેમણે એ પણ લખ્યું હતું કે સીબીઆઈ તેમને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓના નામ લેવા માટે મજબૂર કરી રહી હતી.

19 નવેમ્બર, 2008ના રોજ સીબીઆઈએ આખરે મજબૂત કડીઓ મળતાં ફાધર થોમસ કોટ્ટુર, ફાધર જોસ પુથ્રુક્કયિલ અને સિસ્ટર સેફીની ધરપકડ કરી. આ ધરપકડથી આખા કેરળમાં અને ખ્રિસ્તી સમુદાયમાં ભૂકંપ આવી ગયો. તપાસનો વ્યાપ વધારતાં 22 નવેમ્બર, 2008ના રોજ કોટ્ટાયમ આર્કડાયોસીસના પૂર્વ વડા આર્કબિશપ કુરિયાકોસ કુન્નાચેરી અને 24 નવેમ્બરે આર્કબિશપ મેથ્યુ મુલેક્કાટની પણ કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ એ સંકેત આપતી હતી કે આ કાવતરું માત્ર ત્રણ વ્યક્તિઓ પૂરતું મર્યાદિત નહોતું. ડિસેમ્બર, 2008માં સીબીઆઈએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ વિગતવાર નિવેદન આપ્યું. નાર્કો ટેસ્ટ અને બ્રેઈન મેપિંગમાં સામે આવ્યું કે અભયા 27 માર્ચ, 1992ની વહેલી સવારે જ્યારે રસોડામાં પાણી લેવા ગઈ, ત્યારે તેણે આરોપીઓને કઢંગી હાલતમાં પકડી પાડ્યા હતા. આ જોઈને ગભરાયેલી સિસ્ટર સેફીએ પાછળથી કુહાડીના ત્રણ ઘા કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી.

1 જાન્યુઆરી, 2009ના રોજ કેરળ હાઈકોર્ટના જસ્ટિસ કે. હેમાએ ત્રણેય આરોપીઓને શરતી જામીન આપ્યા હતા. જસ્ટિસ હેમાએ સીબીઆઈની તપાસ પદ્ધતિની આકરી ટીકા કરતાં કહ્યું કે એજન્સી તથ્યોને બદલે મીડિયામાં ચાલતી વાર્તાઓ અને લોકચર્ચાઓ પર વધુ ધ્યાન આપી રહી છે. તેમણે અવલોકન કર્યું કે કેસ ડાયરીમાં એવા કોઈ નક્કર પુરાવા નથી જે સાબિત કરે કે ચર્ચ દ્વારા સત્તાવાર રીતે તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ થયો હોય. જોકે, આ જામીન આપવાના નિર્ણયની પણ ઘણી ટીકા થઈ હતી. ત્યારબાદ સપ્ટેમ્બર, 2009માં એક સ્થાનિક ટીવી ચેનલ પર નાર્કો ટેસ્ટની વીડિયો ટેપ લીક થઈ ગઈ, જેમાં આરોપીઓ નશાની હાલતમાં પોતાનો ગુનો કબૂલતા દેખાતા હતા. આ ટેપથી પ્રજામાં ભારે રોષ ફેલાયો. 17 જુલાઈ, 2009ના રોજ સીબીઆઈના ડીવાયએસપી નંદકુમાર નાયરે હત્યા, પુરાવા નાશ અને બદનક્ષીના આરોપો સાથે વિગતવાર ચાર્જશીટ દાખલ કરી.

2018માં આ કેસમાં વધુ એક વળાંક આવ્યો જ્યારે પૂર્વ એસપી કે.ટી. માઈકલને પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા. તેમના પર આરોપ હતો કે તેમણે શરૂઆતની તપાસ દરમિયાન અભયાની ડાયરી અને તેનાં કપડાં જેવા મહત્ત્વના પુરાવાઓનો નાશ કર્યો હતો. જોકે, પાછળથી હાઈકોર્ટે તેમને રાહત આપી હતી. માર્ચ, 2018માં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ફાધર જોસ પુથ્રુક્કયિલને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે સ્વીકાર્યું કે પ્રોસિક્યૂશન પાસે એવા કોઈ નક્કર પુરાવા નથી, જે સાબિત કરે કે તે રાત્રે જોસ પુથ્રુક્કયિલ કોન્વેન્ટની અંદર હાજર હતા. આ નિર્ણયથી અભયાના સમર્થકોને મોટો આંચકો લાગ્યો હતો, પરંતુ બાકીના બે આરોપીઓ સામેની લડાઈ ચાલુ રહી.

અંતે, 22 ડિસેમ્બર, 2020ના રોજ, એટલે કે હત્યાના 28 વર્ષ અને 9 મહિના પછી જજ સાનલ કુમારે ઐતિહાસિક ચુકાદો આપ્યો. ફાધર કોટ્ટુર અને સિસ્ટર સેફીને દોષિત જાહેર કરવામાં આવ્યાં. ટ્રાયલ કોર્ટે ફાધર થોમસ કોટ્ટુર અને સિસ્ટર સેફીને IPCની કલમ 302 (હત્યા) અને 34 હેઠળ આજીવન કેદ અને પ્રત્યેકને ₹ 5 લાખનો દંડ ફટકાર્યો. જો તેઓ દંડ ન ભરે તો વધારાના બે વર્ષની સાદી કેદ ભોગવવી પડશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું. આ ઉપરાંત કલમ 201 હેઠળ પુરાવા નષ્ટ કરવાના ગુના બદલ તેમને 7 વર્ષની સખત કેદ અને ₹ 50,000નો દંડ (દંડ ન ભરે તો 1 વર્ષની જેલ) ફટકારવામાં આવ્યો. ફાધર કોટ્ટુરને કલમ 449 (ગુનાહિત પ્રવેશ) હેઠળ અલગથી આજીવન કેદ અને ₹ 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો કે આ તમામ સજાઓ એકસાથે ચાલશે. હાલમાં ફાધર કોટ્ટુર તિરુવનંતપુરમ સેન્ટ્રલ જેલમાં અને સિસ્ટર સેફી મહિલા જેલમાં પોતાની સજા કાપી રહ્યાં છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો