દુનિયાનો ઇતિહાસ અનેક રહસ્યો અને અદ્ભુત ખજાનાઓથી ભરેલો છે. ચીનમાં થયેલા એક સંશોધને પુરાતત્ત્વવિદોને જ નહીં, પણ સમગ્ર વિશ્વને આશ્ચર્ય ચકિત કરી દીધું છે. આ શોધ ચીની ટેરાકોટા આર્મીની છે. આ ટેરાકોટા આર્મી ચીનના પહેલા સમ્રાટ કિન શી હુઆંગની સમાધી પાસે જોવા મળી હતી. માટીમાંથી બનાવવામાં આવેલી આ ચીની સૈનિકોની મૂર્તિઓની સંખ્યા એક બે નહીં, પરંતુ હજારોમાં છે. તેની રચના ઝીણવટપૂર્વક કરવામાં આવી છે. આ અનોખી શોધ અને તેની સાથે જોડાયેલાં રહસ્યો વિશે જાણીએ.

ટેરાકોટા આર્મીની શોધ

ચીનના શાન્શી પ્રાંતના શી આન શહેરની પાસે 1974માં ખેડૂતો કૂવો ખોદી રહ્યા હતા. ખોદકામ દરમિયાન તેમને માટીમાંથી બનેલી મૂર્તિઓ મળી. જ્યારે પુરાતત્ત્વ વિભાગે તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ કોઇ સાધારણ મૂર્તિઓ નથી, પરંતુ હજારોની સંખ્યામાં બનાવવામાં આવેલ પ્રાચીન ચીની ટેરાકોટા આર્મીની મૂર્તિઓ છે. આ શોધને ઇતિહાસની સૌથી મોટી અને રોમાંચક શોધ માનવામાં આવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે ટેરાકોટા આર્મીને ચીનના પહેલા સમ્રાટ કિન શી હુઆંગની કબરના રક્ષણ માટે બનાવવામાં આવી હતી. એવું કહેવાય છે કે, સમ્રાટને તેમના જીવનકાળ દરમિયાન જે સુરક્ષા મળતી હતી, એ જ સુરક્ષા તેમના મૃત્યુ પછી મળે એવું તે ઇચ્છતા હતા. તેમણે આદેશ આપ્યો હતો કે, તેમની સમાધિની પાસે એક સેના બનાવવામાં આવે, જેથી મૃત્યુ પછી પણ તે સુરક્ષિત રહે અને તેમની શક્તિ અમર રહે. તેથી હજારો માટીના સૈનિકોની મૂર્તિઓ બનાવવામાં આવી.

મૂર્તિઓની વિશેષતા

ચીની ટેરાકોટા આર્મીની સૌથી મોટી ખાસિયત એ છે કે દરેક સૈનિકોની મૂર્તિ અલગ દેખાય છે. દરેક મૂર્તિઓનો ચહેરો, હેર સ્ટાઇલ, હાવભાવ અને કપડાં અલગ અલગ છે. તેમની ઊંચાઇ પાંચ ફૂટ 11 ઇંચથી 6 ફૂટ સાત ઇંચ સુધીની છે. એમાં ઘોડેસવાર, તીરંદાજ, રથચાલક અને અધિકારીઓ સામેલ છે. મૂર્તિઓ શરૂઆતમાં બ્રાઇટ રંગોથી રંગવામાં આવી હતી, પરંતુ સમયની સાથે મોટાભાગના રંગો માટીમાં ભળી ગયા. ઘોડા અને યુદ્ધના રથ પણ ટેરાકોટામાંથી બનાવવામાં આવ્યા હતા. અસલી સેના જેવી હૂબહૂ પ્રતિમાઓ બનાવવામાં આવી હતી.

કેટલી મૂર્તિઓ મળી?

અત્યાર સુધીના ખોદકામમાં આશરે 8000 સૈનિકોની મૂર્તિઓ, 130 યુદ્ધરથ, 670 ઘોડા અને અનેક હથિયાર મળ્યાં છે. અનુમાન છે કે સમગ્ર સમાધિમાં એનાથી અનેક ગણી વધારે દબાયેલી મૂર્તિઓ હોઇ શકે છે, કારણ કે હજુ તો થોડાક ભાગનું જ ખોદકામ થયું છે.

આટલી વિશાળ સેનાની મૂર્તિઓનું નિર્માણ કરવું એ સરળ નહોતું. ઇતિહાસકારોનું માનવું છે કે 700,000થી વધારે મજૂરો અને કારીગરોએ મળીને આ મૂર્તિઓ બનાવી હતી. એને ટેરાકોટા માટીમાંથી બનાવવામાં આવી અને પછી તેને પકાવવામાં આવી. પછી તેને અસલી સૈનિકો જેવાં કપડાં અને હથિયારો આપવામાં આવ્યાં. કહેવાય છે કે, આશરે 40 વર્ષની મહેનત પછી આટલી વિશાળ ટેરાકોટા આર્મી તૈયાર થઇ.

રહસ્યમય મકબરો

ચીની ટેરાકોટા આર્મી સમ્રાટ કિન શી હુઆંગના મકબરાનો ફક્ત બહારનો ભાગ છે. મુખ્ય મકબરાને હજુ સંપૂર્ણ રીતે ખોલવામાં આવ્યો નથી. મકબરામાં પારાની મદદથી નદીઓ બનાવવામાં આવી હતી. જે સમ્રાટની અમરતાની ઇચ્છાનું પ્રતીક હતી. અંદર હથિયાર મૂકવામાં આવ્યાં છે જેથી કબરને કોઇ લૂંટી ન શકે અને તેનું રક્ષણ કરી શકાય. પુરાતત્ત્વવિદોનું માનવું છે કે આધુનિક ટેક્નોલોજી વગર મકબરાનું ખોદકામ કરવું ખતરનાક સાબિત થઇ શકે છે.

આ કારણોને લીધે જ મુખ્ય મકબરો હજુ સુધી બંધ છે. વૈજ્ઞાનિકો ધીરે ધીરે આ મકબરાનો અભ્યાસ કરી રહ્યા છે.

ઐતિહાસિક મહત્ત્વ

ચીની ટેરાકોટા આર્મી ફક્ત મૂર્તિઓ નથી, પરંતુ ચીનના ઇતિહાસ અને સંસ્કૃતિની ઝલક છે. આ દર્શાવે છે કે ચીનમાં 2000 વર્ષ પહેલાં પણ કલા અને શિલ્પ કેટલું ઉન્નત હતું. આ ચીનની સૈન્યશક્તિ અને સંગઠનનું પ્રમાણ છે. એ સમયનાં કપડાં, હથિયાર, આભૂષણ અને પરંપરાઓની માહિતી પણ આપે છે.

1987માં યુનેસ્કો દ્વારા ચીની ટેરાકોટા આર્મીને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું. આજે આ જગ્યાનો સમાવેશ ચીનના સૌથી મોટાં પર્યટન સ્થળોમાં થાય છે.

ચીની ટેરાકોટા આર્મી ફક્ત માટીમાંથી બનેલ મૂર્તિઓનો સમૂહ નથી, પરંતુ ચીનના સમ્રાટની શક્તિ, મહત્ત્વાકાંક્ષા અને અમરતાની ચાહતનું પ્રતીક છે.