આઝાદી પછી તરત જ બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ ઊઠી હતી. સૌ પહેલાં 194૮માં તેનો વિચાર થયો હતો, પરંતુ તેનો અમલ કરતાં બે દાયકા થયા. લગભગ છપ્પન વર્ષ પૂર્વે 19 જુલાઈ, 1969ના દિવસે 14 બેંકોના રાષ્ટ્રીયકરણનો જે નિર્ણય થયો હતો તે ખૂબ જ નાટકીય હતો. આત્મકથા `મારું જીવનવૃત્તાંત'માં મોરારજી દેસાઈ લખે છે: (19મી જુલાઈ, 1969ની) બપોરે ત્રણ-ચાર વાગ્યાના સુમારે (નાણાંમંત્રી તરીકેનું) મારું રાજીનામું એમણે સ્વીકારી લીધું છે, એવો પ્રધાનમંત્રીનો (ઈન્દિરા ગાંધીનો) મને પત્ર મળ્યો. એનો જવાબ પણ મેં એમને લખી મોકલ્યો હતો. એ જ સાંજે એમણે (વડાંપ્રધાન શ્રીમતી ગાંધીએ) 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય કરી લીધો હતો અને એની જાહેરાત પણ કરી હતી. (પૃષ્ઠ 522)
દેશે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી બિનજોડાણવાદી વિદેશનીતિ અને મિશ્ર અર્થતંત્રની આર્થિક નીતિ અપનાવી હતી. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર બંને ક્ષેત્રોને અવકાશ હતો, પરંતુ ખાનગી અને વેપારી બેંકોનો મુખ્ય ઉદ્દેશ નફાનો હતો તેના પર મોટા ઉદ્યોગપતિઓનું વચર્સ હતું. વળી, તે શહેરો અને ઉચ્ચ વર્ગો માટે જ હતી. દેશના ગ્રામીણો અને ગરીબો જ્યારે નાનકડી રકમ માટે પણ શાહુકારો પર નિર્ભર હતા, ત્યારે બેંકોની પ્રાથમિકતા ન તો ખેડૂતો હતા, ન ગરીબો, ન શ્રમિકો. આ સ્થિતિમાં બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ થવી સ્વાભાવિક હતી.
બેંકોનું રાષ્ટ્રીયકરણ (Nationalisation) એટલે વેપારી કે ખાનગી બેંકોની માલિકી અને નિયંત્રણ સરકાર હસ્તક હોવું. બેંકોના રાષ્ટ્રીયકરણનો દીર્ઘ ઈતિહાસ છે. 27મી જાન્યુઆરી, 1921ના દિવસે ત્રણ બેંકો (મુંબઈ, બંગાળ અને મદ્રાસની પ્રેસિડેન્સી બેંકો)ને એકત્ર કરીને અખિલ ભારતીય સ્તરની ઈમ્પીરિયલ બેંક ઓફ ઈન્ડિયાની રચના થઈ હતી. 1લી જુલાઈ, 1955ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરીને ધ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એવું નામકરણ કર્યું હતું. 19૩5માં સ્થાપિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું 1949માં નેશનલાઈઝેશન થયું હતું. 194૮થી સમાજવાદીઓ અને સામ્યવાદીઓ વેપારી બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ કરતા હતા. 1967ની સામાન્ય ચૂંટણીઓ માથે હતી ત્યારે જ બેંકો અને વીમાના રાષ્ટ્રીયકરણની માંગ બળવત્તર બની હતી. મે-67માં મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)માં આ મુદ્દો ચર્ચાયો હતો. તત્કાલીન વિત્તમંત્રી મોરારજી દેસાઈનો મત હતો કે તેઓ રાષ્ટ્રીયકરણને એક સિદ્ધાંત તરીકે માનતા નથી, પરંતુ સાધન માને છે. કોંગ્રેસે મિશ્ર આર્થિક નીતિ સ્વીકારેલી છે અને વારંવાર તેની જાહેરાત કરી છે અને તેથી રાષ્ટ્રીયકરણને હું કોઈ સિદ્ધાંત તરીકે સ્વીકારતો નથી તેમજ રાષ્ટ્રીયકરણની જરૂર હોય તો હું એના પક્ષમાં છું એમ પણ તેમણે કહ્યું હતું. તરફેણ-વિરોધની લાંબી ચર્ચાઓ પછી સમાધાનરૂપે બેંકો પર સામાજિક નિયંત્રણની યોજના સ્વીકારવામાં આવી. જોકે, તે લાંબું ન ટકી અને રાષ્ટ્રીયકરણ થઈને જ રહ્યું.
ઐતિહાસિક અને યુગપ્રવર્તક ઘટના ગણાતા બેંકોના રાષ્ટ્રીયકરણનો નિર્ણય મોરારજીભાઈ પાસેથી નાણાખાતું પોતાના હસ્તક લઈને તરત જ ત્યારના વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ લીધો હતો. સંસદનું સત્ર મળવાને આડા અડતાળીસ કલાક જ હતા તો પણ વટહુકમ મારફતે તેમણે રૂ. પચાસ કરોડથી વધુની થાપણો ધરાવતી ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તેનો હેતુ સ્પષ્ટ કરતાં સરકારે કહ્યું હતું કે, `રાષ્ટ્રીય પ્રાથમિકતા અને ઉદ્દેશો સાથે સુસંગત રહીને અર્થતંત્રના વિકાસની આવશ્યકતાઓ વધુ સારી રીતે સંતોષી શકાશે'. 19મી જુલાઈ, 1969ના આ વટહુકમની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી, પરંતુ તે સંસદમાં ચર્ચાઈને કાયદો બની ગયો. કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો અને 10મી ફેબ્રુઆરી, 1970ના સર્વોચ્ચ અદાલતના બહુમતી (10 વિ. 1) ચુકાદાથી તેને ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યો. જોકે, કેન્દ્રે હાર ન માની અને 1970ના ફેબ્રુઆરીની 14મીએ બીજા વટહુકમથી બેંકોના પુન: રાષ્ટ્રીયકરણનો માર્ગ લીધો. સર્વોચ્ચ અદાલતે જે વાંધા લીધા હતા તેને તેમાં દૂર કરાતાં તે કાયદેસર બન્યો અને ૩1મી માર્ચ, 1970ના રોજ બેંકોના રાષ્ટ્રીયકરણનો વિધિવત્ કાયદો બની શક્યો. જોકે, આ કાયદો પશ્ચાદવર્તી અસરનો હોઈ ખરેખર 19મી જુલાઈ, 1969થી બેંકોનું રાષ્ટ્રીયકરણ માન્ય ગણાયું. ઈન્દિરા ગાંધીએ તેમના વડાપ્રધાન તરીકે 19૮0ના કાર્યકાળમાં 200 કરોડથી વધુ થાપણો ધરાવતી બીજી 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. એટલે કુલ 20 રાષ્ટ્રીયકૃત બેંકો થઈ.
2019-20માં વર્તમાન સરકારે કેટલીક બેંકોનો અન્યમાં વિલય કરતાં હાલમાં 12 નેશનલાઈઝ બેંક્સ છે.
બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકે રાષ્ટ્રીયકરણના ઉદ્દેશો અને બેંકોની વર્તમાન સ્થિતિ તપાસવા જેવી છે. વેપારી બેંકો કેટલાક મૂડીપતિઓએ સ્થાપી હતી અને તેના પર તેમનો કાબૂ હતો, તેથી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હતું. પહેલા તબક્કે 14 બેંકોના રાષ્ટ્રીયકરણ સાથે જ આ વર્ચસ્વ તૂટ્યું હતું અને બેંકિંગ ક્ષેત્રનો લગભગ ૮0 ટકા હિસ્સો સરકારના નિયંત્રણ હેઠળ આવી ગયો હતો. એટલે આર્થિક કેન્દ્રીકરણને તેણે નાબૂદ કર્યું હતું.
બેંકોના વ્યાપનો હેતુ મોટાપાયે સફળ થયો છે. જુલાઈ 1969માં ૮262 બેંક શાખાઓ હતી, જે આજે 90,000 છે. એટલે બેંક શાખાઓમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ તેનું કારણ રાષ્ટ્રીયકરણ છે. નેશનલાઈઝેશન પહેલાં 1951થી 196૮માં બેંકોના ધિરાણમાં 6૮ ટકા ધિરાણ ઉદ્યોગોને અને માત્ર 2 ટકા જ ખેતીને થયું હતું. હવે બેંક ધિરાણ તો વધ્યું જ છે, પરંતુ તે નાના ખેડૂતો, સ્વરોજગાર ચાહતા લોકો, નાના અને મધ્યમ ઉદ્યોગોને મળી રહ્યું છે. અર્થાત્ બેંક રાષ્ટ્રીયકરણનો જે હેતુ હતો કે બેંકોની લોન ગરીબો, દલિતો, આદિવાસીઓ, ખેડૂતો, નાના વેપારીઓ અને નબળા વર્ગોને મળી રહે તે હેતુ બર આવ્યો છે.
નેશનલાઈઝેશન પછી જ બેંકિંગ સ્ટાફમાં અનામતનીતિનો અમલ થયો છે. તેને કારણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને બેંક કર્મચારીથી લઈને મેનેજર થવાની તક મળી છે. મૂડીપતિઓના વર્ચસ્વ હેઠળની બેંકોમાં આ શક્ય નહોતું. ગ્રામીણ ક્ષેત્રે પણ બેંકો પહોંચી છે. જોકે, હજુ અંતરિયાળ ગામડાં કે આદિજાતિ વિસ્તારો સુધી તેની પહોંચ નથી. બેંકો સરકારી યોજનાઓના અમલ માટે તો ધિરાણ આપતી થઈ છે, પરંતુ સાધન સહાય પણ આપે છે. એટલે રોકડ આર્થિક ધિરાણ ઉપરાંત ખેતી કે વ્યવસાયનાં સાધનો માટે બેંક લોન મળતી થઈ છે. બેંક મેનેજમેન્ટનું વ્યવસાયીકરણ થયું છે અને તેમાં સમાજના કથિત નિમ્ન વર્ગોને સ્થાન મળ્યું છે. ખાનગી બેંકો ફડચામાં જાય ત્યારે થાપણદારને માથે જોખમ આવતું હતું, પરંતુ સરકાર હસ્તક બેંકો હોઈ થાપણદારોનો એ ભય દૂર થયો છે એટલે લોકો પોતાની બચત અને થાપણો બેંકોના હવાલે મોટા પાયે કરે છે. આજે બેંકોમાં રૂ. 140 લાખ કરોડ જમા છે. બેંકો એટલે નાણાંની લેવડદેવડ, ધિરાણ-થાપણ, લાભ-નફો , અમીરો-ઉદ્યોગો એ છાપ ભૂંસાઈ ગઈ છે. સમાજના ગરીબ, વંચિત, નબળા વર્ગોના લોકો તેનું પગથિયું ચઢતા થયા છે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનની ચિંતા સેવી તેને સક્ષમ બનાવવાવું કામ બેંકો કરતી થઈ છે.
જોકે, રાષ્ટ્રીયકરણ પછી રાજકીય હસ્તક્ષેપ અને દબાણને કારણે ધિરાણો કરવામાં આવ્યાં છે અને તે મોટાં ધિરાણો પરત ન આવતાં એનપીએ (નોન પર્ફોર્મિંગ એસેટ્સ) વધી છે. વળી, બેંક એમ્પ્લોઈઝ યુનિયનો મજબૂત હોઈ તેને કારણે કાર્યક્ષમતા અને કામની ગુણવત્તા જોખમાઈ હોવાની છાપ ઊભી થઈ છે. રાષ્ટ્રીયકરણે બેંકોના વહીવટમાં નોકરશાહી વલણો વધાર્યાં છે તે તેની મોટી મર્યાદા છે. એકંદરે 1991ના આર્થિક ઉદારીકરણ પછી અને ખાનગીકરણના વાયરા વચ્ચે બેંકોનું રાષ્ટ્રીયકરણ અકબંધ રહ્યું છે તે તેની મોટી સિદ્ધિ છે.