વિક્ટર ગ્રુએન નામના એક આર્કિટેક્ટને એવો વિચાર આવેલો કે આધુનિક શહેરોમાં એક એવો જાહેર ચોક બનાવવો જોઈએ, જ્યાં લોકો નિરાંતે ચાલી શકે, એકબીજા સાથે દલીલો કરી શકે, કોફી પી શકે અને કશુંય ખરીદ્યા વિના જાહેરમાં સમય વેડફવાનું પ્રાચીન અને લોકતાંત્રિક સુખ ભોગવી શકે. તેણે ઈ.સ. 1956માં અમેરિકામાં પહેલો ક્લાઈમેટ-કંટ્રોલ્ડ એરિયા બનાવ્યો, પણ માનવજાત પાસે પોતાની જ શ્રેષ્ઠ શોધોને બરબાદ કરવાનું અદ્ભુત કૌશલ્ય છે. અમેરિકાએ એ ટાઉન સ્ક્વેરને `શોપિંગ મોલ'માં ફેરવી નાખ્યો. મોલમાં એસીની ઠંડક તો આવી ગઈ, પણ સમાજની ભાવના ચૂપચાપ ઈમરજન્સી એક્ઝિટમાંથી બહાર નીકળી ગઈ. જોકે, ભારતમાં આનાથી પણ એક વધુ રસપ્રદ ઘટના બની. આપણે પશ્ચિમ પાસેથી માત્ર મોલ ઇમ્પોર્ટ ન કર્યો, આપણે એ મોલને આપણી સૌથી પ્રાચીન સંસ્થાનો પિતરાઈ ભાઈ બનાવી દીધો. એ પ્રાચીન સંસ્થા એટલે મંદિર.
કોઈ મોટા તહેવારના દિવસે કોઈ મેગા-મંદિરના દરવાજે ઊભા રહેજો અને પછી રવિવારની સાંજે શહેરના સૌથી મોટા મોલના દરવાજે ઊભા રહેજો. આ બંને વચ્ચેની સમાનતા અંદરથી હચમચાવી નાખશે. નૈતિકતા એ મોટાભાગે ધોળો અને કડક ઝભ્ભો પહેરીને બેઠેલી આળસ જ છે, એટલે આપણે કોઈ મોરલ જજમેન્ટ પાસ કર્યા વિના માત્ર અવલોકન કરીએ. બંને જગ્યાએ ભવ્ય દરવાજા છે. બંને જગ્યાએ સર્પિલ લાઈનો છે. બંને જગ્યાએ પાર્કિંગનું ભયંકર ટેન્શન છે. બંને જગ્યાએ બાળકો સતત કંઈક માંગતાં રહે છે. બંને જગ્યાએ એક ખાસ પ્રકારની `સુગંધ'ની સ્ટ્રેટેજી છે. એકમાં ધૂપની અને બીજામાં પ્રીમિયમ પરફ્યૂમની. બંનેના અંતે કોઈ ને કોઈ કાઉન્ટર પર નાણાં ચૂકવવાનાં છે અને બંનેના અંતિમ ચરણમાં `ભોજન' છે. ફર્ક માત્ર એટલો છે કે, મંદિર તમને `દર્શન' આપે છે અને મોલ તમને `ડિસ્પ્લે' આપે છે. મંદિરમાં મૂર્તિઓ છે, મોલમાં મેનેક્વિન (પૂતળાં) છે. મંદિર તમને ફૂટવેર ઉતારવાનું કહે છે, જ્યારે મોલ તમને તમારા આર્થિક સંયમને ઉતારી નાખવાનું કહે છે. આ બંને સંસ્થાઓ માણસને એટલી શાનદાર રીતે સમજે છે, જેટલો માણસ ખુદ પોતાની જાતને નથી સમજતો.
આ કોઈ મંદિરોનું અપમાન નથી, આ આધુનિકતા વિશેની આપણી છીછરી સમજણનું અપમાન છે. આપણને એવો ભ્રમ છે કે સમાજ એક સીધી રેખામાં ચાલે છે: પ્રાચીન માણસ પ્રાર્થના કરતો હતો અને આધુનિક માણસ શોપિંગ કરે છે. આ સાવ બકવાસ વાત છે. આધુનિક માણસ શોપિંગ કરતી વખતે પણ પ્રાર્થના જ કરે છે અને પ્રાચીન માણસ પ્રાર્થના કરતી વખતે પણ શોપિંગ જ કરતો હતો. પ્રાચીન ભારતમાં મંદિરો માત્ર ઈશ્વરના નિવાસસ્થાનો નહોતાં, તે પ્રચંડ આર્થિક અને સામાજિક એન્જિન હતાં. સોમનાથ હોય, મદુરાઈ હોય કે તિરુપતિ, આ માત્ર આધ્યાત્મિક સરનામાં નથી. આખી દુનિયામાં ક્રાઉડ-મેનેજમેન્ટના આનાથી વધુ અત્યાધુનિક થિયેટર બીજાં કોઈ નથી. અધ્યાત્મ ભલે હવામાં તરતું હોય, પણ ધર્મ હંમેશાં નક્કર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જ ચાલે છે. ઈશ્વરને પણ લોજિસ્ટિક્સની જરૂર પડે જ છે. નાળિયેર પહોંચવું જોઈએ, પૂજારી સમયસર આવવો જોઈએ, દાન આપનારના નામની તકતી લાગવી જોઈએ અને દર્શનાર્થીને ભૂખ લાગે ત્યારે ભોજન મળવું જોઈએ.
હવે માત્ર એટલું કરો કે, દેવતાની જગ્યાએ કોઈ ગ્લોબલ બ્રાન્ડને મૂકી દો. પૂજારીની જગ્યાએ સેલ્સમેનને મૂકો, ગર્ભગૃહની જગ્યાએ કાચના એટ્રિયમને મૂકો અને પ્રસાદના કાઉન્ટરની જગ્યાએ ફૂડ કોર્ટને મૂકી દો. તમને તમારો મોલ મળી જશે. મોલ એ મંદિરની વિરુદ્ધની જગ્યા નથી, મોલ એ મંદિરનો જ એક `સેક્યુલર વંશજ' છે, જેનું લાઈટિંગ જરા વધુ સારું છે અને જેની ફિલોસોફી જરા વધુ નબળી છે. મહાન સમાજશાસ્ત્રી એમિલ દુર્ખેઈમ કહેતા કે સમાજ હંમેશાં દુનિયાને બે ભાગમાં વહેંચે છે: `સેક્રેડ' (પવિત્ર) અને `પ્રોફેન' (સામાન્ય). આજના આધુનિક ભારતમાં સેક્રેડ માત્ર ઈશ્વર નથી. આઇફોનનું લોન્ચિંગ, બ્રાન્ડેડ સ્નીકર્સ, પ્રીમિયમ લાઉન્જ અને ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક - આ આધુનિક યુગનાં નવાં પવિત્ર પ્રતીકો છે. આપણે આપણી પવિત્રતા ગુમાવી નથી દીધી, આપણે માત્ર મૂડીવાદને તેની ફ્રેન્ચાઈઝી આપી દીધી છે.
એટલે જ મોલ ક્યારેય આપણા પરંપરાગત `બજાર' જેવો નથી દેખાતો. જૂનું બજાર બહુ ઈમાનદાર છે. ત્યાં પરસેવો છે, ત્યાં રકઝક છે, ત્યાં ઘોંઘાટ છે. જૂનું બજાર તમને સીધું કહે છે કે ખરીદવું હોય તો ખરીદ, બાકી રસ્તો માપ. અહીં આંતરિક શાંતિનો ઢોંગ કરવાની કોઈ જરૂર નથી, પણ મોલ બહુ ફિલોસોફિકલ છે. મોલ તમને કહે છે: ચાલો, જુઓ, સ્પર્શ કરો, લલચાઓ અને સરખામણી કરો. લક્ઝરી બ્રાન્ડના કાચ પાસે ઊભા રહીને તમારી ગરીબીનો અહેસાસ કરો અને ડિસ્કાઉન્ટના બોર્ડ પાસે ઊભા રહીને તમારી અમીરીનો અહેસાસ કરો.
જૂનું બજાર તમારી ઇન્દ્રિયો પર હુમલો કરતું હતું, મોલ તમારી ઇન્દ્રિયોને સીડ્યુસ કરે છે.
અને આ જ કારણસર મોલનું અસલી `ગર્ભગૃહ' એની દુકાનો નથી, એનું ફૂડ કોર્ટ છે! દુકાનો તો માત્ર એક માયાવી કથા છે, અસલી ધાર્મિક વિધિ તો ફૂડ કોર્ટમાં જ થાય છે. અહીં ભારતીય સંયુક્ત કુટુંબ તેની સામૂહિક કન્ફ્યૂઝનની કળાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. એકને ઢોંસા જોઈએ છે, બીજાને પિઝા જોઈએ છે, ત્રીજાને નૂડલ્સ જોઈએ છે અને બાળકને ફ્રેન્ચ ફ્રાઈસ જોઈએ છે (છતાં તે બીજા બધાના ઓર્ડરમાંથી ખાવાનો જ છે). પિતા મેનુ કાર્ડને કોઈ સરકારી બજેટના દસ્તાવેજની જેમ વાંચી રહ્યા છે અને માતા કોઈ મધ્યકાલીન સેનાપતિની આક્રમકતાથી ખાલી ટેબલ કબજે કરવા દોડી રહી છે. ફૂડ કોર્ટ એ આધુનિક ભૂખની સંસદ છે. અહીં બધા સાથે જમે છે, પણ કોઈ રાંધતું નથી. બધા સાથે બેસે છે, પણ કોઈ કોઈને સાંભળતું નથી. અહીં કોઈ એક વિચારધારા નથી જીતતી, અહીં `ગઠબંધનવાળી સરકાર' ચાલે છે. પહેલાંના સમયમાં ભોજન સાથે સ્મૃતિઓ જોડાયેલી હતી, હવે ભોજન સાથે માત્ર `ચોઈસ' જોડાયેલી છે.
મંદિર અને મોલ બંને એટલે જ સર્વાઈવ કરે છે, કારણ કે બંને એક વિશાળ `શક્યતા' નાં દર્શન કરાવે છે. મંદિરમાં એ શક્યતા `કૃપા'ની છે અને મોલમાં એ શક્યતા `અપગ્રેડ'ની છે. હસવાની જરૂર નથી, `અપગ્રેડ' થવું એ આધુનિક મિડલ-ક્લાસનો નવો `મોક્ષ' છે. એક સારો ફોન, એક સારી કાર, એક સારો સોફા, એક સારું પ્રોફાઈલ પિક્ચર! આખી કન્ઝ્યુમર ઇકોનોમી એક જ આધ્યાત્મિક ઘાવ પર ચાલે છે: `હું હજુ સંપૂર્ણ નથી.' ધર્મ પણ આ જ વાત કહે છે, બસ તેની ભાષા જરા પ્રાચીન છે. આવનારા સમયમાં આ બંને જગ્યાઓ વચ્ચેની ભેદરેખા સાવ ભૂંસાઈ જશે. મંદિરો એપ આધારિત લાઈનો અને ક્યુઆર-કોડ ડોનેશનથી ચાલશે, જ્યારે મોલ વધુ રિચ્યુઅલિસ્ટિક અને બ્રાન્ડ્સના `તીર્થધામ' બની જશે.
આપણને ચિંતા એ વાતની ન હોવી જોઈએ કે લોકો મંદિર ગયા પછી મોલમાં જમે છે. માણસજાત હંમેશાં પેટ, આત્મા અને સ્ટેટસને મિક્સ કરતી જ આવી છે. આપણને સૌથી મોટો ભય એ વાતનો હોવો જોઈએ કે, આપણા જીવનમાંથી એવી જાહેર જગ્યાઓ સંપૂર્ણપણે ગાયબ થઈ રહી છે, જે આધ્યાત્મિક પણ ન હોય અને કોમર્શિયલ પણ ન હોય. જ્યારે કોઈ નાગરિકને કશું જ ખરીદવું ન હોય અને કશી જ પ્રાર્થના ન કરવી હોય, ત્યારે તેણે ક્યાં જવું?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો