હમણાં એલોસી કારગીલ કરતાં પણ હથોડો ફિલ્મ એવી બોર્ડર-ટુ આવી. નવ્વાણુની બોર્ડરનું અમર ગીત `સંદેશે આતે હૈં'ને નવેસરથી સરસ રીતે નબળું બનાવીને આ નવી ફિલ્મમાં પણ મૂકેલું. વોર ફિલ્મની વાત તો અહીં નથી કરવી, પણ પોઇન્ટ એ છે કે સંદેશે આતે હૈં, હમે તડપાતે હૈં આ સમય ગયો. ગીતમાં પ્રગટ થતી આ લાગણી અત્યારે આઉટડેટેડ છે. ચિઠ્ઠી આઈ હૈ ગઝલ સાથે આજની જેન ઝી કનેક્ટ થઈ શકશે? આઈ ડાઉટ, કારણ કે હવે તો નોટિફિકેશન આવે છે અને ઢગલાબંધ નોટિફિકેશન વચ્ચે આવું યુદ્ધનું નોટિફિકેશન સખત અવગણના પામે છે. આ છે નયા વિચાર, નયા ઝમાના, ન્યૂ નોર્મલ. એવું નોર્મલ જેમાં યુદ્ધ માત્ર એક નોટિફિકેશન, મનોરંજનનું એક માધ્યમ બની ગયું છે.

થોડાક વર્ષ પહેલાં જ આ ચિઠ્ઠીઓના જમાનામાં શું થતું? અડોશી-પડોશી પૂછતા રહે કે, તમારો દીકરો મિલિટરીમાં છે તો આ બધું બરાબર છેને? જવાનના પિતા જવાબ આપે કે - બરાબર જ હશે, પણ અમારા સુધી હજુ કોઈ ખબર પહોંચી નથી. ગઈ સદીમાં બે વિશ્વયુદ્ધ ઉપરાંત કેટલાં બધાં યુદ્ધો થયાં. બીજા દિવસે છાપામાં લિમિટેડ ફોટોઝ આવે એ જોવા માટે આખી રાત ચિંતામાં પસાર કરવાની થતી. રેડિયો હતા પણ રેડિયો પરના ન્યૂઝ એકદમ ટૂંકા અને સીમિત માહિતી આપે એવા. આ પ્રકારનાં માધ્યમોને કારણે એવું થયું કે તે સમયના લગભગ દરેક નાગરિકને યુદ્ધ નામની જણસ બહુ દૂર લાગતી. બધા માટે યુદ્ધ તો બહુ જ દૂરના અંતરે આવેલો ફીનોમેના હતો. યુદ્ધનાં દૃશ્યોની જોયેલી જૂજ ફિલ્મો કે વાંચેલી વાર્તાઓ ને મળેલા ખબર પરથી માત્ર કલ્પના કરવાની રહેતી. હવે સરહદ પારનું યુદ્ધ બિગ બોસનો સેટ બની ગયો છે. લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે. ત્રણ હજાર કિલોમીટર દૂર કોઈ મિસાઈલ ફૂટે અને ત્રણ મિનિટ પછી આપણે ખુદ એ વીડિયો જોઈને નીચે કમેન્ટ કરતા હોઈએ. ક્રિકેટની મેચનું સ્કોરબોર્ડ અને વોરમાં ફૂટેલા બૉમ્બ કે મરેલા માણસોના આંકડાઓ વચ્ચે શું ફરક રહ્યો છે? ભૂતકાળમાં વોરઝોન તો બાઉન્ડ્રી હતી ને આપણી ટાઇમલાઈન યુદ્ધક્ષેત્ર બની ગયું, જેના પરથી આપણે મજા લઇ રહ્યા છીએ. ક્યાંય કોઈ ઘાયલ થાય, કોઈ કાટમાળ નીચે રડતા બાળકનો અવાજ સંભળાય, કોઈ અધમૂવી સ્ત્રી વિધવા થઈ ગઈ હોય - આ બધા વિષયો છે, લાઇક્સ અને વ્યૂઝ વધારવા માટે. પ્રાચીન સમયમાં રોમનો પ્રજાની આ વૃત્તિ સમજી ગયેલા. (પૂરક માહિતી : એ જમાનામાં ઇન્સ્ટાગ્રામ ન હતું.) રોમ સામ્રાજ્યનું શાસન કરતાં કરતાં જો અંદરોઅંદર ડખા થઈ જાય ત્યારે રાજદરબારમાંથી અમુક વાતો લીક થઈને પ્રજા સુધી પહોંચે અને પછી એ ગોસીપમાં મસાલો ભળીને મોટી અફવા બને. પ્રજા એકદમ અસ્વસ્થ થઈને બળવો કરે એ પહેલાં જ રોમન રાજા કોલોઝિયમમાં ગ્લેડિએટરની ફાઈટનું ફંક્શન ગોઠવી દે. જે મરી જાય એ હાર્યું. હજારો લોકો આવી ફાઈટ જોવા માટે તે વિશાળ કોલોઝિયમમાં ભેગા થાય. લોકો મનોરંજન મેળવે. મૂળ રાજકીય પ્રશ્ન વિસરાઈ જાય. પરિણામે જે તે રાજા વધુ સમય સુધી ગાદી પર કબજો જાળવી શકે. પ્રજાને ભ્રમમાં રાખવી હોય અને વાસ્તવિકતાથી દૂર રાખવી હોય તો એને ઉત્સવોમાં રમમાણ રાખો. રોમન સામ્રાજ્યનાં બે હજાર વર્ષ પછી પણ આ કહેવાતા સુધરેલા માણસોની વૃત્તિમાં ખાસ કંઈ ફેર નથી પડ્યો. સ્થળ બદલાઈ ગયું છે. કોલોઝિયમનું સ્થાન હવે પોતપોતાના ફોનની સ્ક્રીને લઈ લીધું છે.

ટેક્નોલોજી કંઈ વિલન નથી, પણ આજના માણસ માટે ટ્રેજેડી અને મદારીનો શો બંને સરખા થઈ ગયા છે. ત્રાહિત માણસની પીડા સતત સામે દેખાયા કરે ત્યારે આપણું મનોમસ્તિષ્ક ડિફેન્સ મિકેનિઝમ ઊભું કરે. માણસ અચાનક અસંવેદનશીલ થઈ જાય. પહેલો ધડાકો અંદરથી હલબલાવી મૂકે. દસમો ધડાકો સંભળાય પણ નહીં એવું બને અને એકસોમો ધડાકો મનોરંજન બની જાય. વિશ્વયુદ્ધ સમયે સૈનિકોની ખેંચ પડતાં `નેશન વોન્ટ્સ યોર સપોર્ટ'નાં પોસ્ટર લાગેલાં. આજની પ્રજા ત્યાગ કે બલિદાનમાં નથી માનતી એવું નથી. વર્તમાન સમયમાં કંઈક અઘટિત બને તો તરત લોકો બ્લેક પ્રોફાઈલ પિક્ચર મૂકી દે છે, પોતાના મંતવ્યનો વીડિયો શેર કરે છે, યુદ્ધ ઉપરનો કોઈ મેસેજ કે સ્વલિખિત કવિતા ફોરવર્ડ કરી આપે છે. કેટલું સરસ! અનુભવ સિંહાની અસ્સી ફિલ્મનો એક ડાયલોગ તમાચા જેવો છે. કોર્ટના અનુભવી ન્યાયાધીશ કોર્ટમાં બેઠેલાં નાનાં બાળકોને કહે છે, ડુ બેટર ધેન અસ. અમારી પેઢીએ તો કંઈ ખાસ ઉકાળ્યું નથી, પણ તમે લોકો આ દુનિયાને બેહતર બનાવજો. કેવી ક્રૂર કઠણાઈ છે આ. બધા ઉંમરમાં મોટા અને અનુભવી લોકો લડી રહ્યા છે. હ્યુમન રિસોર્સીઝ અને કુદરતી સંપત્તિનો કચ્ચરઘાણ વાળી રહ્યા છે. શું આવો સમય જોવા માટે આપણે સૌ સવારથી સાંજ આટલી માથાકૂટ કરી રહ્યા છીએ? શું આ સમય લાવવા માટે સદીઓથી અનેક પેઢીઓએ આ દુનિયા બનાવવાની જહેમત ઉપાડી હતી? સ્ત્રીઓની આબરૂ કાઢવા માટે શું એઆઈ ડેવલપ કરવામાં આવે છે? ઊડતી ટેક્સીઓ તો શરૂ ન થઈ, પણ આ ઊડતા ડ્રોન તબાહી મચાવે છે શું એના માટે દુનિયાનો દરેક નાગરિક ટેક્સ ભરે છે? હવેનાં બધાં શસ્ત્રો હાઈટેક છે. ઈન્ટરનેટ અને સોફ્ટવેર સાથે જોડાયેલાં છે. કમ્પ્યૂટર બન્યું અને એનાં આટલાં વર્ષ સુધી કરોડો યુવાનોએ આઈટી ક્ષેત્રમાં પોતાની જિંદગી પસાર કરી છે. બની શકે કે ગાઇડેડ મિસાઈલ ફોડતું સોફ્ટવેર ડેવલપ કરવામાં કે ડ્રોનના એક્સપ્લોઝનમાં આપણા મિત્રોએ લખેલા કોડ પરોક્ષ રીતે જવાબદાર હોય. યુદ્ધના આપણે પણ નછૂટકે હિસ્સેદાર હોઈએ. આપણે કંઈ કરીએ કે ન કરીએ, આપણા આત્માનો એક નાનો હિસ્સો આપણે દરરોજ ગુમાવી રહ્યા છીએ.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો