જુલાઈ, 1518. ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ શહેરમાં એક અત્યંત વિચિત્ર અને ભયાનક ઘટના બની. ફ્રાઉ ટ્રોફિયા નામની એક સામાન્ય સ્ત્રી અચાનક રસ્તા પર આવીને બેફામ નાચવા લાગી. તે રોકાઈ જ નહીં. થોડા દિવસોમાં બીજી 400 જેટલી સ્ત્રીઓ અને પુરુષો તેની સાથે જોડાયાં. લોકો નાચતાં નાચતાં થાકીને, હાર્ટએટેકથી કે ભૂખમરાથી રસ્તા પર તરફડીને મરવા લાગ્યા, છતાં તેમનો ડાન્સ ન અટક્યો. ઇતિહાસમાં આ ઘટનાને `સ્ટ્રાસબર્ગનો ડાન્સિંગ પ્લેગ' કહેવાય છે. આ કોઈ જાદુ કે મેલી વિદ્યા નહોતી. આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે કે તે ભયંકર ગરીબી, ભૂખમરો અને બીમારીઓથી ત્રસ્ત લોકોનો `માસ હિસ્ટેરિયા' હતો.


માનવજાતનો એક અફર અને ક્રૂર નિયમ છે: જ્યારે માણસને બોલવાની છૂટ નથી મળતી, ત્યારે તેના અવાજની હત્યા થઈ જાય છે, પણ પછી તેનું શરીર બૂમો પાડવા લાગે છે! આજે 500 વર્ષ પછી સોશિયલ મીડિયા પર ધૂણતી સ્ત્રીઓ, જમીન પર આળોટતા પુરુષો, આંચકા ખાતાં શરીરો અને ચીસો પાડતા લોકોના વીડિયો જોઈને હસવું સરળ છે. વાસ્તવિકતા વધુ કડવી છે.

દીવાલોને માત્ર કાન હોય છે, હૃદય નહીં. ભારતનાં ઘરોની દીવાલો બધું જ સાંભળે છે. વહુનું ઓશિકામાં મોઢું નાખીને રડવું, પતિની ગાળો, સાસુનાં મેણાં, દીકરીની દબાવી દીધેલી ઈચ્છાઓ, દીકરાનો બેરોજગારીનો કકળાટ અને વૃદ્ધ પિતાનો નકામા થઈ ચૂકેલા ફર્નિચર જેવો ખાલીપો. રાત્રે એક જ પથારીમાં બાજુમાં સૂતો માણસ પણ સાવ અજાણ્યો લાગે તેવો ગાઢ ખાલીપો આ દીવાલો જુએ છે, પણ એ દીવાલો ક્યારેય સાક્ષી આપવા કોર્ટમાં નથી આવતી.

ગામડામાં, નાનાં શહેરોમાં અને ક્યારેક કહેવાતાં મોર્ડન ઘરોમાં પણ માણસ પાસે પોતાની પીડા વ્યક્ત કરવાની કોઈ માન્ય ભાષા જ નથી! ખાસ કરીને સ્ત્રીઓ પાસે. તેમને નાનપણથી જ ગુસ્સે થવાનો કે `ના' પાડવાનો અધિકાર છીનવી લેવામાં આવે છે. `મને આ ગમતું નથી', `મારી સાથે અન્યાય થયો છે', `મને આરામ જોઈએ છે.' આવું કહેવાની સામાજિક મંજૂરી તેમને ક્યારેય મળતી નથી, પણ જો એ જ સ્ત્રી અચાનક ધૂણવા માંડે, વાળ છૂટા મૂકી દે, આંખો લાલ થઈ જાય, અવાજ કઠોર થઈ જાય અને એવું જાહેર થાય કે `માતાજી આવ્યાં છે' અથવા `કોઈ શક્તિ આવી છે' તો આખો પિતૃસત્તાક સમાજ એક ક્ષણ માટે ફફડીને અટકી જાય છે!

અહીંથી મનોવિજ્ઞાનની સૌથી ભયાનક રમત શરૂ થાય છે. જીવનભર જેને કોઈએ બે કોડીની કિંમત નહોતી આપી, તેને અચાનક બધા ગંભીરતાથી લેવા લાગે છે. જે સ્ત્રીને ઘરમાં શાક શું બનાવવું તેનો નિર્ણય લેવાની સત્તા નહોતી, તે થોડી મિનિટો માટે ઘરની સૌથી પાવરફુલ વ્યક્તિ બની જાય છે. જે પતિ કાલ સુધી ગાળો આપતો હતો, તે હાથ જોડીને ઊભો રહે છે. જે સાસુ અપમાન કરતી હતી, તે ડરીને પૂછે છે, `હે માતા, અમારાથી શું ભૂલ થઈ ગઈ?' આ કોઈ ચમત્કાર નથી. આ સત્તાની ફેરબદલી છે. જ્યારે સમાજ કોઈ માણસને સાચું બોલવાની જગ્યા નથી આપતો, ત્યારે તે માણસ જૂઠાણાનો સહારો લે છે.

આપણા સમાજે સ્ત્રીના શરીરને સૌથી વધુ કંટ્રોલ કર્યું છે. કેવી રીતે બેસવું, કેટલું હસવું, વાળ ક્યારે બાંધવા, અવાજ કેટલો નીચો રાખવો. આ બધું અદૃશ્ય રીતે રેગ્યુલેટ થાય છે. ધૂણવું એ આ કંટ્રોલ સામેનો જંગલી બળવો છે. તેમાં શરીરની મુદ્રાઓ સભ્ય રહેતી નથી. દબાયેલી સ્પ્રિંગની જેમ બધું ઊછળે છે.  

આપણે ઘણીવાર કહીએ છીએ કે ભારતમાં `સાયન્ટિફિક ટેમ્પર'ની જરૂર છે. સો ટકા સાચી વાત, પણ સાયન્ટિફિક ટેમ્પર માત્ર વોટ્સએપ પર ફેક્ટ-ચેક કરવાથી નહીં આવે, તેના માટે સામાજિક કરુણા જોઈશે. કરુણા વગરનો બુદ્ધિવાદ એ માત્ર અમીરો અને ભણેલા લોકોનો અહંકાર છે.

એક બહુ કડવો સવાલ ખુદને પૂછજો: શું આપણો સમાજ ખરેખર લોકોને રેશનલ (તાર્કિક) બનાવવા માંગે છે? કારણ કે જો એ ધૂણતી સ્ત્રી ખરેખર રેશનલ બની જશે, તો એ માત્ર બાબાને સવાલ નહીં પૂછે. એ પોતાના પતિને, પોતાની સાસરીને, પિતૃસત્તાને, ધર્મના બિઝનેસ મોડલને અને જ્ઞાતિવાદને પણ સવાલો પૂછશે! અને આપણો આ કહેવાતો મહાન સમાજ એવા સવાલો સાંભળવા માટે હજુ તૈયાર નથી. એટલે આપણે `સગવડિયો બુદ્ધિવાદ' ચલાવીએ છીએ. પાખંડનો વિરોધ કરો, પણ ઘરમાં સ્ત્રીને સત્તા ન આપો!  

એટલે આવતી વખતે જ્યારે ફોનની સ્ક્રીન પર કોઈ ધૂણતી સ્ત્રી કે રડતો પુરુષ દેખાય, તો તેના પર હસતા પહેલાં એક ક્ષણ વિચારજો. એ માણસ અંધશ્રદ્ધાનો પોસ્ટર-બોય નથી, એ આપણા બીમાર સમાજની ગૂંગળામણનો જીવતો જાગતો પુરાવો છે. સમસ્યા એ નથી કે એ માણસ ધૂણે છે. ખરી અને ભયાનક સમસ્યા એ છે કે, જો એ ન ધૂણે, તો એની પીડા સાંભળનારું આ આખી દુનિયામાં કોઈ નથી! 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: