ભારતે દુનિયાને શું આપ્યું છે એવું પૂછવામાં આવે તો સામાન્ય રીતે ચર્ચા શૂન્ય, યોગા, ચેસ સાથે ઘણી બધી બાબતોની થાય, પરંતુ હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા પછી હિન્દુસ્તાન-હિન્દુસ્તાની કંઈ અટકી નથી પડ્યા, હિન્દુસ્તાનીઓએ વૈશ્વિક યોગદાન આપવાનું ચાલુ જ રાખ્યું છે, અવિરત, અથાક પ્રયત્નો દ્વારા, જેનાથી એક ભારતીય તરીકે ગર્વ અનુભવાય.
સ્વતંત્રતા બાદ અનાજની અછત ધરાવતા કૃષિ-આધારિત સમાજમાંથી ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, અવકાશ સંશોધન અને ટકાઉ કૃષિ પદ્ધતિઓના ક્ષેત્રે વૈશ્વિક મહાસત્તા તરીકે ઊભરી આવ્યું છે. ટેક્નોલોજી અને વૈશ્વિક IT ક્રાંતિમાં ભારતે IT હબ દ્વારા વૈશ્વિક આઉટસોર્સિંગ મોડલ સ્થાપિત કર્યું અને એવી એન્જિનિયરિંગ પ્રતિભા પૂરી પાડી, જેણે આધુનિક ડિજિટલ પરિવર્તનને વેગ આપ્યો. ભારતીય એન્જિનિયરો વૈશ્વિક ટેક-નેતૃત્વમાં મોખરે છે. સોફ્ટવેર ઉદ્યોગમાં એક વૈશ્વિક મહાસત્તા તરીકે ઊભરી આવ્યું છે અને વિશ્વભરમાં તકનીકી પ્રગતિ તથા વ્યાપારી પરિવર્તનને વેગ આપી રહ્યું છે. તો આરોગ્ય સંભાળ અને `વિશ્વની ફાર્મસી' તરીકે જબરદસ્ત નોંધ લેવડાવી છે. ભારત પરવડે તેવી કિંમતની અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ તથા રસીઓનું અગ્રણી સંશોધક અને ઉત્પાદક છે. 2020ના દાયકામાં વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 21 ફેબ્રુઆરી, 2022 સુધીમાં ચીને જે વિશ્વને ભેટ આપી હોવાનું મનાય છે તે કોવિડ મહામારીનો સામનો કરવા ભારતે `વેક્સિન મૈત્રી' અભિયાન અંતર્ગત 96 દેશોમાં રસીના લગભગ 16.29 કરોડ (162.9 મિલિયન) ડોઝ પહોંચાડ્યા હતા અને પોતાની સરહદની અંદર પોલિયો તથા શીતળા જેવા ગંભીર રોગોને નાબૂદ કરવામાં સફળતા મેળવી છે. હમણાં જ કોઈક અમેરિકન મહિલાએ વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે જે કેપ્સ્યૂલ અમેરિકામાં તેને 80-85000/- રૂપિયામાં મળે છે તે તેને ભારતમાં 300 રૂપિયા સુધીમાં મળી ગઈ હતી.
અવકાશ સંશોધન અને નવીનતા ક્ષેત્રે ભલભલા દેશને પાણી પીવડાવી દે તેવી પ્રગતિ કરી બતાવી છે. અવકાશ સંશોધન સંસ્થા ISROએ વિશ્વને અવકાશ અને ઉપગ્રહ ટેક્નોલોજીની કિફાયતી સુલભતા પ્રદાન કરી છે. ચંદ્ર પર ચંદ્રયાન-3નું ઐતિહાસિક ઉતરાણ અને મંગળ ઓર્બિટર મિશન (મંગળયાન) સહિતનાં મિશનોએ અત્યંત કાર્યક્ષમ `ડીપ-સ્પેસ' (અવકાશના ઊંડાણની) ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું છે. હજી ગયા મહિને જ સ્કાયરુટ એરોસ્પેસે 18 જુલાઈના રોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાસ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ભારતનું પ્રથમ ખાનગી ઑર્બિટલ રોકેટ, `વિક્રમ-1' સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. `મિશન આગમન' નામના આ ઐતિહાસિક ટેસ્ટ મિશન દ્વારા તેમણે પ્રથમવાર ભ્રમણકક્ષામાં રોકેટ મોકલવામાં સફળતા મેળવી છે. વિશ્વના ઘણા દેશો તેમના ઉપગ્રહો અવકાશમાં મોકલવા માટે ભારતની મદદ લે છે. અત્યાર સુધીમાં અમેરિકા, બ્રિટન અને કેનેડા સહિતના અનેક દેશોના સેંકડો વિદેશી ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં તરતા મૂક્યા છે. ઈસરોએ એક જ રોકેટ (PSLV) દ્વારા એકસાથે 104 ઉપગ્રહો લોન્ચ કરીને વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે.
ભારતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વિકસાવ્યું, જેનાથી વાસ્તવિક સમયના ડિજિટલ વ્યવહારોમાં ક્રાંતિ આવી. આ ટેક્નોલોજી મોડલનો અભ્યાસ હવે અન્ય વિવિધ રાષ્ટ્રો દ્વારા તેમની નાણાકીય પ્રણાલીઓ માટે કરવામાં આવી રહ્યો છે અને અપનાવવામાં આવી રહ્યો છે. સૌથી મોટું પરિવર્તન ખાદ્ય ક્ષેત્રે મેળવ્યું છે, આપ્યું છે. દેશની જ નહિ વૈશ્વિક ખાદ્યસુરક્ષા પૂરી પાડવામાં અવ્વલ રહ્યું છે.
ખોરાકની તીવ્ર અછત ભોગવ્યા બાદ, 1960 અને 1970ના દાયકામાં ભારતની હરિત ક્રાંતિ અંતર્ગત અનાજની આયાત કરનાર દેશમાંથી અનાજની વધારાની ઊપજ ધરાવતા અને વિશ્વને નિકાસ કરતા દેશમાં પરિવર્તિત થયો. સૌથી મહત્ત્વનું, સર્વશ્રેષ્ઠ લોકશાહીનું મોડલ આપ્યું છે.
આઝાદી પછી હિન્દુસ્તાનની પ્રજાએ જે ખમીર બતાવ્યું છે, જે પડકારો ઝીલ્યા છે, સાચે જ `વંદે માતરમ્' સાર્થક થાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો