આધુનિક કોર્પોરેટ જગત હોય કે વર્ષો જૂની શાસનવ્યવસ્થા હોય, એ સંદર્ભે આપણે ત્યાં એક પ્રચલિત માન્યતા એવી રહી છે કે એકવાર મજબૂત સિસ્ટમ બની જાય એટલે લીડરનું કામ પૂરું થઈ જાય છે.
ઘણા મેનેજર કે લીડર એવું માને છે કે તેમણે લોહી-પરસેવો એક કરીને જે માળખું ઊભું કર્યું છે, તે હવે સ્વનિર્ભર છે અને પોતે માત્ર રિપોર્ટ્સ કે ઓવરવ્યૂ લઈને સમય પસાર કરી શકે છે, પરંતુ આવું વલણ ભૂલભરેલું છે. આ પ્રકારની માનસિકતા ઘણીવાર તેમને પોતાના જ સર્જનથી કે પોતાની જ સંપત્તિથી વિમુખ કરી દે છે. કારણ કે જેઓ સિસ્ટમ જ બધું કામ કરી લેશે એવું માની લેતા હોય તેઓ જે સમય પોતાની સંસ્થાના ઉત્થાનમાં આપવો જોઈએ, તે સમય મનોરંજન કે બિનજરૂરી પ્રવૃત્તિઓમાં વ્યતીત કરવા લાગે છે અને છેલ્લે તેઓ મીડિયોકર લીડર બનીને રહી જાય છે, પરંતુ મહાભારતના શાંતિપર્વમાં જ્યારે પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને લીડરશિપના પાઠ ભણાવે છે, ત્યારે તેઓ આ `સિસ્ટમ પ્રત્યેની અતિશય નિર્ભરતા' અને `લીડરની નિષ્ક્રિયતા' સામે લાલબત્તી ધરે છે.
શાંતિપર્વના ગહન ઉપદેશોમાં ભીષ્મ સ્પષ્ટ કરે છે કે કોઈ પણ સિસ્ટમ ગમે તેટલી સચોટ કેમ ન હોય, તે ક્યારેય જીવંત ચેતના એટલે કે લીડરનું સ્થાન લઈ શકતી નથી. ભીષ્મ અનુસાર સંસ્થા એ રથ સમાન છે અને સિસ્ટમ તેનાં પૈડાં છે, પણ જો સારથિ (લીડર) રથ ચલાવવાનું છોડીને માત્ર તમાશો જોવા લાગે, તો માર્ગ ગમે તેટલો સરળ હોય, અકસ્માત નિશ્ચિત છે. જ્યારે કોઈ લીડર એવું વિચારીને બેસી જાય છે કે હવે બધું ઓટોમેશન પર છે, ત્યારે તેની સંવેદનશીલતા અને પરિસ્થિતિ પરની પકડ ઢીલી પડવા લાગે છે. ભીષ્મ કહે છે કે જે ક્ષણે લીડર પોતાના કામથી વિમુખ થઈને માત્ર સુખ-સુવિધા કે ભ્રમણ તરફ વળે છે, તે ક્ષણથી સંસ્થામાં `પ્રમાદ' એટલે કે આળસ અને શિથિલતા પ્રવેશ કરે છે. સિસ્ટમ ત્યારે જ કાર્યક્ષમ રહે છે જ્યારે તેની પાછળ લીડરની સતર્ક દૃષ્ટિ હોય.
આફ્ટરઑલ, એક લીડર કે પછી વહીવટદાર તરીકે જ્યારે વ્યક્તિ પોતે બનાવેલી સિસ્ટમ પર ભરોસો રાખીને મેદાન છોડી દે છે, ત્યારે નીચે કામ કરતા લોકોમાં પણ શિસ્તનો અભાવ આવવા લાગે છે. ભીષ્મ યુધિષ્ઠિરને સમજાવે છે કે પ્રજા કે કર્મચારીઓ હંમેશાં લીડરના આચરણનું અનુકરણ કરે છે. જો લીડર પોતે જ રિપોર્ટ્સના આંકડાઓમાં કેદ થઈ જાય અને વાસ્તવિકતાથી દૂર જઈને મજા-મસ્તીમાં સમય પસાર કરવા લાગે, તો સિસ્ટમમાં રહેલી ખામીઓ ક્યારેય પકડાતી નથી. આ ઉપરાંત શાંતિપર્વમાં અનેકવાર ભીષ્મ દ્વારા `તીક્ષ્ણ દૃષ્ટિ'નો ઉલ્લેખ થયો છે, જેનો અર્થ એ નથી કે લીડરે માઈક્રો-મેનેજમેન્ટ કરવું, પણ તેનો અર્થ એ ચોક્કસ છે કે તેણે સિસ્ટમના અસ્તિત્વ પાછળના મૂળ હેતુ સાથે જોડાયેલા રહેવું જોઈએ. જે લીડર માત્ર `ઓવર વ્યૂ' લે છે, તેને વાસ્તવિક ગ્રાઉન્ડ રિપોર્ટ અને કાગળ પરના રિપોર્ટ વચ્ચેનો તફાવત સમજાતો નથી.
ભીષ્મ પિતામહના મતે લીડરશિપ એ કોઈ હોદ્દો નથી, પણ એક અવિરત તપસ્યા છે. સિસ્ટમ બનાવવી એ શરૂઆત છે, અંત નથી. ઘણા મેનેજરો પોતાના ભૂતકાળની મહેનતના જોરે વર્તમાનમાં આરામ કરવા ઈચ્છે છે, પણ શાંતિપર્વ શીખવે છે કે વિજય મેળવવો સહેલો છે, પણ તેને જાળવી રાખવો અઘરો છે. સિસ્ટમ ક્યારેય ભ્રષ્ટાચાર કે માનવીય ભૂલોને સંપૂર્ણપણે રોકી શકતી નથી. તેને રોકવા માટે લીડરની વ્યક્તિગત હાજરી અને તેની નૈતિક સત્તા જરૂરી છે.
લીડરે હંમેશાં યાદ રાખવું જોઈએ કે રિપોર્ટ્સ માત્ર ભૂતકાળની વિગતો આપે છે, જ્યારે લીડરની હાજરી ભવિષ્યનું નિર્માણ કરે છે. જે સમયે લીડર એમ માની લે છે કે તેનું કામ પૂરું થઈ ગયું છે, તે જ સમયે તેની પ્રગતિ અટકી જાય છે. ભીષ્મ શીખવાડે છે કે અસલી લીડર એ છે જે સિસ્ટમને એવી રીતે જીવંત રાખે કે તેમાં ક્યારેય જડતા ન આવે. જો મેનેજર પોતે જ સિસ્ટમનો ગુલામ બની જાય અને માનવીય સંપર્ક કે કાર્યક્ષેત્રની મુલાકાત લેવાનું છોડી દે, તો તે માત્ર એક `રબર સ્ટેમ્પ' બનીને રહી જાય છે. આખરે પોતાની મહેનતથી બનાવેલી વ્યવસ્થાનો સદુપયોગ પ્રગતિ માટે કરવો જોઈએ, નહીં કે પોતાની આળસ કે મોજશોખને ન્યાયી ઠેરવવા માટે. અંતે તો સિસ્ટમ એ માત્ર એક સાધન છે, સાધ્ય તો લીડરનું વિઝન અને તેની નિરંતર કર્મશીલતા જ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો