અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના સૂર્યપ્રકાશથી ઝળહળતા ફ્રી-વેઝ વર્ષ 1979ના ઉનાળામાં એક અજાણ્યા ભયથી ધ્રૂજી રહ્યા હતા. પેસિફિક કોસ્ટ હાઇવે અને આંતરરાજ્ય માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને કલ્પના પણ નહોતી કે તેમની વચ્ચે એક એવો શિકારી ફરી રહ્યો છે, જે માનવતાના તમામ સીમાડાઓ ઓળંગી ચૂક્યો છે. વિલિયમ જ્યોર્જ બોનિન એક સાધારણ દેખાતો ટ્રક ડ્રાઈવર, જેનું સ્મિત કદાચ કોઈને પણ છેતરી શકે તેમ હતું. તે વાસ્તવમાં અમેરિકાના ઈતિહાસનો સૌથી ક્રૂર અને પદ્ધતિસરનો સીરિયલ કિલર બની રહ્યો હતો. વાતાવરણમાં એક વિચિત્ર સન્નાટો હતો, જે આવનારા લોહિયાળ તોફાનની પૂર્વસંધ્યા જેવો લાગતો હતો. બોનિનની ગાડી એક ગ્રીન ફોર્ડ ઈકોનોલાઈન વેન, મોતના દૂતની જેમ રસ્તાઓ પર ફરતી રહેતી અને રસ્તાના કિનારે ઊભેલા નિર્દોષ કિશોરો તેની જાળમાં ફસાઈ જતા. તેની વેનની પાછળની બારીઓ કાળી હતી, જે અંદર ચાલતા નરકને દુનિયાની નજરોથી છુપાવી રાખતી હતી.

બોનિનના જીવનની આ કરુણ અને બિહામણી સફરની શરૂઆત કનેક્ટિકટના વિલમેન્ટિકમાં થઈ હતી, જ્યાં તેનું બાળપણ અત્યંત દર્દનાક અને વિકૃત હતું. દારૂડિયા પિતા અને અત્યાચારી દાદાની સાથે ઉછરેલા વિલિયમે નાનપણથી જ હિંસાને ખૂબ નજીકથી જોઈ હતી. તેના દાદા એક શિસ્તબદ્ધ પણ અત્યંત ક્રૂર માણસ હતા, જેમણે વિલિયમ પર એવી માનસિક અસર છોડી હતી કે તે ક્યારેય સામાન્ય જીવન જીવી શક્યો નહીં. બાળપણમાં થયેલા શારીરિક અને જાતીય શોષણે તેના મગજમાં એક એવો રાક્ષસ જગાડ્યો હતો, જે ભવિષ્યમાં લોહીની હોળી રમવાનો હતો. સ્કૂલના દિવસોમાં તે એક શાંત પણ વિચિત્ર બાળક ગણાતો. 1960ના દાયકામાં જ્યારે તેણે અમેરિકન વાયુસેનામાં સેવા આપી અને વિયેતનામ યુદ્ધમાં હેલિકોપ્ટર ગનર તરીકે પણ ભાગ લીધો, ત્યારે તેને મૃત્યુ અને વિનાશને જોવાની એક નવી દૃષ્ટિ મળી. યુદ્ધના મેદાનમાં વહેતું લોહી અને ચીસો તેના માટે મનોરંજન સમાન બની ગઈ હતી. યુદ્ધમાંથી પરત ફર્યા પછી તેનું મન એક અશાંત સમુદ્ર જેવું હતું, જેમાં માત્ર વિકૃતિનાં મોજાં ઉછળતાં હતાં. જેના પરિણામ સ્વરૂપે કેલિફોર્નિયાના સુંદર રસ્તાઓ તેના શિકારનું મેદાન બન્યા અને અહીંથી શરૂ થઈ એક એવી શ્રેણીબદ્ધ હત્યાઓની પરંપરા, જેણે પોલીસ અને જનતાની ઊંઘ હરામ કરી દીધી.

મે 1979નો એ દિવસ જ્યારે થોમસ લુંડગ્રેન નામનો 13 વર્ષનો છોકરો ગાયબ થયો, ત્યારે કોઈને અંદાજ નહોતો કે આ માત્ર શરૂઆત છે. બોનિનની ગુના કરવાની રીત અત્યંત જટિલ અને ભયાનક હતી. તે રસ્તા પર એકલા જતા કિશોરોને લિફ્ટ આપવાના બહાને અથવા તો કોઈ સરનામું પૂછવાના નામે પોતાની વેનમાં બેસાડતો. એકવાર દરવાજો બંધ થયા પછી પીડિત માટે બહાર નીકળવું અશક્ય હતું. વેનની અંદર જઈને તે છોકરાઓને હથિયાર બતાવીને ડરાવી-ધમકાવીને તેમને કેદ કરી લેતો. કેદ કર્યા બાદ અત્યાચાર ગુજારવો તેના માટે સૌથી આનંદદાયક કામ હતું. ધીમે ધીમે બોનિન `ફ્રી-વે કિલર' તરીકે ઓળખાવા લાગ્યો. તેને `ફ્રી-વે કિલર' નામ એટલા માટે મળ્યું કારણ કે તે તેના શિકારના મૃતદેહોને હાઇવેના કિનારે, કચરાના ઢગલામાં અથવા નિર્જન એક્ઝિટ રેમ્પ્સ પર ફેંકી દેતો હતો. આ તેની એક સિગ્નેચર સ્ટાઈલ બની ગઈ હતી.

પોલીસને એક પછી એક લાશો મળવા લાગી, પણ ખૂની કોણ છે તેની કોઈ કડી નહોતી મળતી. દરેક મૃતદેહ પર ક્રૂરતાનાં એવાં નિશાનો હતાં જે જોઈને અનુભવી ડિટેક્ટિવ્સનાં પણ કલેજા કાંપી જતાં. બોનિન એકલો નહોતો; તેણે વર્નોન બટ્સ, વિલિયમ પુગ અને ગ્રેગરી માઈલી જેવા નબળા માનસિકતા ધરાવતા સહાયકોને પોતાની સાથે જોડ્યા હતા. તે તેમને પણ આ લોહિયાળ રમતમાં સામેલ કરતો અને ઘણીવાર તો તેમની પાસે જ હત્યા કરાવતો, જેથી તેઓ ક્યારેય પોલીસ પાસે જઈ ન શકે.

જેમ જેમ 1979નું વર્ષ આગળ વધતું ગયું, તેમ તેમ દક્ષિણ કેલિફોર્નિયાના શાંત રસ્તાઓ ભયના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયા. બોનિનનો આત્મવિશ્વાસ દરેક સફળ ગુના સાથે વધતો જતો હતો. તેની કાર્યપદ્ધતિ અત્યંત ક્રૂર હતી; તે માત્ર હત્યા કરીને અટકતો નહોતો, પરંતુ પીડિતોને શારીરિક અને માનસિક યાતનાઓ આપવી એ તેના માટે એક રમત બની ગઈ હતી. ઓગસ્ટ, 1979માં માર્ક્સ ગ્રાટ્સ અને સપ્ટેમ્બરમાં ડોનાલ્ડ હાઇડન જેવા માસૂમ કિશોરો તેના શિકાર બન્યા. આ હત્યાઓની ભયાનકતા એ હતી કે બોનિન કોઈ પણ જાતના ડર વગર વ્યસ્ત ફ્રી-વેઝના કિનારે લાશોને એવી રીતે પ્રદર્શિત કરતો જાણે તે કાયદાની વ્યવસ્થાની મજાક ઉડાવી રહ્યો હોય. ઘણીવાર તો તે લાશ ફેંકતી વખતે પસાર થતાં વાહનોને પણ જોઈ લેતો, છતાં કોઈ તેને ઓળખી શકતું નહીં. તેની આ વિકૃત માનસિકતા પાછળ તેના સાથીદારોનો સહયોગ પણ મોટો હતો. વર્નોન બટ્સ અને ગ્રેગરી માઈલી જેવા લોકો બોનિનના પ્રભાવ હેઠળ આવીને આ નરભક્ષી કૃત્યોમાં ભાગીદાર બન્યા હતા, જેના કારણે પોલીસ માટે એક કરતા વધુ શંકાસ્પદોને ટ્રેક કરવાનું કામ અઘરું બની ગયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બોનિન તેના સાથીદારોને `પાર્ટી' કરવાના બહાને બોલાવતો અને પછી તેમને હત્યામાં સહભાગી બનાવતો.

લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ વિભાગ અને ઓરેન્જ કાઉન્ટી પોલીસ વચ્ચેના સંકલનનો અભાવ શરૂઆતમાં બોનિન માટે ફાયદાકારક સાબિત થયો હતો. તપાસકર્તાઓ અલગ-અલગ વિસ્તારોમાં મળતી લાશોને એક જ સીરિયલ કિલર સાથે જોડવામાં નિષ્ફળ રહ્યા હતા, કારણ કે બોનિન કાઉન્ટીની હદો ઓળંગીને ગુના કરતો હતો. શિકાર બનનારાઓમાં મોટાભાગના 12થી 19 વર્ષની વયના છોકરાઓ હતા, જેઓ કાં તો શાળાએથી ઘરે જઈ રહ્યા હતા, બાસ્કેટબોલ રમીને પાછા આવતા હતા અથવા તો મિત્રોને મળવા નીકળ્યા હતા. 1980ની શરૂઆત સુધીમાં તો આખો વિસ્તાર એક અદૃશ્ય કર્ફ્યૂ જેવી સ્થિતિમાં આવી ગયો હતો. બોનિનની `ગ્રીન વેન' હવે એક દંતકથા જેવો ભય પેદા કરી રહી હતી. દરેક વાલી પોતાના બાળકને એકલું મોકલતા ફફડતા હતા.

તપાસકર્તાઓએ આખરે નોંધ્યું કે ખૂની કોઈ ચોક્કસ ભૌગોલિક પેટર્ન અનુસરી રહ્યો નથી, તે આખા દક્ષિણ કેલિફોર્નિયામાં ગમે ત્યાં ત્રાટકી રહ્યો હતો. છતાં એક વસ્તુ સમાન હતી - મૃતદેહો હંમેશાં હાઇવેના એક્ઝિટ રેમ્પ અથવા મુખ્ય માર્ગોની આસપાસ ફેંકવામાં આવતા, જાણે ખૂની ઈચ્છતો હોય કે સવારે ઓફિસે જતા લોકો સૌથી પહેલાં તેના પાપના સાક્ષી બને.

જૂન, 1980ની એ રાત જ્યારે કિસ્મત પલટાઈ. બોનિન હજુ પણ પોતાના લોહિયાળ માર્ગ પર હતો, પણ આ વખતે પોલીસ તેની ખૂબ નજીક હતી. સીરિયલ કિલર ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવેલી સતત દેખરેખ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસને એક `ગ્રીન વેન' પર શંકા ગઈ હતી. 11 જૂન, 1980ના રોજ જ્યારે બોનિન હોલિવૂડના એક અંધારા ખૂણે એક 18 વર્ષના યુવાનને લિફ્ટ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ ગુપ્ત રીતે પીછો કરી રહેલી પોલીસે તેને ઘેરી લીધો. ધરપકડ સમયે બોનિનના ચહેરા પર કોઈ પસ્તાવો કે ગભરાટ નહોતો, માત્ર એક ઠંડું અને રહસ્યમયી સ્મિત હતું. તેની વેનની તપાસમાં જે દૃશ્યો સામે આવ્યાં તે કોઈ પણ હિંમતવાન માણસને અંદરથી હચમચાવી દેવા માટે પૂરતાં હતાં. વેનની પાછળના ભાગમાં લોહીના ડાઘા, ગૂંગળામણ આપવા માટેના દોરડા, કેદ કરવા માટેની સાંકળો અને પીડિતોની અંગત વસ્તુઓનો ખજાનો મળી આવ્યો હતો. તેના પાકીટમાંથી પીડિતોના ફોટા પણ મળ્યા હતા, જે તેણે ટ્રોફી તરીકે રાખ્યા હતા.

જેલના સળિયા પાછળ બેસીને બોનિને જે રીતે તેની ડાયરીઓ અને કબૂલાતનામાં રજૂ કર્યાં, તે મનોવિજ્ઞાનીઓ માટે પણ એક કોયડો હતો. તેણે 21થી વધુ હત્યાઓની કબૂલાત કરી, જેમાં તેણે દરેક શિકારના છેલ્લા શબ્દો, તેમની દયાની ભીખ અને તેમની વેદનાનું અત્યંત બારીકાઈથી વર્ણન કર્યું. તેની આ કબૂલાતથી આખા દેશમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. તેણે કબૂલ્યું કે કેટલીકવાર તેણે એક જ દિવસમાં બે હત્યાઓ કરી હતી. તેની કબૂલાતથી એ પણ બહાર આવ્યું કે તેણે કઈ રીતે તેના સાથીદારોને આ કૃત્યો માટે ઉશ્કેર્યા હતા અને કઈ રીતે તે સમાજમાં એક સામાન્ય નાગરિક તરીકે હળતો-મળતો હતો. સુનાવણી દરમિયાન જ્યારે કોર્ટમાં પુરાવા અને ઓડિયો ટેપ્સ રજૂ કરવામાં આવી, ત્યારે પ્રેક્ષકોમાં બેઠેલા પીડિતોનાં માતા-પિતાની ચિચિયારીઓથી કોર્ટરૂમ ગુંજી ઊઠ્યો હતો. બોનિનના વકીલોએ તેના અત્યંત શોષણયુક્ત બાળપણ, તેના પિતાના અત્યાચાર અને વિયેતનામ યુદ્ધના આઘાત(PTSD)નો બચાવ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જજ અને જ્યૂરીએ તેને પૂર્વ આયોજિત અને ઠંડા કલેજે કરેલાં નરપિશાચી કૃત્યો ગણાવ્યાં. તેને 14 હત્યાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યો અને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી.

કેલિફોર્નિયાના સેન ક્વેન્ટિન સ્ટેટ પ્રિઝનમાં બોનિને તેના જીવનનાં છેલ્લાં 14 વર્ષ વિતાવ્યા. આ ગાળામાં તેણે કાયદાકીય છટકબારીઓ શોધવાના ઘણા પ્રયત્નો કર્યા અને ઘણી બધી અપીલો પણ દાખલ કરી, પરંતુ ન્યાયનાં ચક્રો તેની સામે અટલ હતાં. 23 ફેબ્રુઆરી, 1996ની મધ્યરાત્રિએ જ્યારે આખા અમેરિકાની નજર આ કેસ પર હતી અને જેલની બહાર પ્રદર્શનકારીઓ ઊમટી પડ્યા હતા, ત્યારે બોનિનને ડેથ રોમાંથી એક્ઝિક્યુશન ચેમ્બરમાં લાવવામાં આવ્યો. કેલિફોર્નિયાના ઇતિહાસમાં ગેસ ચેમ્બરની જૂની પદ્ધતિને બદલે લીથલ ઇન્જેક્શન દ્વારા મૃત્યુદંડ આપવાની આ પ્રથમ ઘટના હતી. તેની છેલ્લી ક્ષણોમાં પણ તેણે સમાજની માફી માંગવાને બદલે એક અત્યંત ઉદ્ધત અને ડરામણો સંદેશ આપ્યો કે, "જો તમે હાઇવે પર એકલા જાવ છો, તો સાવચેત રહેજો'' તેના મૃત્યુ સાથે કેલિફોર્નિયાના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણનો અંત આવ્યો.