આર. વેંકટરમણ (1910-2009) ભારતના આઠમા રાષ્ટ્રપતિ હતા. 25/07/1987થી 25/7/1992ના તેમના કાર્યકાળ દરમિયાન લગભગ સાડા ત્રણ દાયકા પહેલાં 1991માં તેમણે તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખરને સંસદ અને રાજ્યોના વિધાનગૃહો સમક્ષના રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના અભિભાષણની પ્રથા બંધ કરવા ભલામણ કરી હતી. તેમના મતે આ પ્રથા બ્રિટિશકાળનો નકામી ઔપચારિકતાનો વારસો છે. આ વિચારનું તે સમયની તમિલનાડુ સરકારે પણ સમર્થન કર્યું હતું.
બંધારણના અનુચ્છેદ 87 અને 176 અનુસાર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને સરકારની નીતિ, યોજનાઓ અને સિદ્ધિઓ અંગે ભાષણ આપવાનું હોય છે એટલે વેંકટરમણની ભલામણ માટે બંધારણમાં સુધારો કરવો પડે. જોકે, આ ભલામણ માત્ર એક ભલામણ જ બની રહી અને તેનો આજ દિન સુધી અમલ થયો નથી. હા, આ વિચાર અંગે અવારનવાર ઊહાપોહ થતો રહે છે.
આ વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વેની સરકારના તમિલનાડુ વિધાનસભાના સત્રારંભે રાજ્યપાલ ઓ. રવિએ તેમનું ચૂંટાયેલી સરકારના મંત્રીમંડળે તૈયાર કરેલું ભાષણ વાંચવાનો ઈન્કાર કર્યો હતો. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી વિધાનસભામાં તો આવે છે, પરંતુ તેમનું ભાષણ રજૂ કરતા નથી. કેરળના રાજ્યપાલો ત્યાંની ડાબેરી સરકારની કેબિનેટે સ્વીકૃત કરેલા ભાષણમાં સુધારા કરતા હતા, જે કોઈ પણ રીતે સ્વીકાર્ય અને બંધારણીય નહોતા. 2026માં કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે કેરળ સરકારને કેન્દ્રની નીતિઓના કારણે કેવી નાણાકીય મુશ્કેલીઓ વેઠવી પડે છે તે ભાગ વાંચ્યો નહોતો. રાજ્યપાલનો આ વ્યવહાર ન માત્ર અનુચિત હતો રાજકીય પણ હતો. રાજ્યપાલોના આ પ્રકારના વર્તનથી રાજભવનો અને વિપક્ષી રાજ્ય સરકારો વચ્ચે ટકરામણો થાય છે અને આ બંધારણીય હોદ્દો ન માત્ર વગોવાય છે તેની પ્રસ્તુતતા સામે પ્રશ્નાર્થો ઊભા થાય છે.
રાજ્યપાલ બંધારણીય રીતે રાજ્યના વડા છે. તેમના નામે અને તેમની સહીથી રાજ્યનો વહીવટ થાય છે. આ પદ પરંપરા, ગરિમા અને કેન્દ્ર-રાજ્ય સંબંધોના સેતુનું પ્રતીક છે. સંવિધાનના આર્ટિકલ 157માં રાજ્યપાલના પદ માટે 35 વર્ષ કરતાં વધુ વય, ભારતના નાગરિક અને રાજ્ય વિધાનસભાના સભ્ય ચૂંટાવાની લાયકાત જેવી લાયકાતોની જોગવાઈ છે, પરંતુ આઝાદીના આરંભથી જ આ પદ રાજકીય સંન્યસ્ત કે નિવૃત્તિ લીધેલ રાજનેતાઓ, નિવૃત્ત અધિકારીઓ અને સરકારોના પ્રીતિપાત્ર લોકો માટે અનામત રહ્યું છે.
ગવર્નર બંધારણ મુજબ રાજ્યના પ્રધાનમંડળની સલાહ મુજબ કામ કરવા બંધાયેલા છે. તેમનું કર્તવ્ય છે કે તેઓ બંધારણીય મર્યાદાઓ સ્વીકારીને કામ કરે. તે બંધારણના પ્રહરી કે સંરક્ષકની ભૂમિકામાં છે. 1967 સુધી ભારતમાં એક પક્ષ પ્રભાવ પ્રથા જોવા મળતી હતી. આજની ભાષામાં કેન્દ્ર અને રાજ્યોમાં કોંગ્રેસની ડબલ એન્જિન સરકારો હતી. એટલે રાજ્ય સરકારો સાથે રાજ્યપાલો સુમેળથી કામ કરતા હતા અને કોઈ વિવાદ થતા નહોતા, પરંતુ 1967 પછી ઘણાં રાજ્યોમાં વિપક્ષી સરકારો ચૂંટાતાં રાજ્યપાલોએ તેમની બંધારણના પ્રહરીની ભૂમિકામાંથી કેન્દ્ર સરકારના કે કેન્દ્રના સત્તાપક્ષનાં હિતોના સંરક્ષકની ભૂમિકા ભજવવા માંડી હતી, જે આજ દિન સુધી અટકી નથી. કેન્દ્રમાં સત્તા પરિવર્તન થતાં કેટલાક અપવાદો સિવાય રાજ્યોમાં રાજ્યપાલો પણ બદલાય છે અને કેન્દ્ર તેના ગમતા માણસોને રાજ્યપાલ બનાવે છે, જે રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવા કામ લાગે છે.
જ્યારે કેન્દ્ર કે રાજ્યમાં ચૂંટણી પછી કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે ત્યારે બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલોની કોઈ ભૂમિકા રહેતી નથી અને તેઓ સ્પષ્ટ બહુમતી ધરાવતા પક્ષના નેતાને વડાપ્રધાન કે મુખ્યમંત્રી નિયુક્ત કરે છે, પરંતુ જ્યારે કોઈ એક પક્ષને બહુમતી ન મળે ત્યારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા કસોટી પર ચઢે છે. આ સ્થિતિમાં શું કરવું જોઈએ તે અંગે બંધારણ મૌન છે, પરંતુ અદાલતી ચુકાદાઓ અને પરંપરા પ્રમાણે તો સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવું જોઈએ. આ પક્ષ કે નેતા પાસે બહુમતી છે કે નહીં તે લોકસભા કે વિધાનસભામાં સ્પષ્ટ થવું જોઈએ. વડાપ્રધાન કે મુખ્યમંત્રીની બહુમતીની પરીક્ષા કરવાનું સ્થળ રાષ્ટ્રપતિભવન કે રાજભવન ન હોઈ શકે.
ત્રિશંકુ કે સ્પષ્ટ બહુમતીના અભાવમાં કેવો બંધારણીય વિવેક દર્શાવવાનો હોય તેનાં પણ ઉદાહરણો આપણે ત્યાં જોવા મળે છે. 1996માં ત્રિશંકુ લોકસભાની સ્થિતિમાં તત્કાલીન રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માએ સૌથી મોટા પક્ષના નેતા તરીકે બીજેપીના અટલ બિહારી વાજપેયીને સરકાર રચવા નિમંત્રણ આપ્યું હતું અને વડાપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા. વાજપેયી પાસે લોકસભામાં બહુમતી નહોતી ત્યારે બીજેપી નેત્રી (હવે દિવંગત) સુષ્મા સ્વરાજે લાળા ચાવ્યા હતા કે એકવાર સરકાર રચવાનું નિમંત્રણ મળવા દો પછી જુઓ સાંસદો ઉંદરની જેમ અમારી તરફેણમાં દોડ્યા આવશે, પરંતુ એમ થયું નહીં અને વાજપેયી સરકાર બહુમતી પુરવાર કરી શકી નહીં.
1998નાં ચૂંટણી પરિણામોમાં જ્યારે બીજેપી 272ના બહુમતી આંકથી દૂર રહી, પરંતુ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણે તેમના પુરોગામી કરતાં જુદી ભૂમિકા લીધી હતી. તેમણે 272 લોકસભા સભ્યોના સમર્થનપત્રો પછી જ સરકારની રચના કરી હતી. આ બે રાષ્ટ્રપતિઓની ભૂમિકા કે મોડલ અંગે રાજ્યોમાં થયેલા અમલ વિશે વિચારીએ તો શું જાણવા મળે છે? ઉત્તરપ્રદેશમાં જગદમ્બિકા પાલ, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને કર્ણાટકમાં યેદુરિપ્પાને બહુમતી ચકાસણી કે પક્ષની સંમતિ વિના સત્તાસ્થાને બેસાડવાના ગવર્નરના નિર્ણયનો ખરાબ અંજામ આવ્યો હતો. તેનાથી ધારાસભ્યોના ખરીદ-વેચાણને પ્રોત્સાહન મળી શકે છે. તમિલનાડુમાં એક્ટર વિજય જોસેફને બહુમતીમાં થોડી બેઠકો ખૂટતી હતી તો મુખ્યમંત્રી બનાવવામાં રાજ્યપાલે વિલંબ કર્યો અને સમર્થનપત્રો માંગ્યા તો રાજ્યપાલ પર ટીકાની ઝડીઓ વરસી હતી.
તમામ રાજ્યપાલો સત્તાપક્ષની ઈચ્છા મુજબ જ વર્તતા હોય ને નઠારા જ હોય તેવું પણ નથી. બહુ થોડા રાજ્યપાલો તેમની સત્તાની ઉપરવટ જઈને વર્ત્યા છે. વિપક્ષી રાજ્યોમાં વિધાનસભાએ પસાર કરેલા વિધેયકોની મંજૂરી પર રાજ્યપાલો અક્ષમ્ય વિલંબ કરે છે અને ચૂંટાયેલી સરકારોના કામમાં અડચણો નાંખે છે તે બરાબર, પરંતુ જ્યારે આ મુદ્દો સર્વોચ્ચ અદાલત સમક્ષ આવ્યો ત્યારે તેણે રાજ્યપાલોને ટપાર્યા જરૂર, પરંતુ કોર્ટ પોતાની સત્તામર્યાદામાં રહીને વિધેયકો મંજૂર કરવાની સમયમર્યાદા બાંધવાથી દૂર રહી હતી.
વિપક્ષોશાસિત રાજ્યોના ગવર્નરો જ્યારે સત્તાપક્ષશાસિત રાજ્યોના ગવર્નરો બને છે ત્યારે કેવા ડાહ્યાડમરા થઈ જાય છે તે પણ આપણે જોયું છે કે જોઈ રહ્યા છીએ. એટલે રાજ્યપાલોની ભૂમિકા સાવ જ બંધારણની મર્યાદામાં રહી છે તેવું નથી, તેઓ બંધારણીય વિવેકને બહાને મર્યાદાહીન પણ થયા છે. વેંકટરમણે રાજ્યપાલો પાસે રાજ્ય સરકારોના માઉથપીસ તરીકે કામ કરવા સિવાયનો કોઈ વિકલ્પ નથી એમ કહ્યું હતું. સરોજિની નાયડુએ રાજ્યપાલોને સોનાના પિંજરામાં કેદ પંખી સાથે સરખાવ્યા હતા. એટલે આ બે સિવાયની તેમની કોઈ ત્રીજી પસંદગી ન હોઈ શકે તે માનીને રાજ્યપાલો પરંપરા અને બંધારણને ધ્યાનમાં રાખે તો ગંગા નહાયા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
