મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને જીવનનાં ઊંડાં સત્યોનું ભાન કરાવે છે. તેમની વાતોમાં એક અનોખી સ્પષ્ટતા છે, જે મનુષ્યના અસ્તિત્વની નશ્વરતા અને કર્મની મહત્તાને ઉજાગર કરે છે.
ભીષ્મ, જેમણે પોતે રાજકીય સત્તા, પ્રતિષ્ઠા અને યશની ચરમસીમા જોઈ હતી, તેમ છતાં તેમની વાણીમાં એક નિર્લિપ્તતા જોવા મળે છે. આ નિર્લપ્તતા એ જ શીખવે છે કે લીડરને મળતાં માન, પદ, પ્રતિષ્ઠા, સત્તા, પૈસા કે ભૌતિક સુખો એ બધું બાહ્ય અને ઉપરછલ્લું છે. સાચું સત્ય તો એ છે કે લીડર પણ આખરે મનુષ્ય જ છે, જે માંદગી, દુઃખ, સ્વજનોનાં છળ કે વૃદ્ધત્વનો શિકાર એ જ રીતે થાય છે, જે રીતે સામાન્ય માણસ.
શાંતિપર્વમાં ભીષ્મ એક જગ્યાએ કહે છે કે જીવન એક નશ્વર યાત્રા છે અને આ યાત્રામાં બધું સત્તા, સંપત્તિ, યશ એક દિવસ ધૂળમાં મળી જાય છે. લીડર, જે પોતાની શક્તિ અને સ્થાનના ગર્વમાં ચૂર હોય, તે ઘણીવાર ભૂલી જાય છે કે આ બધું ક્ષણભંગુર છે. ભીષ્મ પોતે એક લીડર હતા, જેમણે હસ્તિનાપુરના સિંહાસનને નિયંત્રિત કર્યું, પરંતુ તેમણે ક્યારેય સત્તાને પોતાની ઓળખ ન બનાવી. તેમનું જીવન એ શીખવે છે કે લીડરે પોતાની સત્તા કે સમૃદ્ધિને ગંભીરતાથી ન લેવી જોઈએ, કારણ કે આ બધું એક માયાજાળ છે, જે ટકી રહેવાનું નથી.
લીડરનું જીવન બાહ્ય રીતે ચમકદાર લાગે છે. લોકો તેમની આસપાસ ભેગા થાય છે, તેમની વાતો સાંભળે છે, તેમનું સન્માન કરે છે, પરંતુ આ ચમકની પાછળ એક સત્ય રહેલું છે. લીડર પણ મનુષ્ય છે. તેને પણ શારીરિક અને માનસિક દુઃખ થાય છે. તે પણ નજીકના લોકોના વિશ્વાસઘાતનો ભોગ બને છે. મહાભારતમાં ભીષ્મ પોતે આવા અનુભવોમાંથી પસાર થયા હતા. તેમના સ્વજનો પાંડવો અને કૌરવો વચ્ચેના સંઘર્ષે તેમને અંદરથી તોડી નાખ્યા હતા. છતાં તેમણે પોતાની નિર્લિપ્તતા જાળવી રાખી. આ નિર્લિપ્તતા જ લીડરને શીખવે છે કે સત્તા કે સંપત્તિને હૃદયની નજીક ન રાખવી, કારણ કે તે એક દિવસ અચૂક છૂટી જશે.
ભીષ્મ શાંતિપર્વમાં એક બીજી મહત્ત્વની વાત કહે છે મનુષ્યનું સાચું સુખ બાહ્ય વસ્તુઓમાં નથી, પરંતુ આંતરિક શાંતિમાં છે. લીડરને ઘણીવાર એવું લાગે છે કે તેની સફળતા તેનાં પદ, પૈસા કે પ્રભાવમાં છે, પરંતુ આ બધું એક દિવસ ખતમ થઈ જાય છે. માંદગી આવે, વૃદ્ધત્વ આવે અને સૌથી મોટું સ્વજનોનું છળ કે વિશ્વાસઘાત આવે, ત્યારે આ બાહ્ય ચમક કોઈ કામની નથી રહેતી. ભીષ્મનું જીવન આનું જીવંત ઉદાહરણ છે. તેમણે પોતાના પરિવારના લોકોના ખોટા નિર્ણયો જોયા, તેમની વચ્ચે ઝઘડા જોયા અને આખરે યુદ્ધનો વિનાશ જોયો. છતાં તેમણે પોતાની સત્તાને ક્યારેય પોતાનું સર્વસ્વ ન ગણ્યું.
લીડરે આ બાહ્ય ચમકને ગંભીરતાથી ન લેવાનું શીખવું જોઈએ. શાંતિપર્વમાં ભીષ્મ એક સુંદર ઉપમા આપે છે જેમ નદીનું પાણી વહેતું રહે છે, તેમ જીવન પણ વહેતું રહે છે. નદીના કિનારે ઊભેલાં વૃક્ષો ભલે સુંદર દેખાતાં હોય, પરંતુ પાણીનો પ્રવાહ તેમને એક દિવસ ખેંચી લે છે. એ જ રીતે લીડરની સત્તા અને સમૃદ્ધિ પણ ક્ષણભંગુર છે. જો લીડર આ વાતને સમજી લે, તો તે પોતાના જીવનમાં નિર્લિપ્ત રહી શકે છે. આ નિર્લિપ્તતા જ તેને માંદગી, દુઃખ કે સ્વજનોના છળનો સામનો કરવાની શક્તિ આપે છે. આજના યુગમાં જ્યાં લીડરોને સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ મળે છે, જ્યાં તેમની એક વાતથી બજારો હલી શકે છે, ત્યાં આ બાહ્ય ચમકની લાલચ વધુ છે, પરંતુ આ ચમકની પાછળ એક ખાલીપો છે. લીડરને એ ખાલીપો ભરવા માટે પોતાની આંતરિક શક્તિ અને સમજણની જરૂર છે. ભીષ્મ શીખવે છે કે લીડરે હંમેશાં પોતાનું સ્વમૂલ્યાંકન કરવું જોઈએ. પોતાની ભૂલો, મર્યાદાઓ અને નબળાઈઓને સ્વીકારવી જોઈએ. આ સ્વમૂલ્યાંકન જ લીડરને એ બતાવે છે કે તેની સાચી શક્તિ સત્તા કે સંપત્તિમાં નથી, પરંતુ તેના આંતરિક સંતુલન અને ધીરજમાં છે.
લીડરે એ સમજવું જોઈએ કે તે પણ મનુષ્ય છે. મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મની આ વાત એક મહાન શીખ છે. જે લીડર પોતાની સત્તા કે સમૃદ્ધિને ગંભીરતાથી લે છે, તે ઘણીવાર દુઃખમાં ડૂબી જાય છે, પરંતુ જે લીડર આ બાહ્ય ચમકને એક નશ્વર ખેલ સમજે છે, તે જીવનનાં દુઃખો, માંદગીઓ અને વૃદ્ધત્વનો સામનો હિંમતથી કરી શકે છે. ભીષ્મની જેમ લીડરે પોતાની ઓળખને સત્તા કે પૈસામાં નહીં, પરંતુ પોતાનાં કર્મો અને આંતરિક શાંતિમાં શોધવી જોઈએ. આ જ રીતે લીડર ખરેખર મહાન બની શકે છે, નહીં તો બધું એક માયાજાળ જ રહેશે.