આયુર્વેદમાં વાળ સફેદ થઇ જવાની વિકૃતિને `પલિત' રોગ કહેવામાં આવે છે અને તેની પાછળ પિત્ત દોષની પ્રધાનતા કારણભૂત ગણવામાં આવે છે. આજકાલ યુવાવર્ગમાં વાળ સફેદ થઇ જવાની ફરિયાદ ખૂબ સાંભળવા મળે છે. બાળકોમાં પણ તેનું પ્રમાણ વધ્યું છે.
આયુર્વેદમાં સ્થાનભેદથી પિત્તના પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. આમાંથી `ભ્રાજક' નામનું પિત્ત ત્વચાની નીચે રહેલું હોય છે અને તેના બગડવાથી વાળ સફેદ થવા લાગે છે. ભ્રાજકનો અર્થ થાય છે, `પ્રકાશવું'. શરીરનો રંગ, આભા, કાંતિ, સ્નિગ્ધતા આ બધું ત્વચાની નીચે રહેલા ભ્રાજક પિત્તને આભારી છે.
આ ભ્રાજક પિત્ત હોવું જોઈએ તેના કરતાં વધી જાય, ત્યારે માત્ર માથાના જ નહીં, પરંતુ દાઢી મૂછના વાળ પણ અકાળે શ્વેત કરી નાખે છે. ત્વચામાં રહેલા આ ભ્રાજક પિત્તની વિકૃતિ ખારા, તીખા, ખાટા, ઉષ્ણ, તીક્ષ્ણ, સૂક્ષ્મ ગુણધર્મોવાળા કે બહારના આહારના સતત કે વધારે પડતા સેવનથી થાય છે.
નાની ઉંમરમાં વાળ સફેદ થઇ જવાનાં નાનાં મોટાં અનેક કારણો હોય છે, પરંતુ મોટાભાગના કેસમાં આ વિકૃતિ વારસાગત ચાલી આવતી જોવા મળે છે. હાલના સમયમાં જોવા મળતું એક નવું કારણ છે રાત્રિ જાગરણ અથવા ઉજાગરા. રાત્રે મોડે સુધી જાગવાથી અને દિવસે મોડે સુધી સૂઈ રહેવાથી વાળ ખરે છે અને અકાળે સફેદ થાય છે. દારૂ, સિગારેટ, તમાકુ વગેરે વ્યસન પણ એટલાં જ મોટાં જોખમો છે.
ઉપચાર
ક્રોધ, ભય, શોક વગેરે માનસિક કારણો તથા અયોગ્ય આહારના સેવનથી બગડેલું ભ્રાજક પિત્ત અન્ય દોષોને પણ બગાડી શકે છે. આ માટે સૌપ્રથમ જે દોષની વૃદ્ધિ થઇ હોય તે દોષને શાંત કરવા માટે યોગ્ય ઔષધ ચિકિત્સા ગોઠવવી જોઈએ.
જો વાળ સફેદ થવાની શરૂઆત કોઈ બીજા રોગની ઉત્પત્તિને લીધે થઇ હોય, તો મૂળ રોગની ચિકિત્સા પહેલાં કરવી જોઈએ. પ્રતિશ્યાય એટલે કે જેમને વારંવાર શરદી થયા કરતી હોય, એવા દર્દીઓમાં પણ વાળ સફેદ થઇ જવાની શક્યતા વધારે રહે છે. આવા દર્દીઓને લક્ષ્મીવિલાસ રસ, વર્ધમાન પીપ્પલી પ્રયોગ, ષડબિંદુ તેલ, ચ્યવનપ્રાશ વગેરે ઔષધ દ્વારા પ્રથમ શરદી મટાડવી જોઈએ.
શીર્ષાસન કરવાથી વાળના મૂળમાં ઝડપથી લોહી પહોંચે છે. નેત્રજ્યોતિ વધે છે તથા વાળની વિકૃતિઓ દૂર થાય છે. ભય, શોક, ચિંતા, ક્રોધ વગેરે માનસિક વિકૃતિઓ દૂર કરી, અયોગ્ય આહારનો ત્યાગ કરવો જોઈએ.
જામફળના તેલમાં આમળાંનું ચૂર્ણ નાંખી રોજ માલિશ કરવામાં આવે તો સફેદ વાળ ધીમે ધીમે કાળા થાય છે. એવી જ રીતે ભૃંગરાજ તેલ નિયમિત માથામાં નાંખવાથી વાળ સફેદ થવાની પ્રક્રિયા અવરોધાય છે.
નિલપત્ર, ભાંગરો, લોહચૂર્ણ, ત્રિફળા, અર્જુનછાલ, મોથ, રતાંજળી વગેરે ઔષધો સરખા વજને લઇ લોખંડના પાત્રની અંદરની બાજુએ લેપ કરવો. 15 દિવસ પછી તેમાં ભાંગરો અને ત્રિફળાનો ઉકાળો નાંખવો. આ બધાં ઔષધોથી બમણું તલનું તેલ નાંખી ધીમા તાપે તેલ સિદ્ધ કરવું. આ તેલના નિયમિત માલિશથી સફેદ વાળ કાળા થવા લાગે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો