વર-વહુ વચ્ચેનો સંબંધ આમ પણ કથળી ચૂક્યો હતો. એમાં વળી એમના જીવનમાં એક રસિક-રંગીન જુવાનિયાનો પ્રવેશ થયો. પત્ની અને જુવાન વચ્ચે સંગીતપ્રેમનો નાનકડો સેતુ રચાયો. આમ તો વાત સંગીતની જ હતી અને ખેલ પણ થોડા દિવસનો જ હતો, કારણ કે વિદેશથી આવેલો જુવાન ફરી વિદેશ જતો રહેવાનો હતો અને વાત પૂરી થઈ જવાની હતી, પરંતુ પતિ કામસર બહારગામ ગયો એ દરમિયાન જુવાન પતિના ઘરે જઈને પત્નીને મળ્યો. પત્નીએ પોતે આ વાતની જાણ પતિને કરી અને એવી હિન્ટ આપી કે એણે (પત્નીએ) જુવાનને બહુ ભાવ નહોતો આપ્યો. છતાં પતિના મનમાં શંકાનો કીડો એવો સળવળ્યો કે એ કામ અધૂરું છોડીને અચાનક ઘરે પાછો ફર્યો. એ વખતે રાત થઈ ચૂકી હતી. પત્નીને નહોતી ખબર કે પતિ આવી રીતે અચાનક પાછો ફરશે. ઘરમાં પ્રવેશતાં જ પતિએ જોયું કે ટૂફસ્કી(જુવાન)નો કોટ સ્ટેન્ડ પર ટીંગાયેલો હતો. આગળની વાત પતિના શબ્દોમાં (એ ટ્રેનમાં અજાણ્યા સહયાત્રીને આખી ખૂનકથા કહી રહ્યો છે)...
મેં ટૂફસ્કીનો ઓવરકોટ ટીંગાયેલો જોયો. મને જરાય નવાઈ ન લાગી. ત્યાં એ ઓવરકોટ હશે એની મને ધારણા હતી જ. મેં ગ્રેગરને પૂછ્યું, `કોણ આવ્યું છે?' એણે કહ્યું, `ટૂફસ્કી.'
`બીજું કોઈ છે?'
`ના, બીજું કોઈ નથી.'
`છોકરાંવ?'
`છોકરાંવ સૂઈ ગયા છે.'
મને ખાતરી થઈ ગઈ કે હું જે ધારતો હતો (કે જુવાન અને મારી પત્ની વચ્ચે દેહસંબંધ બંધાયો હશે) એ સાચું જ હતું. મને રડવાનું મન થયું, પણ અંદરથી અવાજ આવ્યોઃ `લાગણીવેડાથી દૂર રહે. જો તું વાર લગાડીશ કે એમને તારા આગમનની જાણ થઈ જશે તો એ અલગ થઈ જશે. પછી પુરાવો નહીં મળે.'
આ વિચાર સાથે જ દયા ગાયબ થઈ ગઈ. હવે મારી અંદર માત્ર ક્રોધ અને કશુંક કરી છૂટવાની તીવ્ર ઈચ્છા બચી હતી. મારું જડબું ધ્રૂજવા લાગ્યું. મને શ્વાસ લેવામાં થોડી મુશ્કેલી પડી રહી હતી.
મેં ગ્રેગરને ધીમા સાદે કહ્યું, `તું એક કામ. સ્ટેશને જા. મારો સામાન લાવવાનો છે.'
મેં ગ્રેગરને પૈસા આપ્યા. ગ્રેગર એનો ઓવરકોટ લેવા એની ઓરડી તરફ ગયો. હું એની પાછળ-પાછળ ગયો. ડાઈનિંગ રૂમમાંથી વાતો કરવાના અને છરી-કાંટાના અવાજો આવી રહ્યા હતા. એ બંને (પત્ની અને ટૂફસ્કી) જમી રહ્યાં હતાં. ગ્રેગર ઓવરકોટ પહેરીને નીકળ્યો. મેં દરવાજો અંદરથી બંધ કર્યો.
મને લાગ્યું કે હવે મારે કંઈક કરવું પડશે, પણ શું કરવું એ મને સમજાઈ નહોતું રહ્યું. મને એટલું સમજાતું હતું કે હવે બધું જ પૂરું થઈ ચૂક્યું હતું. અગાઉ મને મારી શંકા સાચી હોવા વિશે થોડીક પણ શંકા હતી, પણ હવે બધું જ સ્પષ્ટ હતું. મારી પત્ની રાતના સમયે એક કમરામાં પરાયા પુરુષ સાથે હતી. એણે બેવફાઈ કરી હતી. મને હવે એક જ વાતનો ડર હતો કે હું જ્યારે ડાઈનિંગ રૂમમાં પ્રવેશું ત્યારે એ બંને ક્યાંક અલગ અલગ દિશામાં ભાગી ન જાય. એ ભાગી જાય તો મારી પાસે પુરાવો ન રહે અને એ બંનેને સજા કરવાની મને તક ન મળે.
સીધેસીધા ડાઈનિંગ રૂમ તરફ જવાને બદલે હું સાઈડમાંથી, બાળકોના કમરામાંથી પસાર થઈને બિલ્લીપગે આગળ વધ્યો. પહેલી રૂમમાં મારો દીકરો સૂતો હતો. બીજી રૂમમાંથી હું પસાર થયો ત્યારે આયા સહેજ સળવળી. પછી હોલમાં પહોંચીને હું સોફા પર બેસી પડ્યો. મને મારી જાત પર ભારે દયા ઊપજી. હું એક સજ્જન. મારાં મા-બાપનો દીકરો. આખી જિંદગી જેણે પારિવારિક સુખની ઝંખના કરેલી. જેણે પત્ની સાથે ક્યારેય બેવફાઈ નહોતી કરી. મારી પત્ની એક જુવાનિયાની બાંહોમાં, કારણ કે એ જુવાનના હોઠ લાલ છે. મારી પત્ની સ્ત્રી નથી, કૂતરી છે. શક્ય છે કે એ પહેલેથી આવી જ હોય. શક્ય છે કે મારાં છોકરાં પણ મારાં ન હોય, નોકરોનાં હોય. હવે નોકર શું કહેશે? આયા શું કહેશે? અને મારી મોટી દીકરી? એ પણ હવે ઘણું બધું સમજતી હતી અને હું... હું બરાબર સમજતો હતો જાનવર જેવી વાસનાને.
હું સોફામાંથી ઊભો થવા ગયો, પણ ઊભો ન થઈ શક્યો. મારું હૃદય એટલા જોરથી ધડકતું હતું કે મને લાગ્યું કે હું હાર્ટએટેકથી મરી જઈશ. હું મરી જાઉં. એ જ તો ઇચ્છે છે મારી પત્ની અને પેલો ટૂફસ્કી પણ રાજી થાય. હું અહીં બેઠો છું અને એ બેય હસી રહ્યાં છે. મારી પત્ની હવે કોઈ કાચીકુંવારી કન્યા નથી, છતાં એનો દેહ આકર્ષક તો છે જ. મેં ત્યારે જ એનું ગળું કેમ ન ઘોંટી દીધું?
મને ગયા અઠવાડિયાનો એ પ્રસંગ યાદ આવી ગયો, જ્યારે મેં ગુસ્સાથી પેપરવેઈટ ફેંકીને અને કેન્ડલસ્ટેન્ડ પછાડીને પત્નીને મારી રૂમમાંથી કાઢી મૂકી હતી. એ વખતે અનુભવેલો ગાંડો રોષ યાદ આવતાંની સાથે જ એ રોષે મારા પર કબજો જમાવ્યો અને કંઈક કરી છૂટવાની ઇચ્છા એટલી તીવ્ર બની કે એમાં સમજદારીને કોઈ સ્થાન નહોતું. હું જાનવર બની ગયો.
પહેલાં તો મેં મારા બૂટ કાઢ્યા, જેથી મારા ચાલવાનો અવાજ ન આવે. સોફા પાછળની દીવાલે લટકાવેલાં શસ્ત્રોમાંથી મેં એક કટાર ઉતારી. અગાઉ મેં ક્યારેય એનો ઉપયોગ નહોતો કર્યો. એ એકદમ ધારદાર કટાર હતી. એના પરનું ચામડાનું કવર કાઢીને મેં બાજુ પર ફેંક્યું. મને એવો પણ વિચાર આવ્યો કે આ કવર બહુ સુંદર છે, એ ખોવાઈ ન જવું જોઈએ, (કામ પત્યા પછી) હું એને શોધી લઈશ.
મેં મારો ઓવરકોટ ઉતાર્યો. છેક ત્યાં સુધી મેં ઓવરકોટ પહેરી જ રાખેલો.
પછી હું કઈ રીતે ડાઈનિંગ રૂમ સુધી પહોંચ્યો. ચાલીને ગયો કે ઉતાવળે પગલે દોડીને ગયો.
કઈ રીતે મેં ડાઈનિંગ રૂમનું બારણું ખોલ્યું એમાંનું કશું મને યાદ નથી.
મને યાદ છે એ બંનેના ચહેરા, જ્યારે હું બારણું ખોલીને ડાઈનિંગ રૂમમાં પ્રવેશ્યો.
બંનેના ચહેરા પર ડર હતો. આ જ... આ જ ડર હું એમની આંખોમાં જોવા માગતો હતો. મને ગમ્યું. ટૂફસ્કી ટેબલ પાસે બેઠો હતો. એ સટાક કરતો ઊભો થઈને બે ડગલાં પાછો હટી ગયો. એની આંખોમાં તો માત્ર ડર જ હતો, પરંતુ મારી પત્નીની આંખોમાં ડર ઉપરાંત પણ કેટલીક લાગણીઓ ડોકાઈ. પત્નીની આંખોમાં માત્ર ડર જ હોત તો એ ન બન્યું હોત જે બન્યું (ખૂન ન થયું હોત), પરંતુ પત્નીની આંખોમાં ડર ઉપરાંત અણગમો અને ચીડ પણ હતાં. એની પ્રેમની અને સુખની પળોમાં ખલેલ પહોંચી એનો જાણે એને વાંધો હોય એવા ભાવ મને એ આંખોમાં દેખાયા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો