પતિએ પત્નીના પેટમાં ઊંડે સુધી કટાર ભોંકી દીધી. પછી એનું મગજ બહેર મારી ગયું. એ પોતાના કમરામાં આવીને મગજની સુન્નતાને કારણે ઊંઘી ગયો. બેએક કલાકે સાળીએ દરવાજે ટકોરા મારીને એને જગાડ્યો. આગળની વાત ખુદ ખૂનીના શબ્દોમાં.
સાળીએ સલાહ આપીઃ ‘તમે પત્નીને મળો...’
‘પત્ની પાસે જવાનું?’ મેં મારી જાતને પૂછ્યું અને મને તરત અંદરથી જવાબ મળ્યો કે મારે પત્નીને મળવું જ જોઈએ, કારણ કે સામાન્ય રીતે આવું જ કરવામાં આવતું હોય છે. મારી જેમ પત્નીને મારી નાખનાર પતિ પછી પત્ની પાસે જાય જ. માટે મારેય જવું જોઈએ.’
‘એ જ યોગ્ય હોય તો મારે એ જ કરવું જોઈએ,’ મેં ફરી મારી જાતને કહ્યું, ‘અને પછી પણ મારી પાસે સમય તો રહેશે જ.’ સમય શેનો? આપઘાત કરવાનો. મારા મનમાં હજુ પણ જાતે જ પોતાનું ભેજું ઉડાવી દેવાનો ઇરાદો સળવળતો હતો.
‘આવું, એક મિનિટ, મેં સાળીને કહ્યું, હું જરા સ્લીપર્સ પહેરી લઉં. ઉઘાડા પગે આવવું સારું નહીં લાગે.’
હું મારા સ્ટડી રૂમમાંથી નીકળીને હૉલમાંથી પસાર થયો ત્યારે બાજુમાં મેં મારા પરિચિત કમરાઓ જોયા ત્યારે પળવાર માટે મારા મનમાં એવી આશા પ્રગટી કે કંઈ જ નથી થયું, ચિંતા કરવાની જરૂર નથી, પણ પછી દવાઓ, આયોડોફોર્મ અને ફેનિક એસિડની ગંધે મારી આશાને ઠારીને મને સચ્ચાઈની યાદ અપાવીઃ ‘(ન થવા જેવું) બધું જ થઈ ચૂક્યું છે.’
બાળકોના કમરા પાસેથી પસાર થતી વખતે મેં જોયું કે દીકરી લાઈસ મને અત્યંત ડરેલી આંખે જોઈ રહી હતી. મને લાગ્યું કે બધાં જ સંતાનો મને તાકી રહ્યાં હતાં.
બૅડરૂમમાં પ્રવેશતાં જ મેં ખુરશી પર મુકાયેલો પત્નીનો આછો રાખોડી ડ્રેસ જોયો. એ લોહીથી લાલ-લાલ થઈ ચૂક્યો હતો. પલંગ પર પત્ની સૂતી હતી. પીઠ-ડોક પાછળ એકથી વધુ તકિયા મૂકીને એના શરીરનો ઉપરનો ભાગ ઊંચો રાખવામાં આવેલો. એનું ગાઉન ઉપરથી અધખુલ્લું હતું. જખમ પર પાટો હતો. આખા કમરામાં આયોડોફોર્મની તીવ્ર ગંધ હતી. સૌથી પહેલું મારું ધ્યાન ખેંચાયું એના ચહેરા પર. એણે મને (ભાગી રહેલા ટૂફસ્કીનો) પીછો કરતો રોકવાની કોશિશ કરેલી ત્યારે મેં કોણી વડે કરેલા પ્રહારને લીધે એની આંખ નીચેનો ભાગ સૂઝી ગયો હતો. એનો ચહેરો એકદમ વરવો લાગી રહ્યો હતો. હું ઉંબરામાં જ થંભી ગયો.
‘જાવ... જાવ... એને મળો.’ સાળીએ કહ્યું.
‘હા, કદાચ એને પસ્તાવો થઈ રહ્યો હશે,’ મેં વિચાર્યું, ‘શું મારે એને માફ કરી દેવી જોઈએ? હા, હા... એ મરી રહી છે. મારે એને માફ કરવી જ જોઈએ.’
હું પલંગ પાસે ગયો. મહામુશ્કેલીએ એણે આંખો ખોલી. બેમાંની એક આંખ સૂઝેલી હતી. એ ખચકાતાં-ખચકાતાં બોલીઃ ‘આ જ ઇચ્છા હતી તમારી... મને મારી નાખવાની... તમે ઇચ્છા પૂરી કરી... મને મારી નાખી.’
અને ભયંકર પીડા છતાં, મોત ઢૂંકડું હોવા છતાં એની આંખોમાં મને એ જ જૂનો ધિક્કાર જોવા મળ્યો, જેનાથી હું એકદમ પરિચિત હતો.
‘છોકરાંવ... હું નહીં આપું તમને... મારી બહેન બાળકોને લઈ જશે.’
એ મારો વાંક કાઢી રહી હતી, છોકરાંવની વાત કરી રહી હતી, પરંતુ મારે મન જે વાત મહત્ત્વની હતી એ વિશે, એની બેવફાઈ વિશે, એને એક પણ શબ્દ બોલવાનું જરૂરી નહોતું લાગી રહ્યું.
‘તમે જે કર્યું એની મજા માણો હવે...’ આટલું કહેતાં એ હીબકાં ભરવા લાગી.
બારણામાં મારી સાળી છોકરાંવ સાથે ઊભી હતી. એમને ચીંધીને પત્ની બોલીઃ ‘જુઓ... જુઓ... શું કરી નાખ્યું તમે!’
મેં બાળકો સામે જોયું. પછી પત્નીને સૂઝેલા ચહેરા સામે જોયું. અને પહેલી વાર, પહેલી વાર હું મારી જાતને, મારા અભિમાનને અને આબરુને ભૂલીને મારી પત્નીને એક સ્ત્રી તરીકે, એક મનુષ્ય તરીકે, માતા કે બહેન તરીકે જોઈ શક્યો.
એ સાથે જ, પળવાર પહેલાં મને જે બહુ જ મહત્ત્વનું લાગતું હતું - મારી ઇર્ષ્યા ને એ બધું - એ મને સાવ ક્ષુલ્લક લાગ્યું અને મેં જે કરી નાખ્યું તે એટલું મહત્ત્વનું લાગ્યું કે મને ઘૂંટણિયે બેસીને એવું કહેવાની ઇચ્છા થઈ આવી કે મને માફ કરી દે.
પણ મારી હિંમત ન થઈ. એ ચૂપ રહી. એનાં પોપચાં ઢળ્યાં. એવું લાગી રહ્યું હતું કે ઝાઝું બોલવાની હવે એનામાં શક્તિ નહોતી રહી. એનો કદરૂપો થઈ ગયેલો ચહેરો ધ્રૂજ્યો. એણે મને સાવ હળવેકથી દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો.
‘આ બધું શા માટે? શું કામ?’
‘માફ કરી દે મને.’
‘હા, જો તમે મને મારી ન નાખી હોત તો...’ અચાનક એની આંખો ઝબકી ઊઠીઃ ‘તો... માફી કોઈ મોટી વાત છે જ નહીં. જો હું જીવતી રહું તો... ઓહ, તમારી ઇચ્છા તમે છેવટે પૂરી કરી જ લીધી. હું... હું ધિક્કારું છું તમને.’
પછી એ લવારી કરવા લાગી. એ અત્યંત ડરેલી હતી. એ સહેજ મોટેથી બોલીઃ ‘આગ... મને ડર નથી... બધાને મારો... એ જતો રહ્યો... એ જતો રહ્યો...’
એની લવારી ચાલતી રહી. હવે તો એ બાળકોને પણ નહોતી ઓળખી રહી. એની નજીક ગયેલી નાની દીકરી લાઈસને પણ એ ન ઓળખી શકી. બપોરે એ ગુજરી ગઈ. એના મૃત્યુ પહેલાં જ, સવારે આઠેક વાગ્યે મારી ધરપકડ થઈ. પહેલાં મને પોલીસ સ્ટેશન લઈ ગયા. પછી કેસના ચુકાદાની રાહ જોતાં જે અગિયાર મહિના મેં જેલમાં ગાળ્યા એ દરમિયાન મેં મારી જાત વિશે, ભૂતકાળ વિશે બહુ વિચાર્યું. અને મને આખી વાત સમજાઈ. એ સમજણની શરૂઆત થઈ (ખૂનના) ત્રીજા દિવસથી... ત્રીજા દિવસે મને જેલથી મારા ઘરે લઈ જવામાં આવ્યો.
આટલું કહેતાં પોઝ્નીશેફ (ટ્રેનમાં એક અજાણ્યા સહયાત્રીને આખી વાત કહી રહેલો ખૂની) અટક્યો. એ હજુ કશુંક કહેવા માગતો હતો, પણ એના ગળે ડૂમો બાઝી ગયો હતો. થોડી મિનિટો બાદ સહેજ સ્વસ્થ થઈને એણે વાત આગળ વધારી.
(ત્રીજા દિવસે મને ઘરે લઈ જવાયો ત્યારે) મેં પત્નીનો મૃત ચહેરો જોયો... ત્યારે... છેક ત્યારે મને સમજાયું કે મેં શું કરી નાખ્યું... ત્યારે મને સમજાયું કે એ હું હતો, હું, જેણે એને મારી નાખી. મને સમજાયું કે જે એક હરતીફરતી, જીવતી, ધબકતી વ્યક્તિ હતી એ હવે સ્થિર અને ઠંડી થઈ ચૂકી છે, મારે લીધે... અને હવે આમાં કશું થઈ શકે તેમ નથી. આ બધું જેણે જાતે અનુભવ્યું હોય એ જ સમજી શકે...
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
