લંડનમાં ઈ. સ. 1666માં પ્લેગ ફેલાયો અને આઇઝેક ન્યૂટનને પોતાનો અભ્યાસ છોડી પોતાને ગામ જવાની ફરજ પડી. ત્યાં ખેતરમાં સફરજનના ઝાડ નીચે બેઠાં બેઠાં ઉપરથી પડતું સફરજન જોઈને તેમને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનો પહેલો ખ્યાલ આવ્યો. પૃથ્વીને સૂર્ય આસપાસ અને ચંદ્રને પૃથ્વીની આસપાસ સતત ફરતા રાખતું પ્રેરકબળ ગુરુત્વાકર્ષણ છે. પાકી કેરી આંબા પરથી નીચે પડે કે અકસ્માતથી વિમાન જમીન પર પટકાય એ પણ ગુરુત્વાકર્ષણને લીધે જ બને છે. ગુરુત્વાકર્ષણનું બળ અને તેને કારણે થતી નૈસર્ગિક પરિઘટનાઓ વિશેની મુખ્ય જાણકારી ત્રણ વૈજ્ઞાનિકોએ આપેલી છે : ગૅલિલિયો, ન્યૂટન અને આઇન્સ્ટાઇન. જેમાં પણ ન્યૂટનને વધુ શ્રેય આપવામાં આવે છે. કોઈને પૂછો, "ગુરુત્વાકર્ષણ કોણે શોધ્યું?" તો જવાબ મળશે તે છે સર આઇઝેક ન્યૂટન.
પણ થોડાં (લગભગ 6) વર્ષો પહેલાં ઇન્ટરનેટ પર આ અંગે હોબાળો મચી ગયો હતો કે આઇઝેક ન્યૂટન ગુરુત્વાકર્ષણની શોધ કરનાર નથી, ન્યૂટનને ખોટું શ્રેય આપવામાં આવે છે. વળી, આ દાવા સાથે માન્ચેસ્ટર યુનિવર્સિટીને સાંકળી લેવામાં આવી કે માન્ચેસ્ટર યુનિવર્સિટીએ પુષ્ટિ આપી છે ગુરુત્વાકર્ષણની શોધ કરનાર ન્યૂટન નથી. તો પછી શ્રેયના સાચા હકદાર કોણ? આ વિવાદ આટલાં વર્ષો પછી ઊભો જ કેવી રીતે થયો?
આ સંદર્ભમાં દલીલ થાય છે કે બીજી સદી બીસીઇમાં વૈશેષિક શાળાના ઋષિ કણાદ/કણદ દ્વારા લખવામાં આવ્યું હતું, તે વૈશેષિકસૂત્ર ગુરુત્વાકર્ષણ બળનું વર્ણન કરે છે, આ પાછળ જવાબદાર છે ડૉ. જ્યોર્જ ઘેવરગીસ જોસેફ, જેમણે સમજાવ્યું કે આ હકીકત ઘણા લોકો માટે અજાણ હતી, કારણ કે યુરોપિયન વિદ્વાનોએ બિન-યુરોપિયનોના વિચારો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જે અન્ય ભાષાઓમાં પ્રકાશિત થયા હતા, એટલે કે મલયાલમ અને સંસ્કૃત, જે મોટાભાગના લોકો જાણતા નહોતા. એ પણ સમજાવે છે કે આ વિચારો ન્યૂટન સુધી કેવી રીતે પહોંચ્યા. કેરળ સ્કૂલના આ ભારતીયોએ તેમનું જ્ઞાન ઉચ્ચ શિક્ષિત ખ્રિસ્તી મિશનરીઓને આપ્યું, જેઓ આ સમય દરમિયાન દેશની મુલાકાત લેતા હતા, જે ઘણા લોકો દલીલ કરે છે કે કદાચ ન્યૂટનને મળ્યું હશે.
આ ઉપરાંત એક તથ્ય એ પણ છે કે `ગ્રેવિટી' શબ્દ લેટિન શબ્દ `ગ્રેવિટાસ' પરથી આવ્યો છે, જેનો અર્થ `વજન' અથવા જમીન તરફ પડવાની વૃત્તિ થાય છે અને `ગ્રેવિટી' શબ્દ ન્યૂટનના જન્મના લગભગ 100 વર્ષ પહેલાં સંપૂર્ણપણે અંગ્રેજીમાં સ્થાનાંતરિત થઈ ગયો હતો.
કદાચ આ ફિલસૂફી અને વિજ્ઞાન વચ્ચેનો તફાવત છે, ભલે શબ્દસહ બિલકુલ એકસરખા ન હોય. આ હકીકત તરફ નિર્દેશ કરે છે કે પ્રાચીન ભારતીય ફિલસૂફો કદાચ યોગ્ય દિશામાં વિચારી રહ્યા હશે. ઋષિ કણાદના પ્રયાસોની પ્રશંસા કરવા યોગ્ય છે. વિદ્વાન ઋષિઓ દ્વારા લખાયેલા આપણા જૂના ગ્રંથો ખરેખર વૈજ્ઞાનિક તથ્યોથી ભરેલા છે. આપણને, ભારતીયોને ઘણા લાંબા સમયથી અવગણવામાં આવ્યા છે, આપણે જ આપણને અવગણ્યા છે. આપણે ભારતીયો આપણા ગ્રંથોથી અજાણ હોવાથી કે અજ્ઞાનને કારણે અન્યોને ખોટી રીતે શ્રેય આપીએ છીએ?
જેમ ભગવદ્ગીતા અને ચાણક્યના નામે કંઈ પણ ધકેલવામાં આવે છે તેમજ આ વિવાદના સમર્થનમાં કણાદના વૈશેષિકસૂત્રમાં હતા કે નહીં, તે જાણ્યા વગર કેટલાંક સૂત્રો ટાંકવામાં આવે છે. વાસ્તવમાં યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે કે, `ન્યૂટન ગુરુત્વાકર્ષણ માટે જવાબદાર નથી' તે દાવો જ ખોટો છે. યુનિવર્સિટીના એક સમાચાર લેખમાં ચર્ચા કરવામાં આવી હતી કે કેવી રીતે 14મી સદીની ભારતીય ગાણિતિક શાળાએ ન્યૂટનના કૅલ્ક્યુલસ (કલનશાસ્ત્ર) પરના કાર્ય કરતાં 250 વર્ષ પહેલાં કામ કર્યું હતું, ગુરુત્વાકર્ષણ પર નહીં. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતોને પાછળથી આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંત દ્વારા બદલવામાં આવ્યા હતા. તેમ છતાં તેમને 17મી સદીમાં ગતિ અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમો ઘડવાનું શ્રેય ન્યૂટનને આપવામાં આવે છે અને ડૉ. જ્યોર્જ ઘેવરગીસ જોસેફ પણ આ જ સંદર્ભમાં જણાવે છે. દે ધનાધન બીજું શું?