ભારતભરમાં સમયાંતરે હજી પણ ઘણા જિલ્લાઓમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ખોદકામ કરતી વખતે કોઇ ને કોઇ પુરાતત્ત્વીય વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત્ છે. ગત જુલાઈ માસમાં જ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં હરચંદપુર વિસ્તારના એક ગામમાં જમીન ધસી પડવાથી એક મોટી રહસ્યમયી પ્રાચીન સુરંગ મળી હતી. જેમાં પ્રાચીન ઈંટો, ધૂપદાની અને અન્ય વસ્તુઓ પણ મળી હતી. હૈદરાબાદના ગોલકુંડા વિસ્તારમાં પણ ઐતિહાસિક સુરંગ મળી હતી. હવે ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં જ જનપદ અમેઠીના એક ઘરમાંથી રહસ્યમયી ધાતુના ગોળા મળી આવ્યા છે. જ્યારે ઘરના લોકો પાણીની ટાંકી માટે ઊંડે સુધી ખોદકામ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક ખોદેલા ખાડામાંથી કુલ 29 ગોળા મળ્યા હતા. આ ધાતુના ગોળાઓ કોના હશે અને કયા કામ માટે વપરાતા હશે તે વિશે વિશેષ શોધખોળ ચાલુ છે અને તે માટે પુરાતત્ત્વ વિભાગ સક્રિય પણ બન્યું છે. આ વિસ્તારમાં અન્ય જગ્યાએ પણ ઊંડાણ સુધી ખોદકામ કરતાં અન્ય કોઇ પ્રાચીન વસ્તુઓ મળવાની સંભાવનાઓ પણ જણાઇ રહી છે. હાલમાં આ ધાતુઓના ગોળાને પુરાતત્ત્વ વિભાગે પોતાના હસ્તક લઇ લીધા છે અને તેના વિશે વધુ તપાસ હાથ ધરી છે.
ઝેરનું મારણ લાફો પણ હોઈ શકે!
એક રિસર્ચ પ્રમાણે મોટાભાગના બિનઝેરી સાપ પણ જો કોઇને કરડે છે તો તે વ્યક્તિ તેને ઝેરી સાપ સમજીને જ ડરનો માર્યો મરી જાય છે અથવા તો બેભાન થઇ જાય છે. અલબત્ત, જો તમને કોઇ સાપ કરડે છે તો તકેદારીનાં પગલાં લેવાં જરૂરી બને છે, જેથી સાપના ડંખથી વ્યક્તિ મૃત્યુ પામતો નથી. ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લાના ખેતરમાં એક વ્યક્તિ જ્યારે ઘાસના પૂરા ઉપાડી રહ્યો હોય છે ત્યારે અચાનક એક ઝેરી સાપ તેને ડંખ મારી દે છે અને તે જોરથી ચીસ પાડે છે. ચીસ સાંભળીને પરિસ્થિતિ પામીને તેનો ભાઇ એમ્બ્યુલન્સને કોલ કરે છે. હોસ્પિટલ પહોંચતાં જ ડોક્ટર દર્દીના ભાઈને દર્દી સૂઇ ન જાય તે માટે ચેતવે છે, તેથી તેનો ભાઈ દર્દીને દર બીજી ત્રીજી સેકન્ડે પાણીના ભારે છંટકાવ અને થપ્પડ મારે છે. અંદાજિત બે કલાકમાં દર્દીને 150 જેટલી થપ્પડ મારવામાં આવે છે. આ દરમિયાન કુલ 15 એન્ટિ-વેનમ ડોઝ પણ તેને આપવામાં આવ્યા હતા. જો દર્દીને આવી હાલતમાં ઊંઘ આવી જાય છે તો તેને જાનથી બચાવવો મુશ્કેલ થઇ પડે છે, તેથી ડોક્ટરની સમયસૂચકતા અને 150 થપ્પડે દર્દીનો જાન બચાવી લીધો હતો.
અહીં દંતપરીને ખજાનો હાથ લાગશે
પશ્ચિમના દેશોની એક લોકકથામાં દંતપરી નામની એક જાદુઈ પરી જોવા મળે છે. આ દંતપરી બાળકોના તૂટેલા દાંત લઇ જાય છે અને તેના બદલે ગિફ્ટ કે પૈસા આપે છે. જોકે, તૂટેલા દાંતને જે તે બાળકે ઓશિકા નીચે મૂકવાનો હોય છે અને દંતપરી તે દાંતની જગ્યાએ ગિફ્ટ કે સિક્કો મૂકી દે છે. સામાન્ય રીતે વયસ્ક માણસના મોઢામાં બત્રીસ અને બાળકોના મોઢામાં વીસ જેટલા દાંત હોય છે, પરંતુ બ્રાઝિલની એક 11 વર્ષીય બાળકીના મોઢામાં એટલા દાંત જોવા મળ્યા છે જેની કોઇ પણ કલ્પના ન કરી શકે! છેલ્લા કેટલાક સમયથી આ બાળકી પોતાના દાંતને લઇને ખૂબ જ પરેશાન હતી, તેથી દાંતના ડોક્ટર પાસે તે ગઇ હતી. જ્યાં તેના જડબાનો એક્સ રે કાઢવામાં આવ્યો ત્યારે ડોક્ટર પણ ચોંકી ઊઠ્યા હતા. આ બાળકીના મોઢામાં કુલ 81 જેટલા દાંત જોવામાં આવ્યા હતા. જેમાં 18 દૂધના દાંત, 32 સ્થાયી અને 31 સુપરન્યુમેરરી દાંતનો સમાવેશ થાય છે. મૂળ આ સ્થિતિને હાઇપરડોંટિયા (Hyperdontia) કહેવાય છે. હવે આ બાળકીને કયા પ્રકારની ટ્રીટમેન્ટથી દાંતના દુખાવાને દૂર કરવો તે વિશે ડોક્ટર્સની ટીમ મથામણ કરી રહી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો